મૌન રહીને સહેલી પીડા જ કલાકારની કલા ને બોલકી બનાવે છે

Published: 3rd January, 2021 17:58 IST | Rajani Mehta | Mumbai

કલાકાર એ છે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું શોધવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે

શહેનશાહના સેટ પર અમિતાભ બચ્ચન સાથે ટીનુ આનંદ
શહેનશાહના સેટ પર અમિતાભ બચ્ચન સાથે ટીનુ આનંદ

લેખક હોય, કવિ હોય કે પછી કોઈ કલાકાર; તમારે સર્જન કરવું છે? તો તમારી પાસે પીડા હોવી જરૂરી છે. કલાકાર એ છે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું શોધવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. એ પ્રક્રિયા દરમ્યાન જે મુસીબતો આવે એ મૂંગા રહીને સહેવાની જેમનામાં તાકાત હોય તે જ શિખરની ટોચ પર પહોંચી શકે. છેવટે તો મૌન રહીને સહેલી પીડા જ કલાકારની કલાને બોલકી બનાવે છે.

અમિતાભ બચ્ચનની સંઘર્ષયાત્રા એ વાતની સાબિતી છે. અનેક કિસ્સા છે જ્યાં તેમનું અપમાન અને અવહેલના થઈ હોય. શશી કપૂરની એક અંગ્રેજી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. તેમણે જોયું કે દૂર ભીડમાં અમિતાભ બચ્ચન એક એક્સ્ટ્રા કલાકારના રૂપમાં ઊભા હતા. તેમની નજીક જઈને તેમણે કહ્યું, ‘What are doing here?’ અમિતાભ બચ્ચને કહ્યું, ‘મને પૈસાની જરૂર છે. કોઈ કામ નાનું નથી. શશી કપૂરે કહ્યું, ‘Dont work here. You are much more than this.’ અમિતાભનો જવાબ હતો,  ‘હું અહીં કશુંક શીખવા માટે આવ્યો છું.’ અમિતાભની વાત સાચી હતી. જીવન કેવળ  ખુદની તલાશ નથી, જીવન આપણા પોતાના નવસર્જનની કોશિશ છે.’  

ટીનુ આનંદ ફિલ્મ ‘કાલિયા’ માટે અમિતાભ બચ્ચનને હીરો બનાવવા માગતા હતા. એ સ્મરણોને શૅર કરતાં ટીનુ આનંદ કહે છે, ‘અમિતાભને છેલ્લાં પાંચ વર્ષમાં હું એકાદ-બે વાર અલપઝલપ મળ્યો હોઈશ. તેઓ ખૂબ બિઝી હતા. તેમને મળવું સહેલું નહોતું. તેમને ચેઝ કરવા જઈએ તો ધીરજ ખૂટી જાય. આજે આઉં, કાલે આઉં, કરતાં-કરતાં સમય પસાર થતો હતો. એક દિવસ તેઓ ચાંદિવલીના સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હતા ત્યારે તેમણે મને બોલાવ્યો. હું અને પ્રોડ્યુસર ઇકબાલ સિંઘ ટૅક્સી પકડીને ત્યાં પહોંચ્યા. લંચ-ટાઇમમાં તેમને સ્ટોરી સંભળાવી. અડધો કલાક તેઓ ચૂપચાપ સાંભળતા રહ્યા. કોઈ રીઍક્શન નહીં. મેં કહ્યું, ‘તમને સ્ટોરી ખૂબ પસંદ પડી લાગે છે.’

મને કહે, ‘તું આટલું શ્યૉર કેવી રીતે કહે છે.’ મેં કહ્યું, ‘મારા મિત્રે મને ટિપ આપી હતી. તેણે કહ્યું કે જો સ્ટોરી સાંભળતાં તેમનો હાથ કાનની ઉપર, વાળને સરખા કરતા અને નજર આસમાન પર જાય તો સમજવું કે વાર્તામાં દમ નથી. તમે એવું કાંઈ કર્યું નથી, એટલે મને ચોક્કસ ખાતરી છે કે તમને સ્ટોરી પસંદ છે.’ ધીમું મુસ્કુરાઈને અમિતાભે હાથ મિલાવતાં કહ્યું, ‘તારો કૉન્ફિડન્સ અદ્ભુત છે.’ તેમની ‘હા’ સાંભળીને હું અને પ્રોડ્યુસર રીતસર નાચતાં-નાચતાં ચાંદિવલીના રસ્તા પર લગભગ એક માઇલ સુધી ચાલતા ગયા.

પ્રોડ્યુસર બહુ લકી હતો. પ્રકાશ મહેરા સાથે તેની સારી દોસ્તી હતી. તેમની ફિલ્મનો સેટ લાગેલો હતો. તેમણે કહ્યું, ‘એક દિવસ માટે મારો સેટ તને આપીશ. તારે શૂટિંગ કરવું હોય તો થોડા ફેરફાર કરજે અને પછી જેમ હતો એમ પાછો આપજે, નહીંતર લોકો એમ માનશે કે મેં કૉપી કરી છે. એ સેટ પર અમે ‘જહાં તેરી યે નઝર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ’ ગીતનું શૂટિંગ કર્યું. અમિતાભને ખબર હતી કે એક જ દિવસ માટે સેટ મળ્યો છે એટલે તેમણે ખૂબ કો-ઑપરેટ કર્યા.

‘કાલિયા’ની સફળતામાં અમિતાભ બચ્ચનનો મોટો હાથ છે. એને કારણે હું ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ થયો. એ પછી હું ફરી એક વાર અમિતાભ માટે સ્ટોરીની તલાશમાં હતો. ‘કૂલી’ના શૂટિંગ દરમ્યાન થયેલા અકસ્માત પછી એક દિવસ જયાએ મને કહ્યું કે ‘અમિતાભ કદાચ ફિલ્મો છોડી દેશે અથવા બહુ ઓછી ફિલ્મો કરશે. તારે તેને માટે એવી સ્ટોરી પસંદ કરવી પડશે કે તે એક્સાઇટ થઈ જાય. ચીલાચાલુ ફિલ્મોમાં તેને રસ નથી.’

એક દિવસ એવું બન્યું કે અંગ્રેજી કોમિક્સની બુક મારા હાથમાં આવી.  એમાં સુપરમૅનની વાર્તા હતી. એ દિવસોમાં સુપરમૅનની ફિલ્મો હિટ હતી. એક કૉમન મૅન સુપરમૅન બનીને લોકોને મદદ કરે એ આઇડિયા મને ગમ્યો. મને થયું કે આવી એક ફિલ્મ બનાવું તો લોકોને મજા પડશે. આમ ‘શહેનશાહ’ની સ્ટોરીનું બીજ રોપાયું. એક એવું પાત્ર જે દિવસે કૉમેડી કરે અને રાતે શહેનશાહ બને. એવો શહેનશાહ જેને માટે કોઈ લિમિટ નથી. કોઈ કાયદાથી તે બંધાયેલો નથી. અમિતાભને એ સ્ટોરી ગમી. એમાં એક ચૅલેન્જ હતી. તેમણે જોયું કે આમાં અભિનયની પૂરી રેન્જ દેખાડવાનો મોકો છે.  આમ ‘શહેનશાહ’ની શરૂઆત થઈ.’

ટીનુ આનંદની વાતમાં જયા બચ્ચન જે વાત કરે છે એ સાચી છે. એક સમય આવે છે જ્યાં જીવન ક્ષણભંગુર છે એનો અહેસાસ થતો હોય છે. અમિતાભ બચ્ચનની માંદગીના સમયની તેમની નાજુક હાલતના દિવસો યાદ આવે છે. છેલ્લા ઉપાય તરીકે વિદેશથી ટૉપ ડૉક્ટરોની ટીમ અહીં આવે એમ નક્કી થયું. ૨૪ કલાક બાદ ટીમ મુંબઈ પહોંચવાની હતી એ દરમ્યાન તેમની હાલત એટલી બગડી કે હેલ્થ બુલેટિન આવ્યું, ‘He is sinking.’ અહીંના ડૉક્ટરોએ ઇમર્જન્સીમાં ઑપરેશન કરવું પડ્યું. ઑપરેશન પતી ગયા બાદ ડૉક્ટરોએ એટલું જ કહ્યું, ‘Keep your fingers crossed. God bless him.’ કશુંક અજુગતું બને તો તેમની બૉડીને ઘર સુધી લઈ જવામાં લૉ ઍન્ડ ઑર્ડરનો પ્રશ્ન ઊભો થાય એવું હતું. એ વિશેની તૈયારી થવા લાગી, પરંતુ લાખો ચાહકોની દુઆની અસર થઈ હોય એમ તેમની હાલત સ્ટેબલ થવા લાગી. વિદેશના ડૉક્ટરો આવ્યા અને જે ટાંચાં સાધનો સાથે અહીંના ડૉક્ટરોએ ઑપરેશન કર્યું હતું એ જોઈને એટલું જ કહ્યું, ‘આવી હાલતમાં અમે પેશન્ટને હાથ પણ ન લગાડીએ. This is nothing short of a miracle.’

એક આડવાત. અમિતાભ બચ્ચન આ માંદગીમાંથી બહાર આવશે કે નહીં એની ચિંતા સૌને અને ખાસ કરીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હતી. તેમની ફિલ્મોમાં લાખો રૂપિયાનું રોકાણ થયું હતું. સ્વાભાવિક છે કે પ્રોડ્યુસર્સને મોટું આર્થિક નુકસાન થાય, કલ્યાણજી-આણંદજીના ફૅમિલી ફ્રેન્ડ અને જ્યોતિષવિદ્યાના પ્રખર જાણકાર બિપિનભાઈએ અમિતાભની લથડતી તબિયત જોઈને એટલું કહ્યું હતું કે ૧૦ દિવસ બહુ ભારે છે. જો એ નીકળી જાય તો લાંબું આયુષ્ય છે. ‘જો’ અને ‘તો’ની વચ્ચે અઢળક શક્યતાનો પહાડ ઊભો હોય છે. વાણિયાબુદ્ધિ વાપરીને શાહબંધુઓએ જયા બચ્ચનની કુંડળી તેમને બતાવી. એ જોઈને બિપિનભાઈએ દાવાથી કહ્યું કે જયાને લાંબા સમય સુધી ભરપૂર પતિસુખ છે. હજી વધારે ચોક્કસ કરવા અભિષેકની કુંડળી જોઈને બિપિનભાઈએ છાતી ઠોકીને કહ્યું કે તેના નસીબમાં જીવનભર પિતાનો સાથ અને સપોર્ટ લખાયો છે. આટલું પૂરતું હતું. કલ્યાણજી-આણંદજી બચ્ચનપરિવાર સહિત દરેકને ધરપત આપતા હતા કે અમિતાભ હેમખેમ આ ક્રાઇસિસમાંથી બહાર આવશે. આ પૂરી ઘટના આણંદજીભાઈએ મારી સાથે શૅર કરી હતી. આ કિસ્સા ઉપરાંત અમિતાભ બચ્ચનની શરૂઆતની સ્ટ્રગલમાં તેના વિશે બિપિનભાઈની અનેક આગાહી વિશે વિસ્તારથી કલ્યાણજી-આણંદજીની સિરીઝમાં લખી ચૂક્યો છું.

ટીનુ આનંદ પાસે અમિતાભ બચ્ચનના અનેક યાદગાર કિસ્સા છે. ‘મારા પિતા ઇન્દરરાજ આનંદનું ભાષા પર એવું પ્રભુત્વ હતું કે તેઓ જ્યાં જાય ત્યાં છવાઈ જાય. તેઓ ફિલ્મોમાં ડાયલૉગ્સ લખતા ત્યારે એમાં કવિતાની ઝલક રહેતી. મારી ફિલ્મો માટે તેમણે ડાયલૉગ્સ લખ્યા છે. એક દિવસ મેં તેમને કહ્યું, ‘ડૅડ, તમે થોડા સિમ્પલ ડાયલૉગ્સ લખજો. આજકાલનું જનરેશન આવા ભારે ડાયલૉગ સમજી નહીં શકે.’ તો મને કહે, ‘તને ખબર છેને કે ફિલ્મનો હીરો કોણ છે. He has got ace up his sleeve. He is a lion. તું તેને વે‌જિટેરિયન ખાવાનું આપીશ? તેના મોઢે આ ડાયલૉગ એટલા શોભશે કે પબ્લિક ‌ફિદા થઈ જશે.’ હું સમજી ગયો.

‘શૂટિંગના સમયે ડાયલૉગ માટે અમિતાભનો અને મારો ઝઘડો થાય. તેઓ કહે કે આવા ભારેખમ ડાયલૉગ ન ચાલે. હું તેમને સમજાવું કે તમારી પર્સનાલિટી અને ડાયલૉગ-ડિલિવરીની સ્ટાઇલ માટે આ જ બહેતર છે. તેઓ સહમત થાય કે ન થાય, પરંતુ છેવટે મારું કહ્યું માને. એટલું કહેવું પડે કે કામની બાબતમાં તેઓ ક્યાય પોતાનો ઈગો વચ્ચે ન લાવે.’                

ટીનુ આનંદે અભિનેતા તરીકે ૧૨૫થી વધુ ફિલ્મો કરી છે. કૉમેડિયન, વિલન, કૅરૅક્ટર ઍક્ટર જેવા દરેક પ્રકારના રોલ કર્યા છે. તેમની અભિનયયાત્રાની વાત કરતાં તેઓ કહે છે, ‘હું બહુ આળસુ છું. ઍક્ટિંગમાં મને ખાસ રસ નહોતો. ટાઇમ પાસ કરવા ફિલ્મ કરતો હતો. જલાલ આગાની એક ફિલ્મ ‘નિર્વાણ’માં નસીરુદ્દીન શાહ, અમોલ પાલેકર અને સારિકા સાથે મારો એક રોલ હતો. આ ફિલ્મની ટ્રાયલના અનેક શો થયા, પરંતુ કોઈ ડિસ્ટ્રિબ્યુટર તૈયાર ન થાય. આ ફિલ્મ રિલીઝ જ ન થઈ. જોકે એક વાત બની. જે લોકો ટ્રાયલ જોવા આવે તેઓ મારા માટે પૂછે કે આ કોણ છે? બીજા બધા ફેમસ હતા. હું જ એક નવો હતો.’

કમલ હાસનની ‘પુષ્પક’માં અમરીશ પુરીનો એક નાનો, પણ અગત્યનો રોલ હતો. તેઓ બિઝી થઈ ગયા એટલે તેમની ડેટ્સ મળવી મુશ્કેલ હતી. સારિકા પાસે મારો ‘નિર્વાણ’ના દિવસોનો એક ફોટો હતો. કમલ હાસને પૂછ્યું, ‘આ કોણ છે?’ સારિકાએ કહ્યું, ‘પ્રોડ્યુસર છે. અમિતાભ બચ્ચન સાથે ‘શહેનશાહ’ બનાવે છે. ઍક્ટિંગ પણ સારી કરે છે.’ કમલને થયું કે અમરીશ પુરીવાળો રોલ આને આપીએ. એ દિવસોમાં મોબાઇલ ફોન નહોતા. હું જે સ્ટુડિયોમાં ‘શહેનશાહ’નું શૂટિંગ કરતો હતો એના રિસેપ્શન પર મને ફોન કર્યો. મને કહે, ‘હું ‘પુષ્પક’ બનાવું છું. સાઇલન્ટ ફિલ્મ છે. તમારું કામ છે. મળવા આવી જાઓ. મેં કહ્યું, ‘હું શૂટિંગમાં બિઝી છું.’ તો કહે, ‘We are in trouble. તમે ગમે તેમ કરીને અહીં આવો.’ મેં કહ્યું, ‘એ શક્ય નથી. માંડ-માંડ અમિતાભની ડેટ્સ મળી છે. હું શૂટિંગ કૅન્સલ ન કરી શકું.’ તેમણે કહ્યું, ‘પ્લીઝ, તમે એક દિવસ માટે આવી જાઓ. સવારની ફ્લાઇટ પકડીને આવો અને રાતે પાછા જાઓ, પરંતુ એક દિવસ માટે તમારે આવવું પડશે.’ મેં એટલું જ કહ્યું, ‘હું પૂરતી કોશિશ કરીશ, પણ કોઈ કમિટમેન્ટ નથી આપતો.’

શું કરવું એનો વિચાર કરતો-કરતો હું સેટ પર આવ્યો. મારો ચહેરો જોઈને અમિતાભે પૂછ્યું, ‘શું થયું?’ મેં વિગતવાર વાત કરી. અમિતાભ કહે, ‘આટલી રિક્વેસ્ટ કરી છે તો તું જઈ આવ. ચિંતા ન કર. મારા સેક્રેટરીને ફોન કર. એક દિવસ માટે ડેટ ઍડ્જસ્ટ કરી આપશે.’ આ અમિતાભ બચ્ચનની મોટાઈ હતી. એ સમયે મને ખબર નહોતી કે તેમનો આવો સદ્ભાવ મારા માટે ઍક્ટિંગની એક નવી દિશા ખોલી નાખશે.

એક દિવસનું શૂટિંગ પતાવીને હું મુંબઈ પાછો આવ્યો. ત્યાર બાદ ‘પુષ્પક’નું શૂટિંગ કોઈક કારણસર લંબાઈ ગયું. એ દરમ્યાન હું ‘શહેનશાહ’નું ડબિંગ કરતો હતો ત્યાં કમલ હાસનનો મને ફોન આવ્યો, ‘મણિરત્નમ ‘નાયકન’ બનાવે છે. મેં તારું નામ રેકમેન્ડ કર્યું છે. તેમને ખાતરી આપીને કહ્યું છે કે નયા લડકા હૈ લેકિન કામ અચ્છા કરતા હૈ. તું આ ફિલ્મ કર. હું તને ગૅરન્ટી આપું છું કે જો આ ફિલ્મ ‘પુષ્પક’ પહેલાં રિલીઝ થશે તો ‘You will not be able to walk on the streets of Madras.’ કમલ હાસનને આ રોલ માટે મારામાં આટલો કૉન્ફિડન્સ હતો.

‘નાયકન’ રિલીઝ થઈ. એક દિવસ અમિતાભ મને કહે, ‘અનુપમ ખેર મદ્રાસમાં તારી ફિલ્મ જોઈને આવ્યા છે. તારાં ખૂબ વખાણ કરે છે.’ બીજા દિવસે મને  કમલ હાસનનો ફોન આવ્યો, ‘તું મદ્રાસ આવે તો ખબર પડે કે તું કેટલો લોકપ્રિય થઈ ગયો છે.’ હું ત્યાં ગયો અને મારા આશ્ચર્ય અને આનંદનો કોઈ પાર ન રહ્યો. એક સુપરસ્ટારને જોઈને લોકો ઘેલા બની જાય એવું બન્યું. ‘નાયકન’માં મારા કૅરૅક્ટર ‘બાલા’ને રૂબરૂ જોઈને પ્રેક્ષકો ગાંડા થઈ ગયા. ‘બાલા કો બુલાઓ, બાલા કો બુલાઓ’ના પોકાર કરે. ત્યારે મનમાં થયું કે ફિલ્મો તો ઠીક છે. જે ભાવ અને અટેન્શન ઍક્ટિંગમાં  મળે છે એની તોલે બીજું કાંઈ ન આવે. ત્યારથી ફિલ્મોમાં કામ કરવાનો મારો નશો શરૂ થયો. પ્રોડ્યુસર તરીકે પડદા પાછળની તમારી મહેનતની ભાગ્યે જ નોંધ લેવાય છે, પરંતુ અભિનેતાની લોકપ્રિયતાનો જે પ્રતિભાવ મળે એની વાત જ જુદી છે. ‘નાયકન’માં ઇલિયા રાજાનું સંગીત હતું. આ ફિલ્મ હિટ ગઈ અને સાઉથની ફિલ્મોમાં મારું નામ થઈ ગયું.    

 ‘હિન્દી ફિલ્મોમાં હું ઍક્ટર તરીકે એસ્ટૅબ્લિશ થઈ ગયો. મારો કઝિન મુકુલ આનંદ ‘અગ્નિપથ’ બનાવતો હતો અને એમાં અમિતાભ હીરો હતા. આ ફિલ્મમાં મારા કોઈ ડાયલૉગ જ નહોતા. મારે કેવળ ગાળ બોલવાની હતી. મારું કૅરૅક્ટર એવું હતું કે જેને જુએ તેને ગાળો આપે. મુકુલે કહ્યું કે તારા મનમાં જે આવે એ ગાળ બોલજે, બસ ફક્ત અમિતાભને ગાળ ન આપતો. મને આ રોલમાં ખૂબ મજા આવી. સેટ પર Everybody was terrified. સેટ પર લગભગ ૨૦૦ જેટલા માણસો હોય. મારી ગાળો સાંભળે અને શૉટ પૂરો થાય એટલે સૌ તાળી પાડે. અમિતાભ પણ જોયા કરે કે આ શું થઈ રહ્યું છે? મને મનમાં થતું કે લાગે છે કે તેમને મારો કૉમ્પ્લેક્સ થઈ ગયો હશે.’

તો આ હતી ટીનુ આનંદની સત્યજિત રે અને અમિતાભ બચ્ચન સાથેની ઓછી જાણીતી, પરંતુ એટલી જ મજેદાર વાતો. આવતા રવિવારથી વીતેલા યુગના એક ગુણી સંગીતકાર સાથેની મારી સંગીતમય યાદોની સ્મરણયાત્રા શરૂ કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK