Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > OPINION:સ્વામિનારાયણની ઘોડીનો જન્મ લેવા માસિકમાં શું રાંધીને જમાડવાનું?

OPINION:સ્વામિનારાયણની ઘોડીનો જન્મ લેવા માસિકમાં શું રાંધીને જમાડવાનું?

22 February, 2020 12:34 PM IST | Mumbai Desk
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

OPINION:સ્વામિનારાયણની ઘોડીનો જન્મ લેવા માસિકમાં શું રાંધીને જમાડવાનું?

OPINION:સ્વામિનારાયણની ઘોડીનો જન્મ લેવા માસિકમાં શું રાંધીને જમાડવાનું?


આજે સવારે હું ઉઠી ત્યારે ‘જિસકા ઇંતઝાર થા’, એ થયું. મૂળ મારા પિરિયડ્ઝ આવ્યા. પછી જે કરવું પડે એ બધી ફોર્માલિટીઝ પતાવી ને મેં ચ્હા મુકવાનું શરૂ કર્યું. મને ચ્હા મારા જ હાથની ભાવે છે એટલે વરને હું નાસ્તો બનાવવા દઉં બાકી ચ્હા બનાવવાનું કામ મારું. ચ્હા બનાવતી વખતે મને પેલા સ્વામીનો બેહુદો ચહેરો યાદ આવ્યો જેણે એવો બકવાસ કરેલો કે માસિકધર્મમાં હોય એ સ્ત્રી જો વરને રોટલા ખવડાવે તો તેને આગલા જન્મમાં કૂતરીનો જન્મ મળે અને જે પુરુષ માસિકધર્મમાં હોય તેવી સ્ત્રીના હાથનું ખાય તો તે આગલા જન્મમાં બળદ તરીકે જન્મે. હવે મને થયું કે આ તો ચ્હા છે એટલે કૂતરી કે બળદ વાળું જોખમ નહીં થાય અને સાલું હજી આવતી કાલે શું થશે એના ઠેકાણા નથી એમાં હું આગલા જન્મનું વિચારીને ક્યાં મગજ ખરાબ કરું.

માસિકધર્મ – આ માળું ધર્મ શબ્દનો ઉપયોગ જ મને તો કોઇ કોઇ વાર કંટાળો આપે છે. ધર્મને નામે એટલા ધાંધિયા થાય છે ને કે બસ! પિરીયડ્ઝને અપવિત્ર ગણાવનારા, તેને વિષે બેફામ બકવાસ કરનારા આ બાવાને (મારે સ્વામી નથી જ કહેવો, જે કરવું હોય એ કરી લો...બે વાર તમારા ભગવાનને વધારે યાદ કરી લેજો) મારે પૂછવું છે કે કે, ‘ભાઇ કઇ સ્કૂલમાં આવું ભણાવ્યું હતું?’ આવતા જન્મના નામે અક્કલ વગરની વાતો કરનારા આ બાવાને ખબર પણ છે કે પિરિયડ્ઝ કઇ બાયોલોજિકલ પ્રક્રિયાને કારણે આવતા હોય છે કે પછી બધું લોલમલોલ! સ્વામિનારાયણનાં કોઇ એક પંથ વાળા એક બાવા પર એક સમયે બળાત્કારના આક્ષેપો પણ લાગ્યા હતા તે એનું આમને કંઇ કહેવું છે ખરું? હા એ બચાવમાં એવું કંઇ કહી શકે છે કે એ તો અમારા પંથના નહોતા વગેરે વગેરે. ધર્મની આડમાં આ લોકો ફાંટાબાજી અને વાડાબંધી સિવાય આમેય બીજું કંઇ કરી નથી શકતા. આવું પિરીયડ્ઝમાં આવેલી સ્ત્રીઓ તો નથી જ કરતી. સ્ત્રી પિરીયડ્ઝમાં હોય ત્યારે પણ કોઇપણ વાડાબંધી કર્યા વિના તેની સાથે લાગતા વળગતાઓને એક સરખો પ્રેમ આપી શકે છે, સન્માન મેળવી શકે છે, કામ કરે છે અને કોઇનાથી અંતર નથી રાખતી. આ બાવાઓ તો જે યોનીમાંથી જન્મ્યા છે એનાથી જ દૂર ભાગતા હોય છે. કેમ તમને તમારા સંયમ પર વિશ્વાસ નથી કે?! રજસ્વલા સ્ત્રીઓ આ ભગવાવાળાઓ કરતા કંઇકગણી વધારે આદ્યાત્મિક હોય છે કારણકે તેમને યોનીમાંથી ઝરતા લોહીનું કારણ આગળ ધરીને કોઇને ય પોતાનાથી દૂર કરવાના ખેલ નથી કરવા પડતા. પિરીયડ્ઝ એક એટલી બધી સામાન્ય બાબત છે કે તેની આસપાસ આટલી બબાલ કરવાની જરૂર જ નથી. જે લોકો આ કરે છે એ બધા એવા બળદિયા છે જેમને ‘માસિકધર્મ’ વાળી સ્ત્રીને હાથે જમવાનો સુવર્ણ મોકો નથી મળ્યો અને એટલે જ લોહી ખોટી દીશામાં દોડ્યું છે, જે મગજ તો નથી જ.

રહી કૂતરીની વાત તો ઓ હેલો, તમને ખબર છે કે કૂતરીનો જન્મ કેટલો લકી હોય છે? અરે હા મારે એ તો ખાસ યાદ કરાવવાનું કે કૂતરીને તો દર મહિને પિરીયડ્ઝ આવે પણ નહીં એટલે સેનેટરી નેપકિન્સ કે મેન્સ્ટ્રુઅલ કપનો ખર્ચો પણ ના થાય. વળી કૂતરી થયા હોઇએ તો મજાનાં ગલૂડિયું થાય, માલિકો પ્રેમ કરે, ભરપેટ ખાવા મળે અને નોકરી-ઘર-છોકરાં-સાસરિયા-પિયરિયા કોઇની ય ચિંતા ના કરવી પડે.

અરે હા, બાય ધી વે સ્વામિનારાયણ ભગવાન પાસે એક ઘોડી હતી – એનું નામ હતું માણકી! ઘોડી હતી એટલે એને પિરીયડ્ઝ પણ આવતા. પ્રાણીઓને પિરીયડ્ઝ આવે તેને માટે માદા પ્રાણી ‘હીટ’માં છે એવો શબ્દ વપરાય. ઘોડીને વસંત ઋતુની શરૂઆતમાં ૨૨ દીવસ સુધી બ્લિડિંગ થાય એટલે કે તે અંદાજે ૧૯-૨૨ દીવસ સુધી હીટમાં હોય. સ્વામિનારાયણ ભગવાન વિષે મને જેટલી પણ ખબર છે એ પ્રમાણે હું કહી શકું કે તે બહુ પ્રેમાળ અને ઋજુ હતા. તેમની ઘોડી માણકી તેમનું વાહન હતી અને એ જ્યાં જતા ત્યાં તેને સાથે લઇ જતા. માણકીની ચોરી થવા વાળો પ્રસંગ પણ છે પણ અહીં તો માણકીનો માસિકધર્મ જ અગત્યનો છે. ભગવાન કંઇ માણકીને પિરીયડ્ઝ આવે ત્યારે હડે હડે નહીં કરતા હોય, ધુત્કારતા નહીં હોય તેની મને તો ખાતરી છે જ. પેલા ભુજ વાળાને નહીં ખબર હોય.
બાય ધી વે, એક સવાલ હતો. કે કોઇ ભગવાનની ઘોડી થવું હોય તો પિરીયડ્ઝ હોઉં ત્યારે વરને શું ખવડાવવું પડે?


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 12:34 PM IST | Mumbai Desk | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK