પાકિસ્તાને હવે નિર્ણય લઈ લેવો જોઈએ કે ત્રાસવાદીઓ સો ટકા ત્રાસવાદીઓ છે કે ત્રાસવાદી-કમ-મુજાહિદ છે

Published: 18th December, 2014 06:18 IST

પાકિસ્તાન ત્રાસવાદી અને મુજાહિદની વિસંગતિના વમળમાં ફસાઈ ગયું છે અને ઉકેલ જાણતું હોવા છતાં એ આ ઉકેલને અજમાવી શકતું નથી
કારણ-તારણ - રમેશ ઓઝા

૧૬ ડિસેમ્બરનો દિવસ પાકિસ્તાન માટે બીજી વખત ગોઝારો સાબિત થયો છે, પરંતુ એ બન્ને ગોઝારી ઘટનાને પરસ્પર સંબંધ છે. ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાની તાલિબાનોએ પેશાવરમાં લશ્કરી શાળામાં ઘૂસીને ૧૩૨ વિદ્યાર્થીઓ સહિત ૧૪૧ જણને મારી નાખ્યા હતા. તેમનો ગુનો એટલો જ હતો કે તેઓ લશ્કરી જવાનોના સંતાન હતાં જેની સામે ત્રાસવાદીઓ કહેવાતી જિહાદ ચલાવી રહ્યા છે. તેમણે ૧૦ વર્ષથી નાનાં બાળકોને જવા દેવાની રહેમદિલી બતાવી હતી, કદાચ એ અપેક્ષાએ કે ખુદાતાલા તેમની સાથે પણ કયામતના દિવસે રહેમદિલી બતાવશે. આમ તો જગતમાં અનેક પ્રકારના જંગલીઓ વસે છે, પણ ધર્મના નામે નિર્દોષ માણસોને મારનારાઓ અને રંજાડનારાઓથી મોટો જંગલી બીજો કોઈ ન હોઈ શકે.

આજથી ૪૩ વર્ષ પહેલાં ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનો બંગલાદેશના યુદ્ધમાં પરાજય થયો હતો અને ઢાકાનું પતન થયું હતું. આજનું બંગલાદેશ ૧૯૭૧ સુધી પૂર્વ પાકિસ્તાન હતું. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનને ન્યાય કરતા નહોતા, તેમને સત્તામાં ભાગીદાર બનાવતા નહોતા, ત્યાની બંગાળી પ્રજાની અસ્મિતાની કદર કરતા નહોતા, પૂર્વ પાકિસ્તાન પર સાઉદી-બ્રૅન્ડ સલફી ઇસ્લામ લાદવામાં આવતો હતો. પશ્ચિમ પાકિસ્તાનના શાસકોનું અને મુલ્લાઓનું વર્તન એવું હતું કે પૂર્વ પાકિસ્તાન જાણે કે પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હોય. માત્ર રાજકીય રીતે નહીં; ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હતું. બંગાળી પ્રજાએ ગુલામી સામે વિદ્રોહ કર્યો હતો અને ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે ઢાકાનું પતન થયું હતું અને પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર બંગલાદેશ બની ગયું હતું. બંગલાદેશના વિજયમાં અને પાકિસ્તાનના પરાજયમાં અલબત્ત ભારતનો મોટો હાથ હતો અને મોટો સ્વાર્થ પણ હતો.

૧૯૭૧નું બંગલાદેશ યુદ્ધ પાકિસ્તાન માટે જિહાદ હતી. યુદ્ધ લડનારા પાકિસ્તાની સૈનિકો મુજાહિદ (ધર્મયોદ્ધાઓ) હતા. ૧૯૭૧ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનના ‘ડૉન’ નામના અખબારમાં યુદ્ધના સમર્થનમાં છપાયેલી જાહેરખબર સાથે આપેલા પિક્ચરમાં જોઈ શકાય છે. ભારત સાથેનું રાજકીય યુદ્ધ પાકિસ્તાન માટે જિહાદ હતી. બંગાળીઓ પર કરવામાં આવતા અત્યાચારો જિહાદ હતા. પૂર્વ પાકિસ્તાનનું આર્થિક-રાજકીય શોષણ જિહાદ હતી. કુલ મળીને પાકિસ્તાનની એના અસ્તિત્વ માટેની છટપટાહટ પાકિસ્તાન માટે જિહાદ છે. બંગલાદેશના યુદ્ધમાં પરાજય પછી પાકિસ્તાને વધારે આક્રમક અને નર્લિજ્જ બનીને ધર્મનો દુરુપયોગ કરવા માંડ્યો હતો. યુદ્ધ પછીના પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ આની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના ટુકડા કરનારા ભારતનું વેર વાળવાનું હતું અને એમાં ઇસ્લામ હાથવગું સાધન હતું. પાકિસ્તાનને સમજાઈ ગયું હતું કે સરહદ પરના સીધા લશ્કરી યુદ્ધમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શકે એમ નથી એટલે પાકિસ્તાને ભાંગફોડની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પાકિસ્તાનના અત્યંત આધુનિક શાસકોમાંના એક ગણાતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ઇસ્લામનો ભારત સામે રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ માટે કટ્ટરપંથી મુસલમાનોને રાજી કરવા જરૂરી હતા એટલે તેમણે અહમદિયા મુસલમાનોને ગેરમુસલમાન જાહેર કર્યા હતા. ભુટ્ટો પછી ઝિયા ઉલ હક્ક પાકિસ્તાનના સરમુખત્યાર બન્યા હતા અને તેમણે વધારે આક્રમકપણે પાકિસ્તાનનું ઇસ્લામીકરણ કરવાનું શરૂ કર્યું હતું. એમાં ૧૯૭૯માં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરવાને કારણે શુદ્ધ રાજકીય ઉદ્દેશ માટેની કહેવાતી ધાર્મિક જિહાદને અમેરિકાનો ટેકો સાંપડ્યો હતો.

આમ પાકિસ્તાન પહેલેથી જ ટકી રહેવા માટે ઇસ્લામનો ઉપયોગ કરે છે. સંકટ ઘેરુ બને ત્યારે અસ્તિત્વનો સંઘર્ષ જિહાદ બની જાય છે. એ પછી પણ જ્યારે અસ્તિત્વનું સંકટ નથી ટળતું ત્યારે જિહાદ ત્રાસવાદનું સ્વરૂપ ધારણ કરે છે. પાકિસ્તાનનું પ્રબળ પ્રતિધþુવ ભારત છે. પાકિસ્તાનને ટકાવનારાં બે પરિબળો છે; એક છે ઇસ્લામ અને બીજો છે ભારતદ્વેષ. બંગલાદેશ યુદ્ધ પછી ભારતના ટુકડા કરવાના ઇરાદે પાકિસ્તાને ઇસ્લામનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું હતું અને અમેરિકાની સહાય સાથે ત્રાસવાદીઓ પેદા કર્યા હતા જે ત્યારે પાકિસ્તાન માટે મુજાહિદો હતા. આજે હવે એ જ મુજાહિદો ત્રાસવાદી બની ગયા છે. પાકિસ્તાને બાવળની ખેતી કરી હતી. જેનો ભારતના અસ્તિત્વને મિટાવવા માટે ઉપયોગ કરવાનો હતો એ હવે પાકિસ્તાનને મિટાવવા માગે છે, કારણ કે તેમને અધકચરું ઇસ્લામિક રાજ્ય ખપતું નથી. તેઓ પાકિસ્તાન રાજ્યનો કબજો લઈને પાકિસ્તાનને ખરા અર્થમાં, તેમની સમજ મુજબના ઇસ્લામિક રાજ્યમાં ફેરવવા માગે છે.

વિસંગતિ એ છે કે પાકિસ્તાન માટે ત્રાસવાદીઓ ત્રાસવાદીઓ પણ છે અને હજુ મુજાહિદો પણ છે. પાકિસ્તાનના અસ્તિત્વનો સવાલ આવે ત્યારે તેઓ ત્રાસવાદીઓ છે અને જો તેઓ ભારતને અસ્થિર કરી શકતા હોય તો મુજાહિદો પણ છે. આ વિસંગતિના વમળમાં પાકિસ્તાન ફસાઈ ગયું છે અને ઉકેલ જાણતું હોવા છતાં ઉકેલ અજમાવી શકતું નથી. પાકિસ્તાને ટકવું હોય તો પાકિસ્તાન કરતાં સક્ષમ ભારતનો સ્વીકાર કરવો પડે એ આનો ઉકેલ છે જે પાકિસ્તાન સ્વીકારી શકતું નથી. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧થી ધર્મના વિકૃત દુરુપયોગની શરૂઆત થઈ હતી અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૪ની ઘટના આની ચરમસીમા છે. ત્રાસવાદીઓએ દુનિયાભરમાં જે બર્બરતા બતાવી છે એમાં પેશાવર અને ચેચન્યાની ઘટના (ચેચન્યામાં ત્રાસવાદીઓએ પેશાવરની જેમ જ ૩૮૫ બાળકોને મારી નાખ્યાં હતાં)ને સેંકડો વર્ષ સુધી અમાનવીયતાની મિસાલ તરીકે યાદ કરવામાં આવશે.

પાકિસ્તાને હવે નિર્ણય લઈ લેવો જોઈએ કે ત્રાસવાદીઓ સો ટકા ત્રાસવાદીઓ છે કે ત્રાસવાદી-કમ-મુજાહિદ છે. જો એ સો ટકા ત્રાસવાદીઓ હોય અમે માનવતાના નામે કલંક હોય તો તેમને જેર કરવા જોઈએ, પછી ભલે ભારત ફૂલે-ફળે. જ્યાં સુધી ભારત સામે તેમનો ખપ જોવામાં આવશે અને સગવડ મુજબ મુજાહિદ તરીકે ઓળખવામાં આવશે ત્યાં સુધી પાકિસ્તાનના અસ્તિત્વના સંકટનો અંત આવવાનો નથી. ૧૬ ડિસેમ્બરની ઘટના પાકિસ્તાન માટે નિર્ણાયક છે અને અસ્તિત્વના સંઘર્ષમાં અંતિમ તક સમાન પણ છે.

પાકિસ્તાન પાસેથી શીખીને ધર્મનું રાજકારણ કરનારા અને રાજકીય ઉદ્દેશ માટે ધર્મનો દુરુપયોગ કરનારા હિન્દુત્વવાદીઓએ પણ ધડો લેવા જેવો છે. બાવળ વાવો તો કાંટા તમારા જ આંગણામાં ખરવાના છે, પડોશીના નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK