Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક પછી એક ઇન્દ્રિય કહે, હમણાં હું તો ચાલી

એક પછી એક ઇન્દ્રિય કહે, હમણાં હું તો ચાલી

26 January, 2020 05:13 PM IST | Mumbai Desk
rajani mehta | rajnimehta45@gmail.com

એક પછી એક ઇન્દ્રિય કહે, હમણાં હું તો ચાલી

ખય્યામ પરિવાર

ખય્યામ પરિવાર


પ્રસિદ્ધ લેખિકા અમૃતા પ્રીતમને કોઈએ પૂછ્યું કે ઘડપણ એટલે શું‍? એના જવાબમાં તેમણે કહ્યું, ‘વર્ષો તો ચાના કપમાં પડેલી ખાંડ જેવાં છે. છેક છેલ્લો ઘૂંટડો સૌથી મીઠો ઘૂંટડો હોય છે.’

સાવ સાચી વાત છે. જુવાનીમાં જે વસ્તુ આપણે જાણીએ છીએ એની સાચી સમજ વૃદ્ધાવસ્થામાં જ આવતી હોય છે. વૃદ્ધ થવું એટલે વૃદ્ધિ પામવી. જ્યારે એકમેક સાથે પ્રેમમાં વૃદ્ધ થવાની બન્ને પાત્રોની સંમતિ હોય ત્યારે જીવન બોજ નહીં, પણ ઉત્સવ બની જાય છે.
થોડાં વર્ષો પહેલાંની એક મુલાકાતમાં જીવનની ઢળતી સાંજે વીતેલાં વર્ષોનું સરવૈયું કાઢતાં ખય્યામસા’બ મને કહે છે, ‘સંગીત એ ભગવાન તરફથી મળેલી એક અણમોલ ભેટ છે. લાખોમાં એકાદબે વ્યક્તિને જ આ ભેટ મળતી હોય છે. આ ભેટ માટે ભગવાનના સદૈવ ઋણી રહેવું જોઈએ. આજે પણ જ્યારે હું કોઈ નવી ધૂન બનાવવા બેસું છું ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને એવી ધૂનની પ્રેરણા આપ જેને લોકો પ્રેમ કરે અને એક વીજળીના ચમકારાની જેમ મને ધૂન સ્ફુરે છે. ઈશ્વરના આ ચમત્કારની મને આજ સુધી નવાઈ લાગે છે.’
‘પ્રામાણિકતાથી વાત કરું તો એ હકીકતનો ઇનકાર ન કરી શકાય કે ઈશ્વરે મને અદ્ભુત પરિવાર આપ્યો છે. મારી પત્ની જગજિત અને પુત્ર પ્રદીપ; બન્નેએ મને ભરપૂર સહારો આપ્યો છે જેને કારણે મને ગમતા હોય એવા જ પ્રોજેક્ટ પર મેં કામ કર્યું છે. જગજિતનું સંગીતનું જ્ઞાન મને ઘણી વાર ચકિત કરી દે છે. મારી સફળતાનું અડધું શ્રેય તેને મળવું જોઈએ. લગ્ન બાદ પોતાની આશાસ્પદ કરીઅરને છોડીને તેણે હરેક રીતે મને સપોર્ટ કર્યો છે. તે પોતે એક સાધનસંપન્ન પરિવારમાંથી હોવા છતાં વર્ષો સુધી મારી સાથે રહીને, હસ્તે મોઢે મુશ્કેલીઓનો સામનો કરીને, કોઈ પણ જાતની ગેરવાજબી માગણી કર્યા
વિના મને જીવનમાં સાથ આપ્યો છે એ કેમ ભુલાય?’
‘આ જ વાત મારા પુત્ર પ્રદીપ માટે સાચી છે. તે એક શાંત અને મૃદુ વ્યક્તિત્વ ધરાવે છે. આજના યુવાનોની જેમ તેની કોઈ ડિમાન્ડ નથી. જીવનની નાની-નાની વસ્તુઓથી તે સંતુષ્ટ છે. જે વાતાવરણમાં મેં તેને ઉછેર્યો એ બાબત તેને કોઈ ફરિયાદ નથી.’
‘જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે મારા ગુરુ ચિસ્તી બાબા, પંડિત અમરનાથ અને પંડિત હુસ્નલાલ – ભગતરામની સરખામણીમાં મને જે થોડી ઘણી સફળતા અને શ્રેય મળ્યું એ બદલ જીવનભર તેમનો અહેસાનમંદ રહીશ.’
***
સફળ લગ્નજીવનની એક મહત્ત્વની શરત એ છે કે પતિએ પત્નીને પ્રેમ કરવો અને પત્નીએ પતિને સમજવો. હકીકતમાં મોટે ભાગે બન્ને પાત્રો આનાથી ઊલટું કામ કરતાં હોય છે. પતિ પ્રેમ કરવાને બદલે પત્નીને સમજવાની કોશિશ કરતો હોય છે, જ્યારે પત્ની પુરુષને વધુમાં વધુ પ્રેમ કરવાની ભૂલ કરતી હોય છે. પરિણામે બન્ને નિરાશ થાય છે, કારણ કે સ્ત્રીને આજ સુધી કોઈ સમજી નથી શક્યું અને પુરુષને સ્ત્રીનો પ્રેમ હમેશાં ઓછો પડતો હોય છે. જોકે અપવાદરૂપ એવાં જોડાં હોય છે જે એકમેક માટે સર્જાયાં હોય છે. ખય્યામ અને જગજિત કૌરની જોડી આ શ્રેણીમાં આવી શકે.
જગજિત કૌર મને કહે છે, ‘ખય્યામસા’બ એક પર્ફેક્ટ હસબંડ અને પર્ફેક્ટ ફાધર છે. પરિવારની સારી રીતે સંભાળ કેમ લેવી એની તેમને પૂરતી ખબર છે. મને એ દિવસો યાદ છે જ્યારે પ્રદીપ પોતાની મેળે સ્કૂલમાં જતો હતો. મને મનમાં ચિંતા હતી કે તે એકલો જઈ શકશે? ભરેલી બસમાં દાખલ થઈ શકશે? આને કારણે મને ટેન્શન રહેતું. આ જોઈ ખય્યામસા’બ પણ ચિંતા કરતા એટલે થોડા દિવસ તે બસ-સ્ટૉપ પર જઈને દૂરથી જોયા કરતા કે પ્રદીપ સહેલાઈથી બસમાં ચડી શકે છે કે નહીં. બે-ચાર વખત તો તે પાછળની બસમાં બેસી સ્કૂલ સુધી પહોંચીને ચેક કરી આવ્યા કે પ્રદીપ હેમખેમ સ્કૂલે પહોંચ્યો છે કે નહીં? આવો તેમનો સ્વભાવ હતો. હમેશાં તે બીજાનો ખૂબ ખ્યાલ રાખતા.’
ખય્યામસા’બ, જગજિત કૌર અને પ્રદીપનો સુખી સંસાર ચાલતો હતો ત્યાં એક દિવસ તેમની પર આભ તૂટી પડ્યું. વર્ષો પહેલાં દેશી નાટક સમાજના એક નાટકમાં માસ્તર અશરફ ખાનના ગીતની એક પંક્તિ મશહુર થઈ હતી ‘એક સરખા દિવસ કોઈના જાતા નથી. ‘સુખ અને દુખ, નસીબ નામના સિક્કાની બે બાજુ છે. એમ કહેવાય છે કે સુખ જેવું કઈ હોતું નથી. જીવનમાં જે સમયે તમે દુખ નથી અનુભવતા એ સમયે જે અનુભૂતિ થાય એને સુખ કહી શકાય. ૨૦૧૨ની ૨૫ માર્ચનો દિવસ ખય્યામસા’બ અને જગજિત કૌરના જીવનમાં એક એવી ઘટના બનીને આવ્યો જેની કળ તેમને છેવટ સુધી ન વળી. પુત્ર પ્રદીપનું ૬૨ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી અવસાન થયું. જીવનની પાછલી અવસ્થામાં માબાપ માટે સંતાનની અચાનક વિદાય અસહ્ય બની જાય છે. અચાનક એક જીવતીજાગતી વ્યક્તિ ફોટોફ્રેમ બનીને દીવાલ પર લટકી જાય એ હકીકત જીરવવી ભલભલા માટે સહેલી નથી. જેની કાંધે ચડીને અંતિમ સફરે પહોંચવાનું હોય તે દીકરાને કાંધ આપવી પડે એ ઘટના દુશ્મનની જિંદગીમાં પણ ન આવે એવી પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. તેમને દિલાસો આપવા જ્યારે હું તેમને ઘેર ગયો ત્યારે બન્નેની હાલત જોઈ હું દ્રવી ઊઠ્યો. જૈફ ઉંમરે પહોંચેલાં માબાપ આ આઘાત માટે તૈયાર નહોતાં. ઈશ્વરને કદી ફરિયાદ ન કરનાર ખય્યામસા’બ, વેદનામાં ગળાડૂબ અવાજે મારો હાથ પકડીને કહે, ‘ઈશ્વરને એક જ પ્રશ્ન છે કે અમારો એવો કયો અપરાધ છે કે અમારે બદલે પ્રદીપને તમે બોલાવી લીધો? એ પણ વિચાર ન કર્યો કે આ અવસ્થામાં હવે અમારું કોણ?’ મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. મારી આંખોમાં આવેલાં આંસુઓને રોકવાનો મિથ્યા પ્રયત્ન કરતાં હું ચુપચાપ બેસી રહ્યો.
મને લાગે છે કે ‘દુઃખનું ઓસડ દહાડા’ જેવી કહેવત ‘કન્ડિશન અપ્લાઈ’ની જેમ દરેક કેસમાં સાચી નહીં પડતી હોય. પુત્ર પ્રદીપની વિદાય બાદ જ્યારે-જ્યારે તેમની સાથે વાત થઈ ત્યારે એમ જ લાગ્યું કે તે બન્ને ભાંગી પડ્યાં છે. સ્વજનની અણધારી વિદાય થાય છે ત્યારે જાણેઅજાણે ઈશ્વર પર ભરોસો ઓછો થઈ જાય છે. સ્વજનના શબ પર ફૂલોની માળા પહેરાવતાં હૃદય પર પથ્થર મૂકવો પડે છે. જેનો બોજ એક દિવસ પૂરતો નહીં, અંતિમ પળ સુધી ઉઠાવવો પડતો હોય છે.
***
૧૯૪૮માં ફિલ્મ ‘હીર રાંઝા’થી શરૂ થયેલી કારકિર્દીમાં ખય્યામસા’બે ૫૪ ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમની સંગીતકાર તરીકેની અંતિમ ફિલ્મ હતી ૨૦૦૬માં ‘યાત્રા – ધ – જર્ની’. આ ઉપરાંત તેમની ૧૬ ફિલ્મો એવી હતી જે શરૂ તો થઈ, પરંતુ પૂરી ન થઈ. આ ફિલ્મો માટે રેકૉર્ડ થયેલાં અનેક ગીતો સંગીતપ્રેમીઓ સુધી પહોંચ્યાં નહીં એનો અફસોસ છે. એ સિવાય ૮ સિરિયલ અને ૧૮૪ ગેરફિલ્મી ગીતો માટે તેમણે સંગીત આપ્યું. તેમને મળેલા અવૉર્ડની યાદી આ પ્રમાણે છે...
૧૯૭૭ – ફિલ્મ ફેર અવૉર્ડ – કભી કભી
૧૯૮૨ – ફિલ્મ ફેર અવૉર્ડ – ઉમરાવ જાન
૧૯૮૨ – નૅશનલ ફિલ્મ અવૉર્ડ – ઉમરાવ જાન
૨૦૦૭ – સંગીત નાટક અકાદમી અવૉર્ડ
૨૦૧૦ – ફિલ્મ ફેર અવૉર્ડ – લાઇફ ટાઇમ અચીવમેન્ટ
૨૦૧૧ – પદ્મભૂષણ અવૉર્ડ
૨૦૧૮ – દીનાનાથ મંગેશકર અવૉર્ડ
આ ઉપરાંત ૧૯૮૦માં ‘નૂરી’, ૧૯૮૧માં ‘થોડી સી બેવફાઈ’, ૧૯૮૨માં ‘બાઝાર’ અને ૧૯૮૪માં ‘રઝિયા સુલતાન’ માટે ફિલ્મ ફેર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર કૅટેગરીમાં તે નોમિનેટ થયા હતા.
મારી સાથે થયેલી વાતચીતમાં તેમણે એક વાર કહ્યું હતું, ‘લગભગ ૧૪ વર્ષ સુધી હું ઇન્ડસ્ટ્રીનો હાઈએસ્ટ પેઇડ સંગીતકાર હતો. પ્રોડ્યુસર્સ મને કહેતા કે બીજા સંગીતકાર કરતાં તમે પાંચથી છ ગણા પૈસા લો છો ત્યારે હું કહેતો કે હું બહુ ઓછું કામ હાથમાં લઉં છું, પરંતુ જે કામ લઉં છું‍ એમાં મારા ૧૦૦ ટકાથી વધુ આપું છું. ધાર્યું હોત તો મેં ૨૦૦થી વધુ ફિલ્મો કરી હોત, પરંતુ મારે ગુણવત્તાની બાબતમાં કોઈ બાંધછોડ નહોતી કરવી એટલે મેં ઓછી ફિલ્મો કરી. આ ઇન્ડસ્ટ્રીએ મારી પૂરતી કદર કરી છે એ માટે હું સૌનો આભારી છું.’
પુત્ર પ્રદીપની વિદાય બાદ ખય્યામ અને જગજિત કૌર એકમેકનો સહારો બનીને જીવન ગાળતાં હતાં. વૃદ્ધાવસ્થામાં દેહ ધીમે-ધીમે દગો આપતો જાય છે ત્યારે નરી લાચારી ભોગવતા દંપતી, એકમેકની લાકડી બની જતા હોય છે. નરસિંહ મહેતાની પંક્તિ યાદ આવે છે...
ઉંબરા તો ડુંગરા થયા,
પાદર થયા પરદેશ
ગોળી તો ગંગા થઈ રે,
અંગે ઊજળા થયા છે કેશ
એક વ્યક્તિના જવાથી આખી દુનિયા ખાલીખમ લાગતી હોય છે. એમાં પણ જ્યારે પાછલી અવસ્થામાં આવું બને ત્યારે જીવન જીવવાની જીજીવિષા ખૂટી જાય છે. શ્વાસ લેવાતા હોય એને જીવન ન કહેવાય. જીવંત હોય તેને જીવતા કહેવાય. ‘તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુજે દે દો’ ગાનાર જગજિત કૌર પૂરી નિષ્ઠાથી આ ગીતની પંક્તિઓને સાકાર કરતાં સાચા અર્થમાં ખય્યામસા’બના જીવનસાથી બનીને જીવી રહ્યાં હતાં. સાચા પ્રેમની એક વ્યાખ્યા એ છે કે એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું. આ હિસાબે સમજણમાં સતત વૃદ્ધિ પામતાં જગજિત કૌર જે રીતે ખય્યામસા’બને સાચવતાં એ પ્રશંસનીય હતું. કાશ, નિયતિને આ મંજૂર નહોતું.
એક દિવસ ખય્યામસા’બ તેમની આરામખુરસીમાંથી ઊઠતાં-ઊઠતાં પડી ગયા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમનું બ્લડ શુગર એકદમ લૉ થઈ ગયું. એ દિવસોમાં જગજિત કૌરની તબિયત પણ સારી નહોતી રહેતી. તેમને પણ એ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. બન્નેના રૂમ બાજુ-બાજુમાં હતા. આ તરફ ખય્યામસા’બની તબિયત ઓલ્ડ એજ રિલેટેડ બીમારીઓને કારણે ઝડપથી લથડતી જતી હતી. બાજુની રૂમમાં રહેલાં જગજિત કૌરની નાજુક તબિયતને હિસાબે તેમને આ વાતની જાણ નહોતી કરવામાં આવતી કે ખય્યામસા’બ ઝડપથી અંતિમ પ્રયાણ તરફ આગળ વધી રહ્યા છે.
૨૦૧૯ની ૧૯ ઑગસ્ટની રાતે આવેલા જોરદાર હાર્ટ અટૅકને કારણે ખય્યામસા’બે આ દુનિયાને અલવિદા કહી. આ સમાચાર બીજે દિવસે અત્યંત બીમાર અવસ્થામાં જ્યારે જગજિત કૌરને આપવામાં આવ્યાં ત્યારે તેમના પર શું વીત્યું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. ખય્યામસા’બની ઇચ્છા મુજબ તેમની પૂરી સંપત્તિ (લગભગ પાંચ કરોડ)નું ડોનેશન ભવિષ્યના આશાસ્પદ કલાકારો માટેના એક ટ્રસ્ટને આપવામાં આવ્યું. સંપૂર્ણ સ્ટેટ ઓનર સાથે ખય્યામસા’બને દફનાવવામાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, ‘યાદગાર ભારતીય કોમ્પોઝિશન્સ આપવા માટે સમગ્ર ભારત ખય્યામસા’બને હંમેશાં યાદ કરશે. તેમનું ઋણી રહેશે. ભવિષ્યના કલાકારો માટે તેમના ડોનેશનને સમાજ કદી નહીં ભૂલે.’ લતા મંગેશકરે કહ્યું, ‘સંગીતનો એક એવો યુગ આથમી ગયો જે કદી પાછો નહીં આવે. એક મહાન સંગીતકાર અને એક નેક દિલ ઇન્સાનને મારી ભાવભીની સ્વરાંજલિ અર્પિત કરું છું.’
‘મરણ પછી રહી જાય છે કે કેવળ સ્મરણ. જ્યારે આયુષ્યના અંતિમ પડાવ પર પરમને પામવાની રાહ જોતા હોઈએ ત્યારે આવાં સ્મરણ પીડાદાયક બની જતાં હોય છે. પ્રસન્ન દામ્પત્યમાં વિખૂટી પડેલી વ્યક્તિ માટે જનાર જીવિત રહી જાય છે, પરંતુ પોતે જીવતે જીવ મૃત્યુની અનુભૂતિ કરતી હોય છે. ખય્યામસા’બની વિદાય બાદ જગજિત કૌરની તબિયત સતત લથડતી રહી છે. છેલ્લા સમાચાર મુજબ કૅન્સરપીડિત જગજિત કૌરની સંભાળ લેવા તેમની બહેન સતત તેમની સાથે રહે છે. એ વાતમાં શક નથી કે ખય્યામસા’બને યાદ કરતાં મનોમન જગજિત કૌર આ પંક્તિ ગાતાં-ગાતાં તેમની સાથેના મિલનની રાહ જોતાં હશે.
આંખ તો મારી આથમી રહી,
કાનના કૂવા ખાલી
એક પછી એક ઇન્દ્રિય કહે,
હમણાં હું તો ચાલી - સુરેશ દલાલ


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 05:13 PM IST | Mumbai Desk | rajani mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK