Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ

એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ

05 August, 2020 01:58 PM IST | Mumbai
Pankaj Udhas

એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગઝલ હંમેશાં બૉલીવુડમાં રહી છે અને એક સમય એવો હતો કે આપણી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ધુરંધર કહેવાય એવા મોહમ્મદ રફી, તલત મેહમૂદ, લતા મંગેશકર, આશા મંગેશકર પણ ફિલ્મ માટે ગઝલ ગાતાં. ૫૦થી ૭૦-૮૦ના સમયને તમે જોશો તો એમાં તમને દેખાશે કે ગઝલ માટે ફિલ્મમાં ખાસ જગ્યા બનાવવામાં આવતી અને ગઝલ ઇન્કૉર્પોરેટ કરવામાં આવતી. એ સમયે ગઝલનો ગુલાબી સમય ચાલતો હતો એવું કહી શકાય. એ દિવસોમાં મ્યુઝિક-કંપની પણ ગઝલને ખૂબ ગંભીરતાથી લેતી અને રેકૉર્ડ-કૅસેટના વેચાણમાંથી જે પ્રૉફિટ થતો એ પ્રૉફિટ નવા આર્ટિસ્ટને તૈયાર કરવામાં અને તેમને લૉન્ચ કરવામાં ખર્ચાતી. સીડીનું માર્કેટ આવ્યું ત્યાં સુધી આ સિસ્ટમ ચાલતી હતી. મ્યુઝિક ઇન્ડિયાની વાત કરું તો મ્યુઝિક ઇન્ડિયાએ આપણા દેશને કેટલા ગઝલ-સિંગર આપ્યા. અઢળક અને એમાં મારો પણ સમાવેશ છે, પણ એ પછી જેવું મ્યુઝિક ઑનલાઇન મળવાનું શરૂ થઈ ગયું અને ફ્રી ડાઉનલોડિંગ શરૂ થઈ ગયું કે તરત જ આ નવા સિંગર પાછળ થનારાં ઇન્વેસ્ટમેન્ટ્સ બંધ થઈ ગયાં. પર્સનલી મારું માનવું છે કે મ્યુઝિક કૅસેટ-સીડી અને ડીવીડીનું સેલ બંધ થયા પછી જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને લીધે જ આજે નવા ગઝલ-સિંગરો ઓછા જોવા મળે છે અને આ પ્રકારની ટૅલન્ટ હવે ઘટવા માંડી છે.

ગઝલ સાહિત્યનો એક મહત્ત્વનો હિસ્સો છે એ ક્યારેય કોઈએ ભૂલવું ન જોઈએ. ગઝલની સાચી મજા જો કોઈ ભાષામાં હોય તો એ ઉર્દૂ છે. જો ગઝલની સાચી મજા લેવી હોય તેણે ઉર્દૂ ભાષા અને સાહિત્યને સમજવું જોઈએ, કવિતાને પારખવી જોઈએ. ઉર્દૂ સાથે ઘરોબો કેળવ્યા વિના તમે ક્યારેય ગઝલને માણી ન શકો. ગઝલ સાંભળવાનું કામ નથી, એ માણવાનું કામ છે અને ગઝલ માણવી હોય તો એને માટે ઉર્દૂનું જ્ઞાન હોવું જોઈએ. અમારા સમયમાં ઉર્દૂ શાયર સાથે બેસીને એ ભાષાની મીઠાશને સમજવા અને એના ભાવાર્થને સમજવાના પ્રયાસ થતા. ૪૦ વર્ષ પહેલાં તો ઉર્દૂ એક વિષય જ હતો અને બૉલીવુડમાં એનું ઇમ્પોર્ટન્સ સૌકોઈને સમજાતું. ફિલ્મોના ડાયલૉગ્સમાં અને ગીતોમાં ઉર્દૂ શબ્દો આવતા અને એ શબ્દો કાનમાં જાણે કે વાંસળી વાગતી હોય એવી સરસ રીતે ઓગળી જતા, પણ હવે એવું નથી રહ્યું. હવેનાં ગીતો કાં તો હિન્દી હોય છે, કાં તો ટપોરી હિન્દી હોય છે અને કાં તો અંગ્રેજી હોય છે. છેલ્લા થોડા સમયથી હિન્દી-ઇંગ્લિશના મિશ્રણવાળી હિંગ્લિશનું ચલણ પણ વધ્યું છે. આ બધાથી બન્યું છે એવું કે ભાષા બહુ સરળ થઈ ગઈ, પણ ભાષામાંથી ઉર્દૂ જબાન દૂર થઈ ગઈ અને ઉર્દૂ જબાન દૂર થઈ એટલે આપણી જે ગઝલ સાથેની યારી હતી એ પણ હવે ખૂટવા માંડી છે.
આજના વેસ્ટર્ન મ્યુઝિક સામે મારો કોઈ વિરોધ ક્યારેય હતો જ નહીં અને આજે પણ હું એનો વિરોધ નથી કરતો. કોરોના વાઇરસનું આક્રમણ થયું એ પહેલાં હું અમેરિકાની ટૂરમાં હતો. એ ટૂર વખતે પણ મને ત્યાંના મ્યુઝિક માટે પૂછવામાં આવ્યું હતું અને મેં પણ આ જ સવાલ અમેરિકામાં વસતા ભારતીયોને પૂછ્યા હતા. આપણે આ વેસ્ટર્ન મ્યુઝિકને ખૂબ જ સરળતા સાથે આસાનીથી સ્વીકારી લઈએ છીએ અને એ જ દેખાડે છે કે આપણે મ્યુઝિક માટે હંમેશાં તૈયાર હોઈએ છીએ, પણ એ બધાની સાથે એ પણ એટલું જ સાચું છે કે દિવસ પૂરો થયા પછી જ્યારે પણ શાંતિની જરૂર હોય છે ત્યારે આપણે ફરીથી જમીન પર આવીને આપણું પોતાનું મ્યુઝિક સાંભળીએ છીએ. અહીં જ નહીં, અમેરિકામાં પણ એ જ માહોલ છે. આખો દિવસ જૅઝ અને રૉક સાંભળી લેનારી આપણી એનઆરઆઇ ફૅમિલીમાં પણ શાંતિ માટે આપણું ઇન્ડિયન મ્યુઝિક જ પ્રિફર કરવામાં આવે છે અને એટલે આપણા આર્ટિસ્ટની લાઇવ કૉન્સર્ટ અહીં જેટલી સક્સેસ હોય છે એના કરતાં વધારે સારો રિસ્પૉન્સ તેમને વિદેશમાં મળે છે.
હું માનું છું કે આપણે ક્યારેય આપણાં રૂટ્સને ભૂલ્યા નથી. આજે આપણે શાંતિ માટે આપણાં રૂટ્સ પાસે આવીએ છીએ પણ મને પૂરો વિશ્વાસ છે કે એક સમય એવો આવશે કે આપણે ફરીથી આપણા મ્યુઝિક પાસે આવીશું અને આપણે એ મ્યુઝિકનું મહત્ત્વ પહેલાંની જેમ જ સમજીશું. આપણા મ્યુઝિકમાં પાવર છે અને આપણા મ્યુઝિકમાં ફાઉન્ડેશન પણ છે. એનાથી દૂર જવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી છે, કહોને કે એ શક્ય પણ નથી. એનું તમને એક નાનકડું ઉદાહરણ આપું...
નાઇટ ક્લબમાં જશો ત્યારે તમને ત્યાં ઇન્ટરનૅશનલ મ્યુઝિક સાંભળવા મળશે, પણ એ નાઇટ ક્લબને છોડીને તમે બીજી કોઈ પણ જગ્યા જુઓ. તમને ક્યાંય એવું મ્યુઝિક સાંભળવા નહીં મળે. કાં તો તમે ગાડીમાં જતા હો તો તમે એ સાંભળી શકો, પણ જો એમાં પણ તમારી સાથે વધુ લોકો હોય તો એ લોકો એ ઇન્ટરનૅશનલ મ્યુઝિક નહીં સ્વીકારે અને જો સાંભળવા તૈયાર થઈ જશે તો લાંબો સમય તેઓ એ નહીં સાંભળે. અમુક સમય પછી તમે બૉલીવુડ કે ક્લાસિક કે લાઇટ કે રીજનલ મ્યુઝિક તરફ વળી જ જાઓ અને એ સાંભળવાનું મન પણ તમને અંદરથી જ થાય.
***
હું એવું કહેતાં ખચકાઈશ નહીં કે આજનું જનરેશન વધારે હોશિયાર છે અને વધારે ટૅલન્ટેડ છે. આ જનરેશન ટેક્નોસૅવી છે એ પણ એટલું જ સાચું છે અને તેમને સમયની વૅલ્યુ પણ ખૂબ સારી રીતે સમજાય છે એની ના નહીં, પણ હા, એ પણ એટલું જ સાચું છે કે આજની પેઢી સામે ખૂબબધા ઑપ્શન્સ છે એ વાત તેમને વધારે મૂંઝવણમાં મૂકવાનું કામ કરે છે. આ પણ કરવું છે અને પેલું પણ કરવું છે, પેલું પણ કરવું છે અને આ પણ કરવું છે. આમ બધું મેળવવાની વાત તેમનામાં સતત રહ્યા કરે છે જેને લીધે બને છે એવું કે પેલી અંગ્રેજી કહેવત જેવી પરિસ્થિતિ આવી જાય - જૅક ઑફ ઑલ, માસ્ટર ઑફ નન. આજના જનરેશન પાસે સ્પષ્ટતા નથી એવું કહેવામાં મને વધારે પડતું નથી લાગતું. તેમને માટે મને સહાનુભૂતિ છે અને તેમને માટે મારી લાગણીઓ છે, પણ એ પણ એટલું જ સાચું છે કે આ જનરેશન કરતાં અમે અમારા વિઝન અને સપનાંઓની બાબતમાં વધારે સ્પષ્ટ હતા. શું કરવું, કેમ કરવું અને કેવી રીતે આગળ વધવું એ બાબતમાં અમે વધારે ઝીણવટથી વિચારતા અને બધું કરી લેવાની લાયમાં હાથમાંથી બધું જાય એવું કરવાને બદલે જે દિશામાં આગળ વધવું હોય એ દિશા વિશે જ વિચારવાનું કામ કરતા.
મને ગઝલના ક્ષેત્રમાં આગળ વધવું હતું, પણ એ પહેલાં મને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાવાં હતાં. એને માટે સંઘર્ષ કર્યો, પણ જે સમયે એવું દેખાઈ આવ્યું કે આ સંઘર્ષનું કોઈ યોગ્ય પરિણામ નથી આવતું એટલે તરત જ મેં મારી ગાયકીની દિશા ચેન્જ કરીને ગઝલને પ્રાધાન્ય આપવાનું અને એને માટે મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. આમ પણ પહેલેથી જ હું ગઝલ સારી ગાતો, પણ મારા માટે એ પ્રથમ ક્રમે નહોતી. ફિલ્મનાં ગીતો મારે માટે પ્રાયોરિટી પર હતાં, પણ સમય જતાં પ્રાયોરિટી ચેન્જ કરવી પડે અને એ કરવામાં જો તમે ભૂલ કરી બેસો તો બીજું બધું ગુમાવવાનો વારો પણ આવી જાય. એક વણમાગી શીખ આપવાની આજે ઇચ્છા છે કે બધું મેળવવાની લાયમાં રહેશો તો જે તમારે માટે બન્યું છે એ પણ નહીં મેળવી શકો એટલે બધું મેળવવાની ચિંતા કર્યા વિના તમે જેને માટે બન્યા છો એ મેળવવાનો પ્રયાસ કરો અને એ પણ પૂરા ખંતથી. સફળતાની કોઈ લિફ્ટ હોતી નથી, એ જોઈતી હોય તો એને માટે મહેનત જ કરવી પડે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2020 01:58 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK