વેપારીઓએ કર્યું ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

Published: 9th February, 2021 11:28 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

જીએસટીના અમલના વિરોધમાં કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સે કરેલી આ હાકલના સમર્થનમાં ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર અસોસિએશન પણ જોડાયું

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા જીએસટી વિકૃતરૂપના વિરોધમાં ૨૬ ફેબ્રુઆરીએ ભારતભરના વ્યાપાર બંધનું એલાન કર્યું છે. કૈટના આ બંધને ટ્રાન્સપોર્ટ સેકટરના સંગઠન ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર અસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આથી ૨૬ ફેબ્રુઆરીએ ભારતભરના વ્યાપાર બંધ સાથે ચક્કાજામ પણ કરવામાં આવશે. આ બાબતની ઘોષણા કૈટ દ્વારા ગઈકાલથી નાગપુરમાં શરૂ થયેલાં કૈટના રાષ્ટ્રીય અધિવેશનના પહેલાં જ દિવસે કરવામાં આવી હતી. આ નિર્ણય દેશના બધાં જ રાજ્યોના ૨૦૦થી વધારે પ્રમુખ વ્યાપારી નેતાઓએ સાથે મળીને લીધો હતો. 

આ બાબતની માહિતી આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ મહારાષ્ટ્રના રાષ્ટ્રીય વરિષ્ટ ઉપાધ્યક્ષ કિર્તી રાણાએ મિડ-ડેને કહ્યું હતું કે, કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ તથા ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર અસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદિપ સિંઘલ દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના સ્વરૂપને પોતાના ફાયદા માટે વિકૃત કરવામાં આવી રહ્યું છે. જીએસટી પ્રણાલી સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. જીએસટીના મૂળસ્વરૂપ સાથે કાઉન્સિલ દ્વારા ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. બધી જ રાજ્ય સરકારો તેમના અંગત સ્વાર્થો પર વધારે ચિંતિંત છે. તેમને જીએસટીને સરળ બનાવવામાં કોઈ જ રસ નથી. આજે દેશના વ્યાપારીઓ તેમના બિઝનેસ કરતા વધારે સમય જીએસટીના અમલમાં આપી રહ્યા છે. જે દેશને અર્થવ્યવસ્થા માટે વિપરિત પરિણામ લાવી શકે છે. છેલ્લાં ચાર વર્ષમાં જીએસટી કાઉન્સિલ જીએસટીમાં ૯૩૬થી વધુ વાર પરિવર્તન લઈ આવી છે.

આ બાબતની વધુ માહિતી આપતાં કૈટના મહાનગરના અધ્યક્ષ શંકર ઠક્કરે મિડ-ડેને કહ્યું હતું કે, જીએસટીના મૂળ ઢાંચામાં સમયે સમયે કરવામાં આવતા ફેરફારથી વ્યાપારીઓ ગુંચવણમાં અને મુંઝવણમાં અનુભવી રહ્યા છે. તેઓ દંડાત્મક કાર્યવાહીના ભયના ઓથાર નીચે જીવીને તેમનો વ્યાપાર કરી રહ્યા છે. અવારનવાર કૈટ તરફથી વ્યાપારીઓની મુસીબતો અને તકલીફો જીએસટી કાઉન્સિલ સામે રજૂ કરવામાં આવે છે. આમ છતાં કાઉન્સિલ પર તેની કોઈ જ અસર થતી નથી. આ સંજોગામાં વ્યાપારીઓ પાસે ભારત બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK