Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તકવાદી તીડ

તકવાદી તીડ

31 May, 2020 11:10 PM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

તકવાદી તીડ

તીડ

તીડ


દેશનાં નવ રાજ્યો પર હુમલો કરનારા તીડના ન્યુઝ સાંભળી કે વાંચીને તમે થાકી ગયા હો તો તમારે સમજી લેવું જોઈએ કે આ તીડથી અમેરિકા તો એટલી હદે ત્રાસી ગયું છે કે એણે ત્યાંના ચાર વિસ્તારોને તીડની નુકસાની વિરુદ્ધ વીમો આપવાનું પણ સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. અમેરિકા માટે તીડ કાયમી પ્રશ્ન રહ્યો છે અને એનો ઇતિહાસ છેક ૧૯૩૦ સુધી પહોંચેલો છે. ત્રીસીના દસકામાં અમેરિકાએ તીડ સામે એક કમિટી બનાવી હતી જેણે માત્ર તીડ પર જ અભ્યાસ કરવાનો હતો. એ સમયે બન્યું હતું એવું કે તીડે અમેરિકાની કૃષિ ઉત્પાદનના ૭૨ ટકા પાકને નુકસાન પહોંચાડ્યું હતું. આ નુકસાની એટલા સ્તરે હતી કે એ સમયે ઘોડા માટે ઘાસ પણ રહ્યું નહોતું અને ઘોડાઓ પણ ભૂખે મરે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભગવાનનો પાડ માનો કે એવો હુમલો બીજી વખત હજી જોવા મળ્યો નથી, પણ એની સામે ઈશ્વર પર ખીજ ચડે એવી વાત એ પણ છે કે છેલ્લા દોઢ વર્ષથી તીડે આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયા જેવા વિસ્તારોમાં હુમલાનું સ્તર વધારી દીધું છે. ભારતમાં અત્યારે તીડનું આક્રમણ આવ્યું છે, પણ છ મહિના પહેલાં પણ આ આક્રમણ થયું હતું. એ સમયે તીડ પાકિસ્તાનની દિશામાંથી દેશમાં દાખલ થયાં હતાં તો આ વખતે રાજસ્થાન પાસેની પાકિસ્તાનની સીમાથી દેશમાં દાખલ થયાં છે. એક્સપર્ટ્સનું માનવું છે કે તીડ દ્વારા થતો હુમલો રોકવા માટે સૌકોઈ દેશોએ એક થવું પડશે. થોડા સમય પહેલાં બીજિંગના એક ન્યુઝપેપરે તો એ સ્તરે આગાહી કરી કે કોરોનાની મહામારી પછી જો પૃથ્વીને કોઈ મરણતોલ ફટકો મારી શકે એવું હોય તો એ તીડ છે. તીડને કારણે અન્નને થનારા નુકસાનથી જે ભૂખમરો આવશે એ ભૂખમરામાંથી પૃથ્વી માટે નવેસરથી ઊભા થવું કપરું બની જશે.
આ મુદ્દાની ગંભીરતા સમજવી હોય તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝશને આપેલા અનુમાનિત આંકડાઓ જોઈ લેવા જોઈએ. તીડનું આ જે સંકટ છે એ સંકટ અત્યારે વિશ્વભરમાં ૧.૬ કરોડ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં પશ્ચિમ આફ્રિકાથી પૂર્વ આફ્રિકાનો આખો વિસ્તાર અને એવી જ રીતે પશ્ચિમ એશિયાથી દક્ષિણ એશિયાનો આખો વિસ્તાર આવી જાય છે. દેશની વાત કરીએ તો તીડને લીધે ૨૦થી વધુ દેશો અત્યારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ તીડે પોતાના પ્રવાસ દરમ્યાન રસ્તામાં આવતા અને લાખો હેક્ટરમાં ફેલાયેલા પાકને નષ્ટ કર્યો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આ તીડને અટકાવવામાં ન આવ્યાં તો એની સંખ્યા જૂન મહિના સુધીમાં ૫૦૦ ગણી વધી જશે અને એ આફ્રિકા તથા એશિયાના ત્રીસ દેશમાં ફેલાઈ જશે.
યુનાઇટેડ નેશન્સે શંકા વ્યક્ત કરી છે કે એક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું તીડનું ઝુંડ એક દિવસમાં ૩પ,૦૦૦ લોકોનું ભોજન જમી જાય છે. જરા વિચાર કરો કે દિવસમાં ૩૫,૦૦૦ લોકોનું ભોજન ઓહિયાં કરી જતાં આ તીડ છેલ્લા ૧૨ દિવસથી દેશમાં આફત બનીને ઘૂમરાઈ રહ્યાં છે અને એની સામે કોઈ કશું કરી શકતું નથી. કોરોના સામે લડવા માટે બાથ ભીડનારી સરકાર તીડ સામે શું કામ કશું કરી શકતી નથી એ સમજવા માટે પહેલાં તો આ તીડને ઓળખવાં પડે.
તીડ વિશે તમે કેટલું જાણો છો?
તીડને આમ તો જીવાતમાં જ ગણવામાં આવે છે પણ ટેક્નિકલી એનો સમાવેશ ઍનિમેલિયા પ્રકારની જીવાતમાં થાય છે. તીડને આપણે ટિડ્ડાં તરીકે ઓળખીએ છીએ. તીડ કુલ ૬ પ્રકારનાં હોય છે, પણ આ છએછ તીડમાં સામાન્ય વાત જો કોઈ હોય તો એ તએનું પ્રવાસીપણું છે. તીડ પોતાના ચાર મહિનાના આયુષ્યમાં ૨૦૦૦ માઇલ સુધીનો પ્રવાસ કરે છે. દિવસમાં ૧૫૦ કિલોમીટર કાપવાની ક્ષમતા ધરાવતાં આ તીડની વસ્તી રાજાની કુંવરીની જેમ દિવસે નહીં એટલી રાતે અને રાતે નહીં એટલી દિવસે વધતી હોવાથી મરતાં તીડનો અણસાર નથી આવતો. અત્યારે આપણે ત્યાં જે તીડે હુમલો કર્યો છે એ તીડ રેગિસ્તાની તીડ છે. આ તીડની ખાસિયત એ છે કે એ અકરાંતિયા જેવી હોય છે. એ પોતાના શરીર કરતાં ચારગણું ભોજન એકસાથે આરોગી શકે છે અને પછી જરૂર પડે ત્યારે એ ખોરાકનું ન્યુટ્રિશ્યન ખર્ચે છે.
તીડનો સ્વભાવ સમૂહમાં રહેવાનો છે તો સાથોસાથ તીડ આગેવાની સ્વીકારવામાં માને છે. એક સમુદાય આગેવાની લે એટલે બાકીનાં તીડ એને ફૉલો કરવામાં માને છે. આ સમુદાયનાં તીડને જો હાનિ થાય તો એ ચોક્કસ પ્રકારના અવાજથી પાછળના સમુદાયને સંદેશો આપી એને આગેવાની આપી દે છે, પણ એ પોતાની ઉડાન અટકાવતાં કે જાતને રોકવાનું કામ કરતાં નથી. તીડ લાંબા ઉડાણની ક્ષમતા ધરાવે છે તો સાથોસાથ એ જો સમૂહમાં હુમલો કરે તો એક હાથીનો પણ જીવ કાઢી શકે છે. નસીબજોગ અત્યારે જે તીડે ભારતમાં હુમલો કર્યો છે એ તીડ હુમલો કરનાર નથી, પણ આફ્રિકામાં જે તીડે હુમલો કર્યો છે એ તીડ હુમલો કરનારાં છે એટલે ત્યાં તીડથી બચવા માટે સૌથી પહેલો પ્રયાસ કરવો પડે છે. ફેબ્રુઆરી પછી ફરી હવે દેશમાં આવેલાં તીડને હિન્દુસ્તાનનું વાતાવરણ માફક આવી ગયું હોવાનું અનુમાન બાંધવામાં આવે છે.
પૂરતા પ્રમાણમાં પાણી, ગરમ વાતાવરણ અને ભેજવાળી આબોહવા તીડની પ્રજનન પ્રવૃત્તિ માટે ફેવરિટ છે. આ મુદ્દાને સમજણ સાથે જોવો જોઈએ. માદા તીડ ઈંડાં માટીમાં મૂકે છે અને આગળ નીકળી જાય છે. એ આ ઈંડાંને સેવતી નથી. આ ઈંડાં હવામાનના આધારે આપોઆપ સેવાઈ છે. માદા જે ઈંડાં મૂકે છે એ એની શારીરિક ક્ષમતા વચ્ચે મૂકે છે, જેની સંખ્યા ૨૦થી ૧૦૦ ઈંડાં જેટલી હોય છે. નર અને માદા તીડની બીજી એક ખાસિયત એ છે કે એમનું સમાગમ કોઈ પણ જગ્યાએ શરૂ થઈ શકે છે. દિવસમાં બે વાર સમાગમ કરતાં આ તીડ ૧૫ દિવસે એક વાર ઈંડાં આપે છે. ઈંડાંના સેવનની સફળતાની ટકાવારી પણ ઊંચી છે. ૬૦થી ૮૦ ટકા ઈંડાંમાં બચ્ચું બહાર આવે છે. બચ્ચું જન્મે છે ત્યારે એને પાંખ નથી હોતી, જે માત્ર ચાલે છે. એને પાંખ ચારથી છ અઠવાડિયે આવે છે અને એ સમય સુધીમાં એનું રૂપ ચાર વખત બદલાય છે. મજાની વાત એ છે કે આ બચ્ચું તીડ પણ ૧૦થી ૨૦ દિવસનું હોય ત્યાં પ્રજનન કરતું થઈ જાય છે. આ જ દેખાડો છે કે તીડની સંખ્યા કઈ ઝડપથી વધવાની ક્ષમતા ધરાવે છે.
કાચિંડો રંગ બદલે છે એવું નાનાં હતાં ત્યારથી સાંભળતા આવ્યા છીએ પણ કોઈએ એવું કહ્યું નહીં કે તીડમાં પણ રંગ બદલવાની ક્ષમતા છે. કાચિંડા માટે એવું કહેવાય છે કે એ પોતાના મૂડને અનુરૂપ રંગ બદલી શકે છે, જ્યારે તીડ પર્યાવરણને અનુરૂપ રંગ બદલી શકે છે. રણમાંથી આવેલું તીડ રણની રેતીમાં બેસી રહે તો તરત જ પારખી ન શકાય એવા રંગનું હોય છે, પણ આ જ તીડ જો ૭૨ કલાકથી વધારે એકસરખા રંગની બીજી કોઈ જગ્યા પર રહે તો એના શરીરની ઉપરના આવરણનો રંગ બદલાવા માંડે છે. તીડની બીજી એક ખાસિયત એ છે કે એની ઑક્સિજન લેવાની પ્રક્રિયા મંદ હોય છે, જેને લીધે એના પર જ્યારે દવાનો છંટકાવ કરવામાં આવે ત્યારે એ શ્વાસ લીધા વિના લાંબો સમય રહીને પણ પોતાનું રક્ષણ કરી લે છે. જોકે એમ છતાં એનું આયુષ્ય ટૂંકું હોવાથી તે વધારે વિનાશને નોતરી નથી શકતાં. ટૂંકુ આયુષ્ય અને સતત પ્રવાસ કરતા રહેવાની નીતિને તીડનું નુકસાન કોઈ એક જગ્યાએ લાંબું થાય એના કરતાં વધારે એ જે રૂટ પર પ્રવાસ કરે છે એ આખા રૂટ પર સતત નુકસાન કરતાં રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે રેગિસ્તાનમાં રહેનારા આ તીડને પાણી પણ બહુ ઓછું જોઈએ છે અને જ્યારે પાણી મળતું નથી ત્યારે એ હવામાં રહેલા ભેજ પર પોતાનું ગુજરાન ચલાવે છે. રેગિસ્તાની તીડ એકલવાયું છે, પણ આ જ તીડ જ્યારે પોતાનો એરિયા છોડે છે ત્યારે એ બધું ભૂલીને એકમેકના સથવારે આવી જાય છે. હા, એ પછી આ તીડ એકબીજાની સાથે રહેવાનો અને સાથ નહીં છોડવાનો વણલખ્યો નિયમ પાળવા માંડે છે. એકસાથે સમૂહમાં આવી ગયેલા તીડની સંખ્યા માટે માત્ર અનુમાન મૂકી શકાય છે. યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશને આપેલી ધારણા મુજબ સમૂહમાં પાક પર ત્રાટકતાં આ તીડના સમૂહમાં અંદાજે ૧૦ અબજ જેટલાં તીડ હોય છે. નસીબદાર છે માનવસમુદાય કે આ તીડ પ્રજા પર હુમલો નથી કરતાં. જો એનામાં કોઈ જેનેટિક ફેરફાર થઈ જાય અને એ માંસાહારી બને તો તીડનું આ એક ટોળું એક સમયે એકસાથે ૧૦,૦૦૦ લોકોના જીવ લઈ શકવાને સમર્થ થઈ જાય એવી ધારણા વૈજ્ઞાનિકો મૂકી રહ્યા છે. વૈજ્ઞાનિકોને ચિંતા પણ આ જ વિષયની છે કે અત્યારે પાક ખાવા આવતાં આ પીંઢારા જેવાં તીડ જો માનવભક્ષી બની જાય તો સાચે જ પૃથ્વી પર સર્વનાશ પથરાઈ જાય.
કાઢવી કેમ આ બલાને?
જો એક વખત તીડના સમૂહે આક્રમણ કરી દીધું તો એને રોકવાનું કામ અશક્યના સ્તરે પહોંચી જાય છે. હુમલો કરી બેઠેલાં તીડને મારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહેતો. તીડના નાશ માટે પ્લેન કે ડ્રોનથી દવાનો છંટકાવ એકમાત્ર રસ્તો છે, તો પાકના નીચેના ભાગે બેઠેલાં તીડના નાશ માટે હૅન્ડપમ્પથી દવાનો છંટકાવ કરવો પડે છે. વાત અહીં પૂરી નથી થતી. પ્રજનનથી ઉત્પન્ન થનારા નવા તીડને જન્મ ન મળે એ માટે રેતીમાં મુકાયેલાં ઈંડાંઓનો નાશ કરવો પણ જરૂરી છે. આ નાશ માત્ર અને માત્ર ભારે વાહન ખેતરમાં ફેરવવામાં આવે તો જ શક્ય બને છે અન્યથા એ ઈંડાંને સેવવાની જરૂર નથી પડતી એટલે એ તીડ જન્મે છે અને અગાઉ કહ્યું એમ, જન્મેલું તીડ એ પછી રાજાની કુંવરીની જેમ વસ્તીવધારામાં લાગી જાય છે.
અત્યારે તીડને ભગાડવા માટે ડીજે કે ઢોલ-નગારાં વગાડવામાં આવે છે, પણ એવું કરવાથી તીડ માત્ર જગ્યા બદલાવે છે, એનાથી વિશેષ કોઈ ફરક નથી પડતો. તમારી જાણ ખાતર કહેવાનું કે તીડ હવામાંથી સ્પંદન મેળવે છે અને એને લીધે હવામાં રેલાઈ રહેલો અવાજ એને શાંત બેસવા નથી દેતો. જેને લીધે એ અવાજથી દૂર ભાગે છે, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે એવું કરવાથી તીડ ભાગી જાય છે. તીડના આ વખતના હુમલાને લીધે બાજરી, જુવાર અને તલના પાકને નુકસાન થયું છે. ગુજરાતના કૃષિપ્રધાન આર. સી. ફળદુએ કહ્યું હતું કે ‘અગાઉ જ્યારે પણ તીડે પાકને નુકસાન કર્યું હતું ત્યારે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું જ છે. આ વખતે પણ સર્વે પછી નક્કી થશે કે કેટલું નુકસાન થયું છે અને કેટલું વળતર આપવામાં આવશે.’
અત્યારે લૉકડાઉનના તબક્કામાં નુકસાનીના આંકડાઓનો સમન્વય કરવો અઘરો છે, પણ ગુજરાતમાં તીડને લીધે ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કરોડોનું નુકસાન થયાનો અંદાજ મૂકવામાં આવે છે.

જો તીડને રોક્યા નહીં તો...
અત્યારે શહેરીજનોને તીડની કોઈ ખાસ ફિકર નથી, પણ યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનનું અનુમાન છે કે જો એને આજે રોકવામાં ન આવ્યાં અને એનો વસ્તીવધારો આમ જ ચાલુ રહ્યો તો ૨૦૨૨-’૨૩ના ફાઇનૅન્શિયલ વર્ષ દરમ્યાન તીડ ૭ અબજ ડૉલરની કિંમતનાં ધાન સફાચટ કરી જશે. તીડના આ હુમલાને વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન જુદી રીતે જોઈ રહ્યું છે. વર્લ્ડ ઑર્ગેનાઇઝેશનને ડર છે કે જો તીડનો હુમલો આમ જ ચાલુ રહ્યો અને એના દ્વારા બગાડ કરવામાં આવેલા અનાજનો માનવસમુદાય માટે ઉપયોગ થયો તો તીડમાંથી વિષાણુ માનવસમુદાયમાં આવી શકે છે. કોરોના અને એવી જ બીજી બીમારી પ્રાણીઓમાંથી આવી હોવાથી આ વાતને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન જરા પણ હળવાશથી લેવા રાજી નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું પ્રાથમિક તારણ એવું છે કે જો તીડમાંથી માનવસમુદાયમાં કોઈ વિષાણુ આવ્યા અને એણે જેનેટિક બંધારણ બદલ્યું તો માણસમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી થઈ શકે છે અને એને લીધે માણસનું આયુષ્ય ટૂંકું થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 11:10 PM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK