પાકિસ્તાની એજન્ટ હતાં અમેરિકાનાં દક્ષિણ એશિયા માટેનાં વિદેશપ્રધાન રૉબિન રાફેલ

Published: 9th November, 2014 05:48 IST

રૉબિન રાફેલ ખાસ ભારતવિરોધી પાકિસ્તાનતરફી છે અને એમાં તેમનો કોઈક એજન્ડા હોવો જોઈએ એમ ત્યારે ય્ખ્ષ્ના નિવૃત્ત અધિકારી બી. રમને કહ્યું હતું અને વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવનું ધ્યાન દોર્યું હતું. એ પછી ભારતે વાઇટ હાઉસમાં રાફેલના વલણ સામે વિરોધ નોંધાવ્યો હતો. અત્યંત વિચક્ષણ બી. રમનને સ્વર્ગમાં હવે સમાધાન જરૂર મળશે
કારણ-તારણ - રમેશ ઓઝા

૧૯૯૦ના દાયકાની શરૂઆતનાં વર્ષ ભારત માટે મુશ્કેલ હતાં અને એટલાં જ નિર્ણાયક હતાં. સામ્યવાદી રશિયા તૂટી ગયું હતું અને અફઘાનિસ્તાનમાંથી રશિયન સૈનિકોને ખસેડી લેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદે માથું ઊંચક્યું હતું અને અફઘાનિસ્તાનમાંના નવરા પડેલા મુજાહિદોએ કાશ્મીર પર નજર માંડી હતી. રશિયાના પતનને કારણે વિશ્વ રાજકારણ એકધ્રુવીય બની ગયું હતું જેમાં અમેરિકા હવે સર્વેસર્વા હતું. અમેરિકા સામ્યવાદી રશિયા સામે પાકિસ્તાનનો ઉપયોગ કરતું હતું એટલે દાયકાઓથી ભારતના રશિયા સાથે સંબંધો મધુર હતા અને અમેરિકા સાથેના સંબંધો કડવાશભર્યા હતા. હવે રશિયાનું પતન થયું એટલે ભારતે અમેરિકા સાથેના સંબંધો સુધારવા પડે એમ હતા. યોગાનુયોગ એવો બન્યો કે અમેરિકામાં ૧૯૯૨માં ડેમોક્રેટિક પક્ષની બિલ ક્લિન્ટનની સરકાર આવી. સાધારણ અનુભવ એવો હતો કે અમેરિકામાં રિપબ્લિકન પક્ષની સરકાર કરતાં ડેમોક્રેટિક પક્ષની સરકાર વધુ ભારતતરફી વલણ ધરાવતી આવી છે. ૧૯૯૨માં ડેમોક્રેટિક પક્ષની સરકાર સત્તામાં આવી એટલે એ ભારતતરફી નીતિ અપનાવશે એવી ધારણા હતી.

આ ભૂતકાળ અહીં એટલા માટે યાદ કર્યો છે કે ત્યારે એક અમેરિકન મહિલાએ ભારત અને અમેરિકાને નજીક નહોતાં આવવા દીધાં. તેમનું વલણ ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી હતું. તે મહિલા અમેરિકાના વિદેશમંત્રાલયમાં ભારતીય ઉપખંડનો હવાલો સંભાળતી હતી અને બને એટલું ભારતને નુકસાન પહોંચે અને પાકિસ્તાનને ફાયદો થાય એવો પ્રયાસ કરતી રહેતી હતી. એ બાઈના વલણ સામે એક સમયે ભારત સરકારે વિધિવત્ ફરિયાદ નોંધાવવી પડી હતી. વિદેશમંત્રાલયમાં કામ કરનારા અધિકારીઓ, પ્રધાનો અને ડિપ્લોમૅટ્સ જે-તે દેશ માટે પક્ષપાત કે પૂર્વગ્રહ ધરાવતા હોય એ સામાન્ય ઘટના છે, પણ આ બાઈની પ્રવૃત્તિ મર્યાદાબહારની ભારતવિરોધી હતી.

બિલ ક્લિન્ટનની પહેલી મુદતમાં ભારતીય ઉપખંડનો હવાલો સંભાળતી અને જુનિયર લેવલે વિદેશપ્રધાનનો હોદ્દો ધરાવતી રૉબિન રાફેલ નામની એ બાઈ પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરતી હતી અને પાકિસ્તાન માટે જાસૂસી અને લૉબિંગ કરતી હતી એ તથ્ય બહાર આવ્યું છે. અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્ટેલિજન્સ (FBI)એ રાફેલ સામે તપાસ શરૂ કરી છે. રાફેલના ઘર પર FBIના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો અને તેમની ઑફિસ સીલ કરી હતી. તેમની ઑફિસમાંથી મળેલાં પેપર્સની ચકાસણી ચાલી રહી છે.

આ ચોંકાવનારી ઘટના છે. પૈસા દ્વારા કોઈ પણ માણસને ખરીદી શકાય છે અને કોઈ પણ સ્તરે બેસાડી શકાય છે એનું આ પ્રમાણ છે. બિલ ક્લિન્ટન જ્યારે ઑક્સફર્ડમાં ભણતા હતા ત્યારે રાફેલ તેમની ક્લાસમેટ હતી. તે અમેરિકાના વિદેશમંત્રાલયમાં કામ કરતી હતી અને જ્યારે ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારે જૂની દોસ્તીનો લાભ લઈને તેણે ભારતીય ઉપખંડનો હવાલો માગી લીધો હતો કે જેથી તે પાકિસ્તાનને મદદ કરી શકે. ક્લિન્ટન પ્રમુખ બન્યા એ પછી પાકિસ્તાને રાફેલને સાધી હતી કે પહેલેથી જ તે પાકિસ્તાનની એજન્ટ તરીકે કામ કરતી હતી એની FBI તપાસ કરી રહી છે. આ તપાસ એટલા માટે જરૂરી છે કે રૉબિન રાફેલ હજી આજે પણ પાકિસ્તાનની એજન્ટ તરીકે કામ કરે છે અને એટલે તો સાણસામાં આવી છે. જે સત્ય હશે એ બહાર આવશે, પરંતુ સવાલ એ છે કે શું અમેરિકન વહીવટી તંત્ર આટલી હદે દલાલો, એજન્ટો અને જાસૂસોથી ગ્રસ્ત છે? અમેરિકાની કૉન્ગ્રેસ (સંસદ)ના ૮૦ ટકા સભ્યો જે-તે દેશ માટે લૉબિંગ કરે છે અને પૈસા મેળવે છે એવો એક અહેવાલ તાજેતરમાં પકાશિત થયો હતો. આખું જગત આજે નૈતિકતાનું સંકટ અનુભવી રહ્યું છે.

રૉબિન રાફેલે ભારતને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. અમેરિકન વિદેશમંત્રાલયમાં જે ડેસ્ક ભારતીય ઉપખંડના ડેસ્ક તરીકે ઓળખાતું હતું એનું નામ બદલીને રાફેલે દક્ષિણ એશિયા ડેસ્ક નામ આપ્યું હતું. ૧૯૯૩માં મુંબઈમાં બૉમ્બ-વિસ્ફોટ થયા એનાં ટ્રિગરને ફૉરેન્સિક તપાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યાં હતાં જે અચાનક રહસ્યમય રીતે ખોવાઈ ગયાં હતાં. રાફેલે જમ્મુ અને કાશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાવાનો જે કરાર કર્યો હતો એની સામે પ્રfન ઉઠાવ્યો હતો. તેમણે ૧૯૭૨ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના શિમલા કરારને કાલબાહ્ય ને અપ્રાસંગિક ગણાવ્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકવાદનો પુરસ્કર્તા દેશ જાહેર કરવામાં ન આવે એ માટે આકાશ-પાતાળ એક કયાર઼્ હતાં. એક સમયે તેમણે ભારતને આતંકવાદનો પુરસ્કૃત કરનારા દેશ તરીકે જાહેર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું વલણ જોઈને અમેરિકા ભારત માટે શા માટે ઉદાસીન છે એવો પ્રfન જયારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે અમેરિકન રડાર પર ભારત કોઈ સ્થાન ધરાવતું નથી. આ બાઈએ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનને તેમની પહેલી મુદત દરમ્યાન ભારત નહોતા આવવા દીધા. ક્લિન્ટન જ્યારે તેમની બીજી મુદતના છેલ્લા વર્ષમાં ભારત આવ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. એક બિકાઉ એજન્ટ બાઈને કારણે ભારત અને અમેરિકાએ નિર્ણાયક અને મૂલ્યવાન વર્ષો ગુમાવી દીધાં હતાં. ક્લિન્ટન ભારત આવ્યા પછી ભારતમિત્ર બની ગયા છે અને એ પછી એક ડઝન વાર ભારત આવ્યા છે, પરંતુ રૉબિન રાફેલે પ્રમુખ ક્લિન્ટનને ભારતની નજીક નહોતા આવવા દીધા.

રૉબિન રાફેલ ખાસ ભારતવિરોધી પાકિસ્તાનતરફી છે અને એમાં તેમનો કોઈક એજન્ડા હોવો જોઈએ એમ ત્યારે રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (RAW)ના નિવૃત્ત અધિકારી બી. રમને કહ્યું હતું અને વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવનું ધ્યાન દોર્યું હતું. એ પછી ભારતે વાઇટહાઉસમાં રાફેલના વલણ સામે વિરોધ નોંધાવ્યો હતો. અત્યંત વિચક્ષણ બી. રમનને સ્વર્ગમાં હવે સમાધાન જરૂર મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK