પોતાના જ બાળકને પેરન્ટ્સ ઢોરમાર કઈ રીતે મારી શકે?

Published: 25th October, 2012 06:33 IST

નાનાં બાળકો પર તેમનાં સગાં માતા-પિતા જ અત્યાચાર ગુજારતાં હોય એવા કંપારી છૂટી જાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. નિદોર્ષ બાળકોને પોતાના પાલનહારના જ આતંકનો ભોગ બનવું પડે એવું કેમ બને છે? આને નિવારવા માટે તાત્કાલિક શું પગલાં લેવાં જોઈએ?ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી


તાજેતરમાં જ બનેલો આહુતિ જોશી કેસ કોઈ પણ સહૃદયી વ્યક્તિને હચમચાવી દે એવો છે. કેસની વિગત અનુસાર ત્રણ મહિનાની આહુતિને તેનાં માતા-પિતા પોતાની બાજુમાં આવેલા નર્સિંગહોમમાં લઈ ગયાં. આહુતિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. નર્સિંગહોમમાંથી આહુતિને કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ૨૪ સપ્ટેમ્બરે આહુતિને ક્રિટિકલ કન્ડિશનમાં કેઈએમમાં લાવવામાં આવી હતી. ડૉક્ટરોએ આહુતિને તપાસતાં તેમને કંઈક ગરબડ લાગી. બાળકીનાં માતા-પિતા કહેતાં હતાં કે તે પડી ગઈ હતી, પણ ડૉક્ટર મુકેશ અગ્રવાલ (હેડ ઑફ પીડિયાટ્રિક્સ ઍટ કેઈએમ હૉસ્પિટલ)ના કહેવા અનુસાર આ શૉકિંગ ઘટના ઍક્સિડન્ટની નથી. પડી જવાથી થતી ઈજા નથી. આ બાળકીની સખત મારપીટ થઈ હોય એવું લાગે છે. આ જ હૉસ્પિટલના ફૉરેન્સિક પ્રોફેસર ડૉ. હરીશ પાઠકના કહેવા અનુસાર, પડી જવાથી ખોપરીમાં  જે ઈજા થાય છે એ મગજની એક બાજુ થઈ શકે છે, બન્ને બાજુ નહીં. પાસંળીઓ પર થયેલું ફ્રૅક્ચર પણ માર લાગવાથી થયેલું છે. આહુતિની મમ્મીએ પણ વારંવાર પોતાનાં સ્ટેટમેન્ટ બદલ્યાં હતાં. ડૉક્ટરને શંકા જતાં તેમણે પોલીસમાં રિપોર્ટ કયોર્.

ફ્લૅશ-બૅક

ફેબ્રુઆરી મહિનામાં સાત વર્ષની મેનકા ઠાકુરને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના હાથ-પગમાં ફ્રૅક્ચર હતાં અને શરીર પર દાઝ્યાના જખમ. બાળકીની અપર માએ તેને મારી હતી અને જ્યારે તે મદદ માટે બૂમ પાડતી હતી ત્યારે અપર મા તેને ડામ દેતી હતી.

ઑગસ્ટ માસમાં તનાઝ નામની બાળકીનું મૃત્યુ થયું. તેના અંતિમ સંસ્કાર થાય એ પહેલાં જ કોઈએ પોલીસને ફોન કરીને બોલાવી લીધી. બાતમી આપનારનું કહેવું હતું કે તેના પેરન્ટ્સ તેને બહુ મારતા હતા. સાયન હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું કે બાળકીના શરીર પર કાપા હતા, દાઝવાના જખમ હતા, સોજા હતા, નખોરિયાં ભરેલાં હતાં અને જૂના ઘા રુઝાયા પહેલાં જ નવા જખમ આપવામાં આવ્યા હતા. તાજેતરમાં જ અમેરિકામાં એક માતાને પોતાની બાળકી સાથે ક્રૂરતા આચરવા બદલ ૯૯ વર્ષની જેલની સજા થઈ હતી.

પોલીસનો રોલ


આહુતિ જોશીના કેસમાં કેઈએમના ડૉક્ટરોનું કહેવું છે કે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં ઢીલ થઈ છે. આવા કેસમાં તરત જ કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે માતાપિતા, ખાસ કરીને માતા બાળકને ક્યારેય ઈજા પહોંચાડી શકે નહીં, પરંતુ કેટલીક માનસિક બીમારીને કારણે મા પણ આવું ઉગ્ર વર્તન કરી શકે છે, તેથી જ પોલીસે આવી કોઈ ફરિયાદ મળતાં તરત જ પગલાં લેવાં જોઈએ. બાળકોની સુરક્ષા માટે પોલીસોએ અગ્રતાક્રમ આપવો જરૂરી છે. સિનિયર સિટિઝન્સના ઘરની મુલાકાત લેવા જેટલું જ મહત્વનું કામ બાળકોની સુરક્ષા વિશે ધ્યાન આપવાનું છે. છેલ્લા છ મહિનામાં બાળકોની અસહ્ય મારઝૂડ કરવાના ત્રણ કેસ શહેરમાં બન્યા છે, જેની નોંધ શહેરની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (ઘ્ષ્ઘ્)એ લીધી છે. બાળકોની સુરક્ષા પ્રત્યે પણ પોલીસે અલર્ટ રહેવાની જરૂર છે.

બાળક પર અસર

નાનપણમાં જે બાળકોની તેનાં માતાપિતા અથવા તો નજીકનાં સગાં-સંબંધી દ્વારા મારપીટ થાય છે. તેમના શરીર પરના જખમ તો રુઝાઈ જાય છે, પણ મન પરના જખમ રુઝાતા નથી. આ બાબત તેમના મોટા થયા પછી તેના વ્યક્તિત્વ પર અસર કરે છે. પહેલાં અપર માતા બાળકોને મારતી, પરંતુ હવે તો પોતાની સગી માતા પોતાનાં બાળકોની બેરહેમીથી મારઝૂડ કરે છે એવું બને છે. આના કારણે બાળક શારીરિક તેમ જ ભાવનાત્મક ટ્રૉમાનો શિકાર બને છે. ઘણી વાર મારઝૂડનો ભોગ બનેલા બાળકને શેલ્ટર હોમ્સમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી બાળકની સુરક્ષા વિશે નચિંત ન થઈ જવાય ત્યાં સુધી વહીવટકર્તાઓ બાળકને શેલ્ટર હોમમાં રાખે છે. ક્યારેક બાળકને બે-ત્રણ વર્ષ પણ અહીં રહેવું પડે છે. એક ચાર વર્ષની બાળકી બે વર્ષ શેલ્ટર હોમમાં રહ્યા પછી પોતાના ઘરે પોતાનાં મા-બાપ પાસે જવાની ના પાડતી હતી. આપણે એવું માનીએ છીએ કે બાળકોની યાદશક્તિ ઓછી હોય છે અને મોટાં થતાં તેઓ આવી બાબત ભૂલી જાય છે, પણ એવું નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ‘સાત વર્ષની ઉંમર સુધી બાળકોમાં ઇમોશનલ ડેવલપમેન્ટ થાય છે અને આ દરમ્યાન આવી કોઈ બાબતો બને તો એની અસર આખી જિંદગી રહે છે. આવાં બાળકોને મા-બાપ પ્રત્યે લાંબા સમય સુધી વેરભાવના રહે છે અને તેમના પોતાના વિકાસમાં પણ અંતરાય પેદા થાય છે. તો કેટલાંક બાળકો ખોટું બોલવું, ચોરી કરવી કે જુગાર રમવાના રવાડે ચડી જાય છે.

મા-બાપનો વાંક?

સાઇકિયાટ્રિસ્ટ આ વિષય પર વાત કરતાં જણાવે છે કે પોતાના જ ફૂલ જેવા નાનકડા બાળકને માતા-પિતા નર્દિયતાથી મારે એવું ઘણાં ઓછા કિસ્સાઓમાં બનતું હોય છે. છતાંય  બને છે એ પણ હકીકત છે. આમાં  ઘણાં બધાં તત્વો કારણભૂત હોય છે. આજની વધતી જતી મોંઘવારીમાં માતાપિતાને બાળકના ઉછેરનો ખર્ચ સતાવે છે. માનસિક રીતે હારેલી-થાકેલી વ્યક્તિ ઘણી વાર પોતાનો ગુસ્સો બાળક પર ઉતારે છે. ઘણી વાર બાળક બહુ જ કચકચ કરતું હોય, સતત રડતું હોય ત્યારે તેને ચૂપ કરાવવા પણ મા-બાપ બાળકને મારી બેસે છે. ઘણી વાર પતિ-પત્નીને બનતું ન હોય, બન્ને વચ્ચે મતભેદ હોય ત્યારે એકમેકનો ગુસ્સો બાળક પર ઉતારે એવું બને છે. ફ્રસ્ટ્રેશન, અનપ્લાન્ડ પ્રેગ્નન્સીનો ભોગ માસૂમ બાળક બને છે. ઘણાં માતા-પિતાને ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, પોસ્ટ ટ્રૉમૅટિક સ્ટ્રેસ ડિસઑર્ડરનો પ્રૉબ્લેમ હોય છે. ઘણાં  પોતે જ બાળપણમાં શારીરિક કે માનસિક અત્યાચારનો ભોગ બન્યાં હોય છે, જેનું પુનરાવર્તન તેમના સંબંધમાં, તેમના પોતાના જીવનસાથી સાથે અને બાળકો સાથે તેઓ કરતાં હોય છે. ઘણી સ્ત્રીઓને સુવાવડ પછી માનસિક તકલીફ થાય છે. બાળકને કેવી રીતે હૅન્ડલ કરશે વગેરે ચિંતા થાય છે, જેને કારણે તે બાળકને મારી બેસે છે. મુખ્યત્વે આપણે એમ કહી શકીએ કે માનસિક રીતે અસ્થિર, ડિપ્રેસ્ડ વ્યક્તિ આવું કામ કરી શકે છે. અમને હજી એક બાબત લાગે છે એ છે દીકરી. દીકરી જન્મે એ પસંદ ન પડે એને કારણે તેને મા-બાપ મારી બેસે એવી શક્યતા નકારી શકાય નહીં. આપણે ત્યાં તો દીકરીને ગળું દાબીને મારી નાખવાની કે દૂધપીતી કરવાનો રિવાજ  આ જ સુધી ચાલ્યો આવે છે તો પછી તેને ઈજા પહોંચાડવી એ કોઈ મોટી વાત નથી. આહુતિ જોશીના કેસમાં પણ તેની મમ્મીને પહેલાં એક બાળકી છે અને પછી ટ્વિન્સ બાળકી જન્મી. તેમાંની એક તો જન્મ પછીના બાર દિવસમાં જ ગુજરી ગઈ, અને આહુતિ સાથે આવું બન્યું અને તે પણ મૃત્યુ પામી. ક્યાંક દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ અહીં પણ ઍપ્લિકેબલ નથી બન્યોને? આવી શંકા અસ્થાને તો નથી જ.

આઇડિયા ખોટો નથી

જો તમે બાળકને સારી રીતે ઉછેરી શકવાના નથી. તમારે બન્નેએ કામ કરવું જરૂરી છે. જો તમને બાળકની જવાબદારી ઉઠાવવી ગમતી નથી. તમારે પાંચ દિવસ કામ કરવું છે અને વીકએન્ડમાં પાર્ટી, પબ, ડિસ્કોમાં મજા કરવી છે, તો પછી ડબલ ઇન્કમ નો કિડ્સ (ડિન્ક)નો આઇડિયા ખોટો નથી. જો તમે બાળકનો યોગ્ય ઉછેર કરી શકવાનાં ન હો, જો તમારી માનસિક સ્થિતિ બરાબર ન હોય, જો તમારી આર્થિક સ્થિતિ પાતળી હોય, જો તમે જવાબદારી ઉઠાવવા સક્ષમ ન હો તો પછી બાળકને જન્મ આપવાનો તમને કોઈ અધિકાર નથી. બાળક તો પ્રભુની સોગાદ છે, તેનું જતન કરાય, તેને પ્રેમ કરાય, તેને હેત કરાય, તેની મારઝૂડ કરીએ તો પ્રભુ પણ માફ ન કરે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK