Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માણસ સાથે માણસાઈ હોય, અમાણસ સાથે નહીં

માણસ સાથે માણસાઈ હોય, અમાણસ સાથે નહીં

12 April, 2020 04:54 PM IST | Mumbai
Dr Dinkar Joshi

માણસ સાથે માણસાઈ હોય, અમાણસ સાથે નહીં

માણસ સાથે માણસાઈ હોય, અમાણસ સાથે નહીં


સમી સાંજને ઓળખવી હશે તો મુંબઈગરો એને માટે કયો શબ્દ વાપરશે? કોઈક કાઠિયાવાડી જણને કહેજો - મા’રાજ મેર બેસવાની વેળા થઈ. આમ કહેવાથી સાંજ પડી છે એમ તરત નહીં સમજાય. મેરૂ પર્વત સમુદ્રમાં ડૂબેલો છે અને એની ટોચ સપાટીની ઉપર છે એવી પુરાણ કથા છે. સૂરજ આથમવાની વેળાએ પશ્ચિમના આકાશમાં મેરૂ પર્વતના આ શિખર ઉપર સૂર્યનું રતુંબડું પ્રતિબિંબ દેખાય. સૂર્ય એટલે રાજાધિરાજ - મહારાજ. આ મહારાજ એટલે મા’રાજ અને મા’રાજ મેરૂની ટોચે બેસે એટલે સાંજ પડી. આ કાઠિયાવાડી ઓળખાણ થઈ. સાંજની આવી જ બીજી એક ઓળખાણ એટલે ગોધુલિવેળા. લગ્નની નિમંત્રણ પત્રિકામાં હજી હમણાં સુધી હસ્તમેળાપનો સમય ગોધૂલિવેળા એમ લખાતું. સવારે સીમમાં ચરવા ગયેલું ગાયોનું ધણ સાંજે- દિવસ આથમ્યે ગામને પાદરે પાછું ફરતું ત્યારે સીમાડાની ધૂળ ઊડતી અને ગાયોના પગની ખરીની ધૂળ એટલે ગોધૂલિ. આમ ગોધૂલિ વેળા એટલે સાંજ.

સમયને સાચવી જાણે એ સંસ્કૃતિ. સંસ્કૃતિની બીજી રૂડી રૂપાળી વ્યાખ્યાઓ ભલે પંડિતો આપતા હોય પણ સમય સાથે જીવતો માણસ તો એની આવી જ ઓળખાણ આપશે પછી ભલે આ માણસ કાઠિયાવાડી હોય પણ તેની સાંજ તો બસો-ચારસો વરસ પહેલાં ફ્રાન્સના કોઈક ગામને પાદરે પડતી હોય એવી જ હોય. આજે આપણે કરફ્યુ શબ્દથી સુપેરે પરિચિત છીએ - છેલ્લા પંદરેક દિવસથી તો કરફ્યુ શબ્દ સાથેની આપણી ભાઈબંધી તો ભારે પાકી થઈ ગઈ છે. આ કરફ્યુ વિશે વાતો કરતાં પહેલાં આપણે એનો ઉદ્ભવ સમજી લઈએ.



આપણા ઘરમાં આ ફ્રેન્ચ શબ્દ વાયા અંગ્રેજી ઘૂસી આવેલો છે. સત્તર કે અઢારમી સદીમાં ફ્રાન્સનાં ગામોમાં અજવાળું ઓઝપાતું અને અંધારું ઊગવા માંડતું (એટલે કે સાંજ પડતી) ત્યારે ગામના ચોરે-ચોરે, મહોલ્લાના નાકે અને શેરીઓમાં એક હુકમની જોશભેર બજવણી થતી - સાંજ પડી ગઈ છે. સૌ ગામલોકો પોતપોતાના ઘરમાં બેસી જાય. રસ્તા પર બહાર, અંધારામાં કોઈ ન નીકળે. એટલું જ નહીં, પોતાના આંગણે દીવો પેટાવે. આમ કરવાનું કારણ ચોરી-ચપાટી, લૂંટ, ધાડ વગેરેથી બચાવ કરવો અને નાગરિક વ્યવસ્થા જાળવવી એ જ હતું. આ વ્યવસ્થાને ફ્રેન્ચો કરફ્યુ કહેતા. આ કરફ્યુ શબ્દ અંગ્રેજો ફ્રાન્સથી ઇંગ્લૅન્ડમાં લઈ આવ્યા ત્યારે ૧૯મી સદીનો સમય હતો અને આ અંગ્રેજો જ આ શબ્દને - વ્યવસ્થાને શાસકીય બનાવીને હિન્દુસ્તાનમાં લઈ આવ્યા. હવે આ શબ્દ શાસકનો આદેશ બની ગયો. બધા ઘરમાં જતા રહો - કોઈએ રસ્તા પર નીકળવાનું નથી. આ આદેશ એટલે કરફ્યુ. ઔપચારિક માહિતી હવે આજ્ઞા બની ગઈ. આજ્ઞા સાથે જ આજ્ઞાનો ભંગ સંકળાયો અને એની સાથે દંડ અને ભય જોડાઈ ગયા.


કરફ્યુનો અનુભવ આપણા માટે કોઈ નવી વાત નથી. આઝાદી પહેલાં બ્રિટિશ શાસકો દ્વારા અને આઝાદી પછી લોકશાહી સરકારો દ્વારા અવારનવાર આપણને કરફ્યુનો અનુભવ થયો છે. કરફ્યુ એટલે ભય - કરફ્યુ એટલે સન્નાટો. ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન આ ભયની અવસ્થામાંથી દેશ પસાર થયો હતો. આ સાથે જ અંધારપટ - બ્લૅક આઉટનો અનુભવ પણ આપણે લઈ ચૂક્યા છીએ. આ અંધારપટ અત્યારે નથી, પણ કરફ્યુની અવસ્થામાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. ભયનો ઓથાર આજે નથી એમ ન કહી શકાય, પણ યુદ્ધકાળમાં ભયના જે ઓથાર હેઠળ આપણે સમય પસાર કર્યો હતો એનાથી આજનો ઓથાર સાવ ભિન્ન છે. આ અગાઉ રોગચાળાનો ઉપદ્રવ પણ આપણે જોયો છે. આખા વિશ્વે આવા દૈવી પ્રકોપ અવારનવાર જોયા છે. સુનામી, ભૂકંપ, યુદ્ધ, રોગચાળો આ બધા કુદરતી વિનાશ વખતે એક ચોક્કસ સ્થિતિ હતી. આપત્તિ શી છે અને કઈ દિશામાંથી આવે છે-આની સૂઝ સમજ પણ હતી. આજે કોરોના નામના જે ઝંઝાવાતનો આપણે સામનો કરી રહ્યા છીએ એનો પ્રતિકાર દિવસે-દિવસે વધુ ને વધુ મુશ્કેલ એટલા માટે બનતો જાય છે કે એના વિષે કોઈ માહિતી આપણી જાણમાં નથી. ભય વિષેની માહિતી હોવી અને આ ભય સાવ અજ્ઞાત હોવો એ બન્ને જુદી પરિસ્થિતિ છે. જ્ઞાતનો સામનો પ્રમાણમાં સરળ છે. અજ્ઞાતનો પ્રતિકાર અઘરો છે.

સૌથી કપરો પ્રશ્ન તો એ છે કે આ અજાણ્યો વાઇરસ કુદરતી છે કે માનવ સર્જિત છે એય આપણે જાણતા નથી. આ અજ્ઞાત આ આપત્તિને વધુ ગૂંચવી નાખે છે. વૈશ્વિક સ્તરે એનું જે વિકરાળ રૂપ દેખાઈ રહ્યું છે એ એના માનવ સર્જિત હોવા વિષેય સંકેત કરે છે. આ સંકેત આપણી પ્રતિકાર શક્તિ ઉપર પણ અવળી અસર કરે છે.


માણસ નામની પ્રજાતિ પૃથ્વી પર આજના સ્વરૂપે ક્યારે આવી એનો ચોક્કસ ઇતિહાસ આપણે જાણતા નથી. માણસ હંમેશાં પોતાને બીજા બધા કરતાં વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી હોવાનો દાવો કરતો રહ્યો છે. તેના આ દાવા ઉપર કુદરતે સતત હાસ્ય જ વેર્યું છે. માણસ આ હાસ્યને સમજ્યો જ નથી એનો આ એક વધુ પુરાવો છે.

માણસની આ મર્યાદાનો તો જાણે વૈશ્વિક સ્તરે સ્વીકાર કરી શકાય, પણ તેનામાં રહેલી દ્વેષવૃત્તિ કે પછી બેવકૂફી કેટલી હદે વિકૃત હોઈ શકે છે એનો પુરાવો પણ કોરોના જેવી આ વિનાશક પળે નજરે પડે છે. તબલીગી જમાત નામની એક સંસ્થા અને એના સભ્યો પોતાના ધર્મને વળગી રહે એની સામે કોઈ વિરોધ કરી શકાય નહીં પણ આ સભ્યો સાવેસાવ જંગલી વર્તન કરે ત્યારે તેમને કોઈ પણ ભોગે નિયંત્રિત કરવા એ શાસનની ફરજ છે.

ધર્મના નામે આ જમાતીઓને માનવ જાત વિરુદ્ધનું વર્તન કરવા દેવાય નહીં. શાસનના રાજદંડ વિશે મહાભારતમાં પિતામહ ભીષ્મે શરશય્યા પરથી યુધિષ્ઠિરને શીખ આપી છે. રાજદંડનો ભાર જે હાથ જીરવી શકતા નથી એ હાથ રાજદંડને યોગ્ય નથી અને જે હાથ એનો અનર્થકારી વિનિયોગ કરે છે એ હાથ પણ આવો દંડ ધારણ કરવાને અધિકારી નથી. જમાતીઓ દેશની આજની કુલ સંક્રમિત વસ્તીના ત્રીજા ભાગને સંક્રમિત કરી નાખે એટલું જ નહીં, કોરોનાના વિશ્વવ્યાપી વિષને રોકવામાં સહયોગ ન કરે તો રાજદંડનો ઉચિત ઉપયોગ બીજી કોઈ વિચારણા કર્યા વિના તત્કાલ થવો જોઈએ.

તબલીગી જમાતના સભ્યો આખા દેશને મુશ્કેલીમાં મૂકે અને શાસન માત્ર ચેતવણીઓ આપ્યા કરે એ કોઈ રીતે સહન થઈ શકે નહીં એવી ઘટના છે. આ સભ્યો પોતે રોગથી સંક્રમિત થયા છે અને આ સંક્રમણનો શું અર્થ થાય એ બરાબર સમજે છે. આમાં `હું મરું પણ તને રાંડ કરું’ એટલી જ દ્વેષવૃત્તિ નથી પણ હું મરતાં-મરતાં પણ સો-બસો કે ચારસોને સંક્રમિત કરીને મારતો જઈશ જેને આ પાક જેહાદ કહેતા હોય એવો સંભવ છે.

આ જેહાદીઓને કેમ રોકવા અને એને તત્કાળ કેમ નષ્ટ કરવા એવો કોઈ પ્રશ્ન પેદા થવો જ ન જોઈએ. આ માટે કાયદા છે જ. કાયદાનો દંડ સખતાઈથી વાપર્યા વિના આ ક્ષણે ચલાવી શકાય જ નહીં. આ અપરાધીઓ જાતે જ પોલીસ-સ્ટેશન હાજર ન થતા હોય તો તેમના કુટુંબીઓને પકડી લઈને યોગ્ય કારવાઈ કરવી જોઈએ. ખાલિસ્તાનની ચળવળ માટે પોલીસ વડા શ્રી ‌િગ‌લે આ સાહસ કર્યું હતું અને એનાં સુપરિણામો પણ મેળવ્યાં હતાં. દેખીતી રીતે અમાનવીય લાગે એવી આ વાત છે, પણ માનવીય વહેવાર માણસ-માણસ વચ્ચે થાય. માણસ અને અ-માણસ વચ્ચે આવો વહેવાર થઈ શકે નહીં.

કોરોના સામે આખી દુનિયા લડી રહી છે. આપણે એમાં મુદ્દલ પાછી પાની ન કરીએ પણ ઘરઆંગણે ડસવાનો મોકો શોધતાં આ સાપોલિયાંઓની ગરદન મરડી નહીં નાખીએ તો કોરોના કરતાં પણ વિશેષ હાનિ આ સાપોલિયાં કરશે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2020 04:54 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK