આજનો આ ડિજિટલ યુગ બન્યો મ્યુઝિકની અવસાન નોંધ

Pankaj Udhas | Jan 09, 2019, 09:36 IST

ડિજિટલ યુગે પાઇરસીના બધા રસ્તા ખોલી નાખ્યા અને એટલે કલાકારોની મહેનત મફતમાં ડાઉનલોડ થવા માંડી

આજનો આ ડિજિટલ યુગ બન્યો મ્યુઝિકની અવસાન નોંધ
પ્રતીકાત્મક તસવીર

દિલ સે દિલ તક 

સીડીનો આ દોર સરસ રીતે ચાલ્યો અને લાંબો ચાલ્યો, પણ એની મર્યાદા એ જ હતી કે એમાં સીમિત માત્રામાં ગીતો સમાતાં, જેને લીધે લોકોએ ખૂબબધી સીડી ખરીદવી પડતી અને એ પોતાની સાથે રાખવી પડતી. નવાં-નવાં સંશોધનો ચાલુ જ હતાં અને એ સંશોધનોને કારણે જ સીડી કાળ દરમ્યાન જ નવા બે યુગ આવ્યા. એક DVDનો અને બીજો MP3નો. ડDVDની સ્ટોરેજ કૅપેસિટી મોટી હતી એટલે એની પૉપ્યુલરિટી વધી તો બીજો ફાયદો એ પણ હતો કે DVDની ક્લૅરિટી સીડી કરતાં વધારે સારી હતી. જોકે એ જે વધારે સ્પષ્ટતા હતી એ બહુ જૂજ લોકો જ સમજી શક્યા હતા, બાકી મોટા ભાગનાઓને તો એમાં જ રસ હતો કે DVDમાં કન્ટેન્ટ વધારે આવે છે અને એ કન્ટેન્ટને જ કારણે આ DVD લોકોમાં વધારે પૉપ્યુલર થઈ. કન્ટેન્ટને કારણે DVD ચાલી એટલે નવેસરથી પ્રયાસો શરૂ થયા કે કેવી રીતે વધારેમાં વધારે કન્ટેન્ટ આ નાનકડી કચકડાની પ્લેટમાં ભરી શકાય.- અને એમાંથી જ MP3નો આવિષ્કાર થયો.

MP3 આવવાથી એવી અવસ્થા આવી કે જેણે ડિજિટલ દુનિયાને છુટ્ટો દોર આપી દીધો. યાદ રાખજો, મ્યુઝિક પ્રોડ્યુસ કરતી અનેક કંપનીઓ છે, પણ એ કંપનીઓએ ઑફિશ્યલી MP3 બનાવી હોય અને માર્કેટિંગ કર્યું હોય એવા જૂજ દાખલાઓ છે. MP3એ આવીને પાઇરસીની બજારને બહુ મોટી હવા આપી દીધી અને એ હવાએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ખરાબ રીતે પછડાટ આપવાનું કામ પણ કર્યું. MP3ને લીધે જ એવી અવસ્થા પણ આવી કે જેણે ઑફિશ્યલ સીડી અને DVDનું માર્કેટ ખતમ કરવાનું શરૂ કરી દીધું. MP3થી સામાન્ય કસ્ટમરને એવું લાગતું હતું કે તેને લાભ થઈ રહ્યો છે, પણ કમ્પþેસ્ડ થયેલા મ્યુઝિકની ક્વૉલિટીને ખાસ્સી ખરાબ અસર થતી હતી અને એ ખરાબ અસરની કોઈને સમજ નહોતી પડતી. મને લાગે છે કે આપણી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીને નુકસાન થવાનું શરૂ આ MP3 થી થયું. એ પછી તો એ દોર પણ ખાસ્સો લાંબો ચાલ્યો. એક MP3માં એક સાથે વીસ-બાવીસ આલબમ આવી જાય એટલે એટલા પૈસા બચાવ્યાનો આનંદ લોકો લેવા માંડ્યા, પણ એ કોઈએ વિચાર્યું નહીં કે આને લીધે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને બહુ મોટું નુકસાન જશે, મ્યુઝિકને નુકસાન થશે અને કલાકારોને ગેરલાભ પહોંચશે.

MP3 પછી શરૂ થયો એ યુગ એટલે ડિજિટલ યુગ. હું કહીશ કે આ ડિજિટલ યુગે તો MP3 કરતાં પણ વધારે ખરાબ અવસ્થા ઊભી કરી. MP3માં તો ચાલીસ-પચાસ અને સો રૂપિયાની MP3 ખરીદવાની વાત પણ હતી, પણ ડિજિટલ યુગે તો એ ખર્ચ પણ કાઢી નાખ્યો અને મફતમાં ડાઉનલોડ કરવાનો સમય આપી દીધો. બીજા શબ્દોમાં કહું તો લોકો કલાકારની મહેનત મફતમાં લેવા માંડ્યા અને એમાં તેમને અફસોસ પણ નહોતો થતો. આજે ઓછામાં ઓછી પાંચસોથી વધારે એવી વેબસાઇટ છે કે જ્યાંથી ફ્રીમાં મ્યુઝિક ડાઉનલોડ થાય છે. આ ડાઉનલોડ થતા મ્યુઝિકની ક્વૉલિટી માટે કોઈને કંઈ ફિકર નથી, કલાકારની મહેનત અને સાજિંદાઓની મહેનત પર કોઈએ ધ્યાન આપવું નથી. બધા એક જ કામ કરે છે- મફતમાં ડાઉનલોડ કરીને પેનડ્રાઇવમાં કે કમ્પ્યુટરમાં લઈ લે અને જ્યાં સુધી ગમે ત્યાં સુધી એ મ્યુઝિક સાંભળે અને પછી નવેસરથી બીજું મ્યુઝિક ડાઉનલોડ કરી લે. હું કહીશ કે આ ડિજિટલ યુગે સૌથી વધારે નુકસાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને જ પહોંચાડ્યું. અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ડિજિટલ યુગ આવ્યો, પણ કલાકારોને એનું નુકસાન થયું નથી. ત્યાં મફતમાં મ્યુઝિક ડાઉનલોડ કરવાની માનસિકતા પણ કોઈની નથી. પાઇરસી પણ કરવામાં નથી આવતી અને એવું કોઈ સજેશન આપે તો તેની સાથે વાત કરવાનું પણ એ લોકો છોડી દે છે. સિદ્ધાંત હોવા જોઈએ જીવનમાં, સિદ્ધાંત વિનાનું જીવન હોય પણ ન શકે.

ડિજિટલ યુગે પાઇરસીનું પ્રમાણ ખૂબ વધારી દીધું. ફિલ્મો અને મ્યુઝિકને એનું સૌથી મોટું નુકસાન થયું છે, પણ આપણે અત્યારે માત્ર મ્યુઝિકની વાત કરીએ. ડિજિટલ યુગને લીધે બન્યું એવું કે ધીરે-ધીરે સીડીનું વેચાણ બંધ થવા માંડ્યું. પહેલાં DVDએ અને પછી MP3એ આ વેચાણ ઘટાડી નાખ્યું હતું, પણ ડિજિટલે તો એ વેચાણ સાવ બંધ જ કરાવી દીધું. પરિસ્થિતિ એ આવી કે સીડીના વેચાણમાં જેનું નામ સૌથી પહેલું લેવાતું એ પ્લૅનેટ પ્ જેવા ખાસ્સા ખમતીધર સ્ટોર પણ બંધ થવા લાગ્યા. અંગ્રેજીમાં એક કહેવત બહુ જાણીતી છે, લાસ્ટ નેઇલ ઑન ધ કૉફિન.

ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું લૅન્ડમાર્ક ગણાય એવું, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું કાશી ગણાય એવું રિધમ હાઉસ પણ બંધ થયું અને એ બંધ થવા પાછળનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો એ જ કે ડિજિટલ યુગે ઘોર ખોદવાની શરૂ કરી દીધી હતી. જુઓ, તમે બધા એકબીજાનો ભોગ લેતા આવ્યા છે. લૂપમાં આવતી ટેપનો જીવ લેવાનું કામ રેકૉર્ડે કર્યું તો રેકૉર્ડનો ભોગ લેવાનું કામ કૅસેટે કર્યું. કૅસેટ મધ્યાહ્ને પહોંચી ત્યાં સીડી આવી અને સીડીએ કેસેટનો જીવ લઈ લીધો. સીડી યુગ ચાલતો હતો ત્યારે જ DVD અને MP3 આવ્યાં અને એણે સીડીને માર્કેટમાંથી હટાવી દીધી અને એ પછી ડિજિટલ યુગ આવ્યો, આ ડિજિટલ યુગે મ્યુઝિક સ્ટોરને માર્કેટમાંથી હટાવી દીધા.

આ પણ વાંચોઃ સફર CDથી MP૩ સુધીની

સંગીતની દુનિયામાં આવી રહેલા તમામ ચડાવ-ઉતારમાં ક્યાંક તો એને સાંભળનારો વર્ગ પણ સંકળાયેલો છે. જો તમે પાઇરસીને મહત્વ ન આપો તો પાઇરસી માર્કેટ ક્યારેય ચાલવાનું નથી. જો તમે ક્યારેય પાઇરસી થયેલું મ્યુઝિક ડાઉનલોડ ન કરો તો નૅચરલી મ્યુઝિકની પાઇરસી થવાની નથી. પાઇરસી ત્યારે જ શક્ય છે જ્યારે એ ચીજ ડિમાન્ડમાં હોય. તમે ક્યારેય ફ્લૉપ ફિલ્મ કે મ્યુઝિકની પાઇરસી નહીં જુઓ. ડિમાન્ડ હોય એની જ પાઇરસી થાય. પાઇરસીના રસ્તે ચાલવાનું કામ ખરેખર અયોગ્ય છે. હિટ અને ફ્લૉપને પણ હું સેકન્ડરી માનું છું, કારણ કે સૌથી પહેલાં તો તમારે કલાકારોની મહેનત જોવાની હોય અને એ મહેનતને રિસ્પેક્ટ આપવાનો હોય. આજે અનેક એવી જગ્યાઓ છે જ્યાં તમે આ મ્યુઝિક ફ્રીમાં સાંભળી શકો છો. એફએમ રેડિયોનું માર્કેટ ખૂબ મોટું બની ગયું છે, ઑફિશ્યલ રાઇટ્સ લઈને અમુક વેબસાઇટ્સ કે મોબાઇલ ઍપ્લિકેશન પર ગીતો સાંભળવા મળે છે. એ રીતે સાંભળો અને જો એ પછી તમને ગમે તો ઓરિજિનલ રાઇટ્સ સાથેનું મ્યુઝિક ખરીદો.

એક આલબમ તૈયાર કરવામાં કેટલી મહેનત પડે છે, કેટલો સમય લાગે છે એના વિશે જરા કલ્પના કરજો. આપણે હમણાં વાત કરતા હતા એ ‘નાયાબ લમ્હેં’ના પહેલા વિચારથી એ આલબમ રિલીઝ કરવામાં આવ્યું ત્યાં સુધીના સમયની વાત કરું તો ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગ્યું છે. દોઢ વર્ષની લગાતાર મહેનત પછી એ આલબમ તૈયાર થયું છે અને તૈયાર થયેલા એ આલબમમાં ઓછામાં ઓછા પચાસ લોકોની મહેનત છે અને એ મહેનત જો કોઈ પાઇરસીથી પાંચ મિનિટમાં મેળવી લે તો એનું દુખ અચૂક થાય. આપણે ત્યાં હવે પાઇરસી માટેના કાયદાઓ કડક બની રહ્યા છે. પાઇરસી કરતી અમુક વેબસાઇટ્સ પર હવે પ્રતિબંધ મૂકવાનું શરૂ થયું છે જે સારી વાત છે, પણ એમ છતાં પણ હજી અનેક બાબતમાં આપણે વધારે સ્ટિક્ટ થવાની જરૂર છે.

આ પણ વાંચોઃ આપ જિનકે કરીબ હોતે હૈં

બહારથી પાઇરસી થઈ રહી છે એને મટીરિયલ પહોંચાડવાનું કામ આપણે ત્યાંથી જ થતું હોય છે, એ પણ રોકવું જોઈએ જેથી મ્યુઝિકને પહેલાં હતું એ સ્થાન મળે, કલાકારોને પહેલાં મળતું એ પ્રકારનું સન્માન મળે અને તેમની કદર થાય. આજે કલાકારોની કદર થાય છે પણ તેમની કલાની કદર થતી ઓછી થઈ ગઈ છે અને આ હકીકત છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK