Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્માર્ટ બાળકને મૂર્ખ બનાવવામાં માહેર થતી જાય છે આપણી એજ્યુકેશન સિસ્ટમ

સ્માર્ટ બાળકને મૂર્ખ બનાવવામાં માહેર થતી જાય છે આપણી એજ્યુકેશન સિસ્ટમ

06 January, 2020 05:36 PM IST | Mumbai Desk
manoj joshi | manoj.joshi@mid-day.com

સ્માર્ટ બાળકને મૂર્ખ બનાવવામાં માહેર થતી જાય છે આપણી એજ્યુકેશન સિસ્ટમ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણું એજ્યુકેશન કથળતું જાય છે એવું કહેવાનો કોઈ ભાવ નથી, કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમના મૂળમાં જ સુધારો કરવાની જરૂર છે. જો એ સુધારો કરવામાં હવે સમય બરબાદ કરીશું તો એક તબક્કો એવો આવી જશે કે આપણી નવી પેઢી ટૅલન્ટને નહીં, પણ માર્ક્સને આધીન હશે. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં માર્ક્સને એટલી હદે પ્રાધાન્ય મળી ગયું છે. માર્ક્સ, પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ એ ટૅલન્ટની પારાશીશી છે. એના આધારે બાળકનું ભાવિ નક્કી થાય છે. માર્ક્સ સારા, પર્સન્ટેજ સારા તો બાળક હોશિયાર. હોશિયારીનો આ જે માપદંડ છે એ માપદંડમાં સુધારો આવે એવી એજ્યુકેશન સિસ્ટમની દેશને તાતી જરૂર છે. આપણી એજ્યુકેશન સિસ્ટમની પાસે વ્યક્ત‌‌િગત વિકાસની કોઈ વાત નથી. આપણી એજ્યુકેશન સિસ્ટમ પાસે માણસાઈના ગુણો શીખવવાની કોઈ પ્રથા નથી. હું કહીશ કે આપણી એજ્યુકેશન ‌સિસ્ટમ બાળકને સર્વગુણસંપન્ન નથી બનાવી રહી. એ પુસ્તકિયા જ્ઞાનને આધીન કરી દે છે અને ગોખણપટ્ટીના રસ્તાને તેમનો વિકાસમાર્ગ બનાવી દે છે. ગોખણપટ્ટી જરૂરી નથી, જરૂર છે તો જીવનમાં વાતને ઉતારવાની.

ઋષિ પરંપરા સમયે જે શિક્ષણ હતું એ શિક્ષણમાં માત્ર દાખલાઓ કે ઇતિહાસ શીખવવામાં નહોતો આવતો. એ શિક્ષણ પરંપરા અવ્વલ દરજ્જાની હતી. શસ્ત્રવિદ્યા પણ શીખવવામાં આવતી અને શાસ્ત્રની વિદ્યા પણ આપવામાં આવતી. એ પરંપરામાં જ રાજકુમારો તૈયાર થયા અને એ પરંપરાએ જ રાજલોહીને રાજ્યને લાયક બનાવ્યું. માર્શલ આર્ટ્સના ક્લાસ કરવા હોય તો તમારે એક્સ્ટ્રા ક્લાસમાં જવાનું. ઘોડેસવારી, તલવારબાજી જેવી વાતો હવે માત્ર ટીવી પર જોવા મળે છે. એક સારો સ્પોર્ટ્સમૅન પણ સ્કૂલમાં તૈયાર નથી થતો, કારણ શું?
કારણ એ જ કે સ્પોર્ટ્સ હવે એજ્યુકેશનનો ભાગ નથી. એ તો સાઇડ ઍક્ટ‌િવિટી છે. તમારે કરવી હોય તો કરો, ન કરવી હોય તો કંઈ નહીં. અમારે ત્યાં તો તમારે શાંતિથી ચાર કલાક ભણવાનું છે. ચોપડીઓ વાંચવાની છે અને નોટબુક ભરવાની છે. બસ, વર્ષના અંતે અમે તમને એક માર્ક્સશીટ આપીશું, તમારે એ લઈને ઘરે દેખાડી દેવાની. પપ્પા તમને ફાઇવસ્ટાર આપશે અને મમ્મી તમને ‘મારો દીકો’ કહીને ગળે લગાડશે. વાર્તા પૂરી.
આ રીતે તૈયાર થયેલું બાળક જીવનમાં શું ઉકાળી શકવાનું? તે જીવનની એવી દોટમાં સામેલ થઈ જશે જે દોટ આવતા દસકામાં કામ લાગવાની નથી. હરીફાઈ વધી રહી છે, ટેક્નૉલૉજીનો દોર બદલાઈ રહ્યો છે અને લાઇફસ્ટાઇલ પણ એને આધીન થવાની છે. આ અવસ્થા વચ્ચે જો યોગ્ય એજ્યુકેશન અને સાથે યોગ્ય પ્રકારનું શારીરિક અને માનસિક શિક્ષણ નહીં મળે તો બાળક માટે જીવવું દુષ્કર થઈ જશે. જીવવું જરૂરી છે, મજા સાથે, આનંદ સાથે અને ખુશી સાથે રહેવું મહત્ત્વનું છે. એજ્યુકેશન સિસ્ટમ જ આ આપી શકે. પાસ થવાના રસ્તાઓ આજની એજ્યુકેશન સિસ્ટમ શીખવાડી રહી છે તો સાથોસાથ નાપાસ થઈને પણ સફળ કેવી રીતે થવું એ પણ આ એજ્યુકેશન સિસ્ટમે શીખવવું પડશે. જીવનની ઝડપમાં દોટ મૂકવા માટે મનથી કેવી રીતે ઘડાવું એ પણ એણે જ શીખવવું પડશે અને રસ્તા પર ચાર લોકો આડશ બનાવીને ઊભા રહી જાય ત્યારે કેવી રીતે એ લોકોનો સામનો કરવો એ પણ આ એજ્યુકેશન સિસ્ટમે જ શીખવવાની તૈયારી રાખવી પડશે. જો એવું બન્યું તો જ બાળક સર્વાંગી રીતે સક્ષમ બનશે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:36 PM IST | Mumbai Desk | manoj joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK