આઇ ઍમ પ્રાઉડ ઑફ માય વાઇફ (પીપલ-લાઇવ)

Published: 13th December, 2012 06:12 IST

શ્રીનાથજીનાં પેઇન્ટિંગ્સ અને ર્કીતનો દ્વારા રૂપા બાવરી તરીકે પ્રખ્યાત બની ગયેલાં રૂપાબહેનના પતિ અશોક મહેતાને પત્નીની ઈર્ષા તો શું થાય, ઊલટાનું તે પોતાનું કામ પડતું મૂકીને પણ વાઇફના કામને પ્રેફરન્સ આપે છે(પીપલ-લાઇવ - પત્ની ફેમસ હોય ત્યારે - પલ્લવી આચાર્ય)

સોળ વર્ષથી રૂપા બાવરી શ્રીનાથજીનાં પોતે લખેલાં ભજનો તથા પેઇન્ટિંગ્સથી  શ્રીનાથજીની અસીમ ભક્તિ કરી રહ્યાં છે. તેમનું આ બધું જ સર્જન ગયા ઑક્ટોબરમાં ‘બાવરી કે શ્રીનાથજી’ નામની ૧૬૪ પાનાંની ફુલ સાઇઝની કૉફી ટેબલ બુક રિલીઝ થઈ છે. આ બુકમાં શ્રીનાથજીનાં ૬૪ ર્કીતનના સામેના પેજ પર એનાં ચિત્રો છે. આ બુકનાં આઠ સીડી આલ્ાબમ્સ પણ છે. ૫૮ વર્ષનાં રૂપાનાં મૂળ રાજુલાના અને વાલકેશ્વરમાં રહેતા વૈષ્ણવ વાણિયા અશોક મહેતા સાથે લવ-મૅરેજ છે. અશોક મહેતા ડેસ્ટિની ડાયમન્ડ નામે ડિઝાઇનર ડાયમન્ડ જ્વેલરીનો બિઝનેસ કરે છે.

શ્રીનાથજીનાં જે પેઇન્ટિંગ્સને લઈને રૂપા બાવરી નામે જાણીતાં બનેલાં રૂપાને શ્રીનાથજીનાં પેઇન્ટિંગ્સ બનાવવા માટે સૌથી પહેલાં તેમના પતિએ જ કહ્યું હતું. તેની વાત કરતાં રૂપા કહે છે, ‘પતિના કહેવાથી જ સોળ વર્ષ પહેલાં મેં પહેલી વાર બ્રશ ઉપાડ્યું અને શ્રીનાથજીની કૃપાએ આ બધું કરાવ્યું. પતિની પ્રેરણા તથા તન, મન અને ધનના સાથ અને સહકારથી જ હું આ ભક્તિમાર્ગમાં આગળ વધી શકી. ઠાકોરજીએ મારી આંગળી પકડી; પણ મને ટટ્ટાર ઊભા રહેવાનું જે પીઠબળ પતિ તરફથી મળ્યું, તેને લઈને જ હું ભક્તિમાર્ગમાં આગળ વધી શકી છું.’ 

વાતને આગળ વધારતાં લાલુભાઈ નામથી ઓળખાતા ૬૦ વર્ષના અશોકભાઈ મહેતા કહે છે, ‘રૂપાની કીર્તિ, તેને જે માન મળ્યું છે એમાં વધારે કે ઓછાનો સવાલ જ નથી આવતો. તે એટલી બધી સરસ આર્ટિસ્ટ છે કે મને તેનો ગર્વ છે. મને તેની આ કલા અને ભક્તિને લઈને ખૂબ આનંદ થાય છે. તેની આ કલા અને ભક્તિ માટે હું પ્રાઉડ ફીલ કરું છું.’

નો ઈગો પ્રૉબ્લેમ

રૂપાની કીર્તિને લઈને મને કદી નાનપ નથી લાગી એમ જણાવીને અશોકભાઈ કહે છે, ‘તે વધુ જાણીતી છે એવો કદી વિચાર પણ નથી આવ્યો. તેનામાં આ કલા છે માટે તેને આ માન મળી રહ્યું છે. આ માન મેળવવાની તે હકદાર છે તેથી તેને તે મળે છે, એમાં મને વધુ ને વધુ આનંદ આવી રહ્યો છે. તેને જે માન મળી રહ્યું છે એમાં મને કોઈ જ ઈગો પ્રૉબ્લેમ નથી થતો; એ થવો પણ ન જોઈએ, તેનો કોઈ સવાલ જ નથી આવતો.’

બનતી મદદ

રૂપામાં લેખન, સંગીત અને ચિત્રકામ એ ત્રણેય કલાનો ત્રિવેણી સંગમ થયો છે એમ કહેતાં અશોકભાઈ કહે છે, ‘ભગવાને તેને જે કલા આપી છે તે કોઈક આશયથી જ આપી છે તેથી તેને બને તેટલો સપોર્ટ કરી આગળ લાવવાની મેં પર્સનલી જવાબદારી લીધી છે. આ કામને પણ હું શ્રીનાથજીની સેવા જ માનું છું.’

રૂપાને તેમના માર્ગમાં આગળ વધવામાં અશોક ભાઈએ બૅકસ્ટેજમાં રહીને તન -મન ધનથી યોગદાન આપ્યું છે. તેમના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા તે હંમેશાં ખડે પગે રહ્યા છે અ વિશે તેઓ પોતે જ કહે છે, ‘સ્ત્રી હોવાને કારણે કેટલાંક કામમાં તેને અવરોધ નડે છે. તેના શો તથા એક્ઝિબિશન અરેન્જ કરવા તથા તેને મદદ થતી હોય એવાં દરેક કામ હું મારો બિઝનેસ છોડીને પણ કરું છું, કારણ કે હું તેને ભગવાનની સેવા ગણું છું. ભગવાનની સેવા સામે બિઝનેસની કોઈ વિસાત નથી. એ મદદ કરવા મારે ઑફિસનાં ગમે તેવાં કામ છોડી દેવાં પડે તો એનો મને જરા પણ રંજ નથી. એ માટે કેટલાય દિવસ હું ઑફિસ ન જઈ શકું તો એનો મને કોઈ વાંધો નથી.’

અવર્ણનીય આનંદ


પત્નીની ખ્યાતિ દિન-પ્રતિદિન વધે એનો આનંદ જુદો જ હોય છે એવું અનુભવતાં અશોકભાઈ કહે છે, ‘વાઇફને સપોર્ટ કરીએ અને તે આગળ આવે એનો આનંદ અવર્ણનીય છે. હું શબ્દોમાં એ કહી નથી શકતો; વર્ણવી નથી શકતો, પણ મને આનંદ અને સંતોષ એ વાતે થાય છે કે ભગવાને તેમની આ સેવા માટે મને નિમિત્ત બનાવ્યો છે. આમાં મેં કાંઈ મહાન કામ નથી કર્યું, માત્ર મારી ફરજ પૂરી કરી છે. હું તો માનું છું કે દરેક પિતા, પતિ ભાઈએ આ વાત સમજવાની જરૂર છે.’

કલાની ત્રિવેણી

ટીનેજમાં રૂપા ગઝલો લખતી હતી. ૫૦૦થી વધુ ઉદૂર્ ગઝલો તેણે લખી છે, જે ‘રૂપા નગમા’ નામે પ્રકાશિત થઈ હતી. સંગીતનો તેને બચપણથી શોખ હતો અને લગ્ન કરીને તે પેઇન્ટિંગ્સ કરવા લાગી. રૂપામાં કલાનો ત્રિવેણી સંગમ છે. તેની વાત કરતાં અશોકભાઈ કહે છે, ‘એ કલાને બહાર લાવવામાં ભગવાને મને નિમિત્ત બનાવી રાખ્યો હશે, જે હું કરી રહ્યો છું.’

એકમાત્ર બૅકબોન

પતિએ બૅકસ્ટેજમાં રહીને જે અપાર યોગદાન આપ્યું છે એ માટે રૂપાને શબ્દો નથી જડતા. તે કહે છે, ‘આ સફળતા મારી એકલીની જરા પણ નથી. અમે એના સરખા હકદાર છીએ, કારણ કે પતિની પ્રેરણા, મદદ અને સાથ ન હોત તો આ બની ન શક્યું હોત. મારો તે બૅકબોન છે. હું તો તૈયાર ભાણે જમું છું. એમાં ખરી મહેનત તેની છે. મારા કામ માટે તેણે ઑફિસ દિવસોના દિવસો બંધ રાખવી પડે તો એની પરવા નથી કરી. તેના ફીલ્ડમાં પણ તે સારો એવો ફેમસ છે. હું ઠાકોરજીની આ જે કાંઈ સેવા કરી શકી છું તે તેના પ્રેમ અને આર્શીવાદથી જ.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK