(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)
મૂળ કચ્છના ગાંધીધામના કચ્છી લોહાણા વિલે પાર્લેમાં રહેતા જિતેન્દ્ર ચંદે અને સોના ચંદેને બે દીકરા જ છે અને તે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. જશ અને જય દેખાવે તો સરખા છે જ પરંતુ તેમનો અવાજ પણ સરખો છે. જેને લીધે તેમણે આજ સુધી અનેક લોકો સાથે મસ્તી કરી છે.
સ્કૂલમાં હતા ત્યારથી
વીસ વર્ષના જય અને જશ સ્કૂલમાં હતા ત્યારની વાત છે. એક વાર ક્લાસટીચરે જશને કંઈ કહેવું હતું એટલે તેમણે ચંદે બ્રધર્સ સ્ટૅન્ડ-અપ કહી જશ અને જય ચંદે એમ બન્નેને ઊભા કર્યા. જશનું કામ હોવાથી તેમણે કહ્યું, જય હોય તે બેસી જાય. આવું સ્કૂલમાં જય અને જશ ચંદે સાથે ઘણી વાર બનતું હતું, કારણ કે આ બે ભાઈઓ દેખાવે સાવ સરખા લાગે છે. જશ અને જય સ્કૂલનું ભણતર પૂરું થયું ત્યાં સુધી ટીચરોને કન્ફ્યુઝ કરતા રહ્યા. તેઓ બન્ને જણ એક જ ક્લાસમાં હતા. ભણવામાં જશ જયથી ૧૦ ટકા પાછળ રહેતો હતો.
તેરી ફ્રેન્ડ, મેરી બાત
જય જશ કરતાં એક મિનિટ મોટો છે. જય શરમાળ અને ઓછાબોલો છે. જશ મળતાવડો અને વાતોડિયો છે એટલે જય કરતાં જશને ફ્રેન્ડ્સ વધુ છે. જશને ૧૫થી ૨૦ છોકરીઓ ફ્રેન્ડ્સ છે. એક વાર જશની એક ફ્રેન્ડનો ફોન આવ્યો. જશ હતો નહીં એટલે જયે ફોન લીધો. બન્નેના અવાજ સરખા હોવાથી જશની ફ્રેન્ડ સાથે જયે ૧૦ મિનિટ વાત કરી એમાં તેની બધી સીક્રેટ વાતો કરી. જય કહે છે, ‘તેણે પોતાનાં સીક્રેટ શૅર કરી લીધા પછી મેં તેને કહ્યું, હું તો જય છું, જશ નથી એટલે તે શરમાઈ ગઈ અને ફોન કટ કરી દીધો.’
એવી જ રીતે એક વાર જશની ફ્રેન્ડે સ્ટેશન પર જયને જોયો તો તેની પાસે ઊભી રહી ગઈ અને કહે, તું આજે સવારે કેવી રીતે આવી ગયો? તું તો નહોતો આવવાનો? જય કહે છે, ‘મારે આ બધું થોડું આગળ ચલાવવું હતું, પણ પછી મેં તેને કહી દીધું કે હું જશ, નહીં જય છું. આવું ઘણી બધી વાર થયા પછી તેના ફ્રેન્ડ્સ અને મારા ફ્રેન્ડ્સ હવે બરાબર ખાતરી કરી લે છે.’
આ ક્લાસમાં કેમ?
જય અને જશ વિલે પાર્લેની •તુંભરા કૉલેજમાં બીકૉમના લાસ્ટ યરમાં ભણે છે અને અલગ-અલગ ડિવિઝનમાં છે એથી એવું ઘણી વાર બને છે કે જશના ક્લાસના તેના ફ્રેન્ડ્સ જયને પૂછે કે આજે કયુ લેક્ચર કેટલા વાગ્યે છે કે ફલાણા લેક્ચરમાં શું શીખવ્યું વગેરે. એક વાર જય ક્લાસ બહાર ઊભો હશે તો તેને તેમણે જોયો હતો એટલે જશને ક્લાસમાં જોઈ કહે, હમણાં તો તું બહાર હતો, અંદર કેવી રીતે આવી ગયો?
અદલાબદલી
જશ અને જય નાના હતા ત્યારે તેમના ફ્રેન્ડ્સ તેમને તેમણે પહેરેલાં કપડાંથી જ ઓળખતા હતા એની વાત કરતાં જશ કહે છે, ‘છૂપાછૂપી રમતી વખતે અમે જે કલરનું ટી-શર્ટ પહેર્યું હોય એના પરથી અમારા ફ્રેન્ડ્સ અમને ઓળખતા હતા એટલે અમે બે ભાઈ છૂપી જગ્યા પર જઈ એકબીજાનું ટી-શર્ટ બદલી નાખતા હતા એથી અમારો દાવ આવે જ નહીં, કારણ કે પહેલાં તેમણે અમારા ટી-શર્ટ પરથી જ અમારું નામ યાદ રાખ્યું હોય, પણ બેમાંથી કોઈ પણ પકડાય તો અમે તેમના માનવા મુજબ ન નીકળીએ એથી અમારો દાવ આવે જ નહીં.’
જશ કે જય?
સરખા અવાજને કારણે કેવી ગમ્મત થાય એની વાત કરતાં જશ કહે છે, ‘ઘણી વાર મારાં નાની સુમતિ સેજપાલ કે મારાં દીદી (ફોઈનાં દીકરી) કે કોઈ પણ સગાં વાત કરી લે ત્યાં સુધી તેમને ખબર જ ન પડે કે હું જય છું કે જશ એથી છેવટે તેઓ પૂછી લે કે તેમણે જય સાથે વાત કરી કે જશ સાથે?’
જશ અને જય નાના હતા ત્યારે તેનાં મમ્મી પણ તેઓ નાઇટ ડ્રેસમાં હોય કે સ્કૂલ યુનિફૉર્મમાં હોય ત્યારે જલદી ઓળખી નહોતાં શકતાં. સાવ નાના હતા ત્યારે બન્નેને તાવ શરદી વગેરે સાથે જ થતાં. એકને થયું હોય તો તરત બીજાને થઈ જતું. એક વજનમાં થોડો હલકો હતો એટલે નાના હતા ત્યારે ઓળખવામાં તકલીફ નહોતી પડતી.
જુદા-જુદા
જય અને જશમાં સુમેળ બહુ છે. તેઓ કદી ઝઘડતા નથી, પરંતુ તેમની પસંદ-નાપસંદ અને સ્વભાવ જુદાં છે. જય કાંદા-લસણ નથી ખાતો, જશ બધું ખાય. જયને સ્વીટ બહુ ભાવે, જશને જરા પણ ન ભાવે.
જોકે ફરવું અને મ્યુઝિક સાંભળવું બન્નેને ગમે છે એની વાત કરતાં જશ કહે છે, ‘જય વધુ ખર્ચા નથી કરાવતો એટલે પપ્પાનો લાડકો છે, પણ મારે કોઈ ચીજ જોઈતી હોય તો જય પોતાના નામે પપ્પા પાસેથી લઈ મને આપી દે છે. મોટા થયા પછી અમારી ચૉઇસ અલગ થઈ છે, પણ અમારી વચ્ચે સુમેળ બહુ છે અમે અલગ-અલગ જગ્યા પર હોઈએ તો પણ એકબીજાના ટચમાં રહીએ છીએ.’
જયનો ઇન્ટરેસ્ટ ફાઇનૅન્શિયલ બાબતોમાં છે તો જશનો ટેક્નૉલૉજીમાં. જશ સીએસ કરવાનો છે અને જય એમબીએ થવાનો છે.
ફેસબુક મસ્તી
જશ અને જય એવી ઘણી વાર મસ્તી કરે કે જશના ફ્રેન્ડ્સને જય બોલાવે પછી જશના બદલે પોતે જ ત્યાં જતો રહે અને પછી ભાંડો ફોડે કે તે જશ નહીં, જય છે. કોઈ વાર જયનો ફ્રેન્ડ્સ સાથે મળવાનો પ્રોગ્રામ થયો હોય અને તેને કંટાળો આવતો હોય તો જશને મોકલાવી દે. એવી જ રીતે બન્ને જણ એકબીજાનું ફેસબુક અકાઉન્ટ પણ યુઝ કરે છે. બન્નેને એકબીજાના પાસવર્ડ ખબર હોવાથી એકબીજાના ફ્રેન્ડ્સ સાથે ચૅટિંગ કરી લે.