Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈન તીર્થ શત્રુંજયમાં જ જૈન સાધુ-સાધ્વી સુરક્ષિત નહીં?

જૈન તીર્થ શત્રુંજયમાં જ જૈન સાધુ-સાધ્વી સુરક્ષિત નહીં?

20 January, 2019 09:00 AM IST | મુંબઈ
અલ્પા નિર્મલ

જૈન તીર્થ શત્રુંજયમાં જ જૈન સાધુ-સાધ્વી સુરક્ષિત નહીં?

પાલિતાણામાં છે સમસ્યાઓ

પાલિતાણામાં છે સમસ્યાઓ


સોરઠની ભોમકા સંતોની ખાણ કહેવાય છે. ગુજરાત રાજ્યનો આ પ્રદેશ અનેક સાધુઓ, સંતો, મહાત્માઓની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એવી સત્વશાળી ભૂમિમાં ભાવનગર પાસે આવેલું શત્રુંજય તો જૈનોનું શાશ્વતું ર્તીથ છે, પણ આ ર્તીથમાં જ જૈનોનાં સાધુ-સાધ્વીઓ સુરક્ષિત નથી. અહીંના ડોળીવાળાઓ, રિક્ષાવાળાઓ, નાની-મોટી લારી-હાટડી-ગલ્લાવાળાઓ શ્રમણ-શ્રમણીઓ પર થૂંકે છે, એલફેલ બોલે છે, અભદ્ર હરકતો કરે છે, દાદાગીરી કરે છે, મારી નાખવાની ધાકધમકીઓ પણ આપે છે. એમાંય છેલ્લા બે મહિનામાં અહીં સાધ્વીજીઓની છેડતી કરવાના, પીછો કરવાના, હલકી હરકતો અને બીભસ્ત ચેનચાળા કરવાના તેમ જ સાધ્વીનો વિનયભંગની કોશિશના સાતથી આઠ બનાવ બન્યા છે.

૧૧ જાન્યુઆરીએ પાલિતાણાના દર્શન બંગલામાં બિજારમાન આચાર્ય વિમલસાગરસૂરિ મહારાજસાહેબ સાથે પાલિતાણાની તળેટીનાં દર્શન કરવા ગયેલા શ્રાવકોને ત્યાંના ડોળીવાળાના યુનિયનના અધ્યક્ષ મનાભાઈ રાઠોડનો વરવો અનુભવ થયો. જૈન ભક્તો તળેટીથી થોડે ઉપર આવેલી જૈનોની સરસ્વતીમાતાની દેરીએ દર્શનાર્થે ગયા ત્યાં તો આ મનાભાઈ રાઠોડ અને એ સ્થળે બંધાયેલા પ્રગટનાથ મહાદેવના સાધુએ જાત્રાળુઓને અહીં કેમ આવ્યા કહીને ધમકાવ્યા. યાત્રાળુઓએ સરસ્વતીમાતાની દેરી અમારી છે, અહીં દર્શન કરવા આવ્યા છીએ એમ કહેતાં આ બેઉ જણ એવા ગિન્નાયા કે યાત્રાળુઓને મારવા જ આવ્યા. વિમલસાગરસૂરિ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બધી બબાલ થતાં મારા સિક્યૉરિટી ગાર્ડ્સને મેં એ સ્થળે શ્રાવકોને છોડાવવા મોકલ્યા. ત્યાં તો પેલી બેઉ વ્યક્તિઓ તેમની પાછળ આવી અને ર્તીથને બાળી નાખીશું, ધર્મશાળાઓ બાળી નાખીશું એવી ધમકીઓ આપી.’



શ્રાવકોએ આ ઘટનાનો પોલીસમાં જ્ત્ય્ નોંધાવતાં પોલીસે તે બેઉની ધરપકડ કરી અને ટૂંક સમયમાં જ તેઓ બેઇલ પર છૂટી ગયા. વિમલસાગરસૂરિ મહારાજસાહેબે વધુમાં કહ્યું હતું કે ‘આ બનાવ એક દિવસનો નથી. અહીં દરરોજ દાદાગીરીના આવા કિસ્સા બને છે. ડોળીવાળાઓ જાણીજોઈને સાધુ-સાધ્વીને પોતાની લાકડીઓ મારે, રિક્ષાવાળાઓ રિક્ષા અડાડી જાય, કોઈ તેમને જરાક કંઈ કહે એટલે સાધુ-સાધ્વીઓ પર થૂંકે અને હાંસી ઉડાવે, જેમ-તેમ બોલે એવું કેટલાય સમયથી ચાલે છે અને ચાલતું જ રહ્યું છે. અત્યારે સૌથી ખોફનાક વાત એ છે કે હવે અહીં ખુલ્લેઆમ સાધ્વીજીઓના શીલ પર હુમલા થવાનું વધી રહ્યું છે. સાધ્વીઓ ડરની મારી, શરમની મારી ક્યાંય કોઈ ફરિયાદ નથી કરતી એટલે તેમની કનડગત કરવાનું પ્રમાણ વધ્યું છે.’


પાલિતાણામાં આઘોઈવાળી ધર્મશાળામાં સ્થિત કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં સાધ્વી ચિત્તપ્રસન્નાશ્રીજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૩ સાધ્વીઓ અહીં છીએ. એમાં બે સિનિયર છીએ. બાકીની ૧૧ સાધ્વીઓ ૩૦ વર્ષની નાની ઉંમરની છે. અહીં ૧૧ મહિનાની સ્થિરતામાં અમારી નાની સાધ્વીઓ સાથે એવા બનાવો બન્યા છે કે ધર્મશાળાની બહાર પગ મૂકતાં તેઓ ડરે છે. એક વખત અમારી બે સાધ્વી સવારે ૧૦ વાગ્યે ધર્મશાળાની બહાર કામસર નીકળી ત્યારે એક રિક્ષાવાળાએ સતત તેમનો પીછો કર્યો. ઉપરથી અભદ્ર બોલવાનું તો ચાલુ જ હતું. એ જ રીતે એક વખત ડોળીવાળા અને રિક્ષાવાળા જાણીજોઈને અમને અથડાયા. અમે તેમને કહ્યું એટલે તેઓ તરત થૂંક્યા અને ભેગા મળીને એવી મશ્કરી કરી કે આપણાથી ત્યાં ઊભા ન રહી શકાય. આવું ફક્ત અમારી સાથે નથી થયું, પાલિતાણામાં અનેક સાધ્વીઓ સાથે બન્યું છે. થોડા દિવસ પહેલાં અહીંની એક વ્યક્તિએ બીજા સમુદાયની એક સાધ્વીને પકડીને તેનો વિનયભંગ કરવાની કોશિશ પણ કરી હતી. આવા કિસ્સામાં બે-ત્રણ સાધ્વીઓ સાથે હોય તો પણ શું પ્રતિકાર કરી શકે? અરે, ફક્ત સાધ્વીઓ જ નહીં, અહીં ૯૯ યાત્રા કરવા આવતી ૧૫થી ૨૦ કે બાવીસ વર્ષની છોકરીઓ સાથે પણ આવું બહુ બની રહ્યું છે. તેમને જ્યાં-ત્યાં સ્પર્શે, ગંદી કમેન્ટ પાસ કરે. યાત્રા કરવા આવતી કિશોરીઓ બિચારી શું કરે? અમે પણ સાધ્વીઓ શું કરીએ? ક્યાં ફરિયાદ કરીએ? કોને રાવ કરીએ? આમેય શરમ અને આવી હરકતથી હેબતાઈ ગયાં હોઈએ ત્યારે કોણ પોતાની ઓળખ આપીને મારી સાથે આમ થયું એવું છડેચોક જાહેર કરે? આજના સમયમાં jાીઓને પોતાની રક્ષા કરવી દુષ્કર થતી જાય છે, પણ અમે તો જૈનોના ગઢમાં છીએ. જૈનોના ર્તીથમાં જ જૈન

સાધુ-સાધ્વી સુરક્ષિત નહીં એ કેવું?’


દોલતસાગરસૂરિ મહારાજના સમુદાયના પાલિતાણાના આગમમંદિરમાં સ્થિત હર્ષસાગરસૂરિ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શત્રુંજય સાધુ-સાધ્વીઓનું આશ્રયસ્થાન ગણાય. અશક્ત, વડીલ, બીમાર કે એકલાં સાધુ-સાધ્વીઓ પાલિતાણામાં સ્થિરવાસ કરે છે એ પ્રથા અનેક વર્ષોથી ચાલતી આવે છે. તેમની વૈયાવચ્ચ, ગોચરી, દવા તેમ જ બીજી જરૂરિયાતોનું ધ્યાન રાખતી સંસ્થાઓ અહીં છે, પણ સુરક્ષા માટે કોઈ જોગવાઈ નથી.’

અહીંનો વહીવટ સંભાળતી કલ્યાણજી આણંદજી પેઢી આ બાબતસર કેમ કંઈ નથી કરતી? એના જવાબમાં હર્ષસાગરસૂરિ મહારાજસાહેબે કહ્યું હતું કે ‘પેઢીનું કામ ગિરિરાજ પરનાં દેરાસરો અને પ્રતિમાઓ સંભાળવાનું છે. ત્યાં પણ પૂજારીઓના, સુરક્ષાના પારાવાર પ્રfનો છે. એ કારણસર એ આવી તકલીફો પરત્વે બહુ ધ્યાન નથી આપી શકતી. યાત્રાળુઓ અહીં મોટા પ્રમાણમાં આવે છે, પણ બે-ચાર દિવસ માટે. આથી તેઓ પણ તેમની સાથે અજુગતું થાય, સામાનની ચોરી થાય કે કોઈ હેરાનગતિ થાય તો સહન કરી લે છે અને ફરિયાદો કરતા નથી. રહી વાત સાધ્વીજીઓ સાથે થતા અભદ્ર વ્યવહારની. તો તેઓ બહુ-બહુ તો સાધુઓને ફરિયાદ કરે, બાકી કોને કહે. પહેલાં આવા કિસ્સા બનતા જ હતા. ત્યારે પણ એની ફરિયાદ નહોતી થતી અને પગલાં નહોતાં લેવાતાં. આવાં જ કારણોસર અસામાજિક તત્વોનો દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ને અનિચ્છનીય બનાવો બનતા રહે છે.’

તો સૉલ્યુશન શું? એના જવાબમાં હર્ષસાગરસૂરિ મહારાજસાહેબે કહ્યું હતું કે ‘પોલીસ, નગરપાલિકા અને સરકારી તંત્રે કડપ વધારવો જોઈએ. સરકારે ખાસ ધ્યાન આપીને આ પ્રfનોના નિરાકરણ માટે સખત કાર્યવાહી કરવી જોઈએ. ૧૯૭૦ના દાયકામાં જ્યારે પાલિતાણા ગામની વસ્તી ૨૫,૦૦૦ની હતી ત્યારે અહીં ૫૦ પોલીસો હતા. આજે સ્થાયી વસ્તી સવા લાખની છે. ઉપરાંત દરરોજના હજારો યાત્રાળુઓનું આવાગમન હોવા છતાં પોલીસોની સંખ્યા ૫૦ જ છે. સરકાર દ્વારા તળેટી રોડ પર પોલીસચોકી બનાવવામાં આવી છે જે સ્ટાફના અભાવે મોટા ભાગે બંધ જ રહે છે.’’

પોલીસ, સરકારની કડક નીતિ ઉપરાંત સાધ્વીજીઓની સુરક્ષા માટે પાલિતાણામાં રહેતા જે-તે જ્ઞાતિઓના મુરબ્બીઓ અને મોવડી સાથે વાતચીત કરવાનો ઉકેલ સૂચવતાં પાલિતાણાની વિશા નીમા જૈન ધર્મશાળામાં સ્થિત ઓમકારસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય ભગવંત ભાગ્યેશવિજયસૂરિ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સમસ્યા બહુ ગંભીર છે, પરંતુ ઉકળાટ દર્શાવવાથી એનું નિરાકરણ થશે નહીં. બેઉ પક્ષ સામસામે આવવાથી બાજી બગડશે. અમારો કોઈ વર્ગ કે કોમ સામે વિદ્રોહ નથી. અમારો વિરોધ અસામાજિક તkવો સામે છે ત્યારે આ સમાજની મુખ્ય વ્યક્તિઓને મળીને આપણી ફરિયાદ કરી શકાય. આ વર્ગને પણ ખબર છે કે તેમને જૈનો થકી જ સમૃદ્ધિ અને સંપત્તિ મળી છે અને મળે છે. આથી જૈન શ્રાવક-શ્રાવિકોઓને કે સાધુ-સાધ્વીઓને કનડવાથી તેમને લાભ નથી થવાનો. હા, તેઓ જે ર્તીથનું કામ કરે છે એના નિયમો અને મર્યાદા પાળવાં કમ્પલ્સરી છે એ વાતનો અમલ કરાવવો જરૂરી છે. એ સાથે જ સાધ્વીઓની સુરક્ષા વિશે દરેક સમુદાય અને ગચ્છનાં સાધુ-સાધ્વીજીએ એકમત થઈને નક્કર નતીજા પર આવવું પણ એટલું જ જરૂરી છે. સિદ્ધગિરિ પર થતી આશાતના વિશે આમ તો દરેક ગચ્છનાં સાધુ-સાધ્વીઓ સહમત છે. બસ, એના કયા ઉપાયો અમલમાં મૂકવા એ વિશે મતમંતાર થઈ રહ્યા છે. જોકે સુરક્ષાના મુદ્દામાં સહમતી સાધવી જરૂરી છે. અમે બે-ત્રણ દિવસમાં જ પાલિતાણામાં ઉપસ્થિત બધા સાધુભગવંતો સાથે મીટિંગનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એમાં જૈન શ્રમણ-શ્રમણીઓની સુરક્ષા માટેનાં નક્કર પગલાં મુદ્દે વિચારણા કરીશું.’

વિમલસાગરસૂરિ મહારાજે પાલિતાણાની વિવિધ સમસ્યાઓ વિશે ભાવનગરના કલેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને પત્રો લખ્યા છે. વિમલસાગરસૂરિએ કહ્યું હતું કે ‘અમે એકાદ-બે દિવસ રાહ જોઈશું. પછી ફરીથી આ ડિપાર્ટમેન્ટમાં રિમાઇન્ડર મોકલીશું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે પણ મેં બધી જ સમસ્યાઓ મૂકી છે, પરંતુ ત્યાંથીયે કોઈ કાર્યવાહી થઈ નથી. હવે તકલીફ ફક્ત શત્રુંજય પવર્ત કે પાલિતાણામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની જ નથી. હવે મુદ્દો સાધુ-સાધ્વીની સુરક્ષાનો પણ છે.’

પાલિતાણામાં થયેલા પ્રૉબ્લેમ વિશે ‘મિડ-ડે’એ ભાવનગરની કલેક્ટર ઑફિસમાં ફોન કરતાં ફરિયાદપત્ર મYયો હોવાનું જણાવ્યું હતું, જ્યારે કલ્યાણજી આણંદજી પેઢીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર મના રાઠોડનો પાલિતાણાને બાળી નાખીશું અને ધર્મશાળાને સળગાવી દઈશુંનો વિડિયો તેમ જ અન્ય મેસેજિસ મુંબઈ, ગુજરાત, દક્ષિણ ભારતના જૈનોમાં મોટા પ્રમાણમાં વાઇરલ થયા હતા.

પાલિતાણામાં બીજી કઈ સમસ્યાઓ છે?

સાધુ-સાધ્વીઓ અને યાત્રાળુઓની સુરક્ષા ઉપરાંત પાલિતાણા અરાજકતા અને અવ્યવસ્થાનું કેન્દ્ર બની ગયું છે. રિક્ષાવાળાઓ જ્યાં-ત્યાં ઊભા રહી જાય છે. રફ ડ્રાઇવિંગ ઉપરાંત સાધુ-સાધ્વી અને યાત્રાળુઓને ઠોકી દેવું રોજનું થઈ ગયું છે. સવારમાં તળેટી રોડ અને એની બાજુના રોડ પર ગાયોને ઘાસ ખવડાવવા ઘાસ વેચતા લોકો રસ્તા પર બેસી જાય છે. ગાયોને માટે ઘાસ ખરીદવા યાત્રાળુઓ સાથે જીદ કરે છે ને જો યાત્રિક તેમની પાસેથી ખરીદી ન કરે તો જેમ-તેમ બોલે છે, ગાળો પણ બોલે છે. બપોર થતાં આ ગાયોને તેઓ રખડતી મૂકી દે છે. ગોબર, ગૌમૂત્ર, ઘાસથી અહીં ગંદકી ફેલાઈ જાય છે.

આમ તો પાલિતાણામાં રજિસ્ટર્ડ ડોળીવાળા ૭૦૦થી ૮૦૦ છે, પરંતુ જાત્રાની સીઝન આવતાં આજુબાજુનાં ગામોના બેથી અઢી હજાર ડોળીવાળા અહીં આવી જાય છે. આથી અરાજકતા તો ઊભી થાય છે, સાથે-સાથે યાત્રિકો સાથે ચીટિંગ કરવી અને વધુ પૈસા પડાવવા ઉપરાંત પવર્ત૦ ચડતા-ઊતરતા મહારાજસાહેબો અને યાત્રાળુઓને તેઓ કારણ વગર કનડે છે, તેમના પર થૂંકે છે, પાનની પિચકારીઓ છોડે છે, ખરાબ શબ્દો બોલે છે.

આ પણ વાંચોઃ લોકલ ટ્રેનમાં ચોરી કરવા જાદુગરોની ગજબ સ્ટાઇલ

રસ્તા પર ક્યાંય દુકાનો અને હાટડીઓ લાગી જાય છે જે ટ્રાફિક-જૅમ કરવા ઉપરાંત રાહદારીઓને ચાલવામાં પણ નડતરરૂપ બને છે. લૉ ઍન્ડ ઑર્ડરની કોઈ સિસ્ટમ નથી. પૉકેટમારી અહીં દિન-પ્રતિદિન વધતી જાય છે. નાનાં છોકરા-છોકરીઓ પર્સ કે મોબાઇલ તફડાવી જાય છે. સાથે જ ચેઇન ચોરવાના કિસ્સાઓ પણ અહીં ધોળે દિવસે બની રહ્યા છે. ભિખારીઓની મોટી જમાત ઊભી થઈ ગઈ છે. એ યાત્રાળુઓની પાછળ પડી જાય છે. ગંદકી કરવા ઉપરાંત બધાને પરેશાન કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 09:00 AM IST | મુંબઈ | અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK