વરસો પહેલાં અમે જ્યાં રહેતાં હતાં ત્યાં એક પાડોશી હતા. એ મરાઠી પરિવારમાં અંકલ-આન્ટી સાથે તેમની એક ગ્રૅન્ડ ડોટર પણ રહેતી હતી. છ-સાત વરસની હતી ત્યારથી તે છોકરી અહીં પોતાની નાનીને ઘરે રહેતી હતી. આપણે તેને મંજુ કહેશું. મંજુ સ્કૂલે જવા જેવડી થઈ એટલે આન્ટીએ એક મરાઠી માધ્યમની સ્કૂલમાં તેનું ઍડ્મિશન કરાવ્યું. નાનકડી મંજુને યુનિફોર્મ પહેરીને, બૂટમોજાં ચડાવીને સ્કૂલબૅગ લઈને સ્કૂલ જવું ગમતું. તે હોંશે-હોંશે સ્કૂલે જતી. ઘરે આવીને લેસન કરતી. તેની નાની તો તેને ભણવામાં કે હોમવર્કમાં કંઈ મદદ કરી શકે એમ નહોતી એટલે એક-બે વર્ષમાં તો તે ટ્યુશન ટીચરના ઘરે ટ્યુશન લેવા પણ જવા લાગી. સ્કૂલ અને ટ્યુશન ટીચરને ત્યાં ક્લાસમાં જતી મંજુ ખુશ હતી. બાકીના ટાઇમમાં તે મકાનની બીજી છોકરીઓ જોડે રમતી, પરંતુ થોડા સમય પછી એક-બે નવા પરિવારો મકાનમાં રહેવા આવ્યા. તેમને ઘરે પણ મંજુની ઉંમરની છોકરીઓ હતી, પરંતુ તે કૉન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી. સાંજ પડે મકાનનાં છોકરા-છોકરીઓ રમવા ભેગાં થતાં એમાં તે બન્ને છોકરીઓ પણ આવતી. બીજાં બાળકો સાથે તો તે છોકરીઓ થોડા જ દિવસોમાં ભળી ગઈ, પણ મંજુ સાથે તે છોકરીઓ વાત ન કરતી. મકાનનાં બીજાં બાળકો ભલે કૉન્વેન્ટ સ્કૂલમાં નહોતાં જતાં, પણ તેઓ અંગ્રેજી મીડિયમમાં ભણતાં હતાં એટલે તેઓ પેલી છોકરીઓ સાથે દોસ્તી કરવામાં સફળ રહ્યાં અને મંજુ બિચારી એકલી પડી ગઈ. બધાં રમતાં હોય ત્યારે મંજુ એક બાજુ એકલી-એકલી મકાનમાં રહેતી એક બિલાડીના નાના બચ્ચાને રમાડ્યાં કરતી. એ વર્ષે વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ત્યાર બાદ મંજુ દેખાતી નહોતી. એક દિવસ તેની નાની સાથે ભેટો થઈ ગયો તો પૂછ્યું, મંજુ કેમ દેખાતી નથી? તેમણે કહ્યું, એ તો ગઈ તેને ઘરે. ત્યાર પછી તેમણે જે કંઈ કહ્યું એ ટૂંકમાં આમ હતું... અહીં કોઈ તેની સાથે રમતું નહીં, બોલતું નહીં. એ બહુ એકલી પડી ગઈ હતી. ઘરમાં પણ તે સૂનમૂન થઈ જતી હતી. તેની એ ઉદાસીની અસર તેના અભ્યાસ પર પણ પડી હતી. તેનું રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું હતું એટલે મંજુની મમ્મીએ કહ્યું કે એને અમારે ત્યાં મોકલી આપો.
વરસો પહેલાંની એ ઘટના હમણાં નવા સ્વરૂપે જોવા મળી. ૭ વર્ષની માઇરા નવા મકાનમાં રહેવા ગઈ. મોટી સોસાયટીમાં તેનાં જેવડી ઘણી છોકરીઓ હતી. માઇરા પોતાના ઘરની બારીમાંથી નીચે ઘણી બધી છોકરીઓને ગાર્ડનમાં રમતાં જોતી. એક દિવસ માઇરા પણ મમ્મી સાથે ગાર્ડનમાં ગઈ. પેલી છોકરીઓનું ગ્રુપ રમતું હતું ત્યાં જઈને તે તેમની રમત જોવા લાગી. પેલા ગ્રુપમાંથી એક છોકરી તેની પાસે આવી અને પૂછ્યું, ‘હાઈ, તારે અમારી સાથે રમવું છે? તારું નામ શું છે?’ માઇરાએ ખુશ થઈને કહ્યું, ‘હા’. પછી માઇરાએ પોતાનું નામ જણાવ્યું અને માઇરા રોજ એ ગ્રુપમાં રમવા જ્વા લાગી. એક જ મહિનામાં માઇરાનો જન્મદિવસ આવ્યો. તેણે પોતે ગાર્ડનમાં રમવા જતી તે બધી ફ્રેન્ડ્સને આમંત્રણ આપ્યું. માઇરાની બર્થ ડૅ પાર્ટીમાં બધી ફ્રેન્ડ્સે બહુ મજા કરી. માઇરાની મમ્મીને નિરાંત થઈ ગઈ કે નવા મકાનમાં પણ માઇરાની ફ્રેન્ડ્સ બની ગઈ, પરંતુ એક દિવસ માઇરા ગાર્ડનમાં રમવા ગઈ અને પાંચ જ મિનિટમાં પાછી આવી ગઈ. ઘરમાં બધાને નવાઈ લાગી કે રોજ બોલાવવા જઈએ પછી પણ અડધા કલાકે માંડ ઘરે આવતી માઇરા આજે આમ તરત જ પાછી કેમ આવી ગઈ? તેને પૂછ્યું તો બોલી એમ જ, કોઈ રમતું નથી. પછી તે મોબાઇલ લઈને બેસી ગઈ. મમ્મીએ મોબાઇલ મૂકવા કહ્યું ત્યારે કેટલી વારે તેણે એ બાજુમાં મૂક્યો અને સાઇકલ ચલાવવા લાગી, પણ તે ગુમસૂમ થઈ ગઈ હતી. તેનો ચહેરો પણ રડવા જેવો થઈ ગયો હતો. પપ્પાએ તેને પોતાની પાસે બોલાવી અને વહાલથી ફરી પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, ‘અનાયાએ અને ગ્રુપની બધી છોકરીઓએ મને ફ્રેન્ડ લિસ્ટમાંથી ડિલિટ કરી નાખી!’ એ દિવસ બાદ સાંજે ગાર્ડનમાં જવા માઇરા કદી ઉત્સુક નથી હોતી. મમ્મી-પપ્પા તેને સાઇકલ ફેરવવા ગાર્ડનમાં લઈ જવા તૈયાર કરે છે, પણ તે કોઈ ને કોઈ કારણે મોડું કરે છે કે ટાળ્યાં કરે છે. હવે તો તે ફરી જૂના ઘરે જવાની જીદ પણ કરે છે.
૨૦ વર્ષ પહેલાં મંજુને એકલી પાડી દેવાઈ હતી. આજે એક ક્લિકથી માઇરાની ફ્રેન્ડ્સે તેને એકલી પાડી દીધી છે. ટેક્નૉલૉજીનો પ્રભાવ આટલા નાના બચ્ચાની જિંદગીમાં પણ કેટલો છવાઈ ગયો છે! રોજ સાંજ પડે ઉમંગથી ઊછળતી માઇરાની સાંજ ગુમસૂમ બની ગઈ છે. અલબત્ત, માઇરાનાં મમ્મી-પપ્પા આ દિવસોમાં તેનાં પર વિશેષ ધ્યાન આપે છે. તેને સમજાવે છે કે સાચી દોસ્તી કંઈ આમ ડિલિટ ન થઈ શકે. તેઓ સમજે છે કે આ ફેઝ થોડા દિવસ ચાલશે. એટલે મંજુની જેમ માઇરાને મેદાન છોડીને જવાની નોબત નથી આવી.
પરંતુ આ કિસ્સાઓ જોઈ મને બાળપણમાં ફ્રેન્ડ્સ સાથે થયેલી કટ્ટી-બટ્ટીના અને અબોલાના અનેક પ્રસંગો યાદ આવી ગયા. કેટલીયે વાર એવું બન્યું હતું કે પાડોશની બીજી છોકરીઓ ગ્રુપ બનાવી લેતી અને અમને બન્ને બહેનોને (હું અને મારી નાની બહેન) એમાં ન રાખતી. મને યાદ છે, એવું બનતું ત્યારે અમારી વચ્ચેના મતભેદો ભુલાઈ જતા અને અમે બન્ને બહેનો એકમેકની વધુ નિકટ આવી જતી. મંજુ કે માઇરાએ અનુભવી છે એવી નિરાશા કે એકલવાયાપણું અમે ક્યારેય અનુભવ્યાં નહોતાં. અમે બે હતાં એટલે જ નહીં, અમારી પાસે બા-બાપુજીએ અમારામાં રોપેલી સમજણ હતી કે તમે પોતે અને સારાં પુસ્તકો જ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. તેમણે કેળવેલી વાંચવાની રુચિ હતી અને ઢગલોએક મજાની ચોપડીઓ હતી. મને યાદ છે, બા ઘરનું કામ કરતાં-કરતાં અમારી સાથે શબ્દ-રમત કે અંતાક્ષરી જેવી રમતો રમતાં. અમને નાનાં-નાનાં કામોમાં વ્યસ્ત રાખતાં અને અમે ભાગ્યે જ બહારના કોઈની જરૂર મહેસૂસ કરતાં. આમ પોતાની સાથે, પોતાના ઘર સાથે અને ઘરના સભ્યો સાથે મજા કરતાં અમે શીખેલાં એટલે જ બિલ્ડિંગની જે છોકરીઓએ અમને એકલી પાડી દીધી હતી એ જ થોડા વખત પછી અમારી સાથે રમવા આવતી હતી. એટલું જ નહીં, અમારી એ રમતોની લીડર પણ હું રહેતી!
દોસ્તી કે મિત્રો જિંદગીની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને એ નસીબદારોને જ મળે છે એ જેટલું સાચું છે એટલી જ સાચી વાત એ પણ છે કે દોસ્તી તૂટી જવાના ભયને કારણે બાળકો નાનપણથી ઘણી એવી વસ્તુઓ કરતા શીખી જાય છે જે અને જિંદગી માટે અનિવાર્ય એવી અનેક બાબતો શીખવાથી વંચિત રહી જાય છે. પીઅર પ્રેશરના અનુભવ તો સ્કૂલનાં અંતિમ વર્ષોમાં કે કૉલેજમાં ઘણાને થયા હશે, પણ આજે તો પાંચ-છ વર્ષનાં બાળકોને પણ કહેવાતી ફ્રેન્ડશિપ માટે સ્ટ્રેસ હેઠળ આવી જતાં જોયાં છે. તેમના વર્તન, તેમની ખાવા-પીવાની આદતો અને સ્લીપ પેટર્ન્સ પણ બદલાઈ જતાં જોયાં છે. આ બાળકોને કોઈએ કદાચ પોતાની જાત સાથે દોસ્તી કરતા નહીં શીખવાડ્યું હોય. પોતાની ફૅમિલીના સભ્યો સાથે પણ દોસ્તી થઈ શકે અને સૌથી મહત્ત્વની વાત તો એ કે કોઈ ફ્રેન્ડ-લિસ્ટમાંથી આપણું નામ કાઢી નાખે કે આપણા ફોટોને લાઇક ન કરે તો એ દુખી થવાની બાબત બિલ્કુલ નથી, એ વાત આ બાળકોને પાક્કે પાયે શીખવી દેવાની જરૂર છે. કોઈ આપણને ન બોલાવે તો એ આપણો નહીં, તેનો પ્રૉબ્લેમ છે. દરેક બાળક માટે એક એવી મજબૂત સપોર્ટ સિસ્ટમ પરિવાર દ્વારા જ ઊભી થઈ શકે જે તેમને બહારના મિત્રો પર આટલા બધા ઓવર ડિપેન્ડન્ટ બનતા રોકે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)