સંસદ વીફરી : બળાત્કારના દોષીઓને મોતથી ઓછી સજા નહીં જ

Published: 19th December, 2012 03:02 IST

દિલ્હીમાં ચાલુ બસમાં યુવતી પર થયેલા ગૅન્ગરેપની ઘટનાના સંસદમાં ઘેરા પ્રત્યાઘાત, ભોગ બનેલી છોકરીની હાલત ગંભીર : સંખ્યાબંધ મહિલા સંગઠનોના રાજધાનીમાં ઉગ્ર દેખાવોદિલ્હીમાં રવિવારે રાત્રે ગૅન્ગરેપ બાદ ચાલુ બસે યુવતીને બહાર ફેંકી દેવાની ઘટનાએ ગઈ કાલે સંસદમાં ખળભળાટ મચાવી દીધો હતો. જુદી-જુદી પાર્ટીના સભ્યો ખાસ કરીને મહિલા સંસદસભ્યોએ બળાત્કારના દોષીઓને મોતથી ઓછી સજા નહીં કરવાની એકઅવાજે માગણી કરી હતી. આ તરફ બળાત્કારનો ભોગ બનેલી ૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટની હાલત હજી પણ ગંભીર છે. દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સંસદમાં વિપક્ષના દબાણ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાને આ કેસની ટ્રાયલ ફાસ્ટ-ટ્રૅક ધોરણે ચલાવવાની ખાતરી આપી હતી. દિલ્હીમાં કાલે સંખ્યાબંધ મહિલા સંગઠનોએ રસ્તા પર ઊતરીને બળાત્કારીઓ સામે સખત પગલાં ભરવાની માગણી કરી હતી.

સંસદ સ્તબ્ધ : સરકાર પર પ્રેશર

ગૅન્ગરેપની ઘટનાને પગલે કાલે સંસદમાં દરેક પાર્ટીએ આ ઘટના બદલ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી, તથા બળાત્કારના દોષીઓને મોતની સજા આપવાની માગણી કરવામાં આવી હતી. રાજધાની હોવાથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારને હસ્તક છે. લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે બળાત્કારના દોષીઓને ફાંસીથી ઓછી સજા નહીં કરવાની માગણી કરી હતી. યુપીએના સાથી પક્ષ ડીએમકેનાં સભ્ય વાસંતી સ્ટૅન્લી, એઆઇએડીએમકેનાં સભ્ય વી. મૈત્રયીએ પણ સ્વરાજની માગણીને ટેકો આપ્યો હતો. જોકે કૉન્ગ્રેસનાં સભ્ય ગિરિજા વ્યાસે આ માગણી પ્રત્યે અસંમતિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી જોગવાઈને કારણે આરોપીઓ રેપ બાદ યુવતીની હત્યા કરી નાખશે. બાદમાં ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ સંસદસભ્યોના મત સાથે સંમતિ વ્યક્ત કરતાં ગૅન્ગરેપની ઘટનાની ફાસ્ટ-ટ્રૅક ધોરણે ટ્રાયલ ચલાવવાની જાહેરાત કરી હતી. 

યુવતી ગંભીર : ચાર બળાત્કારી પકડાયા

રવિવારે ચાલુ બસમાં રેપ બાદ બસમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી ૨૩ વર્ષની યુવતીની હાલત હજી પણ ગંભીર છે. તેને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ તરફ બળાત્કાર કરનાર સાતમાંથી ચાર આરોપીઓ પકડાઈ ગયા છે.

ગઈ કાલે ચારે આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રામ સિંહ નામના મુખ્ય આરોપીની સોમવારે જ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપીઓમાં રામ સિંહનો ભાઈ મુકેશ, જિમ ઇન્સ્ટ્રક્ટર વિનય શર્મા તથા પવન સિંહ નામના ફ્રૂટ સેલરનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. તેમને પકડવા માટે પોલીસે જુદી-જુદી ટીમ બનાવીને ઑપરેશન હાથ ધર્યું છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી દહેરાદૂનની કૉલેજમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. તે એક મિત્ર સાથે ફિલ્મ જોયા બાદ પ્રાઇવેટ બસમાં પ્રવાસ કરી હતી ત્યારે ગૅન્ગરેપનો ભોગ બની હતી. બળાત્કારીઓએ યુવતીના બૉયફ્રેન્ડને પણ માર મારી બસમાંથી ફેંકી દીધો હતો.

જયા બચ્ચન ઇમોશનલ થઈ ગયાં

ગઈ કાલે રાજ્યસભામાં લગભગ ૯૦ મિનિટ સુધી દિલ્હીના ગૅન્ગરેપ પર ચર્ચા ચાલી હતી. આ ચર્ચા દરમ્યાન બોલવા માટે ઊભાં થયેલાં સમાજવાદી પાર્ટીનાં સભ્ય જયા બચ્ચન ગળગળા થઈ ગયાં હતાં અને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. ભીની આંખે જયા બચ્ચને કહ્યું હતું કે આ ઘટનાથી ‘મને સખત આઘાત લાગ્યો છે, હું અત્યંત અપસેટ છું.’ અન્ય એક સભ્ય બીજેપીનાં મીરા સિંહે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા નહીં, પણ ગુંડાઓનું રાજ ચાલે છે એમ કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સંસદમાં કોણે શું કહ્યું?

દિલ્હીમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જે શહેર દેશની સત્તાનું કેન્દ્ર છે અને જ્યાં એક મહિલા મુખ્ય પ્રધાન છે.

- સુષમા સ્વરાજ, બીજેપી

ગૃહપ્રધાન નહીં તો દિલ્હી પોલીસના વડાએ રાજીનામું આપી દેવું જોઈએ.

- રામ જેઠમલાણી, રાજ્યસભાના સભ્ય

હું અત્યંત દુખી છું. આ ઘટનાને મને મોટો આઘાત પહોંચાડ્યો છે.

- જયા બચ્ચન, સમાજવાદી પાર્ટી

૧૭ વર્ષની દીકરીના પિતા તરીકે હું નર્વસ અને ભયભીત છું. પુરુષોએ જાનવરો જેવું વર્તન કરવાનું બંધ કરવું જોઈએ.

- ડેરેક ઓ બ્રાયન, તૃણમૂલ કૉન્ગ્રેસ

ગૅન્ગરેપની ઘટનાએ સવાલ પેદા કર્યો છે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ છે કે પછી ગુંડાઓનું?

- માયા સિંહ, બીજેપી

આ સમય એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપનો નથી. આપણે સામૂહિક જવાબદારી સ્વીકારી નક્કર પગલાં ભરવાં પડશે.

- રેણુકા ચૌધરી, કૉન્ગ્રેસ

સલમાન ખાનનો આક્રોશ

પોતાની નવી ફિલ્મ ‘દબંગ ૨’ના પ્રમોશન માટે દિલ્હી આવેલા બૉલિવુડ ઍક્ટર સલમાન ખાને પણ ગૅન્ગરેપની ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે જાણ્યા પછી સૌપ્રથમ એવો વિચાર આવ્યો હતો કે આરોપીઓને મારી નાખવા જોઈએ, પણ આપણે કાયદાનું પણ પાલન કરવું જોઈએ. આ પ્રકારની ઘટના બની એ શરમની વાત છે.’ સલમાને પોલીસનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘નાગરિકોએ વધારે જવાબદાર બનવું પડશે. દરેક બસમાં પોલીસ જવાન હોય એ શક્ય નથી.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK