Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૂનાગઢમાં કવિ સંમેલનમાં માધવસિંહ સોલંકીએ કહી દીધું...

જૂનાગઢમાં કવિ સંમેલનમાં માધવસિંહ સોલંકીએ કહી દીધું...

10 January, 2021 03:26 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

જૂનાગઢમાં કવિ સંમેલનમાં માધવસિંહ સોલંકીએ કહી દીધું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે


‘હું અહીં ભાષણ કરવા નથી આવ્યો, કવિઓને સાંભળવા આવ્યો છું.’ વર્ષો પહેલાં જૂનાગઢમાં યોજાયેલા કવિ સંમેલનમાં આવેલા ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીને જ્યારે સંબોધન કરવાનું હતું ત્યારે તેઓ માત્ર આટલું બોલીને કવિઓને સાંભળવા બેસી ગયા હતા.

મુંબઈ અને ગુજરાત વિધાનસભામાં સભ્ય રહ્યા હોય એવા જૂજ સભ્યો પૈકીના એક માધવસિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી. તેમની ઓળખ એક રાજકીય વ્યક્તિ તરીકે સમાજમાં છે, પરંતુ રાજકારણી હોવા છતાં તેઓ સાહિત્યરસિક હતા. તેમને ગઝલો કંઠસ્થ હતી, તેમને પુસ્તકો વાંચવાનો જબરો શોખ હતો અને એટલે જ જાતભાતનાં પુસ્તકોથી તેમની લાઇબ્રેરી સમૃદ્ધ હતી. મિત્રો દિલ્હી આવે ત્યારે અચૂક કૌટિલ્ય થિયેટરમાં બધાને લઈને ફિલ્મ જોવા જતા હોવાનું આજે પણ તેમના મિત્રો યાદ કરી રહ્યા છે, એટલું જ નહીં, માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતવાનો તેમનો રેકૉર્ડ હજી બરકરાર રહ્યો છે.



માધવસિંહ સોલંકીના મિત્રોએ તેમની સાથેની મીઠી યાદોને ‘મિડ-ડે’ સમક્ષ વાગોળી હતી. માધવસિંહ સોલંકીને યાદ કરીને ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન હસમુખ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂનાગઢમાં એક વખત કવિ સંમેલન યોજાયું હતું અને મુખ્ય પ્રધાન તરીકે તેમને ભાષણ આપવાનું હતું ત્યારે તેઓ સ્ટેજ પરથી એટલું જ બોલ્યા કે ‘હું અહીં ભાષણ કરવા નથી આવ્યો, સાંભળવા આવ્યો છું’ આમ કહીને તેઓ બેસી ગયા હતા અને કવિઓને સાંભળ્યા હતા. બીજા દિવસે બધા કવિઓને તેમણે ચા પીવા બોલાવ્યા હતા ત્યારે માધવસિંહભાઈએ એક કલાક સુધી ગઝલો ગાઈ હતી અને ગઝલો વિશે સમજાવ્યું હતું. આ સાંભળીને કવિઓ દંગ રહી ગયા હતા અને તેમને જોતા જ રહી ગયા હતા. કવિઓએ માધવસિંહભાઈને કહ્યું કે આટલું તો અમે પણ નથી જાણતા.’


૮૦ વર્ષના હસમુખ પટેલે કહ્યું કે ‘અમે દિલ્હી જઈએ ત્યારે તેઓ કૌટિલ્ય થિયેટરમાં અમને ફિલ્મ જોવા લઈ જતા. માધવસિંહભાઈ બધાને સાથે લઈને ફિલ્મ જોવા જતા. તેમને પુસ્તકો અને ફિલ્મોનો શોખ હતો. તેમના ભોંયરાનાં કબાટોમાં પણ પુસ્તકો હતાં.’

તેમણે એમ પણ કહ્યું કે ‘૧૯૮૦માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૯ બેઠકો જીત્યા હતા, જે રેકૉર્ડ બન્યો છે.’


ગુજરાતના ભૂતપૂર્વ હાઉસિંગ અને પ્લાનિંગ પ્રધાન નવીનચંદ્ર રવાણીએ માધવસિંહ સોલંકી સાથે વિતાવેલા સમયને યાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માધવસિંહ તેમની વિચારધારાને કારણે ઇન્દિરા ગાંધીની નજીક હતા. માધવસિંહ સોલંકીએ ગરીબ વર્ગને ઉપર લાવવાનાં કાર્યો કર્યાં હતાં. તેઓ એમ માનતા હતા કે આજની ગરીબીની સ્થિતિ માટે કર્મો નહીં, સમાજ જવાબદાર છે અને એને બદલવો જોઈએ અને એ માટે તેમણે કામગીરી શરૂ કરી હતી. માધવસિંહ સામાજિક સાહિત્યના શોખીન હતા. શા માટે આ સ્થિતિ છે એના પરથી તેમની વિચારધારા આવી હતી. માધવસિંહ પર ગાંધીજીનો પ્રભાવ હતો.’

૯૧ વર્ષના નવીનચંદ્ર રવાણીએ કહ્યું કે ‘અમારી મિત્રતા વર્ષોથી ચાલી આવી છે. તેમને સાહિત્યમાં રસ હતો અને તેઓ રજનીશજી તેમ જ વિનોબા ભાવેને વાંચતા હતા અને સમાજમાંથી કેવી રીતે ગરીબી દૂર થાય એ માટે પ્રયત્નશીલ હતા.’

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ માધવસિંહ સોલંકીને યાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને એક વાર અટલ બિહારી વાજપેયીએ પૂછેલું કે માધવસિંહ સોલંકી કોણ છે? તો મેં કહ્યું કે શું હતું. તો તેમણે કહ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવા ઇન્દિરા ગાંધી તેમનો વિચાર કરે છે. જ્યારે એક જુનિયર કક્ષાના કહી શકાય એવા માધવસિંહભાઈને સીધા રાજ્યના મુખ્ય પ્રધાન બનાવી દેવાની વાત હતી. ત્યારથી લઈને આજ સુધીમાં અનેક કાર્યકરોનો આધાર તેમને કહી શકાય. નિરાભિમાની વ્યક્તિત્વ હતું તેમનું.’

શંકરસિંહ વાઘેલાએ માધવસિંહ સોલંકીની લાઇબ્રેરીની વાત કરતાં કહ્યું કે ‘તેઓ શેરો શાયરી અને સાહિત્યના શોખીન હતા. બહુ વૈભવી કહી શકાય એવી લાઇબ્રેરી તેમની છે. જાહેર જીવનમાં પડેલા પૉલિટિશ્યન પાસે આવી લાઇબ્રેરી મેં કોઈ પાસે જોઈ નથી. રિચ લાઇબ્રેરીના શોખીન અને અનેક મિત્રોથી ઘેરાયેલા રહેતા માધવસિંહભાઈ આપણી વચ્ચે નથી એનું દુઃખ સ્વાભાવિક છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 03:26 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK