કેટલાંક વેપારીઓ કહે છે... ૧ દિવસના બંધથી કશું વળશે નહીં

Published: 2nd December, 2011 06:07 IST

રીટેલ ક્ષેત્રે વિદેશી રોકાણનો વિરોધ કરવા એક મહિનો દુકાન બંધ રહે તો જ સરકારને અસર થશે(બકુલેશ ત્રિવેદી)

કાંદિવલી, તા.૨

મલ્ટિ-બ્રૅન્ડ પ્રોડક્ટ્સ માટે ૫૧ ટકા અને સિંગલ બ્રૅન્ડ પ્રોડક્ટ્સ માટે ૧૦૦ ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ને મંજૂરી આપવામાં આવતાં ભારતભરમાંથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે મુંબઈનાં ગુજરાતીઓની બહુમતી ધરાવતાં બોરીવલી, કાંદિવલી અને મલાડમાં દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓનું કહેવું હતું કે એક દિવસના બંધથી સરકારના પેટનું પાણી પણ નહીં હલે. જો એફડીઆઇને ખરેખર રોકવું જ હોય તો લાંબા ગાળાના બંધની આવશ્યકતા છે. ૧૦ દિવસ-૨૦ દિવસ અને અમે તો મહિનો પણ દુકાન બંધ રાખવા તૈયારી છીએ, પણ એફડીઆઇ તો ન જ આવવું જોઈએ.

કાંદિવલી (વેસ્ટ)માં એસ. વી. રોડ પર ખુલ્લી રહેલી હાર્ડવેર ફિટિંગની દુકાન મહાવીર ફિટિંગ હાઉસના મહાવીર જૈને કહ્યું હતું કે ‘જો સરકારને એફડીઆઇને મુદ્દે રોકવી હોય તો એક દિવસના બંધથી કશું નહીં વળે, એ માટે ઓછામાં ઓછા ૧૦-૨૦ દિવસનો બંધ અને એ પણ ભારતભરની તમામ દુકાનો બંધ રહે તો સરકાર કાંઈક કરે, બાકી સરકારની રોજની ૧૨૦ કરોડ રૂપિયાની રેવન્યુ છે. એક દિવસના બંધથી સરકારને કશી જ અસર નથી થવાની. વેપારીઓ જો એક મહિનો પણ દુકાન બંધ રાખશે તો તેઓ કાંઈ ભૂખે નથી મરી જવાના. દરેક વેપારી એટલું તો સસ્ટેન કરી જ શકે, પણ જો આટલો લાંબો સમય દુકાનો અને વેપાર બંધ રહે તો સરકારને એ બાબતની અસર થશે અને વેપારીઓની તરફેણમાં કોઈ નિર્ણય એ લેશે.’

સરકાર તો ધાર્યું જ કરશે

મલાડ (વેસ્ટ)માં એસ. વી. રોડ પર આવેલી ચૅમ્પિયન સ્ટેશનરીના હિતેશ ગડાએ કહ્યું હતું કે ‘સરકાર એનું ધાર્યું કરશે. સરકારને કોઈ રોકી નહીં શકે. એક દિવસના બંધથી સરકારને કોઈ ફરક નથી પડતો. મૂળમાં તો વેપારીઓમાં યુનિટી નથી. મલાડમાં જ સ્ટેશન રોડ પરના વેપારીઓનું યુનિયન છે જેમાં એસ. વી. રોડના વેપારીઓનો સમાવેશ નથી કરવામાં આવતો અને એના દ્વારા કરવામાં આવતી કોઈ પ્રવૃત્તિની પણ અમને ખબર નથી હોતી. જો વૉલમાર્ટ જેવી કંપનીઓને રોકવી હોય તો લાંબો સમય દુકાનો બંધ રહે તો જ સરકાર એ વિશે વિચારશે અને ઍક્શન લેશે.’    

નુકસાન જ નુકસાન

બોરીવલીમાં બંધની વધુ અસર જોવા મળી હતી. મેડિકલ શૉપ, દૂધની ડેરી, ખાણી-પીણીની દુકાનો અને હોટેલો જે જીવન આવશ્યક જરૂરિયાતોમાં ગણાય છે એ છોડીને મોટા ભાગની દુકાનો બંધ હતી. આથી વિપરીત કાંદિવલી અને મલાડમાં મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. કાંદિવલીમાં સ્ટેશન પાસેની મોટા ભાગની બધી જ દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓનો સામાન્ય જવાબ એમ હતો કે અમે જોયું કે અન્ય દુકાનો ખુલ્લી છે એટલે અમે પણ અમારી દુકાનો ખોલી નાખી હતી. અહીં કોઈ અસોસિએશન નથી કે જે કહે કે તમે દુકાનો બંધ રાખો. અમને જો કહેવામાં આવશે કે દુકાન બંધ કરી દો તો અમે દુકાનો બંધ કરવા તૈયાર છીએ, બાકી એફડીઆઇને મુદ્દે તેમનું પણ એમ કહેવું હતું કે મલ્ટિનૅશનલ કંપનીઓ રીટેલ ક્ષેત્રમાં આવતાં તેમને પણ નુકસાન જશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK