સબર્બ્સમાં ઉંદરોની સેનાને મારવા માત્ર ૯૦ માણસો

Published: 1st November, 2011 19:50 IST

હવે મુંબઈનાં સબર્બમાં ફરતા ઉંદરોએ ડરવાની કોઈ જરૂર નથી. તેઓ આરામથી હરીફરી શકશે, કારણ કે બીએમસી (બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)એ ઉંદર મારવાનું કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું નક્કી કર્યું છે.

 

બીએમસીએ અગાઉ બાંદરાથી દહિસર તેમ જ સાયનથી મુલુંડ સુધી  ૧૮૩ એનઆરકે (નાઇટ રેટ-કિલર્સ)ની નિમણૂક કરવાની યોજના બનાવી હતી એમાં ઘટાડો કરીને માત્ર ૯૦ જેટલા એનઆરકે નીમ્યા છે. આ અગાઉ ‘મિડે-ડે’એ એવો અહેવાલ (તા.૨૯ એપ્રિલના રોજ) છાપ્યો હતો એમાં જણાવ્યું હતું કે મુંબઈ પ્રૉપરના ૪૪ એનઆરકે સામે સબર્બમાં ૧૮૩ એનઆરકેની નિમણૂક કરવામાં આવશે. બીએમસીના ઇન્સેક્ટિસાઇડ ઑફિસર ડૉ. અરુણ બામણેએ કહ્યું હતું કે ‘એક્ઝામિનેશન કમિટી દ્વારા માત્ર ૯૦ જગ્યાઓ જ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું તેમ જ તેમનો ઉપયોગ વ્યવસ્થિત ઢબે કરવા સૂચન કર્યું છે. એથી જ ઉંદરોનો ઉપદ્રવ જે વિસ્તારમાં વધુ હોય ત્યાં આ એનઆરકેને મોકલવાનું અમે વિચારી રહ્યા છીએ. નાગરિકો પણ કચરો ગમે ત્યાં ફેંકીને આ સમસ્યાને વધુ વકરાવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસીએ કુલ ૧૩,૦૧,૧૨૯ ઉંદરોનો ખાતમો બોલાવ્યો હતો. કુલ ૧૩૪ એનઆરકે કામ કરે છે જે પૈકી ૪૪ એનઆરકે પેરોલ પર કામ કરે છે.’

કોણ છે આ રેટ-કિલર્સ?

એનઆરકે (નાઇટ રેટ-કિલર્સ)ને મહિને પાંચ હજાર રૂપિયા પગાર મળે છે. દરરોજ ૩૦ જેટલા ઉંદર માર્યા બાદ જેટલા વધુ ઉંદર તેઓ મારે એના ઉંદરદીઠ ૨૫ પૈસા કમિશન મળે છે. ઉંદરોને જોતાંવેંત જ મારી નાખવાના હોય છે. તે એનઆરકેએ ફિઝિકલી ફિટ હોવો જોઈએ તેમ જ ઓછામાં ઓછું ૫૦ કિલો વજન ઊંચકવા માટે સમર્થ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં તે ઓછામાં ઓછું ચાર ધોરણ ભણેલો હોવો જોઈએ.

ગયા વર્ષે બીએમસીએ ઉંદર મારવા પાછળ ૧.૭૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો તેમ જ ૨૦ વર્ષ બાદ ૩૩ નવા એનઆરકેની નિમણૂક કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK