ઉસકી શખ્સિયત હી કુછ ઐસી થી ગર દિલ ના દેતા તો જાન ચલી જાતી

Published: Sep 16, 2020, 18:33 IST | Pankaj Udhas | Mumbai

બિનાકા ગીતમાલામાં પહેલી વાર નૉન-ફિલ્મી સૉન્ગ વાગ્યું અને એક નવો જ રેકૉર્ડ બન્યો

અમીન સાયાની
અમીન સાયાની

મ્યુઝિકની સફર મારી શરૂ ક્યાંથી થઈ એના વિશે જો વાત કરવાની હોય તો મારે છેક મારા બચપણમાં જવું પડે. આમ જોઈએ તો મને લાગે છે કે અમને ભાઈઓને મ્યુઝિકનો વારસો જો કોઈની પાસેથી મળ્યો હોય તો એ છે મારા ફાધર કેશુભાઈ એવું હું કહી શકું. મારા ફાધરને અમે મ્યુઝિક વગાડતા જોતા અને અમને ખૂબ મજા આવતી. મારા ફાધર ક્યાંથી અને કેવી રીતે મ્યુઝિક શીખ્યા એ બહુ લાંબી અને ઇન્ટરેસ્ટિંગ વાત છે.
મારા ફાધરના ફાધર એટલે કે અમારા દાદા ભાનવગર સ્ટેટના ડેપ્યુટી દીવાન હતા. દૂર-દૂર સુધી ક્યાંય તેમને મ્યુઝિક કે કલા સાથે સંબંધ નહીં. હિસાબકિતાબના માસ્ટર અને એટલે જ તેઓ ભાવનગરના મહારાજાનો બધો કારભાર સંભાળતા. મારા ફાધરની ઉંમર એ સમયે ઘણી નાની. તેઓ ત્યારે સ્કૂલમાં ભણતા. દાદા દીવાન હતા એટલે મારા ફાધરની ભાવનગરના મહારાજાના પૅલેસમાં અવરજવર રહેતી. એ સમયે પૅલેસમાં સારંગીવાદક અબ્દુલ કરીમ ખાંસાહેબની પણ અવરજવર રહેતી અને તેઓ મહારાજાની મહેફિલમાં આવી પોતાની કલાનું પ્રદર્શન કરતા. હું અત્યારે જે ખાંસાહેબની વાત કરું છું તેમના વિશે અગાઉ આ કૉલમમાં લખી ચૂક્યો છું. ખાંસાહેબ કિરાના ઘરાનાથી જોડાયેલા હતા. સારંગી ઉપરાંત પણ અનેક બીજાં વાદ્યો પણ તેઓ ખૂબ સરસ વગાડી જાણે. ખાંસાહેબને સારંગી વગાડતા જોઈને મારા ફાધરને પણ ઇચ્છા થઈ કે તેઓ પણ સારંગી શીખે.
મારા ફાધરે જઈને ખાંસાહેબની સામે જીદ પકડી કે હું પણ આ શીખું. ખાંસાહેબે તેમને સમજાવ્યું કે તમે દીવાનના દીકરા છો એ વાત સાચી, પણ આ સારંગી શીખવાનું કામ એટલું આસાન નથી અને એ વગાડવું પણ સહેલું નહીં. મારા ફાધર એમ છતાં તેમની પાસેથી વગાડવાનું શીખ્યા. એ સમયે ખાંસાહેબે તેમને બેઝિક શીખવ્યું હશે એવું મને આછું-આછું યાદ છે, પણ પોતાનો વગાડવાનો આ શોખ મારા ફાધરે વર્ષો સુધી અકબંધ રાખ્યો. દરરોજ સાંજે તેઓ ઘરે પાછા આવે એટલે ફ્રેશ થઈને પોતાનું વાજિંત્ર લઈને બેસી જાય અને જુદા-જુદા રાગ લઈને પોતાની રીતે એને વગાડે. આ તેમનો વર્ષોનો ક્રમ હતો. અમારા જન્મ પછી પણ આ ક્રમ અકબંધ રહ્યો. તેઓ વગાડવા બેસે એટલે અમે પણ એ સાંભળીએ, અમને મજા પણ આવે. એ સમયે તો અમે બહુ નાના હતા, પણ તેમને વગાડતા જોયાની સ્મૃતિ આજે પણ અકબંધ છે.
આ દૃષ્ટિએ હું મારા સંગીતના ગુરુના પ્રથમ ક્રમે મારા ફાધરને મૂકું છું. તેમની સંગીત પ્રત્યેની જે લાગણી હતી એ લાગણી અમારામાં આવી અને અમે એ દિશામાં કામ કર્યું. બધાના ફાધર એવું ઇચ્છતા હોય કે તેમનો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને, પણ મારા ફાધરે અમારા પર આ બાબતે ક્યારેય દબાણ નથી કર્યું. ધાર્યું હોત તો તેઓ પણ આ બાબતમાં પ્રેશર કરી શકતા હતા, પણ એવું તેમણે કર્યું નહોતું. તેમની વાત બહુ સ્પષ્ટ હતી કે તને મન થતું હોય તો તું ડૉક્ટરી કર અને બનવું હોય તો તું એન્જિનિયર બન, પણ કર એ જ, જેનું તને મન થતું હોય. હું તો એ સમયે પણ સિંગર જ બનવા માગતો હતો, એ સમયે પણ ગઝલ જ ગાવા માગતો હતો. જરા વિચારો કે એ સમયે કોઈને એવું કહીએ કે હું ગઝલ ગાઈને જિંદગી ચલાવીશ તો કોઈ માને જ નહીં કે આ રીતે જીવી શકાય, પણ મારાં માતાપિતા મારી સાથે રહ્યાં અને તેમણે કોઈ જાતનો વિરોધ કર્યો નહીં. વિરોધ થયો નહીં એટલે જેકંઈ કરવું હતું એને માટે પૅશન ઉમેરાતું ગયું અને જીવનમાં પૅશન ખૂબ જરૂરી છે. પ્રભુ ચાવલા નામના એક ખૂબ જ જાણીતા ટીવી-જર્નલિસ્ટ સાથે તેમના ‘સીધી બાત’ નામના કાર્યક્રમ માટે મળવાનું થયું ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે ૫૦ વર્ષની ઉંમરે પણ પ્રેમને કેન્દ્રમાં રાખીને ગઝલ આલબમ કેવી રીતે બનાવી શકાય. આ સવાલના જવાબમાં મેં કહ્યું હતું, પૅશન. જો પૅશન હોય તો ૭૦ વર્ષે પણ આ શક્ય છે, કારણ કે કલાકાર ક્યારેય વૃદ્ધ થતો નથી.
હમણાં થોડા સમય પહેલાં એક ઑનલાઇન ઇન્ટરવ્યુમાં મને મારી કરીઅરને લઈને આવો જ એક સવાલ પુછાયો ત્યારે મેં જવાબ આપ્યો હતો કે મારી કરીઅરને જો કોઈએ ડ્રાઇવ કરી હોય તો એ પૅશન છે, સંગીત માટેનું ઝનૂન છે. એ જવાબ પછી જ મને આ આર્ટિકલ લખવાનું મન થયું હતું, સૂઝ્‍યું હતું.
પૅશન ન હોય તો ક્યારેય કોઈ કામ થઈ શકે નહીં. એક સમયે હું સંઘર્ષથી થાકી-હારીને નીકળી ગયો અને અમેરિકા-કૅનેડા સ્થાયી થવાનો પણ વિચાર કરવા માંડ્યો હતો, પણ ત્યાં મને ટકાવી રાખવાનું કામ તો મ્યુઝિકે જ કર્યું હતું. શરૂઆતમાં ઘણાં કામો કર્યાં પણ બે-ચાર નાના પ્રોગ્રામ પછી તો સંગીત જ મારી કરીઅર બની ગઈ અને એક વર્ષ પછી નસીબ મને ફરી ઇન્ડિયા લાવ્યું અને ૧૯૭૭ની જાન્યુઆરીમાં પાછો આવીને મેં સ્ટ્રગલનો નવો દોર શરૂ કરી દીધો. આ નવા દોર સાથે નવી એનર્જી પણ હતી અને એ એનર્જી વચ્ચે જ મેં નવાં મ્યુઝિક-આલબમ બનાવવા માટે પણ શરૂઆત કરી. આજે તમને ખબર છે કે સવારે સીડી રેકૉર્ડ કરો, સાંજે તમે એને રિલીઝ પણ કરી શકો અને રાત સુધીમાં તમે મૅક્સિમમ સિટીમાં એ પહોંચાડી પણ શકો, પરંતુ એ સમયે એવું નહોતું. એ સમયે આલબમ માટે ખાસ્સી એવી જહેમત લેવી પડતી અને એ જહેમત જ જીવન છે એવું પણ મેં મનમાં ઠસાવી દીધું હતું. તમે જો હિંમત હાર્યા વિના કામે લાગેલા રહો તો તમને સફળતા મળે જ મળે. મેં ગાયકી ક્ષેત્રે કરીઅરની શરૂઆત કરી હતી અને મારું પહેલું આલબમ એક્ઝૅક્ટ ૧૦ વર્ષ પછી છેક ૧૯૮૦માં આવ્યું. ‘આહટ’ એનું ટાઇટલ.
મેં કહ્યું એમ, એ સમયે હું બિલકુલ નવી દિશામાં આગળ વધતો હતો એટલે જે એસ્ટૅબ્લિશ્ડ હતા તેઓ પણ ૧૦૦ વાર વિચારતા કે આને સપોર્ટ કરવો કે નહીં. જેકોઈ પ્રકારે ગઝલ ગવાતી હતી એના કરતાં સાવ નવી જ રીતે ગઝલ ગાયકી શરૂ કરી હતી મેં. જ્યારે પણ તમે નવું કરવાની કોશિશ કરો ત્યારે દુનિયા તમને સરળતાથી સ્વીકારે નહીં. એવી પણ ફરિયાદો સાંભળી મેં કે આ ગઝલ ગાતો જ નથી અને એવી પણ ફરિયાદ સાંભળી કે આ તો ગીત પણ નથી, પણ હકીકત એ જ છે કે આજે પણ આપની સામે છું.
પૅશનની સાથે નસીબે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને મને લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ મળતા રહ્યા છે, જેનો લાભ હું લેતો રહ્યો. ‘આહટ’ પછી ૧૯૮૧માં ‘મુકરર’ આલબમ આવ્યું, જેમાં ‘સબ કો માલૂમ હૈ મૈં શરાબી નહીં...’ અને ‘ઝરા આહિસ્તા ચલ...’ જેવી ખૂબ જ પૉપ્યુલર થયેલી ગઝલો હતી અને એ આલબમ લૅન્ડમાર્ક બની ગયું. ૧૯૮૩માં ‘મહેફિલ’ નામનું આલબમ આવ્યું જેમાં ‘દિલ ધડકને કા સબબ યાદ આયા...’ અને ‘કઠિન હૈ રાહ ઝરા સાથ ચલો...’ જેવી ગઝલ આવી અને એ આલબમ પણ ખૂબ પૉપ્યુલર થયું. અગાઉ મેં કહ્યું હતું એમ, એ પછી ‘પંકજ ઉધાસ લાઇવ ઇન રૉયલ આલ્બર્ટ હૉલ’ આલબબ આવ્યું અને ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા’ આવી અને વધુ નવી ઊંચાઈઓ મળી.
એ દિવસોમાં ‘બિનાકા ગીતમાલા’ નામનો એક શો આવતો, બહુ પૉપ્યુલર શો હતો, જેમાં ટોચનાં ૧૦ ગીત વાગે. આ શોમાં નૉન-ફિલ્મ ગીતની મનાઈ હતી. આખું વર્ષ પૂરું થાય એ પછીના વર્ષના છેલ્લા શોમાં વર્ષનાં સૌથી પૉપ્યુલર ગીતો વાગે. ૧૯૮૪ના ડિસેમ્બરમાં એક નંબરનું ફિલ્મ સૉન્ગ વાગ્યા પછી અમીન સાયાનીએ જ એવું કહ્યું હતું કે પૉપ્યુલરિટીના ચાર્ટ આ મુજબનો છે, પણ એનાથી પણ એક સ્ટેપ આગળ જો કોઈ હોય તો એ છે આ નઝ્‍મ, ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’

આ શોમાં પહેલી વખત નૉન-ફિલ્મ સૉન્ગ વાગ્યું હતું. એ પછી ૧૯૮૫માં ‘નાયાબ’ આલબમ આવ્યું જેમાં ‘એક તરફ ઉસકા ઘર, એક તરફ મૈં ખડા...’ અને ‘નિકલો ના બેનકાબ, ઝમાના ખરાબ હૈ...’ ગઝલ હતી. એ આલબમની પાછળ તરત જ ‘આફરીન’ આલબમ આવ્યું, જેણે બધા રેકૉર્ડ તોડ્યા. ૧૯૮૬માં નવી દિશા મળી અને ‘નામ’ સાથે ‘ચિઠ્ઠી આઇ હૈ...’ આવ્યું તો ૧૯૯૦માં ‘સાજન’નું ટાઇટલ સૉન્ગ આવ્યું.
નસીબને કારણે આ રીતે આગળ વધવા મળતું રહ્યું અને પૅશન સાથે હું એ તક ઝડપતો રહ્યો.

ગોલ્ડન મોમેન્ટ્સ- ‘બિનાકા ગીતમાલા’માં પહેલી વાર એવું બન્યું કે અમીન સાયાનીએ કહ્યું કે બધાં ગીતો કરતાં પણ વધારે પૉપ્યુલર જો કોઈ હોય તો એ પંકજ ઉધાસની નઝ્‍મ, ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK