ટ્વિન્સ હોવાનું ગમતું નથી આ ભાઈઓને (પીપલ-લાઇવ)

Published: 1st December, 2014 05:53 IST

સરખા દેખાવાને કારણે તેમની યુનિકનેસ ઓછી થઈ ગઈ હોવાનું તેમને લાગે છે. એમ છતાં જોગેશ્વરીમાં રહેતા અભય અને અલય પોતાના સરખા દેખાવને ભરપૂર એન્જૉય તો કરે જ છે




(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - રુચિતા શાહ)

જોગેશ્વરીમાં રહેતા અભય અને અલય રાઠોડનો એક જ ફન્ડા છે : આપણે કોઈને છેડવા નહીં અને આપણને કોઈ છેડે કે ચીડવે તો તેમને છોડવા નહીં. આ બાબતમાં તેમનું એકસરખું દેખાવું તેમને ખૂબ કામ લાગ્યું છે. નામ બદલીને ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરવી, સંબંધીઓ અને મમ્મીને પણ ક્યારેક મૂંઝવણમાં મૂકી દેવાં, કોઈ ફ્રેન્ડ સાથે જો પંગો થઈ જાય તો એકબીજાનો સમય સાચવી લેવા જેવી ઘણી બાબતોમાં તેમને તેમનો સરખો દેખાવ કામ લાગ્યો છે; પરંતુ આજકાલ ૧૪ વર્ષના આ ભાઈઓ પોતાના સરખા દેખાવને એન્જૉય નથી કરી રહ્યા. તેમને લાગે છે કે એકસરખા દેખાવને કારણે પોતાની યુનિકનેસ જતી રહી છે. જોકે હવે તેમના પેરન્ટ્સ તેમને પર્સનાલિટી અને પ્રોગ્રેસની દૃષ્ટિએ પોતાની જાતને માત્ર પોતાના ભાઈથી જ નહીં, આખી દુનિયાથી યુનિક બનવાની શિખામણ આપી રહ્યા છે.

ફ્લૅશબૅક

નાઇન્થમાં ભણતો અભય ટેક્નિકલી તેના ભાઈ અલયથી ૧૦ મિનિટ મોટો છે. તેમના જન્મ સમયની થોડીક વાતો યાદ કરતાં તેમનાં મમ્મી મયૂરી રાજેશ રાઠોડ કહે છે, ‘અમારા ઘરમાં હું પહેલી હતી જેને ટ્વિન્સ આવ્યા હોય. શરૂઆતમાં અતિશય ડર પણ લાગતો હતો. બે બાળકો ઉછેરવાં ખરેખર આસાન કામ નથી એ મેં પોતે પ્રૅક્ટિકલી અનુભવ્યું છે. હું બન્નેને ઓળખી શકતી હતી, પણ મારા સિવાય બીજું કોઈ તેમને ઓળખી નહોતું શકતું. તેમને દૂધ પિવડાવવાથી લઈને પીપી કરાવવાની બાબતમાં નાનપણમાં બહુ ગોટાળા થતા હતા. એક વાર એકને દૂધ પીવડાવીને સૂવડાવ્યો, બીજાને શરૂ કરું એના પહેલાં એક કામ આવી ગયું તો હું સહેજ વાર માટે કિચનમાં ગઈ. બન્ને રડવા લાગ્યા. મારા સસરાને એમ કે તેને બહાર લઈ જાઉં તો એ શાંત થશે એમ એકને બહાર લઈ ગયા. પછી ખબર પડી કે તે તો ભૂખને કારણે રડતો હતો અને બીજાને બહાર જવું હતું.’

સ્વભાવે જુદા

અભય થોડો જિદ્દી અને ગુસ્સાવાળો છે, જ્યારે અલય અતિશય મસ્તીખોર છે. અભય અને અલયની ચૉઇસ પણ ઘણી અલગ છે. આ બન્ને ભાઈઓ એઇટ્થ સ્ટાન્ડર્ડ સુધી એક જ ડિવિઝનમાં હતા, જોકે હવે નાઇન્થમાં તેઓ જુદાં-જુદાં ડિવિઝનમાં છે. એમાં પણ તેમને તેમના ફ્રેન્ડ પાસેથી અવારનવાર ઍડ્વાઇઝ મળતી રહે છે કે ક્યારેક કોઈ લેક્ચરમાં બેસવાનો કંટાળો આવે તો તમે તો ડિવિઝન ચેન્જ પણ કરી શકો. ઘણી વાર અધૂરા હોમવર્કમાં મળતી પનિશમેન્ટમાં પણ તેમની સાથે અદલાબદલી થઈ છે. બર્થ-ડે વખતે આ બન્ને ભાઈઓ બે કેક કાપે છે. અત્યારે તેમના દેખાવમાં થોડો ફેરફાર થયો છે. અલય પાતળો છે અને અભય થોડો હેલ્ધી છે એટલે ઘરના લોકો ઍટ લીસ્ટ તેમને ઓળખી શકે છે. બાકી અવાજ, હેરકટ અને ચહેરાનાં ફીચર્સ પણ તેમનાં સરખાં છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK