નવરાત્રિના અવસરે જાણીએ માતાજીના બે શક્તિપીઠની નોખી-અનોખી પરંપરા

Published: 18th October, 2020 19:58 IST | Shailesh Nayak | Mumbai

પહેલું અને એકમાત્ર મંદિર જ્યાં બહુચરાજી માતાને ગાર્ડ ઑફ ઑનર આપે છે પોલીસ, રાવણનો સંહાર જે અજય બાણથી કરાયો હતો એ મા જગદંબાએ ભગવાન રામને આપ્યું હતું

પહેલું અને એકમાત્ર મંદિર જ્યાં બહુચરાજી માતાને ગાર્ડ ઑફ ઑનર આપે છે પોલીસ

સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી ગાર્ડ ઑફ ઑનર અપાતું નથી, પરંતુ બહુચરાજી મંદિરમાં દર પૂનમે તેમ જ નવરાત્રિની આઠમે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવાની પરંપરા ગાયકવાડના સમયથી ચાલી આવી રહી છે: આ વર્ષે દશેરાના દિવસે નવલખો હાર પહેરીને માતાજીની પાલખીયાત્રાનાં દર્શન નહીં થાય

બિરદાળી બહુચર માતાજી.

આ માતાજીનું નામ આપણા સ્મૃતિપટ પર આવતાં જ આપણા કાનમાં મોટા ભાગે ‘કૂકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે...’ ગરબો અચૂક સંભળાય. ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીમાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ આ મંદિર એવું પહેલું અને એકમાત્ર મંદિર છે જ્યાં દર પૂનમે તેમ જ નવરાત્રિમાં આઠમના દિવસે જ્યારે બહુચરાજી માતાજીની પાલખીયાત્રા નીકળે ત્યારે પોલીસ-કર્મચારીઓ બહુચરાજી માતાને ગાર્ડ ઑફ ઑનર આપે છે. બહુચરાજી મંદિરના મુખ્ય પૂજારી તેજસ રાવલ ‘મિડ-ડે’ને કહે છે, ‘નવરાત્રિમાં આઠમના દિવસે સાંજે માતાજીની પાલખીયાત્રા નીકળે છે. એ સમયે મંદિરના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર અપાય છે. ત્યાર બાદ ગામમાં માતાજીની પાલખીયાત્રા ફરે છે. મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરાવાય છે. આ પાલખીયાત્રા રેલવે-સ્ટેશન પર જાય છે, જ્યાં ગામના વેપારીઓ પૂજા કરે છે. ત્યાર બાદ પાલખી નિજમંદિર પાછી ફરે છે. જ્યારે પાલખીયાત્રા મંદિરમાં પાછી ફરે છે ત્યારે પણ મંદિરમાં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર અપાય છે. સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી ગાર્ડ ઑફ ઑનર અપાતું નથી, પરંતુ અહીં પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે. આ પરંપરા ગાયકવાડના સમયથી ચાલે છે. નવરાત્રિમાં જે વૃદ્ધો કે અન્ય નાગરિકો મંદિરે આવી નથી શકતા તેમને માતાજી સામેથી દર્શન આપવા ગામમાં નીકળે છે. માત્ર નવરાત્રિ પૂરતી વાત નથી, પરંતુ બહુચરાજી માતાજીનું આ મંદિર પહેલું એવું મંદિર છે જ્યાં પોલીસ દ્વારા દર મહિનાની પૂનમે બહુચરાજી માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે.’

બહુચરાજી માતાજીના મંદિરમાં નવરાત્રિના આગલા દિવસે એટલે કે અમાસના દિવસે પ્રક્ષાલનવિધિ થાય છે, એની વાત કરતાં તેજસ રાવલ કહે છે, ‘પ્રક્ષાલનવિધિમાં મંદિરને ધોવામાં આવે છે. માતાજીની કૂકડા, વાઘ, સિંહ, હંસ, હાથી, મોરની સવારીઓ ધોવામાં આવે છે. ગામના સોનીભાઈઓ પ્રક્ષાલનવિધિ કરવા આવે છે. નવરાત્રિના આગલા દિવસે પ્રક્ષાલનની વિધિ અન્ય કોઈ મંદિરમાં થતી હોય એવું અમારા ધ્યાનમાં નથી. અહીં મંદિરમાં નવરાત્રિમાં છઠના દિવસથી સતચંડી યજ્ઞ થાય છે, જેની પૂર્ણાહુતિ આઠમના દિવસે થાય છે. આ માતાજીનું કરવઠું છે.’

બહુચરાજી માતાજી આપણા સૌની આશા પૂર્ણ કરે અને કોરોનાની મહામારીને દૂર કરી સૌને સ્વસ્થ રાખે એ માટે આવો આપણે બહુચરાજી માતાજીની ભક્તિ કરતાં ગરબો ગાઈએ...

‘આદ્ય શક્તિ તુઝને નમું રે બહુચરા ગણપત લાગુ પાય,

હે... દિન જાણીને દયા કરો રે બહુચરા મુખે માગું એ થાય...’

આ વખતે પાલખીયાત્રા નહીં

બહુચરાજી માતાજીના મંદિરની બીજી વિશિષ્ટતા અને પરંપરા માતાજીનો નવલખો હાર છે. સાત જેટલા નીલમ અને અગણીત ડાયમન્ડથી જડેલા નવલખા હારનો માતાજીને શણગાર કરવામાં આવે છે, એની વાત કરતાં તેજસ રાવલ કહે છે, ‘નવરાત્રિ બાદ દશેરાએ માતાજીની પાલખી નીકળે છે ત્યારે માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવે છે. આ હારની કિંમત હાલના સમયે અંદાજે ૫૦૦ કરોડની આંકવામાં આવે છે. આ નવલખા હારમાં ગ્રીન કલરના નીલમ અને ડાયમન્ડ લગાવેલા છે. વર્ષો પહેલાં ગાયકવાડ સરકારે આ નવલખો હાર આપ્યો હતો. એ વખતથી દશેરાએ પાલખીયાત્રા નીકળે ત્યારે પરંપરા પ્રમાણે બહુચરાજી માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે આઠમે અને દશેરાએ પાલખીયાત્રા નીકળશે નહીં.’

રાવણનો સંહાર જે અજય બાણથી કરાયો હતો એ મા જગદંબાએ ભગવાન રામને આપ્યું હતું

આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના ‘રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા, ઓમ જયો જયો મા જગદંબે...’ શબ્દોમાં છુપાયેલો છે એવી લોકવાયકા પ્રવર્તે છે

આદ્યશક્તિ, જગતજનની અંબે માતાજીનાં નવલાં નોરતાંનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે માઈભક્તો શક્તિની ભક્તિ કરી રહ્યા છે. નવરાત્રિના આ નવલા દિવસોમાં માતાજીની આરતી કોઈના ઘરે બે ટાઇમ કે કોઈના ઘરે એક ટાઇમ થતી હશે. આરતી આપણે ભાવપૂર્વક ગાઈએ છીએ, જેમાં એક લાઇન આવે છે...

‘રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા,

ઓમ જયો જયો મા જગદમ્બે...’

આ લાઇનને તમે ફરી વાર ગાઓ અને એને સમજવાનો પ્રયાસ કરો. માતાજીની આરતીની આ  લાઇનમાં માતાજીને આનંદ સાથે અર્ચન કરતાં કહેવામાં આવ્યું છે કે હે આદ્યશક્તિ, હે જગદંબે રામે રાવણને રોળ્યો છે. માતાજીને કેમ એવું કહેવામાં આવ્યું હશે કે રામે રાવણને હણ્યો છે? કેમ કે ભગવાન શ્રીરામચંદ્ર અને લક્ષ્મણજી સીતામાતાની શોધમાં જંગલમાં શૃંગત ઋષિના આશ્રમમાં આવ્યા હતા ત્યારે ઋષિએ તેમને માતાજીનાં દર્શન કરવા અને આશીર્વાદ માટે મોકલ્યા હતા. એ સમયે જગદંબાએ પ્રસન્ન થઈને રાવણને મારવા માટે ભગવાન શ્રીરામને અજય બાણ આપ્યું હતું. એ અજય બાણથી ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કર્યો હતો એવી લોકવાયકા છે.

રાવણને મારવા માટે જગદંબાએ આપેલા અજય બાણની વાત કરતાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરત પાધ્યા ‘મિડ-ડે’ને કહે છે કે ‘એ જમાનામાં આ આખો વિસ્તાર આરાસુરી વન હતું. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આરાસુરમા

માતાજીના હૃદયનો ભાગ પડ્યો છે. આ

 

 

 

 

 

 

 

 

 

 

પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રીરામ માતાજી પાસે આવ્યા હતા. રાવણને જીતવો અઘરો હતો. રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે જગદંબાનો પ્રાદુર્ભાવ થયો હતો. રામચંદ્ર ભગવાનને માતાજીએ અજય બાણ આપ્યું હતું, જેનાથી રાવણનો વધ રામચંદ્ર ભગવાને કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ કૃષ્ણ ભગવાન અહીં આવ્યા હતા અને તેમનું બાબરી–મુંડન અહીં થયું હતું. તંત્ર ચુડામણી પુસ્તકમાં આ પૌરાણિક બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે.’

અંબાજીના ભોગની વિશેષતા

અંબાજી મંદિરમાં અંબે માતાજીને ધરાવવામાં આવતા થાળની વિશિષ્ટતા પણ અનોખી છે. થાળમાં ધરવાની તમામ રસોઈ લાકડાં પ્રગટાવીને ચૂલા પર થાય છે અને રસોઈ માત્ર ઘીમાં જ બને છે. અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અને પ્રથા વિશે વાત કરતાં ભરત પાધ્યા કહે છે, ‘માતાજીને સવારે મંગળામાં શિરો ધરાવાય છે. બપોરે સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવાય છે, જેમાં ફરસાણ અને મિષ્ટાન્ન પણ હોય છે. માતાજી માટેની રસોઈ ગૅસના ચૂલા પર નથી થતી. આજે પણ માતાજીના થાળની રસોઈ લાકડાના ચૂલા પર થાય છે અને માત્ર ઘીનો વપરાશ થાય છે. તેલનો ઉપયોગ થતો નથી. ફરસાણ પણ રોજેરોજ ઘીમાં બને છે. વર્ષોથી પરંપરાગત રીતે માતાજી માટે થાળ તૈયાર થાય છે.’

તમને ખબર છે કે અંબાજી મંદિરમાં અંબે માતાજીને ધરાવવામાં આવતા થાળની રસોઈ લાકડાં પ્રગટાવીને થાય છે અને રસોઈ માત્ર ઘીમાં જ બને છે? અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અને પ્રથા છે

કેવી-કેવી આરતી થાય?

અંબે માતાજીના મંદિરમાં કરવામાં આવતા ધૂપ અને આરતીની વાત કરતાં ભરત પાધ્યા કહે છે,  ‘એકમથી છઠ સુધી ધૂપની આરતી થાય છે. અંગારા પર ધૂપ નાખીને આરતી કરવામાં આવે છે. સાતમથી તેરસ સુધી સાત દીવાની આરતી થાય છે. ચૌદસથી આરતી લેવાય છે. સાંજે મશાલ પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા છે.’

ચાર પ્રહરની પરંપરાગત પૂજા

અંબાજી માતાજીનું આ એક મંદિર એવું છે જ્યાં પૂજારી પોતાના પરિવાર વગર રહે છે. અહીં સિદ્ધપુરના બ્રાહ્મણો છે જેઓ ચાર પ્રહરની પૂજા કરે છે. પરંપરાગત પ્રમાણે પૂજા થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK