Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હવે તેઓ મોટાં થયાં, તેમને ખિજાવાય નહીં

હવે તેઓ મોટાં થયાં, તેમને ખિજાવાય નહીં

28 June, 2020 10:47 PM IST | Mumbai
Bhavya Gnadhi

હવે તેઓ મોટાં થયાં, તેમને ખિજાવાય નહીં

હવે તેઓ મોટાં થયાં, તેમને ખિજાવાય નહીં


આજના વિષય પર વાત શરૂ કરતાં પહેલાં કહેવાનું કે ઘણા લોકોને એવું લાગે છે કે હું ડાહી-ડાહી વાતો કરું છું અને થોડી વધારે પડતી સુફિયાણી સલાહ આપું છું, પણ મને લાગે છે કે આવું માનનારાઓ હકીકતમાં આપણા દેશના યંગસ્ટર્સને બહુ ઓછા ઓળખે છે અને તેમને આ યંગસ્ટર્સની બૌદ્ધિકતા, તેમની ઇન્ટેલિજન્સી અને તેમની થોટ-પ્રોસેસ વિશે ખબર નથી. હા, સાચું છે કે કેટલાક યંગસ્ટર્સ બહુ છીછરા છે કે પછી એકદમ ઉપરછલ્લી સોચ ધરાવે છે. તેમની પાસે પોતાના વિચારો વ્યક્ત કરવાની સાચી રીત નથી. તેમની પાસે શબ્દો નથી અને તેમની પાસે એ વ્યક્ત કરવા માટેની વાચા નથી, પણ આ બધાને લાગુ નથી પડતું. હું કહીશ કે આજનું યંગ જનરેશન બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક, જેની પાસે પોતાની સોચ નથી અને બીજો ભાગ એટલે એ કે જે પોતાની સોચમાં, પોતાના ડ્રીમમાં અને પોતાની ઍમ્બિશનમાં એકદમ ક્રિસ્ટલ-ક્લિયર છે. કદાચ હું, આ બીજી કૅટેગરીમાં આવતો હોઈશ એટલે મારી વાતમાં સ્પષ્ટતા છે અને મારી વાતમાં સ્પષ્ટતા છે એટલે ઘણાને એવું લાગતું હશે કે હું બહુ ડાહી-ડાહી વાતો કરું છું.

હું મારા ઘણા એવા ફ્રેન્ડ્સને ઓળખું છું જેઓ મારા કરતાં પણ વધારે ડાહી-ડાહી વાતો કરે છે અને એનો અમલ પણ કરે છે. મહત્ત્વનું એ જ છે કે તમે વાતો કરવાને બદલે એનો અમલ કરતા હો અને એ અમલ કર્યા પછી તમે બીજાને એનો અમલ કરવાની સલાહ આપતા હો. હું અહીં જેકાંઈ કહું છું એ જેન્યુઇનલી અમલ કરવામાં માનું છું અને એનો અમલ કર્યો હોય કે કરતો હોઉં એ પછી જ મેં મારા ફ્રેન્ડ્સને એ વાત કહેવાનું પસંદ કર્યું હોય છે.



વાત સિગારેટની આવે તો પણ મારી આંખો મોટી થઈ જાય અને વાત જો લિકરની હોય તો પણ મારી આંખો મોટી થઈ જાય. નૅચરલી, ડ્રગ્સની વાત આવે તો-તો મારા આખા બૉડીમાં કરન્ટ આવી જાય. ઘણાને મારો આ સ્વભાવ જોઈને નવાઈ લાગે છે, પણ એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મારે માટે આજે પણ આ બધાં વ્યસનો અકલ્પનીય જ છે. અડધી દુનિયાને જે સિગારેટ નાની વાત લાગે છે અને એ જ સિગારેટ મારે માટે આજે પણ બહુ મોટી વાત છે અને એ હોવી જ જોઈએ.


તમે ક્યારેય સિગારેટના બૉક્સ પર આવતા પેલા ફોટોગ્રાફને જોયો છે? ના, સિગારેટ પીનારાઓ પણ એ ફોટોને જો ધ્યાનથી જુએ તો ખરેખર તેને ધ્રુજારી ચડી જાય અને કાચાપોચા લોકોને એનાથી ચક્કર પણ આવી જાય, પણ આ રિયલિટી છે. સિગારેટ પીવાથી આપણા દેશમાં મૅક્સિમમ કૅન્સર થાય છે. તાતા કૅન્સર હૉસ્પિટલમાં જઈને એક વખત જોઈ આવશો અને ત્યાંના આંકડા મેળવશો તો ખબર પડશે કે આપણા દેશમાં મૅક્સિમમ કૅન્સર આ તમાકુ ખાવા કે એ ફૂંકવાથી જ થાય છે. આ મારા ઘરની વાત નથી, મારી કલ્પનાઓની વાત નથી. આ કૅન્સર હૉસ્પિટલના ફિગર્સ છે. બ્રેસ્ટ કૅન્સર કદાચ બીજા નંબરે છે અને બીજાં બધાં કૅન્સર એના પછીના ક્રમે છે અને એ બધા માટે લાઇફસ્ટાઇલ વધારે કારણભૂત છે, પણ ટબૅકોને લીધે થતા કૅન્સરમાં લાઇફસ્ટાઇલ બીજા નંબરે હોય છે, પહેલું કારણ તો આ ટબૅકો છે.

શરમની વાત એ છે કે આપણે સિગારેટ, માવા કે ગુટકાને એટલાં સામાન્ય ગણી લીધાં છે કે એ નહીં ખાવાની કે પછી સિગારેટ નહીં પીવાની વાત કરનારો આપણને અસામાન્ય લાગવા માંડે છે. તમે જુઓ તો ખરા, સિગારેટ જેવી વાત કર્યા પછી આપણે ત્યાં લોકોને એમ લાગે કે આ ભવ્ય વધારે પડતો ડાહી-ડાહી વાતો કરે છે. આદત રાખો, આદત હોવી જ જોઈએ. આદતને કારણે તો માણસ પોતાની જાતને કોઈ એક જગ્યા સાથે જોડાઈ રહે છે, પણ એ આદત કેવી હોવી જોઈએ એનો પણ વિચાર કરવો જોઈએ.


પહેલાંના સમયના લોકો અને આજના સમયના લોકો વચ્ચે બહુ મોટો ફરક છે. પહેલાંના લોકો આટલા એજ્યુકેટેડ નહોતા. પહેલાંના લોકો  પાસે આટલાં ગૅજેટ્સ નહોતાં અને ગૅજેટ્સ નહોતાં એટલે એની ઇન્ટેલિજન્સી આજ કરતાં પ્રમાણમાં વધારે પડતી સીમિત હતી પણ આજે, આજે એક નાનકડી વાતમાં લોકો તરત જ પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તરત જ ક્વેરી સૉલ્વ કરી લે છે. અરે, એટીએમ અને મોબાઇલ ગૅલરી પછી આઇફોનનું સર્વિસ સેન્ટર નજીકમાં ક્યાં છે એ જોવાનું કામ પણ હવે ગૂગલ કરી આપે છે ત્યારે નૅચરલી સિગારેટ જેવી લતનું નુકસાન કેવું છે એ જોવું હોય તો બહુ આસાન થઈ જશે, પણ પહેલાં એવું નહોતું અને એ પછી પણ જોવાની વાત એ છે કે પહેલાં આપણા દેશમાં કૅન્સરના પેશન્ટ્સ આટલા જોવા પણ નહોતા મળતા. આજે તમે જુઓ, કૅન્સર કેટલું સામાન્ય થઈ ગયું છે. કૅન્સરથી નહીં ડરનારા વીર પુરુષો પણ મેં જોયા છે અને તેમના મોઢે એવું પણ મેં સાંભળ્યું છે કે ‘એમાં શું થઈ ગયું, કૅન્સર આવશે તો મરીશું.’

...પણ આ બધી બોલબચ્ચનગીરી એકસાથે નીકળતી હોય છે અને આમ પણ આ બધું ત્યારે જ બોલી શકાય છે જ્યારે એ આવ્યું નથી હોતું. બાકી, જ્યારે એ આવે છે ત્યારે જે-તે વ્યક્તિ પોતે જેટલો હેરાન થાય છે એના કરતાં કદાચ ટેન-ટાઇમ હાયર-વે પર તેના ફૅમિલી-મેમ્બર હેરાન થાય છે. મેં મારા પપ્પા પાસેથી એક વાત સાંભળી છે કે ઇન્કમ-ટૅક્સની રેઇડ આવે એટલે જે-તે વ્યક્તિ ઓછામાં ઓછા ૧૦ વર્ષ પાછળ થઈ જાય. આ જ વાતને હું કૅન્સર-પેશન્ટની ફૅમિલી માટે કહેવા માગીશ કે ઘરમાં એક વ્યક્તિને આવો પ્રૉબ્લેમ આવે એટલે એ આખું ફૅમિલી ઓછામાં ઓછું ૧૦ વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. પૈસાથી ખુવાર થઈ જાય છે, સામાજિક સ્તરે પણ ખૂબબધું નુકસાન સહન કરવું પડે છે અને શારીરિક રીતે તો નુકસાન થાય જ છે.

સિગારેટ બહુ સામાન્ય છે. હા, બહુ સાચી વાત છે કે સિગારેટ બહુ સામાન્ય છે, પણ એ એટલે આટલી સામાન્ય લાગે છે કે હવે આપણે બધા અસામાન્ય થઈ ગયા છીએ. આપણને આવી કોઈ વાતની અસર થતી નથી. જડ જેવા બની ગયા છીએ અને આ જડતાને લીધે જ આપણને સિગારેટ હવે કૉમન લાગે છે. લાગે છે કે એમાં શું થઈ ગયું, એટલી તો આદત હોયને દીકરાને, પણ કેમ તમે એ નથી વિચારતા કે દીકરાને જે આદત લાગી છે એ સ્વર્ગની સીડી નહીં, પણ નર્કની યાતના લઈને આવે એવી છે. બીજાના દીકરાઓ તમારા દીકરાઓ કરતાં વધારે મોટી આદત રાખે છે એટલે તમે સિગારેટની ખબર પડ્યા પછી રાજી થઈને બેસી રહેશો તો એ નહીં ચાલે. તમારે જો તમારા દીકરાને સાચાંરસ્તે વાળવો હશે તો તેને સમજાવવો પડશે અને કહેવું પડશે કે ભલે જગતઆખાને આ સિગારેટ સામાન્ય લાગે, પણ આપણે માટે તો એ પહેલાં જેવી જ મોટી વાત છે અને એ અમારા ઘરમાં નહીં ચાલે. હું જ્યારે મારા ફ્રેન્ડ્સને આ બાબતમાં સમજાવવાની ટ્રાય કરું ત્યારે મારા ફ્રેન્ડ્સ મારા પર હસે. તેમને નવાઈ લાગે કે હું ફિલ્મ અને ટીવીમાં સાથે અસોસિયેટ છું પછી પણ આવી વાતોથી કેમ દૂર ભાગું છું, પણ મારું કહેવું એ છે કે મારે માટે એ કામ છે, એવું જ કામ જેવું કામ બાકીની બધી ઇન્ડસ્ટ્રીના લોકો કરે છે. એ ઇન્ડસ્ટ્રીની બૅડ હૅબિટ્સ મારામાં ન આવવી જોઈએ એની સમજદારી મને મારા પેરન્ટ્સે આપી છે. એ ઇન્ડસ્ટ્રીની જ શું કામ, બહાર સોસાયટીમાં રહેલી કોઈ ખરાબ આદત આપણામાં ન આવવી જોઈએ એની સમજદારી આપણામાં હોવી જોઈએ અને જો એ ન હોય તો પેરન્ટ્સે એ સમજદારી આપવી જોઈએ અને ધારો કે એ આપ્યા પછી પણ જો તમારાં સંતાનોમાં એ લત હોય તો એને કાઢવાની હિંમત પણ કરવી જોઈએ. યાદ રાખજો બધા, અમે મોટા થયા છીએ, પણ એટલા મોટા નથી થયા કે કંઈ ખોટું કરવા પર તમે અમને ડાંટી ન શકો એટલે મનમાં નહીં રાખો કે આ બધાને હવે આપણાથી ‌ખિજાઈ નહીં શકાય. ના, ખિજાઈ શકાય અને એ પણ ત્યાં સુધી જ્યાં સુધી અમે ભૂલો કરતા રહીએ.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 10:47 PM IST | Mumbai | Bhavya Gnadhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK