બીમારની ખબર પૂછવા જાઓ ત્યારે તેની સમસ્યા ઘટાડો છો કે વધારો છો?

Published: 10th December, 2012 09:20 IST

આપણા જવાથી જો દરદી કે તેના પરિવારને કંઈ પણ વધારાની તકલીફ પડે કે કશો માનસિક ત્રાસ વેઠવો પડે તો એનો અર્થ એ થયો કે આપણે વિવેક વગરના, ગમાર અને જડભરત છીએ
(મન્ડે-મંથન - રોહિત શાહ)

૯૦ વર્ષના કિશનદાદા બાથરૂમમાં નહાવા જતાં લપસી પડ્યા અને તેમના જમણા પગમાં ફ્રૅક્ચર થયું છે એવા સમાચાર તેમનાં ૮૫ વર્ષનાં રાધા-ગૌરીબહેનને મળતાં જ રાધા-ગૌરીબહેને પોતાના ૬૦ વર્ષના પુત્રને કહ્યું કે ‘મને હમણાં ને હમણાં મારા કિશનભાઈના ઘેર લઈ જા. મારો જીવ ઝાલ્યો નથી રહેતો. મારા એકના એક ભાઈને આ શું થઈ ગયું? મારે હમણાં જ તેની ખબર પૂછવા જવું છે. પુત્ર બોલ્યો, ‘બા, તારે ત્યાં જવાની જરૂર નથી. ફોનથી ખબર પૂછી લે. વળી, ત્યાં જઈને તું શું કરીશ?’

રાધા-ગૌરીબહેને કહ્યું, ‘મારા સગા ભાઈને ફ્રૅક્ચર થયું હોય અને હું માત્ર ફોનથી ખબર પૂછીને બેસી રહું? ના, ના. મારે તો ત્યાં રૂબરૂ જઈને તેનું મોઢું જોવુંં છે. તેને કેવું અને કેટલું વાગ્યું છે એ સગી આંખે નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. પાછો તું મને એમ પૂછે છે કે હું ત્યાં જઈને શું કરીશ, ખરુંને? તે દીકરા, ખબર પૂછવા જાય એ ત્યાં જઈને શું કરે? હું તો એકાદ અઠવાડિયું ત્યાં રહીશ. તેને ઠીક થશે પછી પાછી આવીશ. આમેય અહીં મારે શું કામ છે?’

જિદ્દી રાધા-ગૌરીબહેન આખરે તેમના કિશનભાઈની ખબર પૂછવા પહોંચી જ ગયાં. ભાઈ જે ફ્લૅટમાં રહેતો હતો ત્યાં લિફ્ટ નહોતી એટલે તેમને ત્રણ જણે પકડીને- કહો કે ઊંચકીને ઉપર ચઢાવ્યાં. કિશનભાઈની ઉંમર ૯૦ વર્ષની તો

રાધા-ગૌરીબહેનની ઉંમર ૮૫ વર્ષની. કિશનલાલની ખબર પૂછવા સ્વજનો-સગાંવહાલાં આવે એટલે તેમની ભીડ રહે. તે સૌની સાથે રાધાગૌરીબહેન ઉત્સાહથી પોતાનો ઇતિહાસ ઉકેલે. કિશન કેવો તોફાની હતો અને પોતે કેવો તેને પ્રેમ કરતાં, તેમના બાળપણની વાતો કહેવા માંડે.

કિશનલાલના પરિવારમાં સૌ અકળાઈ ગયાં. એક તો ઘરમાં દાદાની સેવા કરવાની હતી, ત્યાં વધારામાં આ ફોઈબા આવી ચડ્યાં. ફોઈબાને ખુદનેય દવાઓ તો લેવાની જ હોય. દાંત પડી ગયેલા એટલે ખાવાની તકલીફ. કાને થોડીક બહેરાશ પણ ખરી. કિશનલાલના ફૅમિલીને થયું, આ વધારાની ઉપાધિ વળી ક્યાંથી આવી પડી. ઘરમાં બીમાર વ્યક્તિ છે તેની સાર-સંભાળ લેવી કે પછી ખબર પૂછવાને નામે અહીં આવીને ચીપકી ગયેલાં ફોઈબાની સેવા કરવી? ફોઈબા પાછાં કોઈ વાતે કશુંય ચલાવી ન લે. થોડી-થોડી વારે જેને જુએ તેને હુકમ છોડે- બેટા આ લાવ, બેટા પેલું લાવ.

ગમે એટલો નિકટનો નાતો હોય તોય બીમાર વ્યક્તિના ફૅમિલીમાં તેમની તકલીફો વધારવા જવાનું ન હોય. ખબર પૂછવા જઈએ ત્યારે સામેના ફૅમિલીને કંઈક હેલ્પફુલ થવાનો હેતુ હોવો જોઈએ, તેની પરેશાનીઓમાં ઉમેરો કરવાનો નહીં?

આપણે કોઈકની ખબર પૂછવા જઈએ ત્યારે કેટલોક વિવેક રાખવાનું અનિવાર્ય હોય છે. ક્યાંક તો પેશન્ટને હૉસ્પિટલમાં દાખલ કરેલો હોય અને તેના ફૅમિલી-મેમ્બર્સને ઘર-હૉસ્પિટલના ધક્કા વધી ગયા હોય ત્યારે આપણે ત્યાં જઈને એવા ધક્કા ખાવામાં કે હૉસ્પિટલમાં પેશન્ટની સેવા માટે રાત્રિરોકાણમાં હેલ્પફુલ થઈ શકીએ એમ હોય તો અવશ્ય જવું, પણ ઊલટાનું ખબર પૂછવા આવનારની જ વધારાની વેઠ કરવી પડે એવું થવાનું હોય તો ફોનથી જ ખબર પૂછીને વાત પતાવવી જોઈએ.

ખબર પૂછવા જઈએ તો ત્યાં ઓછામાં ઓછો સમય રોકાવું જોઈએ. તેને ત્યાં ખબર પૂછવા ઘણા લોકો આવતા હોય એટલે ખોટી ભીડ ન થાય એ જોવું જોઈએ. નિકટનો સંબંધ હોય તોય બીમાર વ્યક્તિના ઘરે જઈને ધામા ન નખાય. એમાંય આપણે પોતે પરાવલંબી હોઈએ તો બિલકુલ ન જવું જોઈએ.

બીજી વાત એ છે કે બીમાર વ્યક્તિની ખબર પૂછવા ગયા હોઈએ ત્યારે બિનજરૂરી બકવાસ ન કરવો જોઈએ. તબિયત વિશે પ્રાથમિક જાણકારી પૂછી શકાય, પણ એના આપણે જાણતા હોય એવા ઉપચારો બતાવવા જરૂરી નથી. હા, તે સામેથી કાંઈ પૂછે તો આપણને ખાતરી હોય એટલી વાત જરૂર કરવી. પણ તે પૂછે નહીં તો કશી સલાહ ન આપવી. વળી, ત્યાં જઈને કદી ખુદની મોટાઈઓ ન બતાવવી જોઈએ. પોતે કેટલા બિઝી કે બીમાર હતા છતાં ખબર પૂછવા આવ્યા એવો દંભ કરવાની કોઈ જરૂર નથી.

જેના ત્યાં ખબર પૂછવા ગયા હોઈએ તેને ત્યાં આપણું આતિથ્ય કરાવવાનું ટાળવું જોઈએ. તે વ્યક્તિ ચા-કૉફી કે નાસ્તા માટે આગ્રહભયોર્ વિવેક કરે તો પણ આપણે મક્કમ રહીને એવી કોઈ ચીજ લીધા વગર નીકળી જવું જોઈએ.

બીમાર વ્યક્તિની ખબર પૂછવા જઈએ ત્યારે સાવ ખાલી હાથે ન જવું જોઈએ. ફ્રૂટ્સ કે ફ્લાવર લઈ જઈ શકાય. પેશન્ટની રુચિ અને અનુકૂળતા મુજબ કંઈક ગિફ્ટ લઈ જઈ શકાય. કોઈકને સરસ પ્રેરક પુસ્તક ભેટ આપી શકાય, કોઈકને નાટકની કે બીજી કૉમેડી કાર્યક્રમની સીડી-ડીવીડી પણ આપી શકાય. સામેની વ્યક્તિની બીમારી કેવી છે, તેના ઘરની પરિસ્થિતિ કેવી છે, તેનાં રસ-રુચિ કેવાં છે, તેને શાની જરૂર છે તેનો વિચાર કરીને યોગ્ય ગિફ્ટ લઈ જવી જોઈએ. કોઈની આર્થિક સ્થિતિ નબળી હોય તો ખાનગીમાં તેને થોડી રકમ પણ આપી શકાય. અલબત્ત, એ વખતે ખબર પૂછવા આવેલા બીજા લોકોને ખબર પડે એ રીતે રકમ ન અપાય. આપણે મદદ કરવાની છે, તેની આબરૂ લેવાની નથી. કાંઈ પણ હેલ્પ કરીએ તો પૂરી ખાનદાનીથી અને પૂરી ખાનગીમાં. જરાય ઢંઢેરો પીટવાની જરૂર નથી.

ખબર પૂછવા જઈએ ત્યારે સાથે તોફાની બાળકોને તો ન જ લઈ જઈએ. બાળકને મસ્તીનો મૂડ હોય અને બીમાર વ્યક્તિની ફૅમિલીને શાંતિની જરૂર હોય.

ઇન શૉર્ટ, આપણે પેશન્ટની ખબર પૂછવા અને તેના ફૅમિલીને કંઈક રાહત આપવા જઈએ છીએ એ યાદ રાખવું જોઈએ. આપણા જવાથી જો તેને કંઈ પણ વધારાની તકલીફ પડે કે તેને કશો માનસિક ત્રાસ વેઠવો પડે તો એનો અર્થ એ થયો કે આપણે વિવેક વગરના, ગમાર અને જડભરત છીએ.

આપણે ડરાવવા નથી જતા


કેટલાક લોકો બીમાર વ્યક્તિની ખબર પૂછવા જાય ત્યારે એ બીમારી વિશે એવી વાતો કરીને આવે કે બીમાર વ્યક્તિ બીકથી જ મરી જાય. આપણે કદાચ સાચી જ માહિતી કે ચેતવણી આપવાની હોય અને એ તેના માટે ઉપયોગી જ થવાની હોય તો પણ શાંત અને સ્વસ્થ ચિત્તે વાત કરવી જોઈએ. કેટલીક ન્યુઝ ચૅનલોવાળા ન્યુઝ આપે છે કે આપણને ડરાવે છે એ સમજી નથી શકાતું. એ રીતે કેટલાક લોકો ખબર પૂછવા આવે છે કે ખબર લેવા એ સમજાતું નથી. સામેની વ્યક્તિને સજાગ રહેવાની સમજ પડે છતાં જરાય ડરી ન જાય એ રીતે વાત કરવી જોઈએ. આપણે તેનું દર્દ અને તેની વિવશતામાં ભાગ પડાવી નથી શકતા, એનો વાંધો નથી. પરંતુ તેનાં દર્દ-વિવશતા વધારવામાં નિમિત્ત ન બનવું જોઈએ.

પેશન્ટને આરામ આપો


ઘણા ખબર પૂછનારાઓ પેશન્ટ સાથે વાતો કરવા ઉત્સાહી હોય છે. જો પેશન્ટને મળ્યા વગર જવાનું થાય તો તેમને ગમતું નથી. ઘણા લોકોને તો પોતે ખબર પૂછવા આવ્યા હતા એની નોંધ લેવડાવવાનુંય વિશિષ્ટ પ્રયોજન હોય છે. એ લોકોને પેશન્ટ સાથે વાત કરવાનો અતિ ઉત્સાહ હોય છે. પેશન્ટને આરામની જરૂર હોય છે. આપણે ખબર પૂછવા જનારા સેંકડો હોઈએ અને પેશન્ટ તો એક જ હોય. જોકે કેટલાક પેશન્ટ પણ એવા હોય છે કે તે સામે ચાલીને વાતો કરે. આતિથ્ય માટે આગ્રહો કરે. તોય આપણે આપણો વિવેક  જાળવી રાખવો જરૂરી છે. કોઈને ભારરૂપ, ત્રાસરૂપ કે અગવડરૂપ ન બની જવાય એ રીતે જ ખબર પૂછવા જવું, નહીંતર ઘરમાં બેસી રહેવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK