ઘરમાં કોઈ ધારો નહીં, કામમાં કોઈ વારો નહીં (પીપલ-લાઇવ)

Published: 3rd December, 2014 05:29 IST

તો પણ ઝઘડાનું સહેજ પણ નામ નહીં. ઘાટકોપરમાં રહેતા વસંતરાય પારેખના પરિવારમાં તો પણ સંપ અજોડ છે. ત્રણ દીકરાઓ અને તેમની ફૅમિલી મળીને ૧૪ સભ્યો હળીમળીને એકબીજાને પૂરક બનીને રહે છે




(પીપલ-લાઇવ - બડા પરિવાર સુખી પરિવાર - રુચિતા શાહ)

ઘાટકોપર-વેસ્ટમાં નવરોજી લેનમાં રહેતા વસંતભાઈ અને તેમનાં પત્ની પુષ્પા પારેખ પોતાને અતિશય લકી માને છે. ત્રણ દીકરાઓ શ્રવણ કરતાં પણ અધિક તેમને રાખે છે. તેમને કંઈ પણ કામ સોંપવામાં આવે તો એક પણ જાતની દલીલ વિના તેઓ કરી લે છે. જૈન ધર્મનું ચૂસ્તતાપૂર્વક પાલન કરતો આ પરિવાર એકબીજાને આદર આપવામાં અને સન્માન કરવામાં પણ ચડિયાતો છે. એટલે જ કદાચ કોઈ પણ કાયદાઓ ઘરમાં બન્યા નથી. આમ કરવું અને આમ નહીં જેવા કોઈ પણ સુફિયાણા કાયદા તેમના ઘરમાં બન્યા નથી તો પણ સેલ્ફ-ડિસિપ્લિનના ભાગરૂપે દરેક જણ આ કાયદાઓનું પાલન કરે છે. બીજું, આ કામ આજે મોટી વહુ, કાલે વચલી ને પરમ દિવસે નાની વહુ કરશે એવા વારાઓ પણ નથી પડ્યા. તેમ છતાં ઘરની લેડીઝમાં ક્યારેય કામકાજને લગતી માથાકૂટ નથી થઈ.

વડીલ એટલે વડીલ

ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય અને એકમત ન આવતો હોય તો ઘરના મુખિયા વસંતરાય જે કહે એ અંતિમ શબ્દો માનીને દરેક જણ વધાવી લે છે. ક્યારેય કોઈ આગ્યુર્મેન્ટ નથી થતી. પરિવારના વચલા દીકરા પરેશભાઈ કહે છે, ‘મોટાઓની છત્રછાયામાં રહેવાનો અવસર બહુ ઓછા લોકોને મળતો હોય છે. અમે નસીબદાર છીએ કે મા-બાપ અમારી સાથે છે. અમારા ઘરમાં ફાઇનલ ડિસિઝન અમારા પિતાજી લે છે. અમે ત્રણ ભાઈઓ જ નહીં, મારા ફાધરના ભાઈઓ પણ વષોર્ સુધી સાથે રહ્યા છે. છેલ્લે જગ્યાની ખેંચ પડવા લાગી એટલે અમારે જુદા થવાનો વારો આવ્યો.’

દરેક બાબતમાં એકજુટ

પરિવારનો સૌથી મોટો દીકરો ચેતન, વચલો પરેશ અને નાનો જિજ્ઞેશ એમ ત્રણેયનો બિઝનેસ સાથે છે. માત્ર આ ભાઈઓ જ નહીં, તેમના કઝિન કાકાઓ પણ બિઝનેસમાં સંકળાયેલો છે. પરિવારની મોટી વહુ મયણા, વચલી નિશા અને નાની વહુ દીપાલી કહે છે, ‘અમારા પરિવારમાં જ નહીં, અમારા આખા કુટુંબમાં પુષ્કળ સંપ છે. કાકાજીના ઘરે પણ ખૂબ સારા સંબંધો છે. થોડા સમય પહેલાં અમારાં દાદીસાસુ ગુજરી ગયાં ત્યારે અમારાં નાનાં-નાનાં બાળકો પણ ધ્રુસકે-ધ્રુસકે રડ્યાં છે. દરેક સભ્યનું અદકેરું મહત્વ છે. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય એની ઉજવણી બહેતરીન રીતે થતી હોય છે. જ્યારે પણ કોઈ પણ સંકટ પરિવાર પર આવ્યું છે ત્યારે એનો સામનો પણ બધાએ ભેગા થઈને કયોર્ છે. ક્યારેય ઊંચ-નીચ પણ થઈ હોય તો પણ એક વસ્તુ અમે નક્કી રાખી છે કે ત્રણેય દેરાણી-જેઠાણી બ્રેકફાસ્ટ અને લંચ તો સાથે જ કરે. ક્યારેય ક્યાંય પણ બહાર જવું હોય તો એકબીજાના સમયને અનુસરીને ઍડ્જસ્ટમેન્ટ થઈ જાય છે. ઘરના દરવાજા હંમેશાં ઉઘાડા હોય છે. એકબીજાના સંબંધીઓને પણ અમે બહુ સારી રીતે સાચવી લઈએ છીએ. આજ દિવસ સુધી દરેક પ્રકારના દિવસો આવ્યા છે, પણ અમને ક્યારેય જુદા થવાનો વિચાર નથી આવ્યો.’

- તસવીર : દત્તા કુંભાર

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK