ઑસ્ટ્રેલિયા અને પૅરિસના વિદ્યાર્થીને ઘાટકોપરમાં બેસીને ઑનલાઇન સિતાર શીખવે છે આ લેડી (પીપલ-લાઇવ)

Published: 8th October, 2014 03:14 IST

૬૦ વર્ષનાં પલ્લવી મહેતાએ સંગીતને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, તેમની સાધનામાં ઓટ ન આવે એટલે તેમણે લગ્ન પણ ન કયાર઼્ : છેલ્લાં ૨૫ વર્ષથી સિતાર, કીબોર્ડ અને હામોર્નિયમ શીખવવાના ક્લાસ તેઓ ચલાવી રહ્યાં છે
(પીપલ-લાઇવ - ધ ગ્રેટ નારી - રુચિતા શાહ)

પોતાનો પરિવાર શરૂ કરું અને એ બધી જવાબદારીઓમાં મારો સંગીત સાથેનો નાતો ઘટી જાય કે છૂટી જાય તો એ વિચારને કારણે લગ્ન કરવાની ઇચ્છા ન થઈ. જોકે સાચું કહું તો આજદિન સુધી એનો ક્યારેય અફસોસ પણ નથી થયો. હવે તો મારું શિષ્યવૃંદ જ મારો સાચો પરિવાર છે. તેમના તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે.

ઘાટકોપરના પંતનગરમાં પોતાની મોટી બહેન સાથે રહેતાં અને ત્યાં જ સિતાર, હામોર્નિયમ અને કીબોર્ડ-વાદનની સૂર ઍકૅડેમી છેલ્લાં ૨૫થી વધુ વર્ષથી પલ્લવી મહેતા ચલાવી રહ્યાં છે. નવી પેઢી શાસ્ત્રીય સંગીત સાથે અને એનાં વાજિંત્રો સાથે જોડાયેલી રહે એ માટે તેઓ અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. શાસ્ત્રીય સંગીતનાં વાજિંત્રોના વાદનમાં સમાયેલી દિવ્યતા અને માનસિક શાંતિ આપવાની એની ક્ષમતા વિશે પણ તેઓ જાગૃતિ લાવી રહ્યાં છે.

વૈવિધ્યસભર વિદ્યાર્થીઓ

૧૧ વર્ષની નાની બાળકીથી લઈને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, બૅન્ક-મૅનેજર, મીડિયા પ્રોફેશનલ્સ જેવા દરેક ક્ષેત્રના અને દરેક ઉંમરના લોકો અત્યારે તેમની પાસે સિતાર જેવું વગાડવામાં કઠિન વાદ્ય શીખવા આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી પૅરિસનો એક સ્ટુડન્ટ અને ઑસ્ટ્રેલિયાની એક વિદ્યાર્થિની તેમની પાસે ઓનલાઇન સિતારવાદન શીખી રહ્યાં છે. માર્ચ મહિનામાં ઑસ્ટ્રેલિયાથી કેટલાક ત્રણ-ચાર યુવકોએ તેમના પર પાંચ મિનિટની ‘સ્ટ્રેન્થ ઑફ સ્ટ્રિંગ’ નામની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

સફરની શરૂઆત

મારા પિતા અસ્સલ ગાંધીવાદી અને માતા અણિશુદ્ધ કલાપ્રેમી હતાં એમ જણાવીને પોતાના સંગીત તરફના ઝુકાવની શરૂઆત ક્યાંથી થઈ એ વિશે વિગતવાર જણાવતાં પલ્લવીબહેન કહે છે, ‘અમે ત્રણ ભાઈ અને ત્રણ બહેન છીએ. ભાઈઓ સ્પોર્ટ્સમાં પાવરધા હતા. બહેનો બધી જ કલામાં નિપુણ હતી. સંગીત અને સાહિત્યમાં અમારો વિશેષ રસ હતો. મને સંગીત સાથે કોઈ અનેરું આકર્ષણ હતું. અમે રાજકોટમાં રહેતાં હતાં ત્યાં ગુજરાતના એકમાત્ર સિતારવાદક પંડિત લક્ષ્મીકાંત દોશી પાસે હું સિતારવાદન શીખી. છ વરસની ટ્રેઇનિંગ પછી એમાં વિશારદની ડિગ્રી લીધી. એ પછી પિતાજીની તબિયત બગડતાં તેમના ઇલાજ માટે અમે મુંબઈ રહેવા આવ્યાં. એ વખતે હું મારા ઘરે સિતાર વગાડીને રિયાઝ કરી રહી હતી, જેનો અવાજ અમારા પાડોશીના ઘરે પહોંચ્યો હશે અને તેઓ પૂછપરછ કરવા માટે મારા ઘરે આવ્યા અને મને સીધું જ પૂછી નાખ્યું કે મને શીખવશો? મને એ વખતે બહુ નવાઈ લાગી, કારણ કે હું પોતે વિદ્યાર્થી હતી એવામાં કોઈને શીખવવાની જવાબદારી લેવાને લાયક છું કે નહીં એ સમજાતું નહોતું. એ મને ન ફાવે એમ જ મેં નક્કી કર્યું હતું, પરંતુ એક દિવસ મારા ગુરુજીને અમસ્તા ફોન કરેલો અને તેમને આ રીતે મારી પાસે સિતાર શીખવા માટે એક બહેન પાછળ પડ્યાં છે એની વાત હસતાં-હસતાં કરી. ગુરુજીએ કહ્યું કે શીખવને, હવે તું શીખવી શકે એ સ્તર પર છે જ. તેમણે મને પોરસ ચડાવ્યું અને મેં પણ પહેલી વાર શીખવવા માટે કોઈને હા પાડી. એ પછી એકબીજા પાસેથી જાણીને મારી પાસે વિદ્યાર્થીઓ આવવા માંડ્યા. અને પછી તો આખો દિવસ માત્ર સંગીત સાથે જ જોડાયેલાં રહેવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો.

સંગીતે મને શું આપ્યું?

વર્ષોથી સંગીતની સાધના કરી રહેલાં અને સંગીતને જ પોતાનું સર્વસ્વ માની બેઠેલાં પલ્લવીબહેન કહે છે, ‘મારું બૅન્ક-બૅલૅન્સ, મારી મૂડી જે કહો એ સંગીત જ છે. સંગીતને કારણે મને આટલો મોટો પરિવાર મળ્યો છે. જે વસ્તુ હું પૈસાથી ન ખરીદી શકું એ સરસ્વતી મા અને સંગીતે મને આપી. આત્મસંતોષ અને સમાજમાં આદરણીય સ્થાન આપ્યું છે. સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની મારી જર્ની છે. જ્યારે પણ સિતાર વગાડતી હોઉં ત્યારે ઈશ્વર સાથે જોડાઈ ગયાની લાગણી થાય છે. એક જાતની ફ્રેશનેસ આવી ગઈ હોય એવું લાગે. ઉચ્ચ સ્તરની અનુભૂતિ થાય છે. યંગસ્ટરો આ જીવંત રાખે એ માટેના મારા પ્રયત્નો છે. આ વાદ્ય માટે ડેડિકેશન અને અંદરથી કરવાની તીવ્ર ઝંખના જોઈએ. મારી ઇચ્છા છે મારા સ્ટુડન્ટ પણ શીખીને વધુ ને વધુ એને આગળ વધારે એ જ મારી તમન્ના છે.’

પલ્લવીબહેન પ્રકૃતિપ્રેમી છે. ઝાડપાન, લીલી વનસ્પતિ સાથે જોડાયેલાં રહેવું તેમને ગમે છે. એ સિવાય ઘર સજાવવાનો અને કુકિંગનો પણ તેમને ભરપૂર શોખ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK