Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આસન એક, લાભ અનેક સિદ્ધાસન

આસન એક, લાભ અનેક સિદ્ધાસન

06 February, 2020 04:07 PM IST | Mumbai Desk
Ruchita Shah | ruchita@mid-day.com

આસન એક, લાભ અનેક સિદ્ધાસન

આસન એક, લાભ અનેક સિદ્ધાસન


યોગના ૧૩મી સદીમાં લખાયેલા ગ્રંથ હઠયોગ પ્રદીપિકા અનુસાર કુલ ૮૪ આસનોમાંથી ૪ શ્રેષ્ઠ છે અને એ ચારમાંથી પણ સૌથી શ્રેષ્ઠ આસન એટલે સિદ્ધાસન. શરીરની ૭૨ હજાર નાડીઓ શુદ્ધ કરે છે. હાર્ટની હેલ્થ માટે અમેરિકન ડૉક્ટર આ આસન રેકમન્ડ કરે છે. ફૅમિલી પ્લાનિંગ માટે આ આસનનો મહિમા છે. મહાન અને ઋષિમુનિઓનાં ફેવરિટ આસનોમાં શું કામ સિદ્ધાસનને સ્થાન મળ્યું છે એ આજે જોઈએ

પૂર્વના ઋષિમુનિઓનું સિદ્ધાસન મનપસંદ આસન રહ્યું છે. આ આસનના માધ્યમે તેમણે અનેક ચૈતસિક શક્તિઓ પર સિદ્ધિ મેળવી છે. સિદ્ધો દ્વારા થતું અને સિદ્ધિ આપનારું આસન હોવાને નાતે પણ એને સિદ્ધાસન કહેવાયું હશે. ઘણાં પ્રાચીન સ્થાપત્યોમાં સિદ્ધાસનમાં બેસેલી મૂર્તિઓ તમે જોઈ હશે. કહેવાય છે કે ભગવાન શિવે મા પાર્વતીને આસનો વિશે સમજણ આપેલી અને ૮૪ લાખ યોનિનાં ૮૪ લાખ આસનો હતાં, જેમાંથી ૮૪ શ્રેષ્ઠ મનાયાં. ૮૪માંથી પણ ચાર શ્રેષ્ઠ છે. સિદ્ધાસન, પદ્માસન, સિંહાસન અને ભદ્રાસન. આ ચારમાંથી પણ જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ છે સિદ્ધાસન. યોગ વિદ્વાન સ્વામી સ્વાત્મારામજીએ ૧૩મી સદીમાં લખેલા હઠયોગ પ્રદીપિકા નામના પુસ્તકના પહેલા અધ્યાયમાં લગભગ નવ શ્લોકોમાં સિદ્ધાસનનાં ગુણગાન ગાયાં છે. સિદ્ધાસન ૭૨ હજાર નાડીઓને શુદ્ધ કરનારું આસન છે. સિદ્ધાસન જેવું બીજું એકેય આસન નથી એવું પણ તેઓ લખે છે. અત્યારે આખું વિશ્વ યોગમાં ડાયનૅમિક આસનોને વધુ મહત્ત્વ આપતું થયું છે ત્યારે એકંદરે સિમ્પલ કહી શકાય એવું સિદ્ધાસન શું કામ કરી શકે છે એના પર થોડીક વાતો કરીએ.



પ્રાચીન આસન
જમીન પર દંડાસનમાં બેસીને ધીમેથી જમણા પગને ઘૂંટણથી વાળીને પગની એડીને શિશ્નની નીચે મૂકો. હવે ડાબા પગની એડી જમણા પગની એડી પર રહે એમ ઘૂંટણથી વાળીને ડાબા પગની આંગળીઓ જમણા પગની પિંડીમાં સહેજ ખોસેલી હોય એ રીતે રાખો એટલે સિદ્ધાસનમાં બેસેલા ગણાઓ. યોગપ્રચારક પદ્મશ્રી યોગગુરુ સ્વામી ભારતભૂષણજી કહે છે, ‘આપણા શરીરમાં કેટલીક એવી છૂપી શક્તિઓ છે જે આધ્યાત્મિક ગ્રોથ સાથે બહાર આવતી હોય છે. જે સિદ્ધિ આપે, દૃઢતા આપે એ સિદ્ધાસન છે. પૂર્વના યોગીઓ કહે છે જ્યારે સિદ્ધાસન હસ્તગત કરી લેવામાં આવે ત્યારે સમાધિ માટે પ્રયત્નો નથી કરતા પડતા, એ આપમેળે સહજ રીતે પ્રાપ્ત થઈ જતી હોય છે. આપણે ત્યાં શીર્ષાસનને આસનનો રાજા કહે છે પણ સિદ્ધાસન એનાથી પણ ઊંચો દરજ્જો ધરાવે છે. બ્રહ્મચર્યના પાલન માટે આ આસન ખૂબ પ્રચલિત રહ્યું છે. જોકે થોડા પ્રમાણમાં જો એ કરાય તો કામઊર્જાનો ખોટો વ્યય અટકાવે છે અને સ્વપ્નદોષ કે શીઘ્રપતનથી પીડાતા લોકોને લાભ કરે છે. ફૅમિલી પ્લાનિંગમાં સિદ્ધાસન ઉપયોગી છે. રીપ્રોડક્ટિવ સિસ્ટમને એ સંતુલિત કરે છે.’


હાર્ટની હેલ્થ માટે
વિજ્ઞાને રીપ્રોડક્ટિવ મેટાબોલિઝમ અને હાર્ટની હેલ્થ વચ્ચે કનેક્શન છે એવું સાબિત કરતાં સર્વેક્ષણો કર્યાં છે. બિહાર સ્કૂલ ઑફ યોગના સ્વામી સત્યાનંદ સરસ્વતી એક જગ્યાએ લખે છે કે ટેસ્ટોસ્ટેરોન નામના મેલ હૉર્મોનનું વધુપડતું પ્રોડક્શન પુરુષોની હાર્ટ હેલ્થને જોખમમાં મૂકે છે. સિદ્ધાસનની જો રોજ અડધો કલાક પ્રૅક્ટિસ કરાય તો એના અતિ પ્રોડક્શન પર નિયંત્રણ લાવી શકાય છે. સિદ્ધાસનમાં તમારી એડી દ્વારા પ્રોસ્ટેટ ગ્લૅન્ડને હળવું પ્રેશર મળે છે અને બીજા પગની એડી પ્યુબિક બોનને સ્પર્શતી હોય છે. બે પૉઇન્ટને એકસાથે પ્રેસ કરીએ છીએ. એક પેરિનિયમ અને બીજો યુરિનરી ઑર્ગનનો મુખ્ય ભાગ. આ બે ભાગ આર્ટરી અને નસમાં બ્લડ ફ્લોને કન્ટ્રોલ કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજું, સાત ચક્રોમાંથી મૂલાધાર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્રને એ સ્ટિમ્યુલેટ કરે છે જે નીચલા હિસ્સામાં બ્લૉક થયેલી પ્રાણઊર્જાને ઉપરની તરફ ગતિમાન કરે છે. આ મુખ્ય ચક્રોમાં બ્લૉક થયેલી એનર્જી ઘણાબધા હેલ્થ પ્રૉબ્લેમ માટે જવાબદાર હોઈ શકે છે. પાઇલ્સ, સેક્સ્યુઅલ ડિસઑર્ડર, બ્લડ-પ્રેશર અને કાર્ડિઍક ફંક્શનમાં ઊભું થયેલું અસંતુલન વગેરે. સિદ્ધાસનનો નિયમિત અભ્યાસ આ સમસ્યામાં રાહત આપી શકે છે. ઇડા અને પીંગળા નાડી વચ્ચે પણ સંતુલન લાવવામાં આ આસન ઉપયોગી છે. બ્લડ-પ્રેશરને કાબૂમાં લાવવા માટે પણ આ આસન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ એ છે કે પગની એડી દ્વારા શિશ્ન અને ગુદાદ્વારના હિસ્સામાં ક્રીએટ થયેલું પ્રેશર બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરતા બ્રેઇનના સેન્ટરને પણ ઍક્ટિવેટ કરે છે. આ આસનમાં બેસવાથી લોઅર બૅક અને પેટના હિસ્સામાં રક્તપ્રવાહ બહેતર બને છે.

ડૉ. ક્રિસ્ટન બર્નાર્ડ નામના અમેરિકન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન કાર્ડિઍક ફંક્શનને સ્ટેબિલાઇઝ કરવા માટે સિદ્ધાસન કરવાની ઍડ્વાઇસ આપતા હોય છે. અમેરિકામાં કેટલાંક એવાં સર્વેક્ષણો થયાં છે જેમાં તેમણે ઑબ્ઝર્વ કર્યું છે કે ટીન એજ પૂરી થવાની હોય એ ગાળામાં એટલે કે ૧૭-૧૮ વર્ષ પછીની ઉંમરમાં જો સિદ્ધાસન કરવામાં આવે તો એ લાભદાયી નીવડે છે. ઉંમરનો આ તબક્કો એવો છે જેમાં ઇમોશનલ અને સેક્સ્યુઅલ ડ્રાઇવ ઉપદ્રવના સ્તરે અને અનિયંત્રિત હોય છે. એવા સમયે સિદ્ધાસન લગામ તાણવાનું કામ કરે છે. વધુ પ્રમાણમાં રહેલી સ્વપ્નદોષ જેવી સમસ્યાઓને નિવારે છે. જો સિદ્ધાસનને નિયમિત કરવામાં આવે તો અતિસંવેદનશીલતાને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ અને ઉત્તેજનાઓ શાંત થાય છે જે ભવિષ્યમાં થઈ શકનારા હૃદયરોગને રોકે છે.


કોણે ન કરાય?
જે લોકોને ઘૂંટણનો દુખાવો હોય, સાઇટિકા કે કરોડરજ્જુને લગતી સમસ્યા હોય, શરીરના નીચલા હિસ્સામાં વધુ ચરબી હોય તેમણે આ આસન કોઈ અનુભવી શિક્ષકની સલાહ અનુસાર જ કરવું. જો તમને એડીઓને એકબીજા પર મૂકવામાં તકલીફ પડતી હોય તો બન્ને એડીઓ વચ્ચે કપડું પણ રાખી શકાય. મહિલાઓએ સિદ્ધયોનિ આસન કરવાનું હોય છે.

કેવા-કેવા લાભ થાય?
આ આસનથી સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્ર સક્રિય થાય છે.
સાથળના ભાગમાં આવેલા જૉઇન્ટ્સને ઓપન કરવાનું અને ફ્લેક્સિબિલિટી વધારવાનું કામ આ આસનથી સરળતાથી થાય છે.
સિદ્ધાસન તમારા ચેતાતંતુઓને શાંત કરે છે અને સ્ટ્રેસ ઘટાડે છે.
પદ્માસન કરતાં સિદ્ધાસનમાં એડી, ઘૂંટણ અને સાથળ પર ઓછું પ્રેશર આવે છે અને એ હિસ્સામાં રહેલી સ્ટિફનેસને દૂર કરવા ઉપયોગી છે.
અનિદ્રા, અસ્થમા અને સ્થૂળતા માટે આ ઉપયોગી આસન છે. માઇન્ડ અને બૉડી વચ્ચે સંતુલન જાળવવું હોય અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આગળ વધવું હોય તેમના માટે આ શ્રેષ્ઠ આસન છે.
ફેફસાંની ક્ષમતા વધારે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધારે છે. જે લોકોને હેવી એક્સરસાઇઝ કરવાની મનાઈ હોય તેવા લોકો માટે સિદ્ધાસન શ્રેષ્ઠ પ્રૅક્ટિસ નીવડી શકે છે.
યાદ રહે
કોઈ પણ આસનમાં જ્યાં સુધી સ્થિરતા ન આવે અને એ સુખકારી ન હોય ત્યાં સુધી એ લાભ આપતું નથી. તમે તમારા આસનમાં જેટલા સ્થિર બેસી શકતા હશો એટલું તમારું માઇન્ડ એકાગ્ર રહેશે. જ્યારે પણ કોઈ પણ આસનમાં બેસો ત્યારે સતત જાતને કહેતા રહો કે હું એક પર્વતની જેમ અડગ અને સ્થિર છું. સતત માઇન્ડમાં આ વિચારને લાવતા રહેશો તો ધીમે-ધીમે જે-તે આસનમાં સ્થિરતા આવશે. જ્યારે તમે વગર હલે કોઈ એક આસનમાં એકધારું ત્રણ કલાક સ્થિર બેસી શકશો ત્યારે તમે એ આસન સિદ્ધ કર્યું ગણાશે. કોઈ એક આસન પસંદ કરો. માથું, ગરદન અને કરોડરજ્જુ ફરજિયાત સીધાં રાખીને એમાં બેસો અને ધીમે-ધીમે એમાં સ્થિરતા લાવવાનો સમય વધારતા જાઓ. એક વાર એમાં મહારથ હાંસલ કરો અને જુઓ કેવી કમાલ સર્જે છે એ.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 04:07 PM IST | Mumbai Desk | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK