(પીપલ-લાઇવ - બડા પરિવાર સુખી પરિવાર - પલ્લવી આચાર્ય) માતા-પિતાને જ પોતાના ભગવાન માનતા ચાર દીકરા-વહુના ૧૪ જણના નાલાસોપારામાં રહેતા ગોઠણિયા પરિવારમાં સંપ જળવાય છેઆ પરિવારના ૧૪ સભ્યો રોજ સાંજે સાથે જ જમે છે. સાસુ અને ચાર વહુઓ સવારનો નાસ્તો પણ સાથે જ કરે છે
નાલાસોપારામાં રહેતા મૂળ કોડીનાર તાલુકાના ઉનાના સુથાર જીવણભાઈ ભગવાનભાઈ ગોઠણિયા અને તેમનાં પત્ની મોતીબહેનને ચાર દીકરા છે. તેમના ચારે દીકરાનો પરિવાર તેમની સાથે જ રહે છે. જીવણભાઈ અને મોતીબહેનની આજ્ઞાને તેમના દીકરા કદી નથી ઉથાપતા. સાવ સરળ જીવન જીવતો આ પરિવાર તેમની પાસે જે છે એમાં અનહદ ખુશીથી રહે છે.
અમારો પરિવાર
ફર્નિચરનું કામ કરતા જીવણભાઈને ચાર દીકરા જ છે, દીકરી નથી. તેમના દીકરાઓને પણ કોઈને દીકરી નથી તેથી મોતીબહેન કહે છે કે મારી ચારે વહુઓ જ છે મારી દીકરીઓ. સૌથી મોટા દીકરા વિજય અને પત્ની પ્રતિભાને ૧૧ વર્ષનો દીપ અને ૩ વર્ષનો ધ્રૂવ એમ બે દીકરા છે. બીજા નંબરના ભરતની પત્ની કંચનને સંતાન નથી, ત્રીજા નંબરના રાજુની પત્ની નીતાને પાંચ વર્ષનો દીકરો દર્પણ છે, સૌથી નાના કેતનની પત્ની હેતલને દોઢ વર્ષનો દીકરો જશ છે. આ ચારેય દીકરા અને તેમનાં સંતાનો પણ જીવણભાઈ અને મોતીબહેનની ખૂબ રિસ્પેક્ટ કરે છે, તેમનો પડ્યો બોલ ઝીલે છે અને તેમની આજ્ઞા કદી નથી ઉથાપતા. ૧૪ જણનો આ પરિવાર સંપીને રહે છે.
ચાર ચોટલા, નો ઝઘડાઆ પરિવારમાં ચાર વહુઓ અને તેમનાં સાસુ મળીને પાંચ સ્ત્રીઓ એકસાથે રહે છે, પણ કામમાં કે બીજી પણ કશી વાતમાં કોઈ એકબીજા સાથે મગજમારી નથી થતી. દરેક જણ હળીમળીને કામ કરે છે. ચાર વહુઓ હોવા છતાં મોતીબહેન આરામ નથી કરતાં, વહુઓની સાથે ને સાથે કામ કરાવે, કપડાં ધોવાં પડે તો એ પણ ધોઈ લે. આ પરિવારમાં કોઈ નોકર-ચાકર નથી. બધું જ કામ ઘરની સ્ત્રીઓ સાથે મળીને કરે છે. કામમાં પણ કોઈને એકબીજા સાથે બોલાચાલી ક્યારેય નથી થતી. જેના હાથમાં જે કામ આવે એ કરી લે છે. બે જણ કપડાં ધુએ તો બે જણ રસોઈ બનાવે. એકબીજાનાં બાળકોના સમય પણ સાચવી લે. રોજ ત્રણેક બાલદી ભરાય એટલાં કપડાં ધોવાનાં થાય છે.
સૌ સમાનઘરમાં સૌને સમાન દરજ્જો. કોઈ વહાલું કે કોઈ દવલું નહીં...બધાં મહત્વનાં. સવારે પૌંઆ, ઇડલી, રોટલા, થેપલાં ,ઉપમા અને ઢોકળાં વગેરે કોઈ પણ ગરમ નાસ્તો બને. ઘરની પાંચેય સ્ત્રીઓ સવારનો નાસ્તો પણ સાથે જ બેસીને કરે. સવારે જમવામાં રોટલી અને કોઈ પણ એક શાક બને. શાક ભાવે અને ન ભાવે એવાં કોઈ નખરાં નહીં. જે શાક બને એ બધા ખાય. સવારે બધાનાં ટિફિન હોવાથી ફુલ ડિશ ન બને. સાંજે દાળ, ભાત, રોટલી અને શાક એમ ફુલ ભોજન બને. ઘરમાં બાળકોની જ બર્થ-ડે ઊજવાય. હા, મૅરેજ ઍનિવર્સરી ચારેય ભાઈની ઊજવાય, એમાં આખું ફૅમિલી ડિનર પર જાય. ઘરમાં બધાને સરખા પૈસા વાપરવા મળે. એમાંથી સૌ પોતાને જે અને જેવું જોઈએ એવું લઈ આવે. કોઈ દીકરાને કોઈ વાર કામ ન હોય, ઘરે હોય તો પણ કોઈ ન પૂછે.
દાદાજી સર્વોપરીજીવણભાઈના મોટા બે દીકરા ફર્નિચરનું કામ કરે છે અને નાના બે દીકરા ટેલરિંગનું કામ કરે છે. દીકરો વધારે કમાતો હોય કે ઓછું દરેક જણ પોતાની બધી કમાણી જીવણભાઈને આપી દે. કોઈ પોતાની પાસે પોતાની કમાણી પણ ન રાખે. એક જનરલ અકાઉન્ટમાં જ આ બધું જમા થાય. એમાંથી ઘરનો ખર્ચ, સૌ માટે સરખી બચત વગેરે દાદા મૅનેજ કરે. કોઈએ ફરવા જવું હોય ને ૧૦ હજાર રૂપિયા જોઈતા હોય તો મળી જાય, પણ એ માટે દાદાને કહેવું પડે. ખાતામાંથી કોઈ પોતાની જાતે ઉપાડ ન કરે, કાંઈ પણ લેવું હોય, પહેલાં દાદાને કહી દેવાનું! એવો ઘરનો વણલખ્યો નિયમ છે.
આગળ ભરતભાઈ કહે છે, ‘છોકરાઓને પણ કાંઈ જોઈતું હોય તો દાદા પાસેથી પૈસા માગી લે.’
મારું-તારું નહીં
પરિવારમાં આ મારું ને આ તારું એવી કોઈની ભાવના નથી. બે બેડરૂમ હૉલ કિચનનો એક ફ્લૅટ અને બાજુની વિંગમાં વન બેડરૂમ હૉલ કિચનનો એક ફ્લૅટ છે. એમાં આ પરિવાર રહે છે.
મોતીબહેન અને જીવણભાઈએ તેમના દીકરાઓને જુદા થવા કહ્યું છે, પણ કોઈને જુદા નથી થવું. એની વાત કરતાં મોતીબહેન કહે છે, ‘પરિવારમાંથી કોઈ એક પણ બહારગામ જાય તો ઘરમાં કોઈને ન ગમે. હમણાં મારી નાની વહુ પિયર ગઈ છે તો ઘરમાં તેના વિના ન ગમે. દરેક વહુ વારાફરતી પિયર જાય.’
ઘરના જજ વાસણ છે તો ખખડે પણ ખરા. છોકરા કોઈ વાર ઝઘડે, પણ એને લઈને ઘરની સ્ત્રીઓ ન ઝઘડે. એની વાત કરતાં મોતીબહેન કહે છે, ‘બાઈઓમાં કોઈ વાર મતભેદ થઈ ગયો હોય તો હું છુંને. ઉકેલ લાવી દઉં. જેને કહેવા જેવું હોય તેને કહી પણ દઉં, પણ કોઈ મારી સામે ન બોલે. એટલું જ નહીં, ઝઘડાની કે કોઈ વાત દીકરાઓ સુધી પણ ન જાય. હું ન હોઉં તો મારી વહુઓને પણ ન ગમે એવો અમારે પ્રેમ છે.’
દિવાળીના વેકેશનમાં આખું ફૅમિલી સાથે કોઈ પણ ધાર્મિક સ્થળે ફરવા માટે ઊપડી જાય છે. આ ઘરમાં વધુપડતી ફિલ્મો જોવાનો કે હોટેલોમાં ખાવાનો કોઈને ચસકો નથી. સાદું, સરળ જીવન તેઓ જીવે છે. જીવણભાઈ હવે રિટાયર્ડ છે. કોઈ પણ નર્ણિય કરવો હોય તો બધા ભાઈઓ સાથે મળીને કરે છે, પણ એમાં પિતાની સલાહ જરૂર લે.
ઘરની સ્ત્રીઓને સાડી પહેરવી હોય તો પહેરે નહીં તો પંજાબી ડ્રેસ પણ પહેરે. મોતીબહેન કહે છે, ‘અગાઉ ઘુમટો તાણવાનો રિવાજ હતો, પણ હવે એ બધું અમે કાઢી નાખ્યું છે.’
- તસવીર : વિલ્સન રણભીસે