(પીપલ-લાઇવ- ૬૦ પછીની લાઇફ- ફાલ્ગુની જડિયા-ભટ્ટ)
‘અનેક વાલીઓ એવા હોય છે જેઓ એકલતાથી ડરીને પોતાનાં સંતાનોને વિદેશમાં સ્થાયી થવા નથી દેતા, પરંતુ હું તો હંમેશાં એ મતનો રહ્યો છું કે જે સંતાનોને મોટા કરવામાં આપણે આટલોબધો ભોગ આપીએ છીએ તેમને
વિદેશમાં જઈ આગળ વધવાની તક મળતી હોય તો શા માટે અટકાવવાં જોઈએ? હવે પહેલાં જેવો સમય રહ્યો નથી જ્યારે લોકો તમને મદદ કરવા દોડી આવતા. હવે તો તમારે જ સક્ષમ બનવાનું છે. આવામાં તેમની
પ્રતિભાને વિદેશમાં વધુ સારો પ્રતિસાદ મળતો હોય તો તેમને શા માટે ન જવા દેવા જોઈએ?’ આ શબ્દો છે બોરીવલીમાં રહેતા બાલક્રિષ્ન રામચંદ શાહના.
તેમને ત્રણ સંતાનોમાં બે દીકરી અને એક દીકરો છે. બન્ને દીકરી પુનિતા અને તેજલ પરણીને સાસરે જતી રહી છે, જ્યારે સી. એ. થયેલો દીકરો વિરલ છેલ્લાં ચાર વર્ષથી ઇન્ફોસીસ તરફથી અમેરિકામાં કન્સલ્ટન્ટ તરીકે
કામ કરે છે. પરિણામે બાલક્રિષ્ણભાઈ અને તેમનાં પત્ની જ્યોત્સ્નાબહેન આજે ત્રણ સંતાનો છતાં એકલવાયું જીવન જીવી રહ્યાં છે, પરંતુ આ એકલતાથી વિચ્છિન્ન થવાને બદલે તેમણે એને પૂર્ણ સંતોષ અને સકારાત્મકતાથી
ભરી દીધી છે.
અડધો દિવસ શ્રીનાથજીનો
મૂળ વેરાવળની બાજુમાં આવેલા ઝાલાના ગામના વીસા સોરઠિયા વણિક બાલક્રિષ્નભાઈ અત્યારે ૭૧ વર્ષના છે, જ્યારે તેમનાં ધર્મપત્ની જ્યોત્સ્નાબહેનની ઉંમર ૬૪ની છે. બાલક્રિષ્નભાઈ ૪૦ વર્ષ હિન્દુસ્તાન મિલ્સમાં નોકરી
કર્યા બાદ ૨૦૦૫માં રિટાયર થયા હતા, જ્યારે જ્યોત્સ્નાબહેન હંમેશાં ગૃહિણી રહ્યાં છે. આજે પાછલી ઉંમરે એકબીજાનો સાથ અને તેમના ઠાકોરજીની સેવા એ જ તેમના જીવનનો સૌથી મોટો ટેકો છે.
‘હું તો ચોક્કસપણે માનું છું કે અમારા ઘર પર શ્રીનાથજીની અસીમ કૃપા રહી છે’ એમ કહેતાં જ્યોત્સનાબહેન ઉમેરે છે, ‘ ત્રણેય સંતાનો પોતપોતાના જીવનમાં સરસ સેટ થઈ ગયાં છે. બધાં પોતપોતાની રીતે પ્રગતિ કરી
રહ્યાં છે. એક વાલી તરીકે બીજું આપણને શું જોઈએ? અમે હવે વધુમાં વધુ બે-પાંચ વર્ષ જીવવાનાં એટલે આપણા માટે થઈને તેમને રોકીને શું ફાયદો? એકબીજાના સંગાથમાં અમારા દિવસો પણ મજાના નીકળી રહ્યા છે.
અડધો દિવસ ઠાકોરજીની સેવામાં નીકળી જાય છે, બાકીનો અડધો દિવસ એકબીજાની કંપનીમાં.’
હમ સાથ-સાથ હૈં...
જ્યોત્સ્નાબહેનના આ શબ્દો માત્ર ઠાલાં આશ્વાસન નથી, પરંતુ તેમના જીવનની સચ્ચાઈ છે. પતિ-પત્ની બન્નેએ આટલાં વર્ષોમાં પોતાની દિનચર્યા જ એવી તૈયાર કરી નાખી છે કે સતત એકમેકની હાજરી વર્તાયા કરે.
બાલક્રિષ્નભાઈ રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. પહેલાં યોગા, પ્રાણાયામ અને હળવી કસરત કર્યા બાદ મૉર્નિંગ-વૉક પર જાય અને પાછા વળતાં હવેલીએ મંગળાનાં દર્શન કરતાં આવે. બીજી બાજુ, જ્યોત્સ્નાબહેન
પણ સવારે છ વાગ્યે ઊઠી યોગા કરવા જાય છે. ત્યાંથી પાછાં આવીને બન્ને ચા-નાસ્તો કરે, ત્યાર બાદ જ્યોત્સ્નાબહેન પોતાના ઠાકોરજીની સેવા કરવા બેસે, જ્યારે બાલક્રિષ્નભાઈ છાપું વાંચવા, ટીવીમાં સમાચાર જોવા કે
પછી આસપાસનાં નાનાં-મોટાં કામો પતાવી દે. બપોરે જમીને થોડો સમય આરામ કર્યા બાદ સાંજે ફરી પાછા સાથે બહાર ફરવા જાય. બન્ને બોરીવલીના દાદા-દાદી પાર્કના મેમ્બર હોવાથી અઠવાડિયાના બે દિવસ ત્યાંની
પ્રવૃત્તિમાં નીકળી જાય. બાકીના દિવસો સામાજિક વ્યવહારો તથા દેવદર્શનમાં પસાર થઈ જાય. ટૂંકમાં, સતત એકબીજાનો સાથ, સતત એકબીજાની કંપની.
હવે મારો વારો
પોતાના પતિદેવના સતત સાથ વિશે જ્યોત્સ્નાબહેન કહે છે, ‘ગયા વર્ષે જુલાઈ મહિનામાં મારા હૃદયમાં વાલ્વ-રિપ્લેસમેન્ટનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. એની પહેલાં ઘણો લાંબો સમય તબિયત ઢીલી રહી. ઑપરેશન
બાદ પણ છ મહિના વીકનેસને પગલે ખૂબ સાચવવું પડ્યું હતું. એ બધા સમય દરમ્યાન તેમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું. મને એકલી મૂકીને ક્યાંય જાય નહીં. જવું જ પડે તો પણ કલાકમાં તો પાછા આવી જાય.
ઑપરેશન બાદ ઘરમાં સાફસફાઈ કરવાની હોય તો તેઓ એ પણ કરી નાખતા. હજી પણ ઘરમાં ઉપરથી કંઈક નીચે ઉતારવા કે વજન ઊંચકવા જેવાં કામો તો તેઓ પોતે જ કરે છે. અમારા મકાનમાં નીચે મારી એક ફ્રેન્ડ
રહે છે. તે સાથે આવવાની હોય તો ઠીક અન્યથા શાક લેવા પણ તેઓ મારી સાથે આવે.’
જ્યારે બાલક્રિષ્નભાઈ કહે છે, ‘તેણે અત્યાર સુધી અમારા બધાનું ધ્યાન રાખ્યું. હવે મારો વારો છે.’
વાવેલું ઊગી નીકળ્યું
બન્નેની આ સકારાત્મકતા બાળકોને પણ સતત તેમની તરફ આકર્ષતી રહે છે. બન્ને દીકરીઓ વેકેશન પડતાં જ પિયરની મજા માણવા આવી જાય છે. તેમનાં બાળકોને પણ નાના-નાનીને ત્યાં મનફાવે એ તોફાન કરવા
મળતાં હોવાથી તેઓ પણ વેકેશન પડવાની આતુરતાપૂર્વક રાહ જોયાં કરે છે તો બીજી બાજુ અમેરિકામાં રહેતો દીકરો વિરલ તથા વહુ શિવાની પણ તેમની સાથે સમય ગાળવા ઉત્સાહિત રહે છે. હજી નવેમ્બરમાં જ અમે બન્ને છ મહિના તેમની સાથે અમેરિકા રહી પાછાં ફયાર઼્ છીએ.
પરિવારના સાથને મીસ કરતાં જ્યોત્સ્નાબહેન કહે છે, ‘સદ્ભાગ્યે અમને રાજેશ અને જેનિલ બન્ને જમાઈઓ ખૂબ સારા મળ્યા છે. મારા ઑપરેશનના દિવસે હું હૉસ્ટિપલ પહોંચું એ પહેલાં જ તેઓ બન્ને ત્યાં પહોંચી ગયા હતા.
વહુ શિવાની પણ મારી કાળજી રાખવા ઑપરેશન પછી ત્રણ મહિના અમારી સાથે અહીં રોકાઈ હતી. આનાથી વધારે તો ઠાકોરજી કોઈને શું આપે છતાં વારતહેવાર કે પ્રસંગોએ બાળકોની યાદ તો મા-બાપને આવવાની જ.
ક્યારેક એમ જ બેઠાં-બેઠાં આંખમાં પાણી પણ આવી જાય. રક્ષાબંધનના દિવસે બન્ને બહેનો પણ ભાઈને ખૂબ મિસ કરે છતાં અંદરખાને જે વાવ્યું હતું એ સરસ રીતે ઊગી નીકળ્યું હોવાનો પૂર્ણ સંતોષ છે.’
થવા કાળે થઈને જ રહે
એકલા રહેતા હોવા છતાં આ દંપતીને કોઈ જાતનો ડર નથી. તેમનું માનવું છે કે તમે સારાં કામ કરો, કોઈ પ્રત્યે ખરાબ ભાવના ન રાખો તો ક્યારેય વાંધો આવતો નથી. જ્યોત્સ્નાબહેન કહે છે, ‘અમે છેલ્લાં ૨૨-૨૩
વર્ષથી અહીં રહીએ છીએ. આજ સુધી આ વિસ્તારમાં ક્યારેય કોઈ છમકલાં થતાં સંભળાયાં નથી. એ સિવાય અમારા પડોશમાં પણ બધા સતર્ક છે. જરાક અવાજ આવે તો પણ બધા દોડતા આવી જાય. મકાનમાં નીચે જ
જાળી મુકાવેલી છે. રોજ રાતના વૉચમૅન ત્યાં તાળું મારીને સૂઈ જાય છે. મોડી રાતે પાછા આવો તો તેને તાળું ખોલવા ઉઠાડવો પડે. કામવાળી પણ વર્ષો જૂની છે, રસોઈવાળી પણ જાણીતી છે. બાકી તો થવા કાળે જ
થવાનું છે એ થઈને જ રહે છે. ડરી-ડરીને જીવવાનો શો અર્થ?’