કબાટમાંથી કપડાં સારી રીતે કાઢે જ નહીં, બધાં ફેંદી નાખે (પીપલ લાઈવ)

Published: 10th December, 2012 09:15 IST

આવી તો નાની-મોટી અનેક ફરિયાદો માઝગાંવમાં રહેતાં જાગૃતિ અને તેના પતિ રાકેશ હડિયલને છે. આ લવ-બર્ડ્ઝને ઝઘડવા માટે કોઈ કારણની જરૂર નથી, ખરેખર લડવું એ તો તેમનો શોખ બની ગયો છે
(પીપલ લાઈવ - તૂતૂ-મૈંમૈં - પલ્લવી આચાર્ય)

રાકેશ હડિયલ પાલિતાણાનો મેઘવાળ સમાજનો છે. જાગૃતિ પણ તેના જ સમાજની છે. તેઓ માઝગાંવમાં સેમ એરિયામાં રહેતાં હતાં. ૨૦૦૬માં સમાજના એક ફંક્શનમાં તેઓ મળ્યાં અને પ્યાર થઈ ગયો પછી ૨૦૧૦ની ૧૯ ડિસેમ્બરે લગ્ન કયાર઼્.

આ લવ-બર્ડ્ઝને ઝઘડવા માટે કોઈ કારણની જરૂર નથી એવી સ્પષ્ટતા કરતાં જાગૃતિ કહે છે, ‘નાની-નાની વાતે અમે વાતનું વતેસર કરીને ખતરનાક ઝઘડીએ છીએ, ડિવૉર્સ પર ઊતરી આવીએ; પણ અમારો ઝઘડો વધુ નથી ચાલતો.’

જાગૃતિ ૨૩ વર્ષની છે અને રાકેશ ૨૬ વર્ષનો. આ વય અને સાથે લવ-મૅરેજ... ફીલિંગ્સ હર્ટ થાય અને ઈગો ટકરાય એટલે ઝઘડા તો થવાના જ.

મસ્કા-પૉલિશ ગાયબ

અફેર ચાલતો હતો ત્યારે રાકેશ જાગૃતિ સામે પોતાના બિહેવિયર તથા બોલવા બાબતે બહુ ધ્યાન રાખતો. જાગૃતિ સામે બહુ અદબથી પેશ આવતો. એની વાત કરતાં જાગૃતિ કહે છે, ‘પહેલાં મને ખોટું લાગે તો કેટલાયે સૉરીના મેસેજ મોકલાવતો, ફોન કરીને કેટલીયે વાર સૉરી અને મારી ભૂલ થઈ ગઈ કહી મસ્કા-પૉલિશ કરતો હતો અને હવે તો મોઢામાંથી કદી સૉરી નીકળતું જ નથી, ઈગો હર્ટ થાય છે. મારી સાથે એટલી મસ્તી કરે છે કે ઘણી વાર હું તેને કહું છું કે મને આવી ખબર હોત તો તારી સાથે લગ્ન જ ન કરત. ઊલટાનું હવે ઝઘડો થાય ત્યારે સૉરીને બદલે મેં તેને આપી હોય એ બધી વસ્તુઓ પાછી આપી દે. તો તે કહે, લે તારી વસ્તુઓ મારે નથી જોઈતી. જોકે બે દિવસ પછી લઈ લે. આવું હું નથી કરતી. હું તો કહું કે ‘તેં આપેલી વસ્તુ મારી છે, હું શું કામ આપું?’

વાતમાં જોડાતાં રાકેશ કહે છે, ‘તેની વસ્તુને તો તે ઘરમાં કોઈને હાથ પણ ન લગાવા દે. જો કોઈએ લીધી હોય તો મારી સાથે ઝઘડો કરે.’

૧૧ વાગ્યા પછી

રાકેશની સૌથી મોટી ફરિયાદ એ છે કે જાગૃતિને ઘરની કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ રાત્રે ૧૧ વાગ્યે બધું બંધ થાય ત્યારે યાદ આવે. ભૂખ પણ ત્યારે જ લાગે. મને ગુસ્સો આવે, પણ  શું કરું?’

જોકે રાત્રે ૧૨ વાગ્યે ખાવાનું માગતાં કે કોઈ વસ્તુ લઈ આવવા કહ્યા પછી તે ગમે ત્યાંથી લઈ આવે. એની જાગૃતિને બહુ મજા પડે છે. તે કહે છે, ‘એક વાર રાત્રે ૧૨ વાગ્યે મને ભૂખ લાગી હતી તો મોહમ્મદ અલી રોડ પર જઈ મારા માટે ચાઇનીઝ લઈ આવ્યો હતો. તેથી જ મોડી રાત્રે મારી ઊંઘ ન ઊડે એની તે કાળજી રાખે છે. આજે પણ હું તેને કહી દઉં કે મારે આ જોઈએ મતલબ જોઈએ. તે ગમે ત્યાંથી લાવી દે.’

મોઢું ચડે

ફરવાનો શોખ રાકેશ અને જાગૃતિ બેઉને છે, પણ જૉબને કારણે જો રાકેશ ન જઈ શકે તો જાગૃતિનું મોઢું ચડી જાય. એની વાત કરતાં રાકેશ કહે છે, ‘હમણાં મારા મિત્રો કાશ્મીર ફરવા ગયેલા. મારે પણ જવું હતું, પણ મને રજા ન મળી તો ન જઈ શકાયું તો તેને રીસ ચઢી. થોડી વાર પછી મેં મનાવી, પણ ન માની તો મૂકી દીધું. થોડી વાર પછી તે જ વાત કરવા લાગે.’

જાગૃતિ પાસે પણ દલીલો રેડી જ છે. તે કહે છે, ‘પહેલાં તો થાકેલો હોય તોય વહેલો ઊઠી, ઑફિસ છોડીને પણ મને મળવા સવારે કૉલેજમાં આવી જતો હતો અને હવે કોઈ કામ માટે બોલાવું તો આવે તો નહીં ને ઉપરથી બહાનાં બનાવે. અરે યાર, અર્જન્ટ કામ આવી ગયું છે, કાલ પર રાખ. કોઈ વાર પોતે ન કહી શકે તો ફ્રેન્ડ્સ પાસે ફોન કરાવે. પહેલાં તેને ડર હતો કે હું તેને છોડી જઈશ. હવે લાગે છે કે મારી જ છે, ક્યાં જશે?’

ઘરે લેટ આવે

દોસ્તો સાથે ટોળ-ટપ્પાને કરીને રાકેશ રોજ ઘરે લેટ આવે છે એની સામે જાગૃતિને બહુ ફરિયાદ છે. તેને લાગે છે કે પહેલાં રાકેશ બધું છોડી મારી પાસે આવતો હતો. હવે બધાને સમય આપે છે, મને જ નથી આપતો. જાગૃતિ પણ સર્વિસ કરે છે. સવારે ૮ વાગ્યે નીકળે ત્યારે રાકેશ સૂતો હોય, તેને ઉઠાડીને જાય અને આવે ત્યારે તે ઘરે જ ન હોય, તેના સૂઈ ગયા પછી આવે. તેથી એક જ ઘરમાં રહીને તેઓ ફોન પર જ વાતો કરે છે. જવાબ રાકેશ પાસે તૈયાર જ છે. તે કહે છે, ‘પહેલાં આખી રાત તેની સાથે ફોન પર વાત કરવા ઘરની બહાર રહેતો હતો તેથી હવે આદત પડી ગઈ છે. તેને એમ છે કે મારે ઘર બહાર ક્યાંય નહીં જવાનું, પણ મને ઘરમાં કંટાળો આવે છે.’

આદત સે મજબૂર

રાકેશ પોતાનું કામ પણ જાતે નથી કરતો એની ફરિયાદ કરતાં જાગૃતિ કહે છે, ‘ઑફિસથી હું ઘરમાં પગ મૂકું એવું તેનું મને કામ ચીંધવાનું ચાલુ થઈ જાય. ચા આપ, રિમોટ આપ, આ આપ ને પેલું આપ...પાણી પણ જાતે નથી લેતો. ઑફિસથી આવીને તેની જેમ મને પણ બેસવું ગમે. ઝઘડો થાય ત્યારે મને કહે, હવે તને કાંઈ કામ નહીં કહું અને ફરી પાછું એ જ ચાલુ થઈ જાય. ચરમસીમા તો ત્યારે હતી કે એક વાર હું રસોઈ કરતી હતી ને તેને રિમોટ જોઈતું હતું તો ઘર પાસેથી જઈ રહેલા નાના છોકરાને બોલાવીને તેણે લીધું.’ 

જાગૃતિની ફરિયાદોનો દોર ચાલુ છે. તે કહે છે, ‘કબાટમાંથી કપડાં કદી સારી રીતે ન કાઢે, બધાં ફેંદી જ નાખે. કપડાંને ઇસ્ત્રી કરવા અમે ટર્ન રાખ્યો છે. એક રવિવારે મારે તેનાં ને મારાં કપડાં ઇસ્ત્રી કરવાનાં ને એક રવિવારે તેણે. હું મારું કામ બરાબર કરી લઉં, પણ તેનો ટર્ન આવે ત્યારે પોતાનાં બે-ત્રણ પૅન્ટ ઇસ્ત્રી કરે અને પછી મને કહે, મારી દોસ્ત છે, મને મદદ નહીં કરે... ચાલને બીજી ઇસ્ત્રી લઈને બેસી જાને. પછી તે બધાં કપડાં મારી પાસે જ ઇસ્ત્રી કરાવે.’

રાકેશ કહે છે, ‘પહેલાં હું કહેતો તે તેના માટે પથ્થરની લકીર હતું અને હવે તે કહે એમ થવું જોઈએ. ક્યાંય જવું હોય તો તે જલદી તૈયાર થઈ જાય. મને વાર લાગે તેથી એ બાબતે પણ ઝઘડો થાય અને હું કહું કે નથી આવવું તો રીસ ચડી જાય. અરે કોઈ મહત્વનું કામ હોય ને જાઉં તો કહે, આ નહીં થાય, પછી મારું કામ થાય જ નહીં ત્યારે બહુ ગુસ્સો આવે પણ શું

બોલું? શાદી ખરેખર લાકડાના લાડુ છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK