૮૪ વર્ષે પણ આ દાદાની છે ચોંકાવનારી તંદુરસ્તી (પીપલ-લાઇવ)

Published: 5th December, 2012 07:20 IST

આખો દિવસ લેખન અને વાંચનમાં વ્યસ્ત રહેતા વિલે પાર્લેના ધનજીભાઈ પટેલને કોઈ બીમારી નથી. લોકલ ટ્રેનથી માંડીને બહારગામની ટ્રેનમાં પણ તેઓ બિનધાસ્ત એકલા પ્રવાસ કરે છે


(પીપલ લાઈવ - Fit n Fine @75+ -નીલા સંઘવી)

અંગત-સંગત

ધનજીભાઈ પટેલ ‘આનંદ’ને ત્રણ દીકરી અને એક દીકરો છે. ત્રણ દીકરીઓમાંથી એક મુંબઈ, એક વીસનગર અને એક અમદાવાદમાં સ્થાયી થઈ છે. પુત્ર હસમુખ અને પુત્રવધૂ પ્રેમીલા ધનજીભાઈની સાથે જ રહે છે. બે પૌત્રી અને એક પૌત્ર ડિગ્રી કૉલેજમાં ભણી રહ્યાં છે

આજના વૃદ્ધો નોકરી-ધંધામાંથી નિવૃત્ત થઈને બીજી પ્રવૃત્તિઓમાં તેઓ પ્રવૃત્ત થઈ જાય છે. અત્યારે વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતા મહેસાણા જિલ્લાના ઉમતા ગામના વતની ૮૪ વર્ષનાં ધનજીભાઈ પટેલને મળો તો આ વાત ચરિતાર્થ થતી જણાશે.

સંઘર્ષમય જીવનસફર

ધનજીભાઈનું જીવન સંઘર્ષમય રહ્યું છે. કડવા પટેલ જ્ઞાતિના ધનજીભાઈએ ૧૩ વર્ષની ઉંમરે પિતાજીનું છત્ર ગુમાવ્યું અને પરિવારના ગુજરાન માટે કમાવું જરૂરી થઈ પડ્યું. માત્ર છ ધોરણ સુધીનું શિક્ષણ લઈને તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. સાવ કુમળી વયે મૂળજી જેઠા માર્કેટમાં નોકરી શરૂ કરી. સંઘર્ષ અને મહેનતના ફળસ્વરૂપે આગળ વધ્યા, પોતાનો ધંધો શરૂ કર્યો અને સમૃદ્ધ બન્યા, પણ મુસીબતો એમ હટે એવી નહોતી. ૪૦ વર્ષની ઉંમરે પત્ની કમળાબહેન કૅન્સરની વ્યાધિમાં પટકાયાં. તન-મન અને ધનથી પત્નીની ત્રણ વર્ષ સુધી સેવા કરી, છતાં નિષ્ફળતા મળી. ૪૩ વર્ષની વયે પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમનાં ચાર સંતાનો અનુક્રમે ૧૪, ૧૧, આઠ અને ચાર વર્ષનાં હતાં. ધનજીભાઈએ બાળકોને માતા-પિતા બન્નેનો પ્યાર આપીને ઉછેયાર઼્, સાથે ધંધો પણ વધારતા ગયા. ખૂબ સંઘર્ષને અંતે સમૃદ્ધિ પામ્યા.

સાદી દિનચર્યા

પોતાની દિનચર્યા વિશે વાત કરતાં ધનજીભાઈ કહે છે, ‘સવારે છ વાગ્યે ઊઠીને ધ્યાન, અર્ચન અને પ્રાણાયામ કરું. લગભગ એમાં કલાક-સવા કલાક થાય. પછી ઘરમાં જ ૧૦-૧૫ મિનિટ આંટા મારું. પછી પુત્રવધૂ પ્રેમિલા

ચા-નાસ્તો આપે. નાસ્તામાં એક ખાખરો ખાવાનો. સૌપ્રથમ હળદરવાળું દૂધ રોજ પીવાનું. પછી નિરાંતે ગુજરાતી અખબારો વાંચું. પછી લખવા બેસું. રોજ સવાર-સાંજ લખવાનું. ગીત, ગઝલ અને નિબંધ - જે લખાય એ લખું. કંઈ ન સૂઝે તો વાંચું. મારી એકલતાના સાથી શબ્દો છે. શબ્દો સાથે હું રમું છું. શબ્દોને હું રમાડું છું. કવિતાના બધા જ કાર્યક્રમમાં જવાનું. તાજેતરમાં જ આકાશવાણી પરથી કાવ્યો રજૂ કરવા આમંત્રણ મળ્યું હતું તો ચર્ચગેટ ટ્રેનમાં જ ગયો અને ટ્રેનમાં જ આવ્યો.’

વાતનો દોર પોતાના હાથમાં લેતાં પુત્રવધૂ પ્રેમીલા કહે છે, ‘બાપુજી ટ્રેનમાં બધે જ જઈ અને આવી શકે છે. કામ હોય તો એકલા બહારગામ પણ જાય. આજે પણ બાપુજી અડધો-પોણો કલાક ચાલી શકે છે.’

ધનજીભાઈ સમાજસેવામાં પણ રસ લે છે. તેમના તરફથી તેમના વતનમાં જરૂર પ્રમાણે સહાય કરતા રહે છે, એ ઉપરાંત તેઓ વિલે પાર્લે પાટીદાર મંડળની કારોબારીમાં કાર્યરત છે, ધરતી પરિવારની કારોબારીમાં અને સાહિત્ય-સંસદની કારોબારીમાં ધનજીભાઈ કાર્યરત છે.

તંદુરસ્તી કા રાઝ

ધનજીભાઈ પોતાની તંદુરસ્તીનો રાઝ ખોલતાં કહે છે, ‘મને આજે પણ કોઈને તકલીફ ન પડે તે રીતે સ્વસ્થ અને સારું જીવન જીવવું પસંદ છે. પત્નીના મૃત્યુ સમયે હાર્ટઅટૅક આવેલો, પણ પછી બાળકોને ઉછેરવાનાં છે એમ વિચારીને જલદી સ્વસ્થ થઈ ગયો. એ પછી આજ સુધી કોઈ તકલીફ નથી પડી. આંખે

મોતિયો ઊતરાવ્યો છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ અને હળદરવાળા દૂધને લીધે સ્વસ્થ રહું છું. જમવામાં બે રોટલી અને દાળ, ભાત અને શાક લેવાનાં. રાત્રે પણ સાદો ખોરાક. ગોળ અને ભાખરી બહુ ભાવે. બહાર ખાવાનું નહીં. પુત્રવધૂ ઘરે જ બધું બનાવે છે અને તંદુરસ્તીનું શ્રેય હું મારા લેખન, વાંચનના શોખને પણ આપું છું. ૭૫ વર્ષની વયે રિટાયર્ડ થયા પછી લેખન અને વાંચનને કારણે તાજગી અનુભવું છું.

ક્રીએટિવિટી પારાવાર

ધનતેરસને દિવસે જન્મેલા એથી નામ પડ્યું ધનજીભાઈ. ધનજીભાઈને લખવાનો અને વાંચવાનો અનહદ શોખ છે. છ ધોરણ સુધીનું ભણતર હોવા છતાં સુંદર ગઝલ, કવિતાઓ અને વાર્તા લખે છે. તેમનાં ૩૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને હજી પાંચ પુસ્તક પ્રેસમાં છે. તેમના ગીતો રેડિયોમાં અવારનવાર પ્રસારિત થાય છે. ‘મને રૂપાની ઝાંઝરી ઘડાવો વાલમ, તમે વરણાગી’ અને ‘મા ગબ્બરવાળી તારા ભજનની મને ધૂન લાગી’ જેવી રચનાઓ રેડિયોમાં તો સંભળાય છે, પણ એટલી લોકપ્રિય છે કે આજે પણ છપાતી ગરબાવલીમાં આ રચનાઓનો સમાવેશ થાય છે. ધનજીભાઈનું ઉપનામ ‘આનંદ’ છે. ધનજીભાઈનાં ગીતો પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, ઉષા મંગેશકર, કૌમુદી મુનશી, શ્રી આનંદદકુમાર જેવા ગાયકોએ ગાયાં છે. ધનજીભાઈએ ૨૫૦૦ દોહા લખ્યા છે. આજ સુધી કોઈએ આટલા દોહા લખ્યા નથી. ૪૦૦ ભજન લખ્યાં છે. તેમના ‘મનસાગરનાં મોતી’ નામના પુસ્તકમાં ૪૦૦ મુક્તક છે. એકસાથે આટલાં બધાં મુક્તક કોઈ પુસ્તકમાં નથી એવું ધનજીભાઈનું કહેવું છે. તેમનું વાંચન પણ વિશાળ છે. ખાસ કરીને તેઓ ઓશોનાં હિન્દી પુસ્તકો વાંચે છે. જે કંઈ લખે એ સૌપ્રથમ પુત્ર હસમુખને સંભળાવે છે. હસમુખભાઈ તેમનો અભિપ્રાય આપે પછી ધનજીભાઈ આગળ વધે.

- તસવીર : ઓમકાર ગાવકર

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK