Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બાવીસ છોકરા પાસ થયા

મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બાવીસ છોકરા પાસ થયા

26 December, 2020 04:53 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બાવીસ છોકરા પાસ થયા

૧૮૬૨માં જ્યાં પહેલવહેલું કૉન્વોકેશન યોજાયું એ ટાઉન હૉલ

૧૮૬૨માં જ્યાં પહેલવહેલું કૉન્વોકેશન યોજાયું એ ટાઉન હૉલ


દેશના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭નું વરસ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ માટે યાદગાર બની ગયું છે. જોકે આપણા દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એ વરસ યાદગાર છે, કારણ કે એ વરસમાં કલકત્તા, બોમ્બે, અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના બ્રિટિશ સરકારે કાયદા દ્વારા કરી હતી

૧૮૬૨ના એપ્રિલ મહિનાની ૨૮મી તારીખ, સોમવાર. સ્થળ: મુંબઈનો ટાઉન હૉલ. સમય સાંજના પાંચ. યુનિવર્સિટી ઑફ બૉમ્બેના બધા પદાધિકારીઓ એ પહેલાં જ વખતસર આવીને ‘દરબાર હૉલ’માં ભેગા થઈ ગયા હતા. બાજુમાં ગવર્નર અને ચાન્સેલરનો અલગ ઓરડો હતો. બરાબર પાંચ ને દસ મિનિટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. સિંકલેરની આગેવાની નીચે એ બધા સરઘસ આકારે બાજુના મોટા હૉલમાં (જ્યાં આજે જાહેર વાંચનાલય છે) દાખલ થયા. તેમાંના કેટલાકનાં નામ : સર ઍલેક્ઝાન્ડર ગ્રાન્ટ, સોરાબજી જીજીભાઈ, ડૉ. ભાઉ દાજી લાડ, બમનજી હોરમસજી, નામદાર જગન્નાથ શંકરશેટ. અને છેલ્લે આવ્યા નામદાર ગવર્નર અને ચાન્સેલર  સર બાર્ટલ ફ્રેરે. મોટા હૉલમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના આદમકદ પૂતળા નીચે નામદાર ગવર્નરનું આસન ગોઠવેલું હતું. એની સામે બે અર્ધ ગોળાકાર હરોળમાં ખુરસીઓ ગોઠવવામાં આવી હતી. એમાંની પહેલી હરોળ યુનિવર્સિટીના ફેલો માટે અનામત રાખી હતી. બીજી હરોળમાં પરીક્ષકો અને કૉલેજોના અધ્યાપકો બેઠા હતા. ચાન્સેલરના આસનથી થોડેક દૂર, ડાબી અને જમણી બાજુએ જેમને ડિગ્રી મળવાની હતી તે વિદ્યાર્થીઓ માટે ખુરસીઓ ગોઠવેલી હતી. ચાન્સેલરની ખુરસી સામે નાનકડું ટેબલ મૂક્યું હતું જેના પર કિરમજી રંગનો ટેબલ ક્લોથ પાથર્યો હતો. એના પર ગોઠવ્યાં હતાં વિદ્યાર્થીઓને આપવાનાં ડિગ્રી સર્ટિફિકેટ. એ ટેબલથી થોડે દૂર રજિસ્ટ્રાર માટેની ખુરસી. પહેલી બે હરોળ પછી મહેમાનો માટે સોફા અને ખુરસીઓની હાર હતી. વખત પહેલાં આવીને એમાં બેઠેલી કેટલીક વ્યક્તિઓ તે લેડી ફ્રેરે, લેડી ગ્રાન્ટ, સર મંગળદાસ નથ્થુભાઈ, મિસ્ટર ડેવિડ સાસૂન. સરઘસ હૉલમાં દાખલ થયું કે તરત જ હાજર રહેલા સૌ તેમના માનમાં ઊભા થયા. સૌ બેઠા પછી આર્ટ્સ અને મેડિસિન ફેકલ્ટીના ડીન ડૉ. જૉન હાર્કનેસ અને ડૉ. જૉન પીટની વિનંતીને માન આપીને સેનેટના સભ્યોની અનુમતિ લઈને ચાન્સેલરે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. આ હતું યુનિવર્સિટી ઑફ બૉમ્બેનું પહેલું કૉન્વોકેશન.



જોકે પહેલવહેલી બીએની પરીક્ષાનું પરિણામ જાહેર થયું એ દિવસે એક વિચિત્ર ઘટના બની હતી. પરિણામ જાણ્યું ત્યારથી એના એક પરીક્ષક સર ઍલેક્ઝાન્ડર ગ્રાન્ટ અસ્વસ્થ છે. થોડી-થોડી વારે બોલે છે : ‘પણ આ છોકરો પરીક્ષામાં ફેલ થઈ જ કઈ રીતે શકે? મૌખિક પરીક્ષામાં તેણે જે સાચા અને સચોટ જવાબ પૂરેપૂરી સ્વસ્થતાથી આપેલા એ મને બરાબર યાદ છે. ના-ના, એ ફેલ ન જ થયો હોય. નક્કી કંઈક ગરબડ છે. મારે યુનિવર્સિટીમાં જઈને તપાસ કરવી જ પડશે, આજે જ.’ અને સવારે અગિયારેક વાગ્યે સર સાહેબ ટાઉન હૉલમાં આવેલી યુનિવર્સિટીની ઑફિસે પહોંચે છે. રજિસ્ટ્રારને કહે છે : મારે આર. જી. ભાંડારકર નામના વિદ્યાર્થીના પરિણામનાં કાગળિયાં જોવાં છે. રજિસ્ટ્રારે તરત બીએના પરિણામની આખી ફાઇલ સામે ધરી દીધી. અને સર સાહેબ ચોંકી ગયા. અરે, આમાં તો ફક્ત એક જ પેપરના માર્ક લખ્યા છે. બાકીના પેપરના માર્ક ક્યાં ગયા? અને વધુ તપાસ કરતાં જણાય છે કે બીજા એક વિદ્યાર્થીના અને આર.જી. ભાંડારકરના માર્ક અદલાબદલી થઈ ગયા હતા! તરત ભૂલ સુધારી લઈને ફરી પરિણામ જાહેર કરાય છે. આર. જી. ભાંડારકર ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય છે.


આપણા દેશના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭નું વરસ પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે યાદગાર બની ગયું છે. તેમ આપણા દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એ વરસ યાદગાર બની રહ્યું છે, કારણ કે એ વરસમાં કલકત્તા, બોમ્બે, અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના બ્રિટિશ સરકારે કાયદા દ્વારા કરી. જરા વિચાર કરો : એક બાજુ બ્રિટિશ સરકારનું લશ્કર ‘બળવાખોરો’ સામે લડી રહ્યું છે. રોજ બન્ને પક્ષે જાનમાલની ખુવારી થાય છે અને બીજી બાજુ એ જ વખતે એ જ બ્રિટિશ સરાકાર ‘દેશીઓ’ના ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં ત્રણ યુનિવર્સિટી શરૂ કરે છે. ૧૮૫૭ના જૂનની ૧૮મી તારીખે યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના થઈ અને એ સાથે પશ્ચિમ ભારતમાં બ્રિટિશ પદ્ધતિના ઉચ્ચ શિક્ષણનું ઊગ્યું અરુણું પરભાત. સ્થાપના થયા પછી બે વરસે, ૧૮૫૯માં આ યુનિવર્સિટીએ પહેલવહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. એમાં ૧૩૨ છોકરાઓ બેઠા હતા. એમાંથી ફક્ત બાવીસ પાસ થયા હતા! એમાંના ફક્ત બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. આજે તો જેની કલ્પના પણ ન થઈ શકે એવી એક વાત ૧૮૫૯માં બની. યુનિવર્સિટી ઑફ બૉમ્બેના અંગ્રેજ રજિસ્ટ્રારે નાનાભાઈ હરિદાસને પત્ર લખીને પુછાવ્યું કે જો ૧૮૬૦માં બીએની પરીક્ષા લેવાય તો તમે એ પરીક્ષામાં બેસવાનું પસંદ કરશો? પણ નાનાભાઈએ સવિનય ના પાડી. જો તેમણે આ આમંત્રણ સ્વીકાર્યું હોત તો તેઓ પહેલા ગ્રૅજ્યુએટ થયા હોત.

૧૮૬૨માં બીએની પહેલી પરીક્ષામાં જે ચાર વિદ્યાર્થી પાસ થયા તેમાંનો એક પણ ગુજરાતી નહોતો. એ ચાર વિદ્યાર્થીઓ હતા મહાદેવ ગોવિંદ રાનડે, રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, અને વામન આબાજી મોડક. લાઈસેનસિયેટ ઇન મેડસિનની પરીક્ષામાં પણ ચાર વિદ્યાર્થી પાસ થયા હતા : બરજોરજી બહેરામજી, કેખુશરૂ રુસ્તમજી વિકાજી, શેમતરામ વિઠ્ઠલ, અને નસરવાનજી જહાંગીર લાંમના. ચારમાંથી ત્રણ પારસી-ગુજરાતી! બીએની બીજી પરીક્ષા લેવાઈ ૧૮૬૩માં અને એમાં તો ફક્ત ત્રણ જ વિદ્યાર્થી પાસ થયા હતા. પણ તેમાંનો એક વિદ્યાર્થી ગુજરાતી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. પાસ થનાર બીજા બે વિદ્યાર્થી હતા ખંડેરાવ ચિમણરાવ બેદરકર અને રામચંદ્ર વિષ્ણુ માડગાંવકર.


ખાસ નોંધપાત્ર વાત એ છે કે મુંબઈ યુનિવર્સિટીની શરૂઆતમાં પાસ થનારા લગભગ બધા જ વિદ્યાર્થીઓ વખત જતાં કોઈ ને કોઈ ક્ષેત્રે મહત્ત્વનું કામ કરીને આગળ આવ્યા હતા. નાનાભાઈ હરિદાસનો જન્મ ૧૮૩૨ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે, સુરતમાં. ૧૮૫૨માં તેમણે મુંબઈમાં સરકારી દુભાષિયા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૮૫૫માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટના ‘લૉ ક્લાસ’માં જોડાઈ મુનસફ બનવા માટેની પરીક્ષા પાસ કરી. પછી ફાઇનલ લૉ એક્ઝામમાં પાસ થયા. ૧૮૫૯થી ૧૮૬૧ સુધી મુંબઈ સરકારની નોકરીમાં જોડાયા અને ઇન્ડિયન સિવિલ અને ક્રિમિનલ કોડનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. ૧૮૬૨માં જ્યારે બૉમ્બે હાઈ કોર્ટ શરૂ થઈ ત્યારે એપેલેટ સાઇડ પર નાનાભાઈ વકીલ તરીકે જોડાયા. ૧૮૬૯માં તેમણે એલએલબીની પરીક્ષા પાસ કરી. ૧૮૭૭માં તેમની નિમણૂક ગવર્નમેન્ટ પ્લીડર અને ઍક્ટિંગ ગવર્નમેન્ટ લૉ પ્રોફેસર તરીકે થઈ. ૧૮૮૪માં મહિને ૩૭૫૦ રૂપિયાના પગારે બૉમ્બે હાઈ કોર્ટના કાયમી જજ તરીકે તેમની નિમણૂક થઈ. આ માન મેળવનાર તેઓ પહેલવહેલા હિન્દી હતા. ૧૮૮૯માં અવસાન થયું ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા.

નાનાભાઈ હરિદાસ સુરત છોડીને મુંબઈ આવ્યા તો ઝવેરીલાલ ઉમિયાશંકર નડિયાદ છોડીને મુંબઈ આવેલા. શરૂઆતમાં અમદાવાદમાં મોસાળમાં રહી ત્યાં ભણ્યા. ગામઠી નિશાળ પછી અંગ્રેજી સ્કૂલમાં દાખલ થયા. ૧૮૫૩માં ૧૭ વરસની ઉંમરે વધુ ભણવા માટે મુંબઈ આવી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિઓટ્યૂટમાં દાખલ થયા. ત્યાં વેસ્ટ અને નૉર્મલ સ્કૉલરશિપ મેળવી. ૧૮૫૬માં એ જ સંસ્થામાં શિક્ષક બન્યા. બૉમ્બે ટાઇમ્સ નામના અખબારની ઑફિસમાં ૪૦ રૂપિયાના પગારે કારકૂન તરીકે જોડાયા. પણ પછી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કેમ કરવા એ શીખવવા માટે ફરી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિ ટ્યૂટમાં જોડાયા. આટલાં પાણી પીધા પછી ૧૮૫૯માં મેટ્રિક થયા. ફરી થોડો વખત શિક્ષક તરીકે કામ કર્યા પછી નોકરી છોડી કાપડ અને રૂના વેપારમાં પડ્યા, કમાયા. શૅરના સટ્ટામાં પડી પહેલાં પુષ્કળ કમાયા અને ૧૮૬૫માં શૅર બજાર કડડડભૂસ થયું ત્યારે ઘણું મોટું નુકસાન વેઠ્યું. કવિ કાલિદાસના નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલ’નો તેમનો ગુજરાતી અનુવાદ ૧૮૬૭માં પ્રગટ થયો. આ નાટકનો આ પહેલો ગુજરાતી અનુવાદ. ભાવનગરના પ્રખ્યાત દીવાન ગૌરીશંકર ઓઝાનું અંગ્રેજીમાં લખેલું જીવનચરિત્ર ૧૮૯૯માં બહાર પડ્યું. આ ઉપરાંત તેમણે મનુસ્મૃતિનો ગુજરાતી અનુવાદ કરેલો અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની જીવનકથા અંગ્રેજીમાં લખેલી. ૧૮૯૭ના મે મહિનાની ૮મી તારીખે તેમનું અવસાન થયું.

પહેલા ચાર ગ્રૅજ્યુએટે પણ આગળ ઉપર જુદા-જુદા ક્ષેત્રોમાં નામ કાઢ્યું. એમાં સૌથી વધુ જાણીતા થયા મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧) અને રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર (૧૮૩૭-૧૯૨૫). એ જમાનામાં રાનડે તો ગ્રૅજ્યુએટોના ‘રાજકુમાર’ તરીકે ઓળખાતા. ઇતિહાસ, સંસ્કૃતિ, ફિલસૂફી વગેરે અનેક ક્ષેત્રોના અઠંગ અભ્યાસી. દ્વિભાષી ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી વિભાગના તંત્રી. અને હા, કોઈ તેમની સિદ્ધિઓની વાત કરે તો તરત એ માટેનું બધું શ્રેય તો યુનિવર્સિટી ઑફ બૉમ્બેને જાય છે એમ કહેતા. તો રામકૃષ્ણ ભાંડારકર બન્યા સંસ્કૃત અને ઇન્ડોલૉજીના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા મેળવનાર પંડિત અધ્યાપક. જે યુનિવર્સિટીમાં ભણ્યા હતા એ જ યુનિવર્સિટીના ૧૮૯૩માં વાઇસ ચાન્સેલર બન્યા. તો વામન આબાજી મોડક સરકારી કેળવણી ખાતામાં ઉત્તરોત્તર આગળ વધ્યા હતા. જુદી-જુદી સરકારી સ્કૂલોમાં તેમણે હેડ માસ્ટર તરીકે કામ કર્યું હતું. બીજા બ્રિટિશ અધિકારીઓના અભિપ્રાય વિરુદ્ધ જઈને ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન મિસ્ટર ચેટફિલ્ડે તેમની નિમણૂક એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કરી હતી એટલું જ નહીં, પોતાની અસાધારણ કાર્યકુશળતાથી તેમણે થોડા જ વખતમાં વિરોધી અધિકારીઓનાં મન જીતી લીધાં હતાં. બાળ મંગેશ વાગળે ૧૮૬૯માં ઍડ્વોકેટની પરીક્ષામાં પાસ થનાર પહેલા ગ્રૅજ્યુએટ બન્યા હતા. તેમણે કેટલોક વખત વડોદરા રાજ્યના સર ન્યાયાધીશની જવાબદારી બજાવી હતી. રાનડે અને ભાંડારકર સાથે મળીને તેમણે પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી.

૧૮૬૩માં પહેલવહેલા ગુજરાતી ગ્રૅજ્યુએટ થનાર નગીનદાસ તુલસીદાસ મારફતિયાનો જન્મ ૧૮૪૦માં, સુરતમાં. શરૂઆતનું ભણતર સુરતમાં, પછી આગળ ભણવા મુંબઈ. હજી તો એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા હતા ત્યારે જ ૧૮૬૨માં ‘ગુલાબ’ નામનું નાટક પ્રગટ કરે છે. આપણી ભાષાનું એ સૌથી પહેલું છપાયેલું નાટક. હા, કવીશ્વર દલપતરામનું ‘લક્ષ્મી નાટક’ તે પહેલાં પ્રગટ થયેલું, પણ એ મૌલિક નથી, વિદેશી કૃતિની કથા ફાર્બસ પાસેથી સાંભળીને કરેલું રૂપાંતર છે. આ નાટક નગીનદાસે અર્પણ કર્યું છે કવિ નર્મદને. વિદ્યાર્થી કાળથી જ એ બન્ને નિકટના મિત્રો. નર્મદના જાણીતા સામયિક ‘ડાંડિયો’નું નામ નગીનદાસે પાડેલું અને તેમાં અવારનવાર લેખો પણ લખતા. બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે બુદ્ધિવર્ધક ગ્રંથ નામના સામયિકમાં પ્રગટ થયેલું. તો ૧૮૬૯માં તેમણે મુંબઈ યુનિવર્સિટી વિશે પુસ્તક લખીને પ્રગટ કરેલું. માત્ર ગુજરાતીમાં જ નહીં, કોઈ પણ ભાષામાં આ યુનિવર્સિટી વિશે લખાયેલું આ પહેલું પુસ્તક.

પણ ગુજરાત અને મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે મુંબઈ કેમ આવતા? કારણ કે દેશ આઝાદ થયો ત્યાં સુધી આખા પશ્ચિમ ભારતમાં આ એક જ યુનિવર્સિટી હતી અને એલ્ફિન્સ્ટન કૉલેજ અને ગ્રાન્ટ મેડિકલ કૉલેજની પ્રતિષ્ઠાથી પણ વિદ્યાર્થીઓ આકર્ષાઈને મુંબઈ આવતા. વળી ૧૮૭૯માં અમદાવાદમાં ગુજરાત કૉલેજ શરૂ થઈ ત્યાં સુધી આખા ગુજરાતમાં એકે કૉલેજ નહોતી. કાઠિયાવાડની પહેલી કૉલેજ પણ છેક ૧૮૮૫માં ભાવનગરમાં શરૂ થઈ, શામળદાસ કૉલેજ એટલું જ નહીં, ૧૯૪૯માં ગુજરાત યુનિવર્સિટી શરૂ થઈ ત્યાં સુધી ગુજરાતની બધી જ કૉલેજો મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. આમ આજના ગુજરાત રાજ્યમાં બ્રિટિશ પદ્ધતિના ઉચ્ચ શિક્ષણનું અજવાળું કોઈએ ફેલાવ્યું હોય તો એ યુનિવર્સિટી ઑફ બૉમ્બેએ. ૧૯મી સદીમાં પશ્ચિમ ભારતમાં સમાજ સુધારા માટેની જે ચળવળ શરૂ થઈ એના મૂળમાં આ બ્રિટિશ પદ્ધતિનું નવું શિક્ષણ. પણ એ વિશેની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 04:53 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK