દુનિયાની ઊથલપાથલમાં બુદ્ધ પાસેથી શીખો, સમગ્ર વિશ્વની નજર ભારત તરફ:મોદી

Published: May 08, 2020, 13:38 IST | Agencies | Mumbai Desk

બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધિત કર્યો

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

વિશ્વભરમાં આજે કોરોના વૉરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે ત્યારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેઓએ વિશ્વભરમાં રહેલા ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ વિશ્વભરના કોરોના વૉરિયર્સનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. વિશ્વમાં ઊથલપાથલ છે, ઘણી વાર નિરાશા અને હતાશાના ભાવ વધારે જોવા મળે છે ત્યારે ભગવાન બુદ્ધનો સંદેશ વધુ પ્રાસંગિક બની જાય છે.

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે પરિસ્થિતિ અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ આની પરવાનગી નથી આપતું, પરંતુ દૂરથી જ ટેક્નૉલૉજીના માધ્યમથી તમે મને વાત રાખવાની તક આપી એનો સંતોષ છે. બુદ્ધ કહેતાં હતાં કે થાકીને રોકાઈ જવું કોઈ વિકલ્પ નથી. માનવે સતત એ પ્રયાસ કરવો જોઈએ કે મુશ્કેલ સમયમાં જીત મળે, એમાંથી બહાર નીકળાય. આજે આપણે બધા મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કામે લાગેલા છીએ.
જીવનની મુશ્કેલીઓને દૂર કરવાના સંદેશ અને સંકલ્પે ભારતની સભ્યતા અને સંસ્કૃતિને હંમેશાં દિશા બતાવી છે. ભગવાન બુદ્ધે ભારતની આ સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. તેઓ પોતાનો દીપક સ્વયમ્ બન્યા અને પોતાની જીવનયાત્રાથી બીજાના જીવનને પ્રકાશિત કર્યા. બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ સુધી સીમિત નથી કે કોઈ એક પ્રસંગ પૂરતા સીમિત નથી.

બુદ્ધની વાતોને વાગોળવાથી કંઈ નહીં થાય, એનો અમલ પણ કરો : પ્રિયંકાનો ટાણો

બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નરેન્દ્ર મોદીએ દેશને કરુણા દર્શાવવા માટેનો સંદેશ આપ્યો છે. વડા પ્રધાનના સંબોધનના ગણતરીના કલાક બાદ કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રવાસી મજૂરોને એક વિડિયો શેર કર્યો છે જેમાં તેઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે. આ વિડિયોને શેર કરતાં પ્રિયંકાએ લખ્યું કે ફક્ત ભગવાન બુદ્ધની વાતનું પુનરાવર્તન કરવાથી કંઈ નહીં થાય, એના પર અમલ પણ કરો.
વિડિયો શેર કરતાં પ્રિયંકાએ ટ્‌વિટર પર લખ્યું કે ગુજરાતથી ઉત્તર પ્રદેશ ખાતે લવાયેલા મજૂરો પાસેથી ભાડું પણ વસૂલવામાં આવ્યું હતું. આગરા અને બરેલી જનારા લોકોને લખનઉ અને ગોરખપુર લઈ જવામાં આવી રહ્યા છે. આજે બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર અવસર છે. બુદ્ધની વાણી કરુણાની વાણી હતી. પ્રવાસી મજૂરો સાથે પણ કરુણા દર્શાવતો વ્યવહાર કરવો જોઈએ અને તેમની પૂર્ણ મદદ કરવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK