Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પીડા હયાતીની નિશાની છે

પીડા હયાતીની નિશાની છે

20 September, 2020 05:24 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

પીડા હયાતીની નિશાની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હમણાં એક હૉરર ફિલ્મ જોઈ, નામ એનું ‘ધી ઑફરિંગ.’

૨૦૧૬માં રિલીઝ થયેલી આ ફિલ્મ એટલી ખાસ નથી, પણ ફિલ્મનો એક સીન મને બહુ ગમી ગયો અને એ સીન સાથે આપણા બધાની લાઇફ કઈ રીતે જોડાયેલી છે એની વાત આજે કરવી છે. એ ફિલ્મ કે ફિલ્મના સીનની વાત કરતાં પહેલાં આપણે થોડી આપણી વાત કરીએ, આપણી લાઇફની વાત કરીએ. સોશ્યલ મીડિયા પર લાઇક-ડીસ્‍લાઇક, મૂવી, મ્યુઝિક, ગૉસિપ, ઑનલાઇન ચૅટ્સ, ટિન્ડર, ડેટ, ઑફિસ, ઘરનું કામ, સ્કૂલ, કૉલેજ. આ આપણી જિંદગી છે. ચોપાટી પર ચિલ કરવા જવું કે પછી સરસ સ્પામાં જઈને બૉડી-મસાજ કરાવવું. સ્કૂલ-કૉલેજ પૂરી કર્યા પછી ફાઇવ-સિક્સ ડિજિટ્સની સૅલેરી કે પછી બિલ્યનમાં પહોંચતા ટર્નઓવરવાળો બિઝનેસ અને એના પછી મૅરેજ. મૅરેજ થઈ ગયા પછી પાછું એ જ સર્કલ ચાલુ. બાળકો, બાળકોનું સ્કૂલિંગ અને એ જ બધી વાતો, એ જ વાતોનું પુનરાવર્તન.



ઑન ઍન્ડ ઑન ઍન્ડ ઑન...


આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે અને ચાલતું જ રહેવાનું છે. એમાં ક્યાંય બ્રેક નથી, ક્યાંય કોઈ જગ્યાએ જોવાનો સમય આપણી પાસે નથી અને આપણે જેકાંઈ કરીએ છીએ એની આ સાઇકલમાં આપણે જોતરાયેલા રહીએ છીએ. સાઇકલ એકધારી ફરે છે અને આપણે પણ એ સાઇકલ સાથે ફર્યા કરીએ છીએ. ફરતા રહો, બસ ચાલતા રહો. એક સિસ્ટમ છે, જેને ક્યાંય બ્રેક નથી કરવાની. સ્ટૉક માર્કેટ, પૉલિટિક્સ, ક્રિકેટ અને ફિલ્મો પણ આ બધાનો એક ભાગ જ છે. બધી ચર્ચા કરવાની, બધી વાતો કરવાની, પણ એ કરી લીધા પછી રાતે સૂતી વખતે ફરીથી બધું ભૂલી જવાનું. કારણ, તો જવાબ છે બીજા દિવસે જાગીને ફરીથી તમારી એ જ લાઇફ જીવવાની છે, જેની પોતાની એક કાર્યપદ્ધતિ છે.

લોકો જિમ કરે છે, હેલ્થ કૉન્સિયસ છે, પણ બધું ક્યાંક ને ક્યાંક શો-ઑફ જેવું બની ગયું છે. આ શેક પીવો અને બૉડી બનાવો. પ્રોટીન પાઉડર લો અને હેલ્ધી બનો. ટૅબ્લેટ લો અને આખો દિવસ સ્ફૂર્તિમાં દિવસ પસાર કરો. આ ચૉકલેટ પાઉડરથી તમારું બાળક મેન્ટલી-ફિઝિકલી બન્ને રીતે સ્ટ્રૉન્ગ બનશે અને સ્ટ્રૉન્ગ બનીને તે લાઇફમાં સામે આવનારા દરેક પડાવને સારામાં સારી રીતે પાર કરી શકશે અને, અને લાઇફની દરેક રેસમાં ફર્સ્ટ આવશે. ફર્સ્ટ જ આવશે, માત્ર જીતવાની તો વાત જ નથી અને હાર માટે તો વિચારવાનું પણ નથી. દરેકને અવ્વલ આવવું છે અને દરેકને અવ્વલ રહેવું છે. કોઈને રમવું નથી, રમવાની મજા કોઈને લેવી નથી. દરેકની એક રેસ છે અને એ રેસમાં દરેકને પ્રથમ સ્થાને આવવું છે.


આ બધું તમને એટલા માટે કહું છું કે આજે આપણે જે સિચુએશનમાં છીએ એને માટે ખરેખર વિચારની જરૂર છે. છેલ્લા પાંચ મહિનાથી આપણે એક મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. લાઇફ અચાનક એક હોલ્ટ પર આવી ગઈ છે. ક્યાં જવું એની ખબર નથી અને આ બધું ક્યારે પતશે એની પણ ખબર નથી. અચાનક જ રેસ બંધ અને દિશા એક જ તરફ, જીવન. અસ્તિત્વ હવે જીવન બની ગયું છે અને જીવન બની ગયેલા આ અસ્તિત્વને હવે આપણે રેસની બહાર નીકળીને જોઈ રહ્યા છીએ.

હવે આપણે વાત કરીએ એ ફિલ્મની જેની ચર્ચાથી આપણે આ ટોપિક પર આવ્યા છીએ. ‘ધી ઑફરિંગ.’ ફિલ્મ હૉરર છે, પણ મુદ્દો આપણો હૉરર નથી. ‘ધી ઑફરિંગ’માં એક છોકરી છે, જે સ્પાઇનલ પ્રૉબ્લેમને લીધે રોજ રાતતે સ્ટેરૉઇડ લે છે, તેને સ્પાઇનલમાં સ્ટેરૉઇડનું ઇન્જેક્શન આપવામાં આવે છે. છોકરીની મધરની ડેથ થઈ ગઈ છે, સિંગાપોર રહેતી તેની માસી છોકરી પાસે આવે છે. છોકરીને ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તેની માસી તેને કહે છે, ‘ચિંતા નહીં કર. બસ, જરાઅમસ્તું દુખશે.’

માસીના આ આશ્વાસનનો જવાબ છોકરીએ બહુ સરસ રીતે આપ્યો છે. છોકરી કહે છે, ‘ડોન્ટ વરી, તમે મને ઇન્જેક્શન આપી દો. જ્યારે-જ્યારે દુખાવો થાય છે ત્યારે-ત્યારે મને અહેસાસ થાય છે કે હું જીવું છું. મમ્મી હંમેશાં કહેતી કે દુઃખ આવે કે પીડા થાય ત્યારે સમજવું કે તું જીવે છે.’

મારે પણ આ જ વાત તમને કહેવી છે. આપણે મશીન નથી, આપણને ભગવાને માણસનું રૂપ આપ્યું છે અને આપણે એ રૂપને રેટ રેસમાં સામેલ કરી દીધું છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણે માણસ છીએ, આપણામાં જીવ છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણને ઈશ્વરે એક શરીર ભેટ આપ્યું છે જેની કિંમત અમૂલ્ય છે. આપણે એ અમૂલ્ય શરીર અને જીવનનું મૂલ્ય સમજવું પડશે. કોવિડ નામની એક મહામારી આવી અને બધું ભુલાઈ ગયું. રાતોરાત આપણે ઇમ્યુનિટી વધારવામાં લાગી ગયા. તકલીફ એ વાતની છે કે જ્યારે તકલીફ આવે છે ત્યારે જ આપણને આપણી કિંમત સમજાય છે અને આપણે એ દિશામાં દરકાર કરીએ છીએ. યાદ રાખજો કે આપણા શરીરને સાચવવાની સૌથી પહેલી જવાબદારી આપણી છે, પણ ના, આપણે એ જવાબદારી નિભાવવા રાજી નથી. આપણે આ શરીર પાસેથી બહુ બધું લીધું પણ પાછું આપવાની વાત આવ છે ત્યારે આપણે ઠેંગો બતાવી દઈએ છીએ. શરીરની બાબતમાં પણ એવું જ કરીએ છીએ અને સૃષ્ટિની બાબતમાં પણ આપણે એવું જ કરીએ છીએ. માર્ચ પહેલાં એક્સરસાઇઝ દુનિયાને દેખાડવા માટે થતી અને હવે ઇમ્યુનિટી માટે થાય છે. હળદર આપણે ત્યાં વર્ષોથી ખોરાકમાં લેવાતી એ હવે રાતોરાત ડોઝના ફૉર્મેટમાં આવી ગઈ. એના ડ્રૉપ્સ પણ મળવા માંડ્યાં અને એની ટૅબ્લેટ પણ આવી ગઈ. જે ગરમ પાણી આપણને નાનપણથી આપવામાં આવતું એ હવે જાણે કે જીવાદોરી બની ગયું. ઇમ્યુનિટીનું મૂલ્ય સમજાવા માંડ્યું અને ઇમ્યુનિટીના લાભ પણ હવે બધા બોલતા થઈ ગયા. સૌકોઈને એવું લાગવા માંડ્યું છે કે જીવવું જરૂરી છે. માર્ચ પહેલાં આ જ જીવન હતું અને આજે પણ એ જ લાઇફ છે, પણ કોરોના નામનો એક અદૃશ્ય વાઇરસ બધાને સુધારવાનું કામ કરી ગયો છે. જો શરીર રીઍક્ટ કરે તો જ આપણે એની દરકાર કરીએ છીએ. પેઇન થાય ત્યારે જ આપણને સમજાય છે કે આપણે જીવીએ છીએ અને આપણે જીવવું પણ છે.

સર્વાઇવલ ઑફ ધ‌ ફિટેસ્ટ. જે બચશે એ જ ટકશે. આજે કોઈને રેસ યાદ નથી આવી રહી કે આજે કોઈને આગળ વધવાની લાય રહી નથી. હવે કોઈનામાં દુનિયાને દેખાડી દેવાની માનસિકતા પણ રહી નથી. શું કામ, તો જવાબ એક જ છે. જીવન જીતવાનું છે અને એ જીત માટે હવે ભાગવાનું નથી, હવે દોડવાનું નથી, હવે રેસમાં ઊતરવાનું નથી. હવે કશું આપણા હાથમાં નથી.

કહેવા માટે હું નાનો લાગું અને એ પછી પણ કહું છું કે આ જે મહામારી આવી છે એ આ જગતની પહેલી મહામારી નથી. અગાઉ પણ ઘણી મહામારી આવી છે, કુદરતી હોનારત થઈ છે અને આપણે બધાના ઇલાજ શોધી લીધા છે, પણ એ ઇલાજ શોધીને પછી આપણે નવેસરથી ભાગ્યા જ છીએ. આ ભાગવાનું હવે છોડવાનું છે. કોવિડે આપણી આંખો ખોલી છે, સમજાવ્યું છે કે હેલ્ધી હોઈશું તો જ આપણે જીવી શકીશું. જો હેલ્ધી હોઈશું તો જ કોરોના સામે લડી શકીશું. મારું પણ કહેવું એ જ છે, આવનારો સમય વધારે જોખમી બને તો પણ એની સામે લડી લેવાની માનસિકતા સાથે હેલ્થને અકબંધ રાખજો અને ઇમ્યુનિટી સતત વધારતા રહેજો. નહીં ગમે ઘરમાં રહેવું, પણ ડોન્ટ ફર્ગેટ, પેઇન જ તમારા અસ્તિત્વની નિશાની છે. અત્યારે થઈ રહેલી પીડા જ દેખાડે છે કે તમે જીવી રહ્યા છો. સો, બસ, આ જીવનને અકબંધ રાખજો. પીડાનો ઉપાય બહુ જલદી મળી જશે એ નક્કી છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 05:24 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK