Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડિસઇન્ફેક્ટન્ટ ટનલમાંથી પસાર થયા એટલે સેફ થઈ ગયા એવું ન માનતા

ડિસઇન્ફેક્ટન્ટ ટનલમાંથી પસાર થયા એટલે સેફ થઈ ગયા એવું ન માનતા

09 July, 2020 07:39 PM IST | Mumbai Desk
Varsha Chitalia

ડિસઇન્ફેક્ટન્ટ ટનલમાંથી પસાર થયા એટલે સેફ થઈ ગયા એવું ન માનતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વારંવાર સાબુથી હાથ ધોવા, સૅનિટાઇઝર વાપરવું, માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું. કોરોનાથી બચવાના આટલા બેઝિક ઉપાયોની નાના-મોટા સૌકોઈને જાણકારી છે. વર્તમાન માહોલમાં સૅનિટાઇઝર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. એવી જ રીતે હાઇપોક્લોરાઇટ નામના રસાયણની માત્રા ધરાવતા ડિસઇન્ફેક્શન સ્પ્રેને આપણે કોરોના-કિલર માનીને છૂટથી વાપરવા લાગ્યા છીએ. કોરોના-સંક્રમણ કાળમાં સરકારી અને ખાનગી બન્ને જગ્યાએ ડિસઇન્ફેક્શન ટનલ અને ફુવારાનું ચલણ વધ્યું છે. અનેક રહેવાસી સોસાયટીઓ તેમ જ વર્કપ્લેસ પર હાઇપોક્લોરાઇટ, આલ્કોહૉલ, પાણી અને અન્ય રસાયણોને ભેળવી તૈયાર કરવામાં આવેલા દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.
કહેવાય છે કે સોડિયમ હાઇપોક્લોરાઇટ દ્રાવણ કોરોના નામના ભયાનક જંતુને માનવ શરીરમાં પ્રવેશવા દેતું નથી. જોકે સ્પ્રેના માધ્યમથી કરવામાં આવતા સૅનિટાઇઝનેશનથી કપડાં કે શરીર પરથી કોરોનાના જંતુ નાશ પામે છે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રસાયણયુક્ત છંટકાવને બિનઅસરકારક ગણાવ્યો છે. ટનલ મૂક્યાના થોડા જ દિવસમાં અનેક લોકોને શ્વાસ લેવામાં અસર થઈ હોય એવું ધ્યાનમાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાઇપોક્લોરાઇટના સીધા સંપર્કમાં આવવાથી ત્વચાના રોગ થઈ શકે છે. સ્પ્રેથી ત્વચામાં ઍલર્જિક રીઍક્શનની શક્યતા વધી જાય છે. ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા આરોગ્ય માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે ત્યારે એના વિશે એ-ટુ-ઝેડ જાણી લો.
ડિસઇન્ફેક્ટેડ થઈ જવાય?
પહેલી વાત તો એ કે સોડિયમ હાઇપોક્લોરાઇટ નામનું રસાયણ માનવ શરીર માટે છે જ નહીં, એ ફ્લોર પર વાપરવાની વસ્તુ છે. હૉસ્પિટલમાં આ રસાયણનો ઉપયોગ સર્ફેસ ક્લીન કરવા માટે થાય છે એમ જણાવતાં ચેસ્ટ ફિઝિશ્યન ઍન્ડ પલ્મોનૉલૉજિસ્ટ ડૉ. જીનમ શાહ કહે છે, ‘જે જગ્યાએ કોરોનાના કેસ આવ્યા હોય ત્યાં સોડિયમ હાઇપોક્લોરાઇટના દ્રાવણનો છંટકાવ કરવાની જરૂર પડે છે. આમ કરવાથી હવામાં જંતુનું પ્રમાણ ઘટી જાય છે. વાસ્તવમાં આ રસાયણ આપણી આસપાસના વાતાવરણને ક્લીન કરવા માટે વપરાય છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ અને અન્ય કોઈ પણ રસાયણોના ઉપયોગથી કોરોનાના જંતુ મરી જશે એવું કહી ન શકાય. ઘણા લોકો એવું માને છે કે આપણે ટનલમાંથી પસાર થઈ ગયા એટલે હવે ડરવાની જરૂર નથી. સ્પ્રે થયા પછી પંદર જણનું ટોળું બનાવીને ઊભા રહી જાય છે. આ માન્યતા સદંતર ખોટી છે. ડિસઇન્ફેક્શનની આ રીત સો ટકા અસરકારક નથી. ઑફિસ કે સોસાયટીના કમ્પાઉન્ડમાં હવામાં કોરોના છે. જોકે કોઈ પણ પ્રકારના રસાયણથી સ્કિન પર ઍલર્જી થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ઓછી છે, કારણ કે તમે ટનલની અંદર દસ કે પંદર સેકન્ડથી વધારે સમય ઊભા રહેવાના નથી. મારા મતે આ પ્રકારનાં સાધનો ગોઠવવાની આવશ્યકતા નથી. બીજું એ કે માનવ શરીર પર હાઇપોક્લોરાઇટના દ્રાવણના છંટકાવનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ વિશે વૈજ્ઞાનિક સ્પષ્ટતા નથી. દરેક જગ્યાએ ઇન્સ્ટૉલ કરવામાં આવેલાં સાધનોમાં એની માત્રા જુદી-જુદી હોઈ શકે છે. ગુણવત્તામાં તફાવત જણાય તો અસરમાં ફરક પડવાનો છે. તમે હાથ ઊંચા કરીને ઊભા રહો છો, માસ્ક પહેર્યો છે કે નહીં જેવી બાબતો પણ મહત્ત્વની છે. જોકે સોડિયમ હાઇપોક્લોરાઇટના છંટકાવથી શ્વાસ કે અન્ય રોગ થયા હોય એવા કેસ ખાસ સામે આવ્યા નથી એટલે ગભરાઈ જવાની જરૂર નથી.’
ત્વચા પર અસર
દરેક પ્રકારના ડિસઇન્ફેક્શન સોલ્યુશનમાં વત્તાઓછા પ્રમાણમાં રસાયણો ભેળવવામાં આવે છે જેનાથી ફંગસ, બૅક્ટેરિયા અને વાયરનો નાશ થાય છે; પરંતુ આ કેમિકલથી સંવેદનશીલ ત્વચાને નુકશાન થઈ શકે છે. ઘાટકોપરનાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બીના વ્યાસ આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘સ્વિમિંગ-પૂલના પાણીમાં નાખવામાં આવતું ક્લોરીન, રોજબરોજ ઘરમાં વપરાતાં બ્લીચિંગ એજન્ટ્સ કે તાજેતરમાં ચર્ચાનો વિષય બનેલાં સૅનિટાઇઝર અને ડિસઇન્ફેક્શન સ્પ્રેમાં વપરાતા કેમિકલનાં રાસાયણિક બંધારણો જુદાં છે, પરંતુ કામ એક જ છે - ટુ કિલ ધ જર્મ્સ. જંતુનો નાશ કરવા માટે રસાયણો વાપરવાં જરૂરી છે. આ વાતને સરળ ભાષામાં સમજવા કેટલાંક ઉદાહરણ લઈએ. હાઇજીનને ધ્યાનમાં રાખી સ્વિમિંગ-પૂલના પાણીમાં ક્લોરીન નાખવામાં આવે છે. આ પાણીમાં સેંકડો લોકો બાથ લે છે પણ બધાની સ્કિન કંઈ ટૅન કે ડ્રાય નથી થઈ જતી. વાસણ માંજવાના સાબુ, ડિટર્જન્ટ પાઉડર કે બ્લીચથી ઘણી ગૃહિણીઓના હાથની ત્વચામાં ક્રૅક આવે છે. રસાયણોની અસર કેવી થશે એ ત્વચાના પ્રકાર પર આધાર રાખે છે તેમ જ દરેક રસાયણની પણ ત્વચા પર જુદી-જુદી અસર થાય. તમારી ત્વચા કયાં રસાયણોને ખમી શકે છે એ જોવું પડે. સૅનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવાથી હથેળીની સ્કિન ડ્રાય થઈ જાય છે. એવી જ રીતે હાઇપોક્લોરાઇટ જેની ત્વચાને માફક ન આવતું હોય એવી વ્યક્તિ ડિસઇન્ફેક્શન ટનલમાંથી પસાર થાય તો ત્વચામાં બળતરાં થાય, ફોડલા થાય કે ખંજવાળ આવે જેને તબીબી ભાષામાં ઇરિટન્ટ ડર્મેટાઇટિસ અને ઍલર્જિક ડર્મેટાઇટિસ કહે છે. લાંબા સમય સુધી હાઇપોક્લોરાઇટના છંટકાવથી ફ્રેન્ડ્લી બૅક્ટેરિયા નાશ પામે છે, સ્કિન બૅરિયર તૂટી જાય છે અને સ્કિન ડ્રાય થતી જાય છે. સોડિયમ હાઇપોક્લોરાઇટના છંટકાવથી કોરોનાના જંતુ મરી જાય છે કે નહીં એ દિશામાં સાયન્ટિફિક રિસર્ચ ચાલે છે. કોરોનાની દવા કે વૅક્સિન ન આવે ત્યાં સુધી માસ પબ્લિકની સેફ્ટી માટે ડિસઇન્ફેક્શન સ્પ્રેનો ઉપયોગ કરવો આવશ્યક છે.’
શું ધ્યાન રાખશો?
ઑફિસમાં કે સોસાયટીના પ્રવેશદ્વાર પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલાં ડિસઇન્ફેક્શન સાધનોનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યારે એની સાઇડ ઇફેક્ટથી બચવાના ઉપાયો શોધી કાઢવા જોઈએ એવી ભલામણ કરતાં ડૉ. બીના વ્યાસ કહે છે, ‘ઘરની બહાર નીકળતી વખતે માસ્ક તો ફરજિયાત પહેરવાનું જ હોવાથી મોઢાં-નાકમાં રસાયણનો છંટકાવ આમેય થવાનો નથી. તમે ઇચ્છો તો ફેસ શીલ્ડ પહેરી શકો છો. એનાથી આખો ચહેરો કવર થઈ જાય છે. આંખને બચાવવા ચશ્માં પહેરી શકાય. વર્તમાન માહોલમાં ફૅશનેબલ વસ્ત્રોને વૉર્ડરોબમાંથી કાઢવાનાં જ નથી. હંમેશાં ફુલ સ્લીવ્ઝનાં કપડાં પહેરો. શરીરનાં તમામ અંગો ઢંકાયેલાં
રહે એવાં વસ્ત્રો પહેરવાથી હાઇપોક્લોરાઇટ ત્વચાના સીધા સંપર્કમાં નહીં આવે અને રીઍક્શનના ચાન્સિસ ઘટી જશે. કોરાના-સંક્રમણથી બચવા ઘરે આવ્યા બાદ તરત સ્નાન કરી મૉઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો.
ટનલ અને સ્પ્રેનો છંટકાવ કરવાથી તમે ડિસઇન્ફેક્ટેડ થઈ ગયા એવું હોતું નથી. હવામાં કોરોનાની હાજરી છે જ. ડૉ. જીનમ શાહ કહે છે, ‘આ વાઇરસ નાક અને મોઢા વાટે શરીરમાં પ્રવેશે છે તેથી રસાયણોના છંટકાવ કરતાં માસ્ક, સૅનિટાઇઝર અને ગ્લવ્ઝ વધુ અસરકારક છે. કેમિકલ સ્પ્રે કપડાં પર થવાનું છે, બૉડી પર નહીં. સોડિયમ હાઇપોક્લોરાઇટની તુલનામાં સૅનિટાઇઝર વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. જાહેર સ્થળોએ ટનલ ઇન્સ્ટૉલ કરવાની જગ્યાએ સૅનિટાઇઝર મૂકવા જોઈએ. સૅનિટાઇઝરમાં રહેલું આલ્કોહૉલ હાથની ત્વચાને જંતુમુક્ત કરવા સક્ષમ છે. હા? ધોવા માટે પણ શક્ય હોય ત્યાં સુધી સાબુ અને પાણીનો ઉપયોગ કરવો જેથી ત્વચાને આડઅસર ન થાય. સિનિયર સિટિઝન અને ગંભીર રોગના દરદીઓએ ડિસઇન્ફેક્ટેડ સાધનોના ભરોસે ન રહેવાની સલાહ છે. હાલમાં તેમણે ઘરમાં જ રહેવું જોઈએ.’

સોડિયમ હાઇપોક્લોરાઇટ નામનું રસાયણ માનવ શરીર માટે નથી. હૉસ્પિટલમાં આ રસાયણનો ઉપયોગ સર્ફેસ ક્લીન કરવા માટે થાય છે. જે જગ્યાએ કોરોનાના કેસ આવ્યા હોય ત્યાં સોડિયમ હાઇપોક્લોરાઇટના દ્રાવણનો છંટકાવ કરવાની જરૂર પડે છે. આ રસાયણ આપણી આસપાસના વાતાવરણને ક્લીન કરવા માટે ઉપયોગી છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ અને અન્ય કોઈ પણ રસાયણોના ઉપયોગથી કોરોનાના જંતુ મરી જશે એવું કહી ન શકાય. ડિસઇન્ફેક્શનની આ રીત સો ટકા અસરકારક નથી. જોકે રસાયણથી સ્કિન પર ઍલર્જી થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ઓછી છે
- ડૉ. જીનમ શાહ, પલ્મોનૉલૉજિસ્ટ



સોડિયમ હાઇપોક્લોરાઇટના સંપર્કમાં આવવાથી સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિને બળતરા, શરીર પર ફોડલા અથવા ઍલર્જી થઈ શકે છે. ડિસઇન્ફેક્શન ટનલમાંથી પસાર થતી વખતે માસ્ક પહેરવાથી મોઢા-નાકમાં રસાયણનો છંટકાવ થવાનો નથી. ચાહો ફેસ શીલ્ડ પહેરી શકો છો. એનાથી આખો ચહેરો કવર થઈ જાય છે. આંખને બચાવવા ચશ્માં પહેરો. હંમેશાં ફુલ સ્લીવ્ઝનાં વસ્ત્રો પહેરવાથી હાઇપોક્લોરાઇટ ત્વચાના સીધા સંપર્કમાં નહીં આવે અને રીઍક્શનના ચાન્સિસ ઘટી જશે
- ડૉ. બીના વ્યાસ, ડર્મેટોલૉજિસ્ટ


મેડિકલ વેસ્ટના નિકાલ માટે ઉપયોગી

હૉસ્પિટલમાંથી નીકળતા મેડિકલ વેસ્ટને જંતુરહિત બનાવવાની કામગીરી પડકારરૂપ છે. દરદીઓની સારવાર દરમિયાન વાપરવામાં આવેલી વસ્તુઓના સંસર્ગમાં આવવાથી ચેપ લાગવાની શક્યતા હોવાથી માસ્ક, ઇન્જેક્શન નીડલ, કૉટન, દરદીઓના જમવા માટે વાપરવામાં આવેલી ડિસ્પોઝેબલ ડિશ, પાણીના ગ્લાસ અને અન્ય વેસ્ટને સોડિયમ હાઇપોક્લોરાઇટ દ્રાવણથી ભરેલા પ્લાસ્ટિકના મોટા થેલામાં ઠાલવવામાં આવે છે. અડધો કલાક આમ જ રહેવા દેવાથી તમામ વસ્તુ જંતુમુક્ત થઈ જાય છે અને પછી એનો નિકાલ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2020 07:39 PM IST | Mumbai Desk | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK