મેટ્રો ટ્રેનમાં ૩૦૦ પ્રવાસીને જ એન્ટ્રી

Published: 18th October, 2020 08:53 IST | Mumbai correspondent | Mumbai

આવતી કાલથી શરૂ થઈ રહેલી મુંબઈ મેટ્રોમાં ક્યુઆર કોડથી મુસાફરી કરવાની સાથે માસ્ક પહેરવો ફરજિયાત

મુંબઇ મેટ્રો
મુંબઇ મેટ્રો

સાત મહિના બાદ આવતી કાલથી મુંબઈ મેટ્રો સામાન્ય નાગરિકો માટે શરૂ થઈ રહી છે. જોકે સામાન્ય સંજોગોમાં જ્યાં ૧૫૦૦ લોકો એક ટ્રેનમાં પ્રવાસ કરે છે એની સામે અત્યારે માત્ર ૩૦૦ લોકોને જ એન્ટ્રી અપાશે. એ સિવાય માસ્ક પહેરેલા લોકોને માત્ર ક્યુઆર કોડથી જ પ્રવાસ કરવા દેવાશે.
મુંબઈ મેટ્રોના પ્રવક્તા શામંતક ચૌધરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેટ્રો સવારે ૮.૩૦થી રાતે ૮.૩૦ એમ ૧૨ કલાક જ ચાલશે. અત્યારના સંજોગોમાં દરેક મેટ્રો સ્ટેશન પર ગણતરીના જ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ અને એસ્કેલેટર ચાલુ થશે. ૧૫૦૦ પ્રવાસીની કૅપેસિટી સામે અત્યારે દરેક ટ્રેનમાં ૩૦૦ લોકોને જ એન્ટ્રી અપાશે. લોકોને ફ્રેશ ઍર મળી રહે એ માટે દરેક સ્ટેશન પર મેટ્રોના ઑટોમૅટિક દરવાજા અડધાથી એક મિનિટ ખુલ્લા રખાશે.’
મેટ્રો ચાલુ કરતાં પહેલાં અને ત્યાર બાદ પણ જ્યાં-જ્યાં લોકો તેમના હાથ ટચ કરી શકે એવી જગ્યાઓ જેવા કે દાદરા ચડતી-ઊતરતી વખતે ઉપયોગમાં લેવાતી સ્ટીલની રેલિંગ, મેટ્રોની અંદર ઉપરના સ્ટીલના રોડ અને પકડવાનાં હૅન્ડલ એ બધું જ સૅનિટાઇઝ કરાયું છે અને સતત કરાતું રહેશે. ટિકિટ-કાઉન્ટર પર પણ અનેક લોકો તેમના હાથ ટેકવતા હોય છે અથવા તેમની પર્સ કે બૅગ મૂકીને વ્યવહાર કરતા હોય છે, એથી એ પોર્શનને પણ અવારનવાર સૅનિટાઇઝ કરાશે. ટિકિટ આપનાર કર્મચારીઓ સહિત દરેક કર્મચારીએ માસ્ક અને ગ્લવ્ઝ પણ પહેરેલાં હશે. તેઓ જે સાધનો વાપરતા હશે એને પણ અવારનવાર સૅનિટાઇઝ કરાશે. ટિકિટ માટે પહેલાં જે ટોકન આપવામાં આવતું હતું એ હવે ડિસ્કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. ક્યુઆર કોડવાળી પેપર ટિકિટ ઇશ્યુ કરાશે. એ ઉપરાંત પ્રવાસીઓ મેટ્રો સ્માર્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકશે. દરેક પૅસેન્જરનું ટેમ્પરેચર ચેક કરાશે. જે વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તેને પ્રવાસ કરવા નહીં દેવાય, દરેક પ્રવાસીએ હૅન્ડ સૅનિટાઇઝ કરવા પડશે.
મેટ્રો ટ્રેનની અંદર એક છોડીને એક સીટ પર બેસવાનું રહેશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પ્રયાસ કરાશે. સામાન્ય લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાના હોવાથી ગિરદી થવાની સંભાવના તો છે જ એથી મેટ્રો કોચની અંદર લોકો ઊભા રહેશે, પણ તેમની વચ્ચે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે ચોક્કસ કેટલા અંતરે ઊભા રહેવાનું છે એ દર્શાવતાં પગલલાનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં છે.
એ ઉપરાંત મેટ્રો ચાલુ થતાં જ રોજની હજારો લોકોની અવરજવર રહેશે એથી દર બે કલાકે સ્ટેશન પરિસર, પ્લૅટફૉર્મ ક્લીન કરાશે, એટલું જ નહીં મેટ્રો કોચ પણ અંદરથી ક્લીન કરવામાં આવશે. મેટ્રો દ્વારા લોકોને અનુરોધ કરાયો છે કે બની શકે એટલો ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખો. પેટીએમ અને અન્ય ઍપ્સથી મેટ્રોની ટિકિટ ખરીદો અને મોબાઇલ પર જ એ શો કરો. જે લોકોએ પહેલેથી જ મેટ્રોના પાસ કઢાવ્યા હતા અને લૉકડાઉન થઈ ગયું હતું એવા પ્રવાસીઓના જેટલા દિવસ બાકી હશે એટલા દિવસ એક્સ્ટેન્ડ થઈ જશે એથી એમને નુકસાન નહીં જાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK