આપણે ત્યાં જે સ્તરનું મ્યુઝિક છે એટલું જગતભરમાં ક્યાંય નથી

Published: 23rd December, 2014 05:33 IST

મ્યુઝિકની બાબતમાં હું ભારત અને ભારતીયને સૌથી સમૃદ્ધ માનું છું. હર કોઈ પ્રાંત પાસે એનું અલાયદું સંગીત છે અને એ સંગીતની સાથોસાથ હર કોઈ પ્રાંત પાસે એની પોતાની ઓળખનાં લોકગીતો છે.સ્પેશ્યલ કમેન્ટ - શિવકુમાર શર્મા, સંતૂર વાદક

કાશ્મીર પાસે ત્યાંનું મ્યુઝિક, ત્યાંનાં ગીતો અને ત્યાંનો એક વિશેષ લહેકો છે તો ગુજરાત પાસે પોતાનો સંગીત-વારસો છે. મહારાષ્ટ્ર પાસે પોતાનું સંગીત છે અને રાજસ્થાન પાસે પણ પોતાનું મ્યુઝિક-કલ્ચર છે. આપણે ખરેખર સંગીતની બાબતમાં જગતભરમાં સૌથી વધારે સમૃદ્ધ છીએ. આપણી પાસે જેટલું અને જે સ્તરનું મ્યુઝિક છે એટલું જગતભરમાં ક્યાંય નહીં હોય એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. સારી વાત એ છે કે આપણા પોતાના મ્યુઝિકની સાથોસાથ આપણે એ બધા મ્યુઝિકના કૉમ્બિનેશન સાથે બનેલા બૉલીવુડના મ્યુઝિકને પણ એટલા જ પ્રેમથી આવકારીએ છીએ અને એ મ્યુઝિકને આવકારવાની સાથોસાથ આપણે વર્લ્ડ મ્યુઝિકને પણ સ્વીકારીએ છીએ. મારી દૃષ્ટિએ દુનિયાના અન્ય કોઈ દેશો આ રીતે ઓપન માઇન્ડ સ્પેસ નહીં ધરાવતા હોય.

હું હંમેશાં કહેતો રહ્યો છું કે તાનસેન ન હોય તો ચાલી શકે, પણ વ્યક્તિ કાનસેન તો હોવી જ જોઈએ. મ્યુઝિકમાં આપણે ત્યાં જે વૈવિધ્ય છે એ વૈવિધ્ય જ દેખાડે છે કે આપણે ત્યાં મૅક્સિમમ લોકોને મ્યુઝિકની પરખ છે, જ્ઞાન છે. કાં તો એ પીરસતાં અને કાં તો પીરસાયેલું સંગીત સાંભળતાં આવડે છે. આપણા જેટલું સંગીતનું જ્ઞાન પણ દુનિયામાં ભાગ્યે જ કોઈ બીજી પ્રજાને હશે એવું મારું માનવું છે.

બૉલીવુડ મ્યુઝિકમાં પૉપ્યુલરિટીની અસર છે એટલે એ મ્યુઝિકને બચાવવાનું કામ કરવું પડે એવું મને ક્યારેય લાગતું નથી, પણ મારું અંગતપણે માનવું છે કે પ્રાંતીય સ્તરના સંગીતને બચાવવાનું કામ કરવું જોઈએ. જેમ કૉર્પોરેટ સેક્ટરમાં વિદેશી કંપનીઓનું આક્રમણ થતું રહ્યું છે અને સરકારી નીતિઓ દ્વારા રાષ્ટ્રીય કંપનીઓને બચાવવાની નીતિ ઘડવામાં આવે છે એ જ રીતે પ્રાંતીય સંગીતને બચાવવાની પણ સરકારની નીતિ બનવી જોઈએ અને એને ફૉલો પણ કરવી જોઈએ. કલાને કોઈ સીમારેખા ન હોવી જોઈએ. મારું કહેવું એવું નથી કે બહારના મ્યુઝિકને રોકવું જોઈએ. ના, સહેજ પણ નહીં. બ્રિટની સ્પિયર્સ લોકોને ગમતી હોય તો એ ભલે બધા સાંભળે, પણ એ બ્રિટનીની સામે રાજસ્થાન કે આસામ કે ગુજરાત કે મહારાષ્ટ્રના સ્થાનિક ગાયકોને પણ પૂરતો ન્યાય મળવો જોઈએ. તેમને પર્ફોર્મ કરવાની તમામ સગવડો રાજ્ય સરકારે ઊભી કરવી જોઈએ, જે કરવામાં હંમેશાં રાજ્ય સરકાર અને અમુક અંશે કેન્દ્ર સરકાર નિષ્ફળ જાય છે. જો આપણે આપણા કલ્ચર સાથે જોડાયેલા મ્યુઝિકને બચાવવામાં નિષ્ફળ જઈશું તો એક દિવસ એવો આવશે કે આપણું એ મ્યુઝિક સાવ ભુલાઈ જશે અને એ મ્યુઝિક સાથે જોડાયેલા કલાકારો પણ વીસરાઈ જશે. આવું ન થવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK