ટ્રોલ થવામાં વારા પછી વારો, અક્ષય પછી રણવીરનો

Published: 20th November, 2020 07:43 IST | Rashmin Shah | Rajkot

એક ટીવી-કમર્શિયલમાં સુશાંત સિંહની મજાક ઉડાડવાના આરોપસર સુશાંતના ફૅન્સે ઍક્ટરને એવો તો ટ્રોલ કર્યો કે રણવીર અને સ્નૅક્સ બનાવતી કંપનીએ કમેન્ટથી માંડીને લાઇક અને ડિસ્‍લાઇકના ઑપ્શન બંધ કરી દેવા પડ્યા

રણવીર સિંહ
રણવીર સિંહ

સુશાંત સિંહના અપમૃત્યુને ૬ મહિનાથી વધારે સમય પસાર થઈ ગયો છે, એ પછી પણ સુશાંતના ફૅન્સના મનમાંથી સુશાંત દૂર થયો નથી. રણવીર સિંહે સુશાંતની મિમિક્રી કરીને તેની મજાક ઉડાડી એવું લાગતાં આ ફૅન્સે ગઈ કાલે સોશ્યલ મીડિયા એવું તે માથે લીધું કે રણવીર સિંહ અને રણવીરે જે પ્રોડક્ટ માટે ટીવી-કમર્શિયલ બનાવવામાં આવી હતી એ બન્નેએ પોતાના સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં કમેન્ટ અને લાઇક-ડિસ્‍લાઇકના ઑપ્શન બંધ કરી દેવા પડ્યા. પ્રોડક્ટનું મૅન્યુફૅક્ચરિંગ કરતી કંપની આઇટીસીએ સત્તાવાર સ્પષ્ટતા કરતાં ખુલાસો કર્યો કે અમારી પ્રોડક્ટની ઍડ અને સુશાંત સિંહ રાજપૂતને કોઈ સીધો સંબંધ નથી અને એવો કોઈ પ્રયાસ પણ કરવામાં નથી આવ્યો. આઇટીસીએ કહ્યું કે આ ઍડ‍-ફિલ્મ ઑલરેડી ગયા વર્ષે એટલે કે ૨૦૧૯ના ઑક્ટોબર પહેલાં જ શૂટ થઈ ગઈ હતી, પણ પેન્ડેમિકને કારણે નવી પ્રોડક્ટ લૉન્ચ થઈ ન હોવાથી એ ઑનૅર કરવામાં નહોતી આવી.

રણવીર સિંહની ટીમ સાથે જોડાયેલી એક વ્યક્તિએ ઑફ ધ રેકૉર્ડ વાત કરતાં કહ્યું કે જાણ્યા-વિચાર્યા વિના આ પ્રકારનાં સ્ટેપ લેવાં એ હવે રોજનું બનતું જાય છે, પણ આ બંધ થવું જોઈએ.

ઍડ-ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે એક યંગસ્ટર એટલે કે રણવીર સિંહનું ભણવાનું પૂરું થયું છે એટલે તેનાં સગાંવહાલાંઓ એક જ સવાલ તેને પૂછ્યા કરે છે કે હવે આગળ શું કરવાનું છે. પ્રોડક્ટનો આનંદ લેતાં રણવીર એક સ્નેહીજનને ઍરોનૉમિક્સ સાયન્સનો ઉપયોગ કરતાં જવાબ આપતાં કહે છે કે હવે તો એલિયન સાથે વાતો કરવાની છે. જે ઍરોનૉમિક્સ સાયન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સાયન્સનો ઉપયોગ સુશાંત સિંહ બહુ કરતો એવું તેના ફૅન્સનું માનવું છે.

ટ્રોલર્સે આ અગાઉ લવ-જેહાદના નામે એક જ્વેલરી કંપનીની એક ઍડ-ફિલ્મનો બૉયકૉટ કર્યો હતો તો મા લક્ષ્મી સાથે બૉમ્બ જેવો શબ્દ વાપરવા બદલ ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’નો વિરોધ કર્યો હતો. જ્વેલરી કંપનીએ પોતાની ઍડ બધી જગ્યાએથી પાછી ખેંચવી પડી તો અક્ષયકુમાર અને પ્રોડક્શન-ટીમે ટ્રોલથી કંટાળીને ફિલ્મનું નામ ‘લક્ષ્મી બૉમ્બ’માંથી ‘લક્ષ્મી’ કરવું પડ્યું હતું.

રણવીર સિંહની ઍડ-ફિલ્મનો વિરોધ કરતાં સુશાંતના ફૅન્સે માગણી કરી છે કે આઇટીસીની આ પ્રોડક્ટનો બહિષ્કાર કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK