બાળકોને ઉછેરવાં બચ્ચાના ખેલ નથી

Published: 2nd November, 2011 20:43 IST

કહેવત છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ જન્મ થતાં જ બાળકને માની હૂંફ સાંપડે અને પિતાનો પ્યાર મળે એટલે દરેક માતા-પિતા પોતાની છત્રછાયા હેઠળ પોતાના બાળકને આગળ વધતું જોવા માગે છે. તેઓ પોતાનાં બાળકોને નૈતિક જ્ઞાનથી શૈક્ષણિક જ્ઞાન સુધીનો પ્રથમ પાઠ પોતે જ શીખવે છે. તેઓ પોતાનું બાળક એક સફળ વ્યક્તિની સાથે એક સારો નાગરિક પણ બને એવું ઇચ્છે છે.(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

બાળકોની દેખભાળ કરવી, લાલનપાલન કરવાં, તેમને મોટાં કરવા એ આસાન કામ નથી. લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. તેમણે કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એની સામે પોતાનાં બાળકોને પળે-પળે મોટાં થતાં જોઈ માતાપિતાને સંતોષ મળે છે. બધી જ તકલીફો નાની દેખાય છે. જો થોડી સમજદારીની સાથે બાળકોની પરવરિશ થાય તો તેમનો યોગ્ય વિકાસ થાય છે અને માતા-પિતા તથા બાળકો વચ્ચે સંબંધનો પાયો મજબૂત બને છે.

દરેક માતા-પિતા ઇચ્છે છે કે પોતાના બાળકની દેખભાળ કે સારસંભાળ કે પરવરિશમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે એટલે તેઓ તેને બને એટલી સુવિધા આપવા તત્પર રહે છે. તેઓ બાળક માગે એ ચીજ હાજર કરે છે, જ્યાં કહે ત્યાં ફરવા લઈ જાય છે એટલે મા-બાપને થાય છે કે અમે અમારા બાળકનો ઉછેર બહુ સારી રીતે કરીએ છીએ, પરંતુ ક્યારેક તેઓ થાપ ખાઈ જાય છે, કેમ કે બાળકને પૂરતો પ્રેમ, સમય ન આપવાથી કે તેમની પસંદ-નાપસંદનો ખ્યાલ ન રાખી શકવાથી બધા જ પ્રયત્નો નકામા બની જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારાં બાળકો તમારી બધી ઉમ્મીદો-આશાઓ પર પાર ઊતરે તો કેટલીક નાની-નાની વાતોનો અમલ કરવો જરૂરી છે:

પ્રેમનો અહેસાસ

બાળકને એવી આદત હોય છે કે પોતે બધાનું કેન્દ્ર બને એટલે માતા-પિતાનું ધ્યાન તે પોતાની તરફ ખેંચે છે. કેટલાંય નખરાં કરે છે, ડોળ કરે છે; કેમ કે તેને એવું લાગે છે કે તેનાં માતા-પિતા તેને પ્રેમ નથી કરતાં. બાળકોની આ અસલામતીની ભાવનાને ખતમ કરવા માટે માતા-પિતા બાળકોને પુષ્કળ પ્રેમ આપે. બાળકોની દરેક વાત ધ્યાનથી સાંભળે છે. તેની કોઈ પણ વાતને નકામી સમજીને અવગણવી નહીં. આમ કરવાથી બાળક પર ઊલટી અસર પડે છે એટલે તેની દરેક વાત સાંભળો તથા વાતો કરતી વખતે તેના હાવભાવ નિહાળો. એમાં રસ લો. સંવાદો દ્વારા તેને પુષ્ટિ આપો. તમારા તરફથી મળેલી આવી પ્રતિક્રિયાથી બાળક તમારા પ્રેમમાં સંતોષ મહેસૂસ કરશે, કેમ કે આજનું બાળક બહુ ચાલાક ને ચકોર છે. તેને તમારા પ્રેમનો, તમારી લાગણીનો અને તમારા વહાલનો જલદી અંદાજ આવી જાય છે.

પ્રોત્સાહન પણ જરૂરી

બાળકોને પ્રોત્સાહનની ખૂબ જ જરૂર હોય છે. મોટે ભાગે માતા-પિતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં પાછાં પડે છે. બાળક ૭૦ ટકા માર્ક્સ લાવ્યુ ંહોય તો તેમને ઓછા જ લાગે છે અને બોલે છે, તારે ૯૦ ટકા માર્ક્સ લાવવા જોઈએ; તો તું હોશિયાર ગણાય. આ વાત તદ્દન અયોગ્ય છે. આવું કહેવાથી બાળકનું મનોબળ નબળું પડે છે. તેનો આત્મવિશ્વાસ શિથિલ થઈ જાય છે એટલે ભણવાનું હોય કે ડ્રોઇંગ હોય કે ક્રાફ્ટ જોઈ તેને બે મીઠા શબ્દો કહી તેની કદર કરવી જોઈએ. પછી ભલે તેને ધીમેથી, પ્રેમથી સમજાવો કે તું તો ખૂબ હોશિયાર છો. અરે, આનાથી પણ વધારે સારું કરી શકે. તે ઉત્સાહથી તેણે કરેલું કામ બતાવવા આવે તો તેને વધાવો. કદર કરો. પ્રોત્સાહન આપો.

તમારી ઉમ્મીદ ન થોપો

મોટે ભાગે એવું જોવા મળે છે કે માતા-પિતા પોતાનાં અધૂરાં સપનાં બાળકો દ્વારા પૂરાં કરવાની કોશિશ કરે છે અને આમાં તેઓ ભૂલી જાય છે કે બાળક પોતે શું ઇચ્છે છે, તેની શી મરજી છે, તેને શેમાં રસ-રુચિ છે. આ બાબત જાણવી ખૂબ જરૂરી છે. કેટલાંક માતા-પિતા બાળકોને નાની-નાની બાબતો પર ટોક-ટોક કર્યા કરે છે, જેમ કે આ નહીં કર, પેલું નહીં કર, અહીં ન રમાય વગેરે. આવી વાતો બાળકોના મગજ પર વિપરીત પ્રભાવ છોડે છે એટલે તેને તેની પસંદગીની રમત અને કામ સ્વતંત્રતાથી કરવા દો. તે જે પણ કરે એ માટે તેને શાબાશી આપો. તમારી અધૂરી આશા અને ઇચ્છા તેની પર ન થોપો.

અસલામતીની ભાવના

ઘરનું વાતાવરણ સુમેળભર્યું હોવું જોઈએ. એમાંય જો દાદા-દાદી કે વડીલ સાથે રહેતા હોય તો બાળકમાં ક્યારેય અસાલમતી પ્રવેશતી નથી. સાત વર્ષની ઉંમરનાં બાળકો પોતાની આજુબાજુની વસ્તુઓ અને માહોલનું અનુકરણ કરતાં હોય છે એટલે તેમની સામે ક્યારેય મોટા અવાજે ન બોલો. જૂઠું ન બોલો, કેમ કે બાળક તમારી બધી વર્તણૂકને ખૂબ ધ્યાનથી અનુકરણ કરે છે, જેમ કે તમે ઘરમાં હો અને મોબાઇલ પર કામનો ફોન આવે અને તમે કહી દો કે હું ટ્રેનમાં છું કે રસ્તા પર છું. જો બાળક પાસે હશે તો તેના બાળમનમાં સવાલ ઊઠશે કે પપ્પા ઘરમાં છે અને જૂઠું કેમ બોલે છે અને જાણે-અજાણે આ સંસ્કાર તેના મનમાં દૃઢ થઈ જશે. વળી, તમે કોઈથી ડરતા હો તો તમારા ડરને બાળક સામે પ્રગટ ન કરો, કેમ કે જો તમે જ ડરતા હશો તો બાળક તમારાથી બમણું ડરશે જેને કારણે તેની અંદર અસાલમતીની ભાવના આવી શકે છે એટલે બાળકની સામે પૂરા આત્મવિશ્વાસની ભાવના સાથે રહો. તેને કોઈ ડર લાગ્યો હોય તો તેના ડરને ખાળવાનો-નાશ કરવાનો પ્રયત્ન કરો.

પસંદ-નાપસંદ

મોટે ભાગે બાળક ખાવાને લઈ આનાકાની કરે છે એટલે માતા-પિતા તેને પૂછ્યા કરે છે કે તને શું ભાવે છે, શું બનાવું, શું ખાઈશ. માતા તેને પૂછીને તેની પસંદનું ખાવાનું બનાવે છે. બાળક પ્રેમથી ખાય છે, પરંતુ પછી તેને આવી ટેવ પડી જાય છે એટલે તેને બધી જ જાતના સ્વાદનું ખાવાનું ખાતાં શિખવાડો. ક્યારેક તેની મરજી પ્રમાણે વર્તો, પરંતુ આવી ટેવ ન પાડો. તેને પ્રેમથી, કળથી, વાર્તા કહેતાં, બાળગીત ગાતાં કે વાતો કરતાં-કરતાં જમાડો. એમાં તે આત્મીયતા અનુભવશે.

દોસ્તીની સંગત

તમારા બાળકને મોટું થતાં દોસ્તોની જરૂર પડે છે. તમે પણ તેના સારા દોસ્ત બની શકો છો, પરંતુ એક વાતનો ખ્યાલ રાખો કે તમે તેનાં માતા-પિતા છો, કેમ કે તમારી વધુ દોસ્તીનું વલણ તમારી અને બાળકની વચ્ચેના આદરને ખતમ કરી નાખે છે એટલે થોડું અંતર જરૂર રાખો. વળી યાદ રાખો કે તેના દોસ્તો કેવા છે, તેની સંગતથી તેને કોઈ ખોટી ટેવ તો નથી પડતીને. તેનું નિરીક્ષણ કરતાં રહો. સારા દોસ્તની સારી સંગતથી બાળક સારા ગુણો અપનાવે છે. ‘બૂરી દોસ્તી બૂરા અંજામ...’ એવું ન બને એનું ખાસ ધ્યાન રાખો.

એક જ નિર્ણય કરો

આજનાં બાળકો બહુ ચાલાક હોય છે. તેઓ પોતાની વાત મનાવવા માટે જુદી-જુદી રીતે માતા-પિતાની મદદ લે છે, પરંતુ ક્યારેક કોઈ વાત પર તેને ના પાડવી પડે છે. હવે આ ના પાડવાનો નિર્ણય માતા-પિતા બન્નેનો હોવો જોઈએ. જો એક જણ ના પાડે અને બીજો હા પાડે તો બાળક દ્વિધા અનુભવે છે. એક જ વાત પર અલગ-અલગ રીતે ન સમજાવો. તમારી વાત સ્પષ્ટ કરો એટલે બાળક કન્ફ્યુઝ ન થાય. પાંચ વર્ષના આરવને બાઇક લેવું છે જે તેની ઉંમર કરતાં વધારે ગણાય. તેનાં મમ્મીએ તેને સમજાવીને ના પાડી, પરંતુ રાત્રે તેણે પપ્પા પાસે વાત રજૂ કરતાં તેમણે તરત જ હા પાડી દીધી. આ વાત યોગ્ય ન ગણાય. તે માગણી કરે કે તરત મંજૂર ન કરો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK