પેડર રોડનો રસ્તો ધસી પડવાનો ત્રણ મહિનામાં બન્યો ત્રીજો બનાવ

Published: 10th October, 2012 05:05 IST

પેડર રોડનો રોજ વપરાશ કરતા વાહનચાલકોએ ત્યાં બ્રિજ ન બની જાય ત્યાં સુધી રસ્તા પર ટ્રાફિકની તેમ જ રસ્તો ધસી પડવાની સમસ્યાનો સામનો કરવો પડશે.

આ બ્રિજ બનતાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગશે. ગઈ કાલે બપોરે પેડર રોડ પર ગામદેવી જંક્શન પાસેના રસ્તાનો હિસ્સો જમીનમાં ધસી પડ્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં આવો ત્રીજો બનાવ નોંધાયો છે. આ વખતે પણ આગળના બે પ્રસંગોની જેમ જ અન્ડરગ્રાઉન્ડ સિવેજ લાઇન લીક થતી હોવાથી આ રસ્તો ધસી પડ્યો હતો. આ વખતે તો લીકેજ બરાબર ડિવાઇડરની નીચે જ થતું હતું.

આ રોડ નીચેથી પસાર થતી ૮૦ વર્ષ જૂની સિવેજની લાઇન ખવાઈ ગઈ હોવાથી તૂટી પડી હતી અને એમાંથી લીકેજ થતા પાણીને લીધે રસ્તાનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું એટલે રસ્તો ધસી પડ્યો હતો. આ પહેલાં પણ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં આ વિસ્તારમાં રસ્તો ધસી પડવાની ઘટના નોંધાઈ હતી. આમ ત્રણ મહિનામાં રસ્તો ધસી પડવાના ત્રણ પ્રસંગો નોંધાયા છે.

ગઈ કાલે પેડર રોડ પર રસ્તો ધસી પડવાને કારણે ત્યાં પાંચ ફૂટ ઊંડો અને ૧૦ ફૂટ પહોળો ખાડો પડી ગયો હતો જેનું મહાનગરપાલિકાએ તાબડતોબ સમારકામ હાથ ધર્યું છે. સુધરાઈના ડિરેક્ટર (એન્જિનિયરિંગ) લક્ષ્મણ વાટકરે કહ્યું હતું જ્યાં સુધી ફ્લાયઓવરનું બાંધકામ ન થઈ જાય ત્યાં સુધી અમે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનના સમારકામનું કાર્ય હાથ ધરી શકીએ એમ નથી અને એટલે આ ફ્લાયઓવર બની જાય એ પછી જ બાકીનું કામ આગળ વધારી શકાશે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને પેડર રોડ પરની ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા હાજી અલી જંક્શનથી ગિરગામ ચોપાટી સુધી ૪.૩ કિલોમીટર લાંબો ફ્લાયઓવર બાંધવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ આમ તો એક દાયકા કરતાં વધારે સમય જૂનો છે પણ સ્થાનિક લોકોના વિરોધ સહિતની અનેક સમસ્યાઓમાં ફસાઈ જવાને કારણે આજની તારીખે પણ એનો અમલ નથી કરી શકાયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK