પરિવારની ખુશી માટે અમે સાત વર્ષના અફેર પછી લગ્ન કરેલાં (પીપલ લાઈવ)

Published: 23rd December, 2011 06:51 IST

ગુજરાતી રંગભૂમિ અને ટીવી-સિરિયલોના જાણીતા અભિનેતા મુનિ ઝા અને સેજલ શાહની પહેલી મુલાકાત તો અસ્સલ ફિલ્મી સ્ટોરી જેવી જ હતી

 

(પીપલ લાઈવ - પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

ગુજરાતી રંગભૂમિ અને ટીવી-સિરિયલોના જાણીતા અભિનેતા મુનિ ઝા અને સેજલ શાહ વચ્ચેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી જેટલી જોરદાર છે એટલી જ તેમની લવસ્ટોરી પણ રસપ્રદ છે. હિન્દી ફિલ્મોમાં બતાવે છે એમ બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ હિરોઇન પોતાના કામમાં વ્યસ્ત હોય, અચાનક હવા આવે, હિરોઇનના કાગળો હવામાં ઊડવા લાગે, કાગળો ભેગા કરવામાં બિચારી ગૂંચવાઈ જાય એવા સમયે હીરોની તેના પર નજર પડે, તેની મદદ કરવાનું હીરોને ઘણું મન હોય પણ હિરોઇનની સુંદરતાથી ઘાયલ થયેલો હીરો ડરને લીધે મદદ માટે આગળ ન આવે, પછી તેઓ જોગાનુજોગ મળે અને શરૂ થાય એક પ્રેમકહાની. આવી ટોટલ ફિલ્મી છે મુનિ ઝા અને સેજલની લવસ્ટોરી. જોઈએ કેવી રીતે.

આકસ્મિક કલાકાર

એ દિવસોને યાદ કરતાં નાગર બ્રાહ્મણ મુનિ ઝા કહે છે, ‘મૂળ હું અંધેરી ભવન્સ કૉલેજનો કેમિસ્ટ્રી ગ્રૅજ્યુએટ છું. મારી ઇચ્છા હોટેલિયર બનવાની હતી, પરંતુ મારા વકીલપિતાનું માનવું હતું કે હોટેલલાઇનમાં ટકી રહેવા માટે તમારે પોલીસ અને અંધારી આલમ સાથે પનારો પાડવો પડે એટલે એ બધાથી દૂર રહેવું સારું. તેથી આમતેમ ધક્કા ખાતાં-ખાતાં એક દિવસ અચાનક મને જાણીતા લેખક-દિગ્દર્શક નૌશિલ મહેતાના એક નાટકમાં પહેલેથી જ નાટuપ્રવૃત્તિ સાથે જોડાયેલા મારા મોટા ભાઈ હેમંત ઝાની ભૂમિકા ભજવવાની તક મળી ગઈ. આગળ જતાં શૈલેશ દવે અને શફી ઇનામદારનાં નાટકો કરતાં-કરતાં ગુજરાતી રંગભૂમિ સાથે મારો સંબંધ કાયમ માટે બંધાઈ ગયો.’

જોતો જ રહી ગયો

સેજલ સાથેની પહેલી મુલાકાતને શબ્દસ્થ કરતાં મુનિ કહે છે, ‘મને પ્રવીણ જોશીના ગુજરાતી નાટક ‘સળગ્યા સૂરજમુખી’ પરથી બની રહેલું હિન્દી નાટક ‘આઘાત’માં એક નાનકડી ભૂમિકા ઑફર થયેલી. રાગિણી શાહ આ નાટકમાં મુખ્ય અભિનેત્રીનો રોલ કરી રહ્યાં હતાં અને મારે તેમના યુવાન પાડોશીની ભૂમિકા ભજવવાની હતી. સપ્ટેમ્બર મહિનાના એક સુંદર દિવસે હું આ નાટકના રિહર્સલ માટે ગયો ત્યારે મારી નજર સ્ટેજ પર પોતાના ડાયલૉગ્સ બોલતી એક ખૂબસૂરત યુવતી પર પડી. પવનને કારણે તેનાં પાનાં હવામાં ઊડીને ચારે બાજુ વીખરાઈ ગયાં હતાં. ટાઇટ ફિટિંગવાળું સ્કર્ટ અને ટૉપ પહેરેલી, લાંબા રેશમી વાળ અને જોતાં જ જેના પ્રેમમાં પડી જવાય એવી મરૂન રંગની લિપસ્ટિક લગાડેલા હોઠ ધરાવતી સેજલને હું પહેલી નજરે તો જોતો જ રહી ગયો, પરંતુ મારા ગભરુ સ્વભાવને કારણે તેની મદદે જઈ શક્યો નહીં.’

રિહર્સલ રિયલમાં

સેજલ એ નાટકમાં એક મૉડર્ન સેક્રેટરીની ભૂમિકા ભજવી રહી હતી અને સ્ટેજ પર મુનિ ઝાએ તેની સાથે એક પણ દૃશ્ય ભજવવાનું નહોતું છતાં એક જ નાટકમાં કામ કરતાં હોવાથી ધીરે-ધીરે બન્ને એકબીજાના પરિચયમાં આવ્યાં, પરંતુ ખરી ઓળખાણ તો નાટકના એક સીનને પગલે જ થઈ.

મુનિ ઝા હસતાં-હસતાં કહે છે, ‘બન્યું એવું કે નાટકના એક દૃશ્યમાં મારે રાગિણીબહેનનો ચહેરો મારા બન્ને હાથમાં લઈને કેટલાક ડાયલૉગ્સ બોલવાના હતા. હવે રાગિણીબહેનની આભા તો તમે જાણો જ છો એટલે થતું એવું કે બીજા બધા કો-આર્ટિસ્ટો ખૂબ સરળતાથી આ દૃશ્ય કેવી રીતે ભજવાય એ મને દેખાડી જતા, પરંતુ જેવો મારો વારો આવતો કે ફુલ એસીમાં પણ મને રીતસરનો પરસેવો વળી જતો. તેથી એક દિવસ સેજલે મને આ દૃશ્ય ભજવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી અને તમે કહી શકો કે એ દિવસથી જ મારા જીવનમાં રોમૅન્સની શરૂઆત થઈ. દુર્ભાગ્યે એ નાટક તો બહુ ચાલ્યું નહીં, પરંતુ સેજલ સાથેનો એ સીન મેં આજ સુધી ચાલુ રાખ્યો છે.’

સજોડે-સજોડે


આગળ જતાં બન્નેએ ‘ગુરુબ્રહ્મા’, ‘ભાગ્યવિધાતા’, ‘કારણ કે હું પ્રેમ કરું છું’, ‘માત્ર તારે ખાતર’, ‘કોઈ દિલ ખેલે કોઈ દાવ’, ‘ચાલ રિવર્સમાં જઈએ’, ‘ચાલ જિંદગી જીવી લઈએ’, ‘મોંઘીબેન એમબીબીએસ’, ‘મૅરેજ એટલે મૅરી ગો રાઉન્ડ’ જેવાં નાટકો ઉપરાંત ‘એક મહલ હો સપનોં કા’, ‘હાય પાડોશી’, ‘હસરતેં’ જેવી સિરિયલો તથા ‘અદલાબદલી’ નામની એક ફિલ્મમાં પણ સાથે કામ કર્યું.

લગ્ન કર્યા કેમ કે...

આ દંપતીએ ૧૯૯૪માં લગ્ન માત્ર પોતાના પરિવારજનોની ખુશાલી માટે કર્યા છે, અન્યથા બન્ને વચ્ચેનો સંબંધ અને એમાં રહેલાં પ્રેમ અને સમજદારી હંમેશાંથી પતિપત્ની જેવાં જ રહ્યાં છે.

વાતનો ફોડ પાડતાં સેજલ કહે છે, ‘અમારું અફેર લગભગ સાત વર્ષ લાંબું ચાલ્યું. આ સાત વર્ષમાં અમે બન્નેએ એકબીજા સાથે ખૂબ કામ કર્યું. સાથે ટૂર પર ગયાં, શો પતે ત્યાં સુધી કલાકો ઑડિટોરિયમની બહાર એકબીજાની રાહ જોતાં પણ ઊભાં રહ્યાં. વળી અમારા બન્નેના પરિવારજનોને પણ અમારા સંબંધોની જાણ હોવાથી અમે જે કંઈ કર્યું એ ખૂબ જ સહજભાવે કોઈ પણ પ્રકારના ભાર વિના કર્યું.’

આજ-કાલ


આજે આ દંપતી પોતાના નાના પરિવારમાં ખુશ છે. એક બાજુ સેજલબહેન ઝી ટીવીની સિરિયલ ‘હિટલર દીદી’માં મુખ્ય અભિનેત્રીની માની ભૂમિકા ભજવી રહ્યાં છે તો બીજી બાજુ મુનિ ઝા ઇમૅજિન ચૅનલની સિરિયલ ‘ધર્મપત્ની’માં કામ કરી રહ્યા છે. એ સિવાય બન્ને ગુજરાતી રંગભૂમિ પર અભિનય કરવા ઉપરાંત પોતાના બૅનર હેઠળ નાટકો પણ બનાવે છે. આમ તો બન્નેએ ક્યારેય બાળકો ન કરવાનો નિર્ણય પહેલેથી જ લઈ રાખ્યો હતો, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું એટલે સંજોગવશાત્ સેજલબહેનની નાની બહેન સંગીતાનો દીકરો હૃતિક આજે તેમના પોતાના સંતાનની જેમ તેમના ઘરે ઊછરી રહ્યો છે. પાંચમા ધોરણમાં ભણતા હૃતિકને ખબર છે કે આ તેના બાયોલૉજિકલ પેરન્ટ્સ નથી, પરંતુ કેટલાક સંબંધો લોહીના સંબંધો કરતાં વધુ ઊંચા હોય છે એ હૃતિક આટલી નાની ઉંમરે જ સમજી ગયો છે.

અંતમાં સેજલબહેન કહે છે, ‘બીજાં બધાં પતિ-પત્નીની જેમ અમારા સંબંધોમાં પણ ઘણા ઉતારચડાવ આવ્યા છે, પરંતુ આ ઉતારચડાવે અમને એકબીજાને વધુ સારી રીતે સમજતાં કર્યા છે અને એકબીજાની વધુ નજીક આણ્યાં છે.’

જોરુ કા ગુલામ નથી

ભારતીય સમાજની એક વિચિત્ર માન્યતા વિશે મુનિભાઈ કહે છે, ‘સ્વભાવે હું અને સેજલ ખાસ્સાં અલગ છીએ. સેજલ ખૂબ જ સંવેદનશીલ, સાહસી અને મજબૂત મનોબળવાળી છે; જ્યારે હું થોડો ઇન્ટ્રોવર્ટ એટલે દરેક વસ્તુસ્થિતિને જોવાના અમારા અભિગમમાં ખૂબ ફરક પડે છે. છતાં દરેક ચર્ચાના અંતે અમારા વિચારો તો એક જ હોય છે. પરિણામે હું દરેક બાબતમાં એક વાર સેજલનો મત ચોક્કસ જાણી લઉં છું. જોકે અમારા મિત્રોને મન આ ગુલામી છે એટલે તેઓ એવું માને છે કે હું સેજલથી ડરું છું. હું તેમના વિચારો બદલી શકું એમ નથી એટલે એ જ કરું છું જે મને યોગ્ય લાગે છે.’

 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK