મ્હારો છોરો છોરિયોં સે કમ હૈ કે?

Published: 20th November, 2020 15:01 IST | Varsha Chitalia | Mumbai

પુત્ર-પુત્રીના ઉછેરમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ એવું આપણે ગાઈ-વગાડીને કહીએ છીએ ત્યારે આ વાત માત્ર દીકરીના ઉછેરની બાબતમાં લાગુ પડે છે.

જોકે એવી કેટલીક મમ્મીઓ છે જે પોતાના દીકરાને પૅમ્પરિંગ કરવાની જગ્યાએ રસોઈ, ઝાડુ-પોતાં અને વાસણ માંજવા જેવાં ગર્લ્સનાં કામ શીખવાડી રહી છે
જોકે એવી કેટલીક મમ્મીઓ છે જે પોતાના દીકરાને પૅમ્પરિંગ કરવાની જગ્યાએ રસોઈ, ઝાડુ-પોતાં અને વાસણ માંજવા જેવાં ગર્લ્સનાં કામ શીખવાડી રહી છે

પુત્ર-પુત્રીના ઉછેરમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ એવું આપણે ગાઈ-વગાડીને કહીએ છીએ ત્યારે આ વાત માત્ર દીકરીના ઉછેરની બાબતમાં લાગુ પડે છે. જમાના પ્રમાણે પેરન્ટ્સ હવે ગર્લ ચાઇલ્ડને સારું શિક્ષણ અને ઘણી સ્વતંત્રતા આપવા લાગ્યા છે એ સારી વાત છે, પરંતુ પુત્રના ઉછેરમાં ખાસ બદલાવ આવ્યો નથી. આજે પણ મોટા ભાગના ઘરોમાં દીકરો રાજાબાબુની જેમ ઊછરે છે. જોકે એવી કેટલીક મમ્મીઓ છે જે પોતાના દીકરાને પૅમ્પરિંગ કરવાની જગ્યાએ રસોઈ, ઝાડુ-પોતાં અને વાસણ માંજવા જેવાં ગર્લ્સનાં કામ શીખવાડી રહી છે. ચાલો મળીએ એવી મમ્મીઓ અને તેના લાડકવાયાને..

રોઝ શરબત બનાવવાથી શરૂઆત કરી - રુદ્ર સોની, વિલે પાર્લે

કુકિંગ, ક્લીનિંગ, ડસ્ટિંગ, કપડાંની ગડી કરવી, વાસણ ચડાવવા જેવાં કામ કરતા સોળ વર્ષના રુદ્ર સોનીને તેના ફ્રેન્ડ્સ ઘણી વાર ચીડવે કે શું ગર્લ્સનાં કામ કરતો હોય છે. જોકે રુદ્રને ફરક પડતો નથી. તે કહે છે, ‘દોસ્તોની કમેન્ટ્સને ગંભીરતાથી નથી લેતો. હું એમ વિચારું કે અત્યારે ભલે હસતા, આગળ જતાં તેમને તકલીફ પડશે. મને તો બધું આવડે છે. વિદેશ ભણવા જવું હશે તો રસોઈ બનાવતાં આવડવી જોઈએ એવું વિચારી ઘણા માત્ર પોતાને ભાવતી રસોઈ શીખી લે છે. જ્યારે મમ્મીએ મને ઠાકોરજીની સામગ્રી બનાવતાં શીખવાડ્યું છે. ઘરનાં એ ટુ ઝેડ કામ કરી શકું છું અને એ પણ ગર્લ્સ કરતાં વધુ સારી રીતે.’
બહારથી આવું ત્યારે કોઈ રોઝ શરબત બનાવીને આપે તો આનંદ થાય. રુદ્ર પાંચ વર્ષનો હતો ત્યારથી આ કામ કરે છે. ક્યારેક ગળ્યું તો ક્યારેક ફીકું બને પણ બનાવે ખરો. તેનાં મમ્મી પલ્લવી કહે છે, ‘ગર્લ હોવા છતાં નાનપણમાં હું આટલું કામ નહોતી કરતી જેટલું રુદ્ર કરે છે. થેપલાનો લોટ બાંધતા ને પોતાની થાળી જાતે ધોઈને ઊંધી વાળતાં શીખવાડ્યું છે. મારી જેમ ચોખ્ખાઈનો આગ્રહી છે એટલે કોઈ પણ કામ કરવામાં આનાકાની નથી કરતો. મારે તેને પૅમ્પર્ડ ચાઇલ્ડ નહોતો બનાવવો. કદાચ દીકરીને પૅમ્પર કરી હોત પણ દીકરાને તો નથી જ કર્યો. જોકે આજના મૉડર્ન પેરન્ટ્સ દીકરીઓને કામચોર બનાવી રહ્યા છે એ ખોટું છે. સંતાનના ઉછેરમાં લિંગભેદને બધી રીતે ખતમ કરવાની જવાબદારી પેરન્ટ્સ સમજે તો ભવિષ્યમાં જીવનસાથી પ્રત્યેની ફરિયાદો ઊભી નહીં થાય અને કદાચ એકલા રહેવું પડે એવા સંજોગો ઊભા થાય તો જીવન સરળ બનશે.’

કુકિંગ અને ક્લીનિંગ લાઇફ સ્કિલ છે - અબીર જૈન, ઘાટકોપર

ઝાડુ કાઢતી વખતે ગરમી બહુ થાય, રસોડામાં પંખા વગર અકળામણ થાય છે, કામવાળી બાઈની જેમ સ્ક્વૉટ કરીને પોતાં મારતાં નથી ફાવતું. ૧૨ વર્ષના અબીરની આવી ઘણીબધી ફરિયાદો હોવા છતાં તેનાં મમ્મી અર્ચના જૈનનો આગ્રહ છે કે બૉય હોય કે ગર્લ, ઘરનાં કામ બન્નેએ શીખવાં જ પડશે. તેઓ કહે છે, ‘અબીરના પપ્પા ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ છે જેમને પોતાની જાતે પાણીનો ગ્લાસ ભરીને પીવા સિવાય કોઈ કામ આવડતું નથી. આપણે આ બધું ચલાવી લીધું, પરંતુ નવી પેઢીની ગર્લ્સ આવું ચલાવશે નહીં. આજથી પચીસ વર્ષ પછી પરણીને આવનારી વહુ ગૃહિણી બનીને નથી રહેવાની. એ જમાનો એવો હશે જ્યારે કામવાળા શોધવા નીકળવું પડશે, કારણ કે હવે એ લોકોના કિડ્સ સારું એજ્યુકેશન લઈ રહ્યાં છે. વિદેશની જેમ મેઇડ વગર ચલાવવાનો વારો આવશે ત્યારે તમે શું કરશો? લૉકડાઉનમાં આપણને આ અનુભવ થઈ ગયો છે. કુકિંગ, ડસ્ટિંગ, ક્લીનિંગ આ બધાં કામ લાઇફ સ્કિલ કહેવાય. એમાં દીકરા-દીકરી જેવો ભેદભાવ ન રાખી શકો.’
જુદી-જુદી ડિશ બનાવીને ઘરમાં બધાને ખવડાવવાની મજા આવે છે, પરંતુ કિચનમાં પંખો ન હોય એટલે ટેન્શન થઈ જાય એમ જણાવતાં અબીર કહે છે, ‘એક વાર મમ્મીએ કહ્યું તારાથી ગરમી સહન નથી થતી તો ઇમૅજિન કર કે આટલાં વર્ષોથી મમ્મી અને મેઇડ કઈ રીતે કામ કરતાં હશે. ત્યારથી ફરિયાદ નથી કરતો, પણ કિચનમાંથી બહાર આવીને તરત પંખા નીચે બેસી જાઉં. સ્ક્વૉટ કરીને પોતાં મારતાં નથી ફાવતું એટલે મમ્મીએ મૉપ લાવી આપ્યું છે. જોકે તેમનો આગ્રહ છે કે સાધનો વગર જીવતાં શીખો. અત્યારે હાથેથી કપડાં ધોતાં શીખી રહ્યો છું.’

ચારના ટકોરે ચા રેડી થઈ
જાય - ધીર હરસોરા, તાડદેવ

મારા હસબન્ડને ચા બનાવતાં પણ નથી આવડતી. માંદી પડું તો જમવાનું બહારથી લાવવું પડે. સાચું કહું તો ગુજરાતી કલ્ચર પ્રમાણે ધીરને રસોઈ કે ઘરનાં કામો શીખવાડવાનો પ્રયત્ન કર્યો નહોતો. વાતની શરૂઆત કરતાં ૧૪ વર્ષના ધીરનાં મમ્મી રીમા હરસોરા કહે છે, ‘નાનપણમાં ધીર નાના-નાનીના ઘરે રોકાવા બહુ જતો. સમજણો થયો પછી એટલું શીખવ્યું હતું કે રોકાવા જાય ત્યારે પૅન્ટ-શર્ટ મશીનમાં ધોવા આપવાનાં અને અન્ડરગાર્મેન્ટ્સ જાતે ધોઈને સૂકવી દેવાનાં. આ સિવાય કંઈ શીખવાડવાનો વિચાર આવ્યો નહોતો. ત્રણેક વર્ષ પહેલાં વ્યવહારિક કારણસર બહારથી આવતાં મોડું થઈ ગયું હતું. રસોઈ ક્યારે કરીશ એવી ચિંતામાં ઘરે પહોંચીને જોયું તો દીકરાએ સૅન્ડવિચની તૈયારી કરી રાખી હતી. બજારમાંથી કોથમીર લાવીને જાતે ચટણી બનાવી હતી. બીજાના માટે આ વાત નાની હશે, પરંતુ મારા માટે મોટી સરપ્રાઇઝ હતી. દિલ ખુશ થઈ ગયું. તેની ધગશ જોઈને થયું કે ભવિષ્યમાં ધીરને બહારના ફૂડ પર ડિપેન્ડ ન રહેવું પડે તેમ જ તેની વાઇફ રિલૅક્સ ફીલ કરી શકે એ માટે પ્રૉપર ટ્રેઇનિંગ આપવી જોઈએ. વાસ્તવમાં દીકરીનાં કામ દીકરાને પણ આવડવાં જરૂરી છે એ વાત મારા મગજમાં તેણે જ બેસાડી હતી.’
રસોઈ બનાવવી બહુ ગમે એમ બોલતાં ધીર કહે છે, ‘દાલ-રાઇસ, ખીચડી-કઢી જેવી રસોઈ બનાવતાં શીખ્યો છું. મમ્મીને બપોરે કેટલા વાગ્યે ચા જોઈએ એ ખબર છે. ચારના ટકોરે ચા રેડી થઈ જાય. તેમની ગેરહાજરીમાં ઘણા બધા એક્સપરિમેન્ટ કરી જોયા છે. લૉકડાઉન દરમિયાન ડે ટુ ડે લાઇફમાં યુઝફુલ થાય એવાં બીજાં કામ આવડી ગયાં છે. હું માનું છું કે ઘરનાં કામ કરવા માટે જેન્ડર બાયસ જેવું હોવું ન જોઈએ. આ કલ્ચર ચેન્જ થાય એ જરૂરી છે.’

વાસણને લૂછીને અરેન્જ કરવાનું ગમે - તક્ષલ શાહ, બોરીવલી

રૂમમાંથી પથારા ઉપાડવા, સાફસફાઈ કરવી, સૅલડ કાપવું, વાસણ માંજવાં, માંજેલાં વાસણોને લૂછીને સ્ટૅન્ડ પર ગોઠવવા જેવાં રોજિંદા કામોની ટ્રેઇનિંગ પૂરી થઈ ગઈ છે અને હવે રસોઈ શીખવાની તૈયારી કરી ચૂકેલા અગિયાર વર્ષના તક્ષલને ક્યારેય આ કામો છોકરીનાં નથી લાગ્યા. એ કહે છે, ‘મને તો આ બધું કરવાની મજા પડે છે. ખાસ કરીને જુદી-જુદી સાઇઝની સ્પૂન અને ડિશને પ્રૉપર જગ્યાએ અરેન્જ કરવાનું કામ બહુ ગમે. શરૂઆતમાં વાસણ માંજતી વખતે હાથ ગંદા થતા એ ગમતું નહીં. પછી થયું મમ્મી આ કામ કરી શકે તો મારે પણ કરવું જોઈએ.’
તેનાં મમ્મી પ્રિયા કહે છે, ‘ગુજરાતી પુરુષોને ઘરનાં કામ કરવાની ફાવટ હોતી નથી, જ્યારે મરાઠી અને સાઉથ ઇન્ડિયન પુરુષોને ઑફિસથી આવીને ઘરનાં કામ કરતા જોયા છે. મને ઘણી વાર વિચાર આવતો કે સ્ત્રીઓ અટકી જાય તો આપણા ઘરના પુરુષોનું શું થાય? સંજોગવશાત આવા બે-ત્રણ કિસ્સા જોવા મળ્યા. મહિલા સભ્યની ગેરહાજરી પછી તેમની લાઇફ બહુ ડિફિકલ્ટ બની ગઈ છે. આવું કોઈના પણ જીવનમાં બની શકે. એના કરતાં નાનપણથી જ દીકરો હોય કે દીકરી, બધાં કામો કરતાં શીખવાડો. અત્યારે સિનારિયો એવો છે કે દીકરાને શીખવાડવાનું તો દૂર, પેરન્ટ્સ દીકરીઓને પણ ખૂબ પૅમ્પર કરે છે. માથે પડશે ત્યારે આપોઆપ શીખી જશે, દીકરી છે તો કંઈ કામ કરાવવાનું? આવું અનેક મમ્મીઓના મોઢે સાંભળ્યું છે. પરિણામે લગ્નની ઉંમર સુધી છોકરીઓને ઘરનાં કામ આવડતાં નથી. મારે આવી પરિસ્થિતિ તક્ષલ માટે ઊભી થવા દેવી નથી. ભેદભાવ વગર સંતાનોનો ઉછેર કરવાનો અર્થ છે બન્નેને એકસરખી સ્વતંત્રતા મળવી જોઈએ તો ઘરનાં કામ પણ સરખાં જ આવડવાં જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK