ઓટીટી માધ્યમ દ્વારા બેફામ, બેશરમ, બેધડક ને બહુ જ બિન્દાસ બનતી જતી માનસિકતા સમાજ માટે ભયંકર જોખમી

Published: Jul 27, 2020, 17:06 IST | Falguni Jadia Bhatt | Mumbai

ટીવીની ઇન્ટરનૅશનલ ચૅનલ કે પછી ઓટીટી મંચ જેવાં માધ્યમ પર દર્શાવવામાં આવતી ફિલ્મો કે સિરિયલો દેશભરમાં ઝડપી ગતિએ ફેલાઈ રહી છે.

ઓટીટી પ્લૅટફૉર્મ્સ એટલે સાદા શબ્દોમાં કહીએ તો નેટફ્લિક્સ, એમૅઝોન કે હૉટ-સ્ટાર જેવાં પ્લૅટફૉર્મ્સ - જેના પર તમે ફિલ્મો, સિરિયલો, ડૉક્યુમેન્ટરી વગેરે બિન્દાસ જોઈ શકો છો.
ઓટીટી પ્લૅટફૉર્મ્સ એટલે સાદા શબ્દોમાં કહીએ તો નેટફ્લિક્સ, એમૅઝોન કે હૉટ-સ્ટાર જેવાં પ્લૅટફૉર્મ્સ - જેના પર તમે ફિલ્મો, સિરિયલો, ડૉક્યુમેન્ટરી વગેરે બિન્દાસ જોઈ શકો છો.

ટીવીની ઇન્ટરનૅશનલ ચૅનલ કે પછી ઓટીટી મંચ જેવાં માધ્યમ પર દર્શાવવામાં આવતી ફિલ્મો કે સિરિયલો દેશભરમાં ઝડપી ગતિએ ફેલાઈ રહી છે. સેન્સરશિપ વિના આનો વધતો વ્યાપ સમાજ માટે ભારે મોંઘો પડે એવો છે, પરંતુ કોને ચિંતા છે? સમાજનું અધ:પતન ક્યાં સુધી ચાલ્યા કરશે? સરકારનાં આંખ-કાન બંધ થઈ ગયાં છે કે શું?

હાલમાં કોરોના લૉકડાઉનની અસરરૂપે ઘણાબધા રીસર્ચ રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે. આમાંથી ઘણા અહેવાલો એવું સૂચવે છે કે આ લૉકડાઉન દરમ્યાન દેશમાં ઓટીટી પ્લૅટફૉર્મ્સની ડિમાન્ડમાં ભારે વધારો થયો છે. ઓટીટી પ્લૅટફૉર્મ્સ એટલે સાદા શબ્દોમાં કહીએ તો નેટફ્લિક્સ, એમૅઝોન કે હૉટ-સ્ટાર જેવાં પ્લૅટફૉર્મ્સ - જેના પર તમે ફિલ્મો, સિરિયલો, ડૉક્યુમેન્ટરી વગેરે બિન્દાસ જોઈ શકો છો. સ્વાભાવિક છે કે ઘરમાં પુરાયેલી વ્યક્તિ પોતાના મનોરંજન માટે આવા પ્લૅટફૉર્મ્સનો આશ્રય લે અને તેમાં કંઈ ખોટું પણ નથી, પરંતુ અહીં જરા આપણે મગજ પર જોર લગાડીએ અને ભૂતકાળમાં જરા ડોકિયું કરીને જોઈએ.
થોડાં વર્ષો અગાઉ ભારતમાં જ્યારે ઉદારીકરણનું વાવાઝોડું ફુંકાઈ રહ્યું હતું ત્યારે અનેક વિદેશી ચૅનલો ઉપરાછાપરી લોન્ચ થઈ રહી હતી, ત્યારે એક વિદેશી કંપની ભારતમાં પ્લસ-21 નામની પ્રખ્યાત વિદેશી ચૅનલ લોન્ચ કરવા માગતી હતી અને તેના લોન્ચ સામે ભારતમાં ખાસ્સો ઊહાપોહ થયો હતો. એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી આ ચૅનલ દેશની યુવાપેઢીના માનસ પર ગંભીર અસર પાડશે, લોકોના માનસને વિકૃત કરી દેશે વગેરે વગેરે. તત્કાલીન સરકારે મક્કમપણે આ ચૅનલને ના પાડી દીધી હતી. આજે આ વાત અહીં એટલે કરી કારણ કે આ ઘટનાને હજી બે દાયકા પણ વીત્યા નહીં હોય, પરંતુ પાછલા બારણે ભારતમાં બોલ્ડ કન્ટેન્ટનું પૂર ન માત્ર આવી ગયું છે, પરંતુ આખા દેશમાં ફરી પણ વળ્યું છે. અગાઉ સેટેલાઈટ ચૅનલ્સ પર રાત્રે ૧૧ કે ૧૨ વાગ્યા પછી આવતું બોલ્ડ કન્ટેન્ટ પણ ઊહાપોહ જગાવતું હતું. આજે આ ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર એનાથી ક્યાંય વધુ બોલ્ડ, લગભગ સોફ્ટ પોર્ન કહી શકાય એવું ભારતીય કન્ટેન્ટ દિવસે ૧૨ વાગ્યે પણ આસાનીથી ઉપલબ્ધ છે. એ પણ માગો ત્યારે, પરંતુ આપણે અહીં સેન્સરશિપની વાત કરવી નથી.
અગાઉ જ્યારે લોકો ટ્રેનમાં કે બસમાં લાંબો પ્રવાસ કરતા ત્યારે છાપાવાળા પાસે વાંચવા માટે પુસ્તકો, નવલિકા વગેરે ખરીદી લેતાં, ત્યારે પણ આવા બોલ્ડ મૅગેઝિનો અનેક ભાષામાં ભારતમાં મળતાં અને લોકો ચોરીછૂપી એ વાંચતા હતા. આજે એ ચોરી કરવાની પણ આવશ્યક્તા રહી નથી. મોબાઈલ ફોન પર એક ઍપ ડાઉનલોડ કરો, કાનમાં ઈયર ફોન લગાડો અને ગમે ત્યાં, ગમે ત્યારે ધારો તે જોઈ શકો. આવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર સેન્સરશિપ લાવવાની વાતો અનેકવાર થઈ ચૂકી છે, પરંતુ એ બહુ ખાસ આગળ વધી નથી અને સ્વતંત્રતા તથા સર્જનાત્મક્તાના નામે અનેક દલીલો કરી તેને દબાવી દેવામાં આવી છે. એનું પરિણામ એ આવ્યું છે કે આજે ક્યારેક હૉલીવુડની નબળી નકલ કહી શકાય કે પછી ક્યારેક લગભગ સોફ્ટ પોર્ન કહી શકાય એવી સીરિઝ બધા જ ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર ખુલ્લેઆમ જોઈ શકાય છે. સુરક્ષાના નામે તેમાં ફક્ત એકાદ પાસવર્ડ કે પિનની ઔપચારિક્તા પૂરી કરો એટલે બધા બંધનો દૂર.
ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર આવું કન્ટેન્ટ જોઈ મનમાં પ્રશ્ન થાય કે શું આપણો દેશ આ રીતની સ્વતંત્રતા માટે ખરેખર તૈયાર છે? જે દેશમાં હજી પણ અવારનવાર નિર્ભયા જેવા કિસ્સાઓ થતા હોય અને જ્યાં શિક્ષિત વ્યક્તિઓની સંખ્યા હજી પણ વિકસિત દેશોની તુલનામાં આજેય ઘણી નીચે હોય ત્યાં શું આ રીતનું કન્ટેન્ટ સંપૂર્ણ સમજદારીપૂર્વક પચાવી શકવાની ક્ષમતા આપણે ત્યાં છે? ભારતમાં હાલ ચાલી રહેલા ડેટા રિવૉલ્યુશનના પગલે આજે એટીએમની બહાર બેઠેલા વૉચમૅનથી લઈને ગામડાંમાં રાતના પોતાના ખેતરની ચોકી કરતા ખેડૂત સુધી સૌ કોઈ મોબાઈલ પર ધારે તે જોઈ શકે છે. ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં શિયાળા દરમ્યાન અચાનક છેડતી, બળાત્કાર જેવા ગુનાઓમાં વધારો નોંધાતો હોય છે, કારણ કે આ મોસમમાં ત્યાં દારૂની માગ પણ વધી જાય છે. આ બધી કંઈ કપોળકલ્પિત વાતો નથી. ગૂગલ પર એક સર્ચ કરશો તો આ સત્યનો પુરાવો આપતાં ઢગલાબંધ પરિણામો જોઈ શકશો. આવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આટલી સક્ષમ રીતે ટિકટોક જેવી અૅપ પર રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રતિબંધ મૂકી શકાય છે તો શું આ રીતના ઓટીટી પર ઉપલબ્ધ બોલ્ડ કન્ટેન્ટ પર નિયંત્રણ લાવવામાં આટલી ઢીલ શા માટે? કારણ, આવું સાહિત્ય જોવાનો એક શિક્ષિત વ્યક્તિનો, એક ગ્રામીણ વ્યક્તિનો તથા એક ગુનાહિત વૃત્તિ ધરાવતી વ્યક્તિનો નજરિયો સાવ અલગ હોય છે. પશ્ચિમી દેશોમાં આ રીતનું કન્ટેન્ટ વર્ષોથી ઉપલબ્ધ છે અને વર્ષોથી જોવાય પણ છે, પરંતુ શું ભારતીય દર્શકોની પરિપકવતાને ત્યાંના દર્શકોની પરિપકવતા સાથે સરખાવી શકાય ખરી?
અહીં ભારતીય દર્શકોની પરિપકવતા સામે શંકા ઉઠાવવાનો આશય નથી, પરંતુ એ વાત પર ભાર મૂકવાનો છે કે ભારતમાં દર્શકવર્ગની વિષમતા અથવા અસમાનતા ઘણી વધારે છે અને તેને પગલે સરેરાશ સમજદારીનું સ્તર પશ્ચિમની સરખામણીમાં ચોક્કસપણે નીચું છે. ગેમ ઑફ થોર્ન્સ જેવી વૈશ્વિક સ્તરે હિટ સીરિઝમાં આવતા બોલ્ડ દૃશ્યોને મુંબઈ કે દિલ્હીમાં રહેતા ભણેલા-ગણેલા દર્શકોને અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા અર્ધ ભણેલા દર્શકો શું એક જ નજરે જોઈ શકતા હશે? એનો જવાબ ના છે અને જો આ પ્રશ્નનો આપણને નિશ્ચિત જવાબ ન મળતો હોય તો શું આવી બાબત માત્ર પ્રત્યેક વ્યક્તિની વિવેકબુદ્ધિ પર છોડી દેવી યોગ્ય છે?
ભારત સામે અનેક મોટા વિકટ પ્રશ્નો અને પડકારો છે. વિકાસને લગતા, ગરીબીને લગતા, ભૂખમરાને લગતા, સુરક્ષાને લગતા, શિક્ષણને લગતા. આવામાં સમાજના માનસિક બંધારણને લગતા પ્રશ્નો અને પડકારો કદાચ કોઈના ધ્યાનમાં બહુ આવતા નહીં હોય, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે તે સમસ્યા ગૌણ બની જાય છે. અગાઉ કહ્યું તેમ આ લેખનો આશય સેન્શરશિપને ટેકો આપવાનો કે સમાજની માનસિકતા સામે આંગળી ચીંધવાનો નથી, પરંતુ સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા તરફ અંગુલીનિર્દેશ કરી કેટલાક સુરક્ષા નિયમો તૈયાર કરવા માટેની અપીલ કરવાનો ચોક્કસ છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આટલી સક્ષમ રીતે ટિકટોક જેવી એપ્પ પર રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રતિબંધ મૂકી શકાય છે તો શું આ રીતના ઓટીટી પર ઉપલબ્ધ બોલ્ડ કન્ટેન્ટ પર નિયંત્રણ લાવવામાં આટલી ઢીલ શા માટે? કારણ, આવું સાહિત્ય જોવાનો એક શિક્ષિત વ્યક્તિનો, એક ગ્રામીણ વ્યક્તિનો તથા એક ગુનાહિત વૃત્તિ ધરાવતી વ્યક્તિનો નજરિયો સાવ અલગ હોય છે. પશ્ચિમી દેશોમાં આ રીતનું કન્ટેન્ટ વર્ષોથી ઉપલબ્ધ છે અને વર્ષોથી જોવાય પણ છે, પરંતુ શું ભારતીય દર્શકોની પરિપકવતાને ત્યાંના દર્શકોની પરિપકવતા સાથે સરખાવી શકાય ખરી?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK