પિતા અને બન્ને પુત્રોની એક જ તારીખે છે મૅરેજ-ઍનિવર્સરી (પીપલ લાઈવ)

Published: 4th December, 2012 07:38 IST

કાંદિવલીમાં રહેતી હિંડોચા ફૅમિલીમાં પિતા અને તેમના બે દીકરાઓની લગ્નની તારીખ ૪ ડિસેમ્બર છે અને યોગાનુયોગ ત્રણેયનાં લગ્ન થયાં એ વાર પણ સરખો જ હતો. તેમને માટે આ તારીખ લકી સાબિત થઈ હોવાથી તેમની ફૅમિલીમાંથી બીજાં પણ કેટલાંક કપલે આ જ તારીખે મૅરેજ કર્યા છે
(પીપલ-લાઇવ - સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય)


કાંદિવલી (ઈસ્ટ)ના લોખંડવાલા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટના હાલાઈ લોહાણા હસમુખભાઈ દામોદર હિંડોચાના ઘરમાં મૅરેજ-ઍનિવર્સરી હોલસેલમાં ઊજવાય છે. ૬૦ વર્ષના હસમુખભાઈની મૅરેજ-ઍનિવર્સરી ચોથી ડિસેમ્બરે છે. એટલું જ નહીં, તેમના બે દીકરા જિજ્ઞેશ તથા રોનકની મૅરેજ-ઍનિવર્સરી પણ ચોથી ડિસેમ્બરે જ છે. આ ત્રણેયની મૅરેજ ઍનિવર્સરી જ નહીં લગ્નનો દિવસ પણ સેમ એટલે કે સોમવાર છે.

જોગાનુજોગ જ

હસમુખભાઈનાં લગ્ન ૧૯૭૮ની ૪ ડિસેમ્બરે થયાં હતાં. હસમુખભાઈ તથા ૫૫ વર્ષનાં ચેતનાબહેનનાં લગ્નને આજે ૩૪ વર્ષ પૂરા થયાં. એ પછી તેમના મોટા દીકરા જિજ્ઞેશનાં લગ્ન લેવાનાં હતાં તો ડિસેમ્બરમાં કેટલીક તારીખોનાં મુહૂર્ત મહારાજે જોઈ આપ્યાં, એમાં ચોથી ડિસેમ્બર પણ હતી, તેથી હસમુખભાઈએ એ જ એ તારીખ નક્કી રાખી. આમ જિજ્ઞેશનાં લગ્ન પણ ૨૦૦૦ની ૪ ડિસેમ્બરે જ થયાં. એ પછી હસમુખભાઈના નાના દીકરા રોનકનાં લગ્નની તારીખો કઢાવી તો એમાં પણ ચોથી ડિસેમ્બર આવી તો હસમુખભાઈએ રોનકનાં લગ્નની ચોથી ડિસેમ્બર ફિક્સ કરી અને ૨૦૦૬ની ૪ ડિસેમ્બરે રોનકનાં લગ્ન થયાં.

હસમુખભાઈ આ વધુ વિગત આપતાં કહે છે, ‘ચોથી ડિસેમ્બરનું મુહૂર્ત હતું તેથી તારીખ ભલે અમે જાણીને બધાની સેમ રાખી, પણ થોડા સમય પહેલાં મારા ધ્યાનમાં એ બાબત આવી કે અમારા ત્રણેનાં લગ્નનો વાર સેમ છે અને એ સોમવાર છે, જોગાનુજોગ છે.’

ચોથી લકી

હસમુખભાઈ ચોથી ડિસેમ્બરને પોતાના માટે બહુ લકી માને છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘લગ્ન પછી મારા જીવનમાં બહુ પલટો આવ્યો, પૈસે ટકે બધી રીતે. મારો જન્મ બર્મામાં થયો હતો. હું ૪ વર્ષનો હતો ત્યારે મારા પિતાનો સ્વર્ગવાસ થયો. અમે ૩ ભાઈ અને ૩ બહેનો  છીએ ને મારી માએ અમને પાપડ વણીને મોટાં કયાર઼્. જીવનમાં અમે બહુ દુ:ખ જોયું છે. ૧૯૬૪માં પહેરેલા કપડે બર્માથી અમે ભારત આવ્યા હતા. મિત્ર પાસેથી સાત હજાર રૂપિયા ઉછીના લઈને મેં લગ્ન કયાર઼્, પણ એ પછી મારું જીવન જે રીતે બદલાયું કે પાછું વળી નથી જોયું.  ચોથી ડિસેમ્બર તેથી જ કદાચ મને બહુ ગમવા લાગી. મારા દીકરાઓનાં લગ્નની તારીખો આવી એમાં ચોથી ડિસેમ્બર પણ હોવાથી મેં એ તારીખ જ તેમના માટે ફિક્સ કરી.’

હસમુખભાઈની વાતમાં જોડાતાં ૩૪ વર્ષનો જિજ્ઞેશ કહે છે, ‘અમે ચોથી ડિસેમ્બરને શુભ દિવસ ગણીએ છીએ.’

સગાંઓની પણ ફેવરિટ

હસમુખભાઈના જીવનમાં આવેલો પલટો જોઈને તેમના છથી સાત સગાં-સંબંધીએ ચોથી ડિસેમ્બરે લગ્ન કયાર઼્ છે. એની વાત કરતાં હસમુખભાઈ કહે છે, ‘મારી માસીનો દીકરો, મારી પુત્રવધૂના મામાના દીકરા સહિત મારા ગ્રુપના સાતેક જણે ચોથી ડિસેમ્બરે લગ્ન કયાર઼્ છે.’

કેક એક, સેલિબ્રેશન ત્રણ

ત્રીજી ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગ્યાને એક મિનિટે હિંડોચા ફૅમિલીમાં પપ્પા અને બે દીકરા એ  ત્રણ કપલ  દોઢથી બે કિલોની કેક એકસાથે જ કાપે છે. ચોથી ડિસેમ્બરે આ આખું ફૅમિલી સાંજે ડિનર પર જાય છે. ગયા વર્ષે ચોથી ડિસેમ્બર પછી આવેલા શનિવારે આખો પરિવાર એક દિવસ માટે રર્સિોટમાં ગયાં હતાં. ઍનિવર્સરી પર વારાફરતી ત્રણે કપલની ફેવરિટ ચીજો જમવામાં બને છે. તેમના ગ્રુપના લોકો મજાક કરતાં કહે છે, ત્રણ વાર પાર્ટી ન આપવી પડે માટે તમે સેમ ડે ઍનિવર્સરી રાખી લાગે છે.

સેમ ટુ યુ

હસમુખભાઈ અને તેમના બે દીકરાઓને મૅરેજ-ઍનિવર્સરી વિશ કરવા તેમનાં સગાંસંબંધીને જુદા-જુદા ફોન નથી કરવા પડતા. એક જ ફોનમાં ત્રણેને મૅરેજ-ઍનિવર્સરી વિશ કરી લેવાય છે. જોકે છોકરાને ત્રણ દિવસને બદલે એક જ દિવસ કેક ખાવા મળે છે અને ત્રણ વારને બદલે એક જ પાર્ટી મળે છે તેથી બાળકો એને ત્રણ કરાવવાના મૂડમાં છે.

બડા સરપ્રાઇઝ

જિજ્ઞેશનાં વાઇફ કિંજલના મામાના દીકરાનાં લગ્ન ગઈ ચોથી ડિસેમ્બરે હતાં અને ત્યારે આ લોકોએ નવદંપતી સાથે હિંડોચા ફૅમિલીનાં પણ ત્રણ કપલ સાથે કેક કાપી તેમને જબરદસ્ત સરપ્રાઇઝ આપ્યું હતું. જિજ્ઞેશ અને હસમુખભાઈનું કહેવું છે કે લોકોને અમારી મૅરેજ-ઍનિવર્સરી સાથે છે એ જાણીને નવાઈ લાગે છે અને મજા પણ આવે છે.

૧૩નો આંકડો

હસમુખભાઈ અને તેમનો મોટો દીકરો જિજ્ઞેશ સાથે બિઝનેસ કરે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ટ્રાન્સર્પોટનો તેમનો બિઝનેસ છે. જ્યાં રહે છે ત્યાં જ તેમની ઑફિસ છે. હસમુખભાઈ હવે ધંધા કરતાં સમાજસેવા વધુ કરે છે. માનવ અધિકાર સંસ્થાના નૉર્થ મુંબઈના તે પ્રેસિડેન્ટ છે. વાંસદામાં દર વર્ષે ૧૨૦ આદિવાસીઓનાં મોતિયાનાં ઑપરેશન કરાવે છે. તેઓ કહે છે કે અમે બહુ ખરાબ દિવસો જોયા છે તેથી હવે થાય એટલી લોકોને મદદ કરવી છે. 

હસમુખભાઈ ન્યુમરોલૉજીમાં બહુ માનતા નથી, પણ ૧૩નો આંકડો તેમને ગમે છે. તેમનો ફ્લૅટ ૧૩મા માળે છે અને ૧૩૦૪ તેમનો ફ્લૅટ નંબર છે. ૧૩નો આંકડો આવે માટે તેમણે બે દિવસ પછી બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK