અરૂપ પટનાઈકની બદલી યોગ્ય નિર્ણય : રાજ ઠાકરે

Published: 24th August, 2012 05:56 IST

અરૂપ પટનાઈકની બદલી થઈ એ યોગ્ય જ થયું, પણ હવે ગૃહપ્રધાન આર. આર. પાટીલનું શું? તેમનું રાજીનામું પણ અમને જોઈએ જ છે. તેમને ગૃહ ખાતું સંભાળતાં આવડતું ન હોય તો બીજું ખાતું સંભાળી લેવું જોઈએ.

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ આવું રીઍક્શન ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકની બદલી બાદ પુણેમાં આપ્યું હતું.

મુંબઈમાં આઝાદ મેદાનમાં ૧૧ ઑગસ્ટે થયેલાં તોફાનો બાદ રાજ ઠાકરેએ કમિશનર અરૂપ પટનાઈક અને ગૃહપ્રધાન આર. આર. પાટીલના રાજીનામાની માગણી સાથે મંગળવારે ગિરગામ ચોપાટીથી આઝાદ મેદાન સુધી એક વિશાળ મોરચો કાઢીને સરકાર પણ દબાણ આવ્યું હતું. એના બે દિવસ બાદ રાજ્ય સરકારે પોલીસ-કમિશનરની બદલી કરી હતી, જેના સંદર્ભમાં રાજ ઠાકરેએ ગઈ કાલે પુણેમાં એક પત્રકાર-પરિષદનું આયોજન કર્યું હતું.

અરૂપ પટનાઈક સાથે મારો વ્યક્તિગત વેરભાવ નથી, તેમની નિમણૂક મુંબઈના કમિશનર તરીકે થઈ હતી ત્યારે હું તેમને જઈને મળ્યો પણ હતો એવું બોલતાં રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘૧૧ ઑગસ્ટના બનાવ બાદ પોલીસોનું મનોબળ તૂટી ગયું છે એવું નવા પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે કહ્યું તો હું પણ તો એ જ કહી રહ્યો હતો કે પોલીસોનું મનોબળ તૂટી ગયું છે.’

બંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો મારા રડાર પર પહેલેથી જ હતો એવું જણાવીને રાજે કહ્યું હતું કે ‘બિહાર, આસામ અને ઉત્તર પ્રદેશથી આવતા લોકો અહીં-ત્યાં ન જતાં મુંબઈમાં ડેરા માંડે છે. અહીં આવીને તેઓ કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક મુંબઈ શહેરમાં રહેતા મુસ્લિમો મુંબઈપોલીસ પર હુમલો કરી જ ન શકે. આ કામ બહારના લોકોનું જ છે. આઝાદ મેદાનમાં તોડફોડ, મારામારી કરનારા પર ઈદ પછી પગલાં લઈશું એમ પોલીસ કહે છે તો ગુનો કરીને ગુનેગારો આટલા દિવસ શું મુબઈમાં બેસી રહ્યા હશે.’

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK