મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા (પીપલ-લાઇવ)

Published: 6th October, 2014 05:08 IST

ઘાટકોપરમાં રહેતા ૮૦ વર્ષના શામજી સાવલા આ ગીતને નજર સામે રાખીને જીવન જીવી રહ્યા છે. આ ઉંમરે પણ તેઓ નિયમિત દાણાબજારમાં જઈ દલાલીનું કામ કરે છે. હાર્ટની અને બ્લડ-પ્રેશરની તકલીફ હોવા છતાં કામ છોડીને નવરા થવાનું તેમને મંજૂર નથી, નથી ને નથી જ

(પીપલ-લાઇવ - Fit-n-Fine@75+ - રુચિતા શાહ)

૮૦ વર્ષના શામજી ભવાનજી સાવલા દરરોજ બરાબર સાડાઆઠના ટકોરે બસમાં બેસીને વાશીની APMCના દાણાબજારમાં જવા નીકળી જાય છે. રોજના ચારથી પાંચ કિલોમીટર ચાલવાનું અને દાણાની દલાલીમાં જે નાનો-મોટો નફો થાય એ મેળવીને સાંજે ચાર વાગ્યે ઘરે પાછા ફરવા માટે ફરી બેસ્ટની બસમાં ટ્રાવેલિંગ માટે નીકળી પડવાનું. કોઈ વાર બસમાં બહુ ભીડ હોય અને બેસવા ન મળે તો ઊભા રહીને પ્રવાસ કરવામાં પણ તેમને બિલકુલ વાંધો નથી આવતો. વાઇટ ઍન્ડ વાઇટ લેંઘા-ઝભ્ભામાં સજ્જ આ જેન્ટલમૅનના મોઢે ક્યારેય બીમારીનાં, ઉંમરનાં કે તકલીફોનાં કોઈ રોદણાં સાંભળવા તમને નહીં મળે. તકલીફો નથી એવું નથી. પત્ની બીમાર છે, એક યુવાન દીકરાનું આકસ્મિક મૃત્યુ થયું છે. નાના દીકરા અને પત્ની સાથે રહેવાનું છે જેમાં ઘણાં કામ તેમણે જ જોવાનાં આવે છે. એમાં પણ તેઓ નિ:સંકોચ કહે છે કે ‘આખી જિંદગી તમારી પત્ની તમને અને તમારા પરિવારને સાચવે છે તો પછી તે જો જરાક બીમાર હોય અને તેની સેવા કરવી પડે તો એમાં નાનપ શેની?’

આર્થિક રીતે પહોંચી વળવા પોતાની આવક ચાલુ રાખવાની જવાબદારીમાંથી હજી પણ તેમણે હાથ ઊંચા નથી કર્યા. જ્યાં સુધી હાથ-પગ ચાલે ત્યાં સુધી કામ કરતા રહેવાના આદર્શને વળગીને ચાલતા શામજીભાઈની સુપરયંગ અને સુપરએક્ટિવ લાઇફસ્ટાઇલ વિશે જાણીએ.

સાદું ભોજન

રોજ સવારે છના ટકોરે ઊઠી જતા શામજીભાઈ નિયમિત યોગ, પ્રાણાયામ અને કસરત કરે છે. એ પછી રોટલી અથવા બાજરીનો રોટલો અને સાથે એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાનો તેમનો નિત્યક્રમ છે. તેઓ કહે છે, ‘બહારનું ખાવાનું મને પસંદ નથી. ક્યારેક કોઈ ભાઈબંધ કે ઓળખીતા માર્કેટમાં કંઈ ખાવાનું મગાવે અને મને આગ્રહ કરે તો તેમનું મન રાખવા થોડું ખાઈ લઉં છું. બાકી રોજ બપોરનું જમવાનું ટિફિનમાં સાથે લઈ જાઉં છું. સાંજે પણ બે રોટલી, દાળભાત અને શાક જેવો સાદો ખોરાક જ લઉં છું.’

દોડધામનો ડર નથી

૬૦ વર્ષથી દાણાબજાર સાથે સંકળાયેલા શામજીભાઈનો સિમ્પલ ફન્ડા છે કે કામ કરતા રહો. તેઓ ઉમેરે છે, ‘દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. એક જ વ્યક્તિ પર ઘર ચાલે એ શક્ય નથી એટલે જ દોડધામ કરવામાં મને વાંધો નથી. મને હાર્ટની અને બીપીની તકલીફ છે એના વિશે મેં ક્યારેય બહુ લાંબા વિચારો નથી કર્યા. જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી કરતા રહો તો તમે તંદુરસ્ત રહો એવું મારું માનવું છે. માણસે રિટાયર થવાના વિચારો પણ ન કરવા જોઈએ. એવા વિચારો પણ માણસને અંદરથી બીમાર બનાવી દે છે. તમારું કર્મ કરો તો તમારા મનની શાંતિ પણ જળવાઈ રહે. હું તો સાચે જ માનું છું કે આરામ હરામ છે. અત્યારનો જમાનો છે રોજ કમાઓ અને રોજ ખાઓ. બે છેડા ભેગા કરવા માટે લોકો લોહીપાણી એક કરતા હોય છે એવા સમયે બેસી રહેવાનું કે આરામ કરવાનું કેમ પાલવે? બીજાની સ્થિતિ જોઈને પણ મને ઘણી વાર કમાવાની અને કામ કરવાની ઇચ્છા થાય છે.’

શામજીભાઈને સંગીતનો શોખ છે. યુવાનીના દિવસોમાં નવરાત્રિ મંડળોમાં તેઓ ગીતો ગાવા માટે પણ જતા હતા. જોકે હવે જૂનાં ગીતો સાંભળીને, ટીવી જોઈને અને વાંચન કરીને તેઓ પોતાનો વધારાનો સમય પસાર કરે છે. કોઈ પણ સ્થિતિમાં બેસી રહેવું તો તેમને પસંદ જ નથી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK