મ્યુઝિક કરીઅર તો જ બને જો એનું પૅશન તમને હોય

Published: Jul 22, 2020, 19:34 IST | Pankaj Udhas | Mumbai

રિયલિટી શો પછી સાચી રિયલિટી શરૂ થતી હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજે ખૂબ સરસ મ્યુઝિક પ્રોડ્યુસ થાય છે અને ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. ઘણા નવા કલાકારો સાથે મળીને ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને આગળ પણ આવું જ કામ થતું રહેવાનું છે, પણ મને એક વાત કહેવાનું મન થાય છે કે આજના કલાકારો ખૂબ ઝડપથી હાઇપ મેળવે છે, લોકચાહના મેળવે છે અને એ મેળવ્યા પછી સમય જતાં એ લોકો ગાયબ થઈ જાય છે. આ મુદ્દો આમ જોવા જઈએ તો છેલ્લાં લગભગ ૧૦-૧૫ વર્ષથી ચાલ્યો આવે છે. હું નામ નહીં લઉં, અનેક એવા સિંગર્સ છે જેમણે ખૂબ સરસ રીતે પોતાની કરીઅરની શરૂઆત કરી અને એ પછી તેમણે ખૂબ બધી લોકચાહના પણ મેળવી અને એની સાથોસાથ તેમણે એ બધું એકાએક ગુમાવી પણ દીધું. હું કહીશ કે આજના સમયમાં પહેલાં કરતાં તક ખૂબ વધી છે. બધાં જ ક્ષેત્રોમાં એવી પરિસ્થિતિ છે અને મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં પણ એવી સિચુએશન છે. આજે તક મેળવવી કે કામ મેળવવું પ્રમાણમાં ખૂબ સહેલું અને સરળ થયું છે. પહેલાંના સમયની સરખામણીમાં હવે બ્રેક પણ ઝડપથી મળી જાય છે અને પ્રસારનાં માધ્યમો પણ ખૂબ વધ્યાં હોવાથી પૉપ્યુલરિટી પણ બહુ ઝડપથી મળતી થઈ છે.
રેડિયો પહેલાં પણ હતો, પણ આજે એફએમ આવી ગયાં, પ્રાઇવેટ રેડિયો-સ્ટેશન ઊભાં થવાને લીધે એ માધ્યમ ખૂબ સ્ટ્રૉન્ગ થયું છે. ઑનલાઇન મ્યુઝિક પણ ખૂબ સંભળાય છે અને પહેલાં જે રેકૉર્ડ મળતી એ મોંઘી હતી, પણ હવે સીડી અને MP3ના સમયમાં મ્યુઝિક મળવું પણ સરળ બન્યું છે અને એ ખરીદવું પણ પ્રમાણમાં સસ્તું થયું છે એટલે એનો લાભ પણ ઇન્ડસ્ટ્રી અને સિંગર્સને મળ્યો છે છતાં આટલું સારું એક્સપોઝર મળતું હોવા છતાં આજે સાંભળેલું ગીત તમને ત્રણ-ચાર કે છ મહિના પછી સાંભળવા નથી મળતું. મોહમ્મદ રફી, મુકેશ, ગીતા દત્ત કે કિશોરકુમારનાં ગીતો તમે આજે પણ સાંભળો છો અને એ એટલા જ પ્રેમથી સંભળાય પણ છે, પરંતુ એની સામે હમણાંના જે સિંગર છે તેમનાં ગીતનું આયુષ્ય કેમ ટૂંકું ને શું કામ આપણને એ ગીતો યાદ પણ નથી રહેતાં અને એ ગીતોને શોધવા જવું પડે છે.
આમ જોવા જઈએ તો આ પ્રશ્નમાં જ એનો જવાબ છુપાયેલો છે એવું કહું તો ચાલે.
આજે તમે ટીવી શરૂ કરો અને હવે તો હું ટીવી પણ નહીં કહું, હું કહીશ કે આજે તમે કોઈ વિઝ્‍યુઅલ મીડિયમ એટલે કે ટીવી, ઑનલાઇન ચૅનલ, યુટ્યુબ જેવા માધ્યમ પર જાઓ તો તમને દેખાશે કે અઢળક રિયલિટી શોઝ ચાલી રહ્યા છે. અઢળક ટૅલન્ટ તમને ત્યાં જોવા મળે છે અને સાચું કહું તો એકથી એક સારા અને ચડિયાતા કહેવાય એવા સિંગર ત્યાં ગાતા હોય છે. ખૂબ મહેનત કરવામાં આવે છે અને સારામાં સારી રીતે તેમની ટૅલન્ટને બહાર લાવવામાં આવે છે. તેઓ જે ગીતો ગાતા હોય છે એ સાંભળીને ઘણી વાર તો થઈ આવે કે મૂળ ગીત કરતાં, ઓરિજિનલ સૉન્ગ કરતાં પણ વધારે સારી રીતે એ ગીત આ સિંગરે ગાયું છે. આ રિયલિટી શો ત્રણથી ચાર મહિના ચાલે. ૩૦ સિંગરથી શરૂઆત થઈ હોય અને છેલ્લે ટૉપ-ફાઇવ સુધી સિંગર પહોંચે અને પછી એમાંથી વિનર ફાઇનલ થાય. આમ જોઈએ તો આ ત્રીસેત્રીસ ગાયકો પણ નામ, કામ અને દામ બધું મેળવી જ ચૂક્યા છે, કારણ કે ઑડિયન્સે તેને આટલો સમય સુધી જોયા છે. બીજું શું થાય કે રિયલિટી શોના ટાઇમ દરમ્યાન પ્રોડ્યુસર બીજી સિટીમાં પણ એ સિંગરની ટૂર ગોઠવે, જેને લીધે જે લોકો આ પ્રકારના વિઝ્‍યુઅલ મીડિયમથી દૂર હોય છે એ લોકો પણ તેને ઓળખતા થઈ જાય છે અને રિઝલ્ટ એ આવે છે કે સિંગર્સનું માન્યામાં ન આવે કે પછી ધારી ન શકાય એવું મોટું ફૅન-ફૉલોઇંગ ઊભું થઈ જાય છે, જેને લીધે સ્વાભાવિક રીતે બધાને એવું લાગે કે પોતે આસમાન પર છે અને એવું જ હોય છે, પણ હકીકત તો ત્યારે શરૂ થાય જ્યારે રિયલિટી શો પૂરો થઈ જાય.
બને છે એવું કે તેમની સાચી સ્ટ્રગલ હવે શરૂ થાય છે. ચાર મહિના તેમણે આટલી ફેમ, પ્રોત્સાહન, નામ, દામ, સાહ્યબી મેળવી અને હવે તેમનો વારો આવી ગયો કરીઅરને રીલ્ડ કરવાનો અને આવા સમયે બીજી પણ ઘણી વાસ્તવિકતા આંખ સામે આવે. આવા સમયે ઉતાવળ ન ચાલે. માણસ એક વખત ચાંદ પર જઈને આવ્યો હોય, ચાંદનો સ્પર્શ કરીને પાછો આવ્યો હોય તેને ફરીથી તમે સ્ટ્રગલ કરવાનું કહો તો નૅચરલી એ તેમને માટે અઘરું થઈ જવાનું. આ સિચુએશન એવી છે જેમાં તેને બધા ઓળખે છે, પિછાણે છે, પણ એમ છતાં તેમની પાસે કામ નથી. આ પિરિયડમાં તેમણે સાચી સ્ટ્રગલ કરવાની છે અને કામ મેળવવાનું છે. હવે તેને પબ્લિકના વોટ્સ મળવાના નથી. આ વોટ્સ ત્યારે જ મળવાના છે જ્યારે હવે તેમની પાસે કામ હશે અને તેનું નવું કામ લોકોને ગમશે.
આ એક આખી પ્રોસેસ છે અને આ પ્રોસેસમાંથી બધાએ પસાર થવાનું છે. કોઈ એમાંથી બચી ન શકે. મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં મારે પણ આ પ્રોસેસમાંથી પસાર થવાનું બન્યું છે અને બીજા સિંગર્સને પણ આ બન્યું જ છે. મારા મોટા ભાઈ અને જાણીતા સિંગર મનહર ઉધાસની સ્ટ્રગલને મેં ખૂબ નજીકથી જોઈ છે એટલે હું આ કહી શકું છું. જીવનમાં સ્ટ્રગલ અત્યંત મહત્ત્વની છે અને એ જો શરૂઆતના તબક્કામાં આવી જાય, કોઈની ઓળખાણ ન હોય એવા સમયે આવી જાય તો એ લાભદાયી હોય છે.
રિયલિટી શો ખૂબ સારું કામ કરે છે એની ના નહીં, પણ એના પર કરીઅરનો બધો મદાર રાખી શકાય એવું નથી. રિયલિટી શો ત્રણ મહિના ખર્ચે છે અને આ સમયમાં એ સ્ટારને પોતાની કૅપેસિટી મુજબ, તેનામાં રહેલી ટૅલન્ટ મુજબ તેને સ્ટાર બનાવે છે. રિયલિટી શો ઊંચી ટીઆરપી માટે પૂરતી મહેનત કરે છે, પણ પર્સનલ લાઇફની ટીઆરપી ઊંચી લઈ જવામાં જો કોઈ ઉપયોગી બનતું હોય તો એ માત્ર ને માત્ર ટૅલન્ટ છે. ટૅલન્ટ અને ડેડિકેશનથી જ તમે તમારી ટીઆરપી વધારી શકો. માન્યું કે આ ખૂબ લાંબી અને ટાઇમ-ટેકિંગ પ્રોસેસ છે અને એને માટે બધાએ તૈયાર રહેવું પડશે. ટૅલન્ટેડ કલાકારે પણ પોતાની જાતને પૂરતો સમય આપવો જ પડશે અને ઑડિયન્સ કે પછી ફૅમિલી-મેમ્બરે પણ આ કામ કરવું જ પડશે. ટાઇમ આપવો પડશે અને આ સમય દરમ્યાન એમાં પોતાની જાતને પુરવાર કરવા માટે ધીરજ રાખવાનું કામ પણ સિંગરે કરવું પડશે. સફળતા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો જ નથી. માત્ર અને માત્ર હાર્ડવર્ક અને એ પણ પૂરતા ડેડિકેશન સાથેનું હાર્ડવર્ક. યાદ રાખજો કે મ્યુઝિક કે પછી કોઈ પણ આર્ટ-કરીઅર ત્યારે જ બને જ્યારે એને માટેનું પૅશન તમારામાં હોય, તમે એને માટે ઝનૂનપૂર્વક ઝઝૂમી શકતા હો. શોખ અને ઝનૂન વચ્ચે મોટો ભેદ છે અને આ ભેદ ઓળખવો પડશે.
જીવનમાં પરીક્ષા ક્યારેય પૂરી નથી થતી અને એવું જે માની લે છે એ ક્યારેય મજબૂત સફળતા સુધી પહોંચી નથી શકતો. દરેક તબક્કે પરીક્ષા આવશે અને એ પરીક્ષામાં ધીરજ ખૂટી જાય એવી પરિસ્થિતિ પણ ઊભી થશે, પરંતુ એ બધા વચ્ચે સહેજ પણ નાસીપાસ થયા વિના લડવાનું છે, ઝઝૂમવાનું છે. રિયલિટી શો પૂરો થયા પછી સાચી રિયલિટી શરૂ થાય છે, જેમાં ખરા અર્થમાં મહેનત કરવાની હોય છે અને એ મહેનત સાથે યાદ રાખવાનું છે કે તમારી સાથે જે બાકીના ૨૯ સ્પર્ધકો હતા એ પણ બેસ્ટ જ છે અને એ પણ પોતાનું બેસ્ટ પુરવાર કરવાના છે. આ વાત મનમાં સ્ટોર થયેલી હશે તો એક લાભ થશે. તમે તમારામાંનું અતિબેસ્ટ કહેવાય એવું લઈને જ સ્ટ્રગલ કરશો અને ધીરજ રાખવાનું પણ શીખી જશો. ધીરજ એટલી જ રાખવાની છે જેટલી રિયલિટી શોના ઍલિમિનેશન રાઉન્ડ વખતે રાખવામાં આવતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK