મૌત કા એક દિન મુઅય્યન હૈ નીંદ ક્યૂં રાતભર નહીં આતી?

Published: Mar 09, 2020, 17:13 IST | Pravin Solanki | Mumbai Desk

કોઈ ઉમ્મીદ બર નહીં આતી, કોઈ સૂરત નઝર નહીં આતી મૌત કા એક દિન મુઅય્યન હૈ નીંદ ક્યૂં રાતભર નહીં આતી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મિલન‍ની આશાનું કોઈ કિરણ નથી, એવી કોઈ શક્યતા પણ નથી દેખાતી. મૌનની ઘડી તો નિશ્ચિત જ છે પણ અહીં તો ઊંઘ આવવાના પણ ફાંફાં છે. ટૂંકમાં માશૂકાના મિલનની કોઈ શક્યતા દેખાતી નથી, કોઈ આશા રહી નથી એવા સમયે મોત આવે તો છૂટી જવાય પણ ઊંઘ અને મોત બન્ને બેવફા નીવડ્યાં છે.

આવું હતાશાભર્યું, નિરાશામય લખનાર ગાલિબને એ સમયે કદાચ ખબર નહીં હોય કે તે દુનિયામાં સૌથી લોકપ્રિય ઉર્દૂ શાયર તરીકે જાણીતો થશે. તેમનાં જીવન અને કવન પર અઢળક લખાશે, ફિલ્મો બનશે, નાટક બનશે, પરિસંવાદો યોજાશે. તેમણે લખ્યા ન હોય એવા શેર પણ તેમના નામે પ્રસિદ્ધ થશે, અનેક વક્તાઓ તેમના શેર ફટકારીને તાળીઓ પડાવશે. તેમના શેર પર બીજા શાયરો જવાબ આપશે કે વ્યંગ કરશે. દા. ત.
પીતે હૈં શરાબ મસ્જિદ મેં બૈઠકર ગાલિબ
યા વો જગહ બતા જહાં ખુદા ન હો
આના જવાબ રૂપે વર્ષો પછી ઇકબાલે લખ્યું
મસ્જિદ ખુદા કા ઘર હૈ પીને કી જગહ નહીં
કાફીર કે દિલ મેં જા, વહાં ખુદા નહીં
એ પછી આના જવાબરૂપે અહ‍મદ ફરાઝે લખ્યું
કાફિર કે દિલ સે આયા હૂં યે દેખકર
ખુદા મૌજૂદ હૈ વહાં, પર ઉસે પતા નહીં
તો વળી કેટલાક સમય બાદ આના જવાબમાં વાસીએ કહ્યું કે
ખુદા તો મૌજૂદ દુનિયા મેં હર જગહ હૈ
તૂ જન્નત મેં જા વહાં પીના મના નહીં
તો સાકી નામના શાયરે લખ્યું
પીતા હૂં ગમ–એ-દુનિયા ભુલાને કે લિએ
જન્નત મેં કૌન સા ગમ હૈ? ઇસલિએ
વહાં પીને મેં મજા નહીં
આ પાંચ શાયરોના એકબીજાના જવાબથી ત્રાસીને એક શાયરે લખ્યું
લા ભાઈ, દારૂ પીલા,
બકવાસ યૂં ન બાંચો
જહાં મર્ઝી વહાં પિયેંગે,
ભાડ મેં જાય યે પાંચોં!
જેમ ઘણી મહાન વ્યક્તિનું બને છે એમ ગાલિબ પણ મર્યા પછી વધારે મશહૂર થયા, મહાન બન્યા. જીવતેજીવ તો તેમણે એટલી હદે લખવું પડ્યું :
કહતે હૈં જીતે હૈં ઉમ્મીદ પે લોગ
હમકો તો જીને કી ભી ઉમ્મીદ નહીં
ગુજરાતીમાં બાળપણમાં ભણેલી પંક્તિ યાદ આવે છે. આશા દેવી! અમ ભગવતી! પ્રાણીના પ્રાણ તું. જગત આખું આશા પર રહેલું છે. પણ હું એક એવો છું કે મને જીવવાની જ આશા રહી નથી. એક બીજો શેર જુઓ,
કોઈ વીરાની શી વીરાની હૈ
દશ્ત કો દેખ કે ઘર યાદ આયા
(દશ્ત = વાત કરવાવાળું)
મારું જીવન એટલું વેરાન છે કે એની સામે જંગલની વેરાની કંઈ નથી. કોઈ વાત કરવાવાળું મળી જાય તોપણ બધું ભર્યું-ભર્યું લાગે. ગાલિબે પોતાની દુર્દશા વર્ણવતો એક શેર વાંચી હું ગદ્ગદ થઈ ગયો. ભારોભાર એમાં વિષાદ છલકાય છે.
પાની સે સગગજીદા ડરે જિસ તરહ ‘અસદ’ (સગગજીદા = હડકાયું કૂતરું)
ડરતા હૂં આઈને સે કિ મર્હુમગજીદા હૂં
(મર્હુમગજીદા = માણસનો કરડેલો)
જે રીતે હડકાયો કૂતરો કરડેલો માણસ પાણીથી ડરે છે એ જ રીતે હું અરીસાથી ડરું છું. તમે બીજાની ક્યાં વાત કરો છો? હું તો મારા પ્રતિબિંબથી પણ ગભરાઉં છું.
એક આમ શેર:
મુઝકો દયારે ગૈર જો મારા વતન સે દૂર
રખ લી મેરે ખુદાને મેરી બેકસી કી શર્મ
વતનથી દૂર મરવું એ આમ તો કમનસીબી કહેવાય, પણ ગાલિબ ઇચ્છે કે મૃત્યુ વતનથી દૂર થાય. આવું શું કામ ઇચ્છે છે? ગાલિબે જીવનમાં ખૂબ અપમાનો સહેલાં, બદનામી મળેલી, અવહેલના સહેલી. વતનમાં મોત થાય તો મર્યા પછી તેમની બદનામીની ચર્ચા થાય. પરદેશમાં તેમને કોઈ ઓળખે નહીં એટલે શરમજનક પરિસ્થિતિમાંથી બચી જવાય! વિચાર કરો, કેટલી હદ સુધી તેઓ
પીડાયા હશે?
ઇશરતે કતરા હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજરના હૈ દવા હો જાના
ગાલિબની આ પંક્તિઓ ‘શયદા’ની યાદ અપાવી જાય છે.
જીવ અને શિવનું એક જ મૂળ
પાણીનું પાણીમાં વર્તુળ
ગાલિબની એક બીજી ખાસિયત મારા ધ્યાનમાં આવી છે એ છે તેઓ જ્યાં-જ્યાં સૂફી દેખાય છે, ખુદા સાથે સંવાદ સાધે છે ત્યાં મોટા ભાગે શિકાયત-ફરિયાદનું સ્વરૂપ હોય છે.
જબ કી તુઝ બિન નહીં કોઈ મૌજૂદ
ફિર યે હંગામા એ ખુદા ક્યા હૈ!
યે પરી ચેહરા લોગ કૈસે હૈં
ગજ્જ-ઓ-અન્ધ-ઓ અદા
(સ્ત્રીની અદા, નાજનખરાં)
ક્યા હૈ સબ્જ-ઓ-ગુલ
(તાજાં ફૂલ) કહાં સે આએ હૈં
અબ્ર (વાદળ) ક્યા ચીઝ હૈ, હવા ક્યા હૈ?
આત્મા જ પરમાત્મા છે. આત્મા જ જો પરમાત્મા હોય તો આ બધી ઝંઝટ-હંગામો શું કામ?
હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન
દિલકો ખુશ રખને કો ‘ગાલિબ’
યે ખ્યાલ અચ્છા હૈ
અમને ખબર છે સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં, નરી કલ્પના છે, લોભામણો ખ્યાલ છે. પણ આવા ખ્યાલો-સપનાંઓ જ દિલને ખુશ રાખે છે. વળી બીજા એક શેરમાં કહે છે,
દોનોં દેકે વો સમજે યહ ખુશ હુવા
યા આપકી યે શર્મ કી તકરાર ક્યા કરે?
હે ખુદા, પૃથ્વી અને સ્વર્ગ બન્ને આપ્યાં એથી હું બહુ ખુશ છું એમ તું માને છે, પણ એવું નથી. તમારી શરમ નડી એટલે અમે ચૂપચાપ બધું સ્વીકારી લીધું, બાકી અમને જે જોઈતું હતું એ તો તેં આપ્યું જ નથી. ને ક્યારેય કોઈને આપતો પણ નથી. તો પાછા એમ પણ કહે છે કે
જાન દી, દી હુઈ ઉસીકી થી
હક તો યે હૈ કિ હક અદા ન હુઆ
ખુદા તારે નામે જાન દઈ દીધી એમાં કયું મોટું પરાક્રમ કરી નાખ્યું? તેં જ જાન આપ્યો હતો એ જ પરત કર્યો છે. બાકી અમારે જે કર્તવ્ય બજાવવાનું હતું એ તો અમે બજાવ્યું જ નથી. હવે કેટલાક તેમના ખૂબ જ
પર્ચલિત શેર :
હમને માના કિ તગાફૂલ ન કરોગે લેકિન
ખાક હો જાએંગે હમ,
તુમકો ખબર હોને તક
અમે માનતા હતા કે તમે અમારી ઉપેક્ષા-અવગણના નહીં કરો પણ એ અમારી માન્યતા સાચી છે કે નહીં એ જાણતાં પહેલાં જ રાખ થઈ જઈશું. ટૂંકમાં રાહ જોવાની પણ એક હદ હોય છે.
ઝિંદગી યૂં ભી ગુજર હી જાતી
ક્યોં તેરા રહગુજર યાદ આયા
જિંદગી આમ તો ગમે તેમ પૂરી થઈ જાત, પણ કોણ જાણે કેમ તારા તરફનો રસ્તો યાદ આવ્યો. તમારા પ્રેમમાં હું ન પડ્યો હોત તો શાંતિથી મરી ગયો હોત.
યે ન થી હમારી કિસ્મત કિ
વિસાલે યાર હોતા
અગર ઔર જીતે રહતે,
યદી ઇન્તઝાર હોતા
અમારા નસીબમાં માશૂકા સાથેનું મિલન લખાયું જ નહોતું.
લખાયું હોત તો તેની રાહ જોવા પણ જીવતા રહ્યા હોત. તો પાછી વક્રોક્તિ પણ અજબની કરે છે,
તેરે વાદે પર જીયેં હમ તો
યે જાન જૂઠ જાના
કિ ખુશી સે મર ન જાતે
અગર એતબાર હોતા
તેં મને મળવાનો વાયદો આપ્યો છે એ મિલનની આશામાં હું જીવી રહ્યો છું એવું જો તું માનતી હોય તો એ તારી ભૂલ છે. પણ તું વચનપરસ્ત નથી એ મને ખબર છે. જો તારા પર વિશ્વાસ હોત તો તારા મળવાની ખુશીમાં જ મારા શ્વાસ બંધ થઈ જાત, થઈ ગયા હોત.
કહૂં કિસસે મૈં કિ ક્યા હૈ
શબે ગમ બૂરી બલા હૈ
મુઝે ક્યા બુરાથા મરના,
અગર એક બાર હોતા
આ જુદાઈની દુ:ખદાયક રાત શું છે એ હું કોને સમજાવું? જો એક જ વાર મરવાનું હોત તો કોને વાંધો હતો? પણ આ કાયમની જુદાઈની રાત મને રોજ-રોજ મારે છે. હવે છેલ્લે ગાલિબ કેટલી હદે દુભાયેલા હતા, અપમાન અને અવગણનાથી ત્રાસી ગયેલા હતા એ દર્શાવતો શેર :
હુએ મર કે હમ જો રુસ્વા,
હુએ ક્યૂં ન ગુર્કે દરિયા
ન કહીં જનાજા ઉઠતા,
ન કહીં મગ્મર હોતા
હું મૃત્યુ દરિયામાં ડૂબી ને કેમ ન પામ્યો? (જેથી મારી લાશ કોઈને ન મળી હોત કે ક્યાંક દૂર અજાણ્યા સ્થળે મળી હોત.) અહીં મર્યા એટલે સ્મશાનયાત્રા નીકળશે, કબર બાંધશે ને બધાને મારી બદનામી કરવાનો ‘અવસર’ મળી જશે.

સમાપન
આ શેર સિવાય થઈ જ ન શકે
હઝારોં ખ્વાહિશેં ઐસી કિ
હર ખ્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મેરે અરમાન,
લેકિન ફિર ભી કમ નિકલે
જીવનમાં કેટલી બધી આશાઓ-ઇચ્છાઓ કરી હતી એ દરેક પૂરી કરવાના પ્રયત્નોમાં જ દમ નીકળી ગયો, થાકી ગયો. થાકી ગયો, પણ હારી નથી ગયો. હજી પણ એ પૂરી કરવાનાં અરમાન રાખું છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK