ના ફૂલ ચડાઉં, ના માલા ચડાઉં યે ગીતોં કી ગંગા મૈં તુઝ કો ચડાઉં

Published: Dec 25, 2019, 16:31 IST | pankaj udhas | Mumbai Desk

દિલ સે દિલ તક : આજે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે ત્યારે તેમની સાથેનો મારા જીવનનો પહેલો પ્રસંગ યાદ આવે છે

અટલ વ્યક્તિત્વઃ દરેક ક્રિસમસે મને સૌથી પહેલાં અટલ બિહારી વાજપેયી યાદ આવે.
અટલ વ્યક્તિત્વઃ દરેક ક્રિસમસે મને સૌથી પહેલાં અટલ બિહારી વાજપેયી યાદ આવે.

૨૫ ડિસેમ્બર. આજનો આ દિવસ આમ તો ક્રિસમસ તરીકે દુનિયાભરમાં જાણીતો છે, પણ મને આ દિવસ જુદી રીતે યાદ હોય છે. આજનો આ દિવસ એટલે આપણા દેશના ખ્યાતનામ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. વાજપેયીજી સાથે મારે લાગણીના સંબંધ. મળવાનું બહુ ઓછું થયું હતું, પણ જે પ્રસંગોમાં મળવાનું બન્યું એ સમય યાદગાર બની ગયો. જ્યારે પણ તેમનો જન્મદિવસ આવે ત્યારે એ તમામ પ્રસંગો, જૂનાં સંભારણાં મારી આસપાસ ઘેરાઈ વળે. તેમનો ચહેરો આંખ સામે હોય. તેમની વાત કરવાની રીત, તેમના હાવભાવ, તેમનો સાલસ સ્વભાવ, ગંજાવર કહેવાય એવી તેમની પ્રતિભા અને એ પછી પણ સાવ નાના બાળક જેવું તેમનું ખડખડાટ હસવું અને ભલભલા ચમરબંધી પણ પીગળી જાય એવું તેમનું રુજુ હૃદય. રાજકારણમાં તેઓ હતા, પરંતુ એ પછી પણ તેમની અંદરની માણસાઈ સતત અકબંધ રહી હતી. હું તેમને જેટલી વાર મળ્યો છું એના કરતાં વધારે મેં તેમની વાતો સાંભળી છે. તેમની સાથે અંગત સંબંધ ધરાવનારાઓ પાસેથી સાંભળ્યા મુજબ તેઓ ક્યાંય પોતાની પ્રામાણિકતા કે નિષ્ઠાના ભોગે બાંધછોડ કરતા નહીં, ક્યારેય નહીં. પહેલી વાર તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે માત્ર ૧૪ કે ૧૫ દિવસ પૂરતા વડા પ્રધાન રહ્યા. તેમની પાસે બાંધછોડ કરવા માટે પૂરતાં કારણો હતાં, પણ એ તેમનો સ્વભાવ નહોતો અને એટલે જ તેમને જેકોઈ ઓળખે છે એ સૌકોઈ કહે છે કે વાજપેયીજી માત્ર નેતા નહોતા. તેમનું વ્યક્તિત્વ જ અનેરું હતું. તેમના વ્યક્તિત્વનાં ઘણાં એવાં પાસાં છે જે આપણે જાણીએ છીએ, પણ તમે એની નજીક આવો, તેમની સાથે વાત કરો કે પછી તેમની સાથે તમારી આત્મીયતા જોડાય પછી તમને ખબર પડે કે કેવા ઉમદા વ્યક્તિ પણ તેઓ છે. 

વાજપેયીજી જેટલી ઉમદા કવિતા કરી જાણતા એટલું જ તેમને સંગીતનું જ્ઞાન પણ હતું. તેમને જેટલું સંગીત અને સાહિત્યનું જ્ઞાન હતું એટલી જ જાણકારી તેમનામાં આપણી સંસ્કૃતિ વિશે હતી. તેઓ એટલા ઉમદા વક્તા હતા કે તેઓ જ્યારે કોઈ પબ્લિક મીટિંગ ઍડ્રેસ કરે ત્યારે લાગે જાણે કોઈ શ્રેષ્ઠ કલાકાર કૉન્સર્ટ કરે છે. હવા પણ અટકી જાય અને તમને એવું જ લાગે જાણે શબ્દોની નદી વહી રહી છે. તેમના જેવો ઓરેશન-પાવર આપણા દેશના એક પણ રાજનેતામાં નથી એવું હું વિનમ્ર રીતે કહી શકું.
વાજપેયીજીને હું પહેલી વાર અમદાવાદમાં મળ્યો. વર્ષ હતું ૧૯૮૪-’૮૫નું. અમદાવાદમાં ગઝલોનો એક ઓપન ઍર કાર્યક્રમ હતો, પાંચેક હજારનું ઑડિયન્સ હતું. એ સમયગાળામાં ગઝલનો એક જબરદસ્ત વેવ હતો. લોકોનો ગઝલ પ્રત્યે એટલો પ્રેમ, તેમને એટલું માન કે કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને સાંભળ્યા કરે. કાર્યક્રમ તમારે પૂરો કરવો પડે, ઑડિયન્સ થાકે જ નહીં. મારો એ કાર્યક્રમ શરૂ થયો અને ઇન્ટરવલ થયો. મને તો ખબર પણ નહીં કે આગળ શું થવાનું છે. ઇન્ટરવલમાં ચાપાણી પીધાં અને પછી સેકન્ડ-હાફનો શો શરૂ કર્યો. સેકન્ડ હાફની પહેલી ગઝલ શરૂ કરી અને અચાનક મારું ધ્યાન ફ્રન્ટલાઇનમાં બેઠેલી વ્યક્તિ પર ગયું. મને તેમનો ચહેરો જાણીતો લાગે, લાગે કે મેં તેમને ખૂબ જોયા છે, પણ યાદ આવે નહીં. તમે સ્ટેજ પર હો અને તમારી ગાયકી ચાલતી હોય એટલે તમારું ધ્યાન બહુ બધી જગ્યાએ હોય. મેં મારા વિચારો પર ફોકસ કરવાનું અટકાવીને ગઝલ પર ધ્યાન આપ્યું, પણ મારા મનમાંથી પેલી વ્યક્તિની પ્રતિમા દૂર થાય નહીં. ગઝલનો છેલ્લો અંતરો શરૂ થયો અને અચાનક જ મને રિયલાઇઝ થયું. મેં ચાલુ કાર્યક્રમે જ તેમને નમસ્કાર કર્યા, માઇક પર અનાઉન્સ કર્યું કે આપણી વચ્ચે અત્યારે અટલ બિહારી વાજપેયીજી આવ્યા છે. આ અનાઉન્સમેન્ટ પછી મેં નવી ગઝલ શરૂ કરી. એ ગઝલના શબ્દો છે...
‘દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાયેંગે ઐસા લગતા હૈ...’
કૈસર ઉલ જાફરીની આ ગઝલ બહુ બધાની ફેવરિટ છે. કેટલીક ગઝલ સ્વરબદ્ધ થતાં સાથે જ પૉપ્યુલર થઈ જતી હોય છે. એ કેટલીક ગઝલો પૈકીની એક ગઝલ આ પણ છે. આ ગઝલ વિલાસરાવ દેશમુખને પણ બહુ પસંદ હતી. આ જ ગઝલમાં આગળ એક મક્તા છે...
‘કિસ કો કૈશર પથ્થર મારું કૌન પરાયા હૈ,
શીશ મહલ મેં એક એક ચહરા અપના લગતા હૈ.’
આ મક્તા સાંભળીને વાજપેયીજી ઝૂમી ઊઠ્યા. ગઝલ પૂરી થયા પછી તેમણે આ એક શેર માટે મુકરર (એટલે વન્સમોર) કર્યું, મેં એ શેર જ ફરીથી લીધો અને તેમને મજા પડી ગઈ. મોડી રાત સુધી એ મહેફિલ ચાલી અને તેઓ છેલ્લે સુધી બેસી રહ્યા. મને પાક્કું યાદ છે કે એ સમયે લોકસભા ઇલેક્શનનું કૅમ્પેનિંગ ચાલતું હતું અને વાજપેયીજી એ દિવસે અમદાવાદ અને એની આજુબાજુમાં ચાર જાહેર સભા કરીને પ્રોગ્રામમાં આવ્યા હતા. એ સમયે ભારતીય જનતા પાર્ટીનો સ્ટાર ચહેરો એટલે વાજપેયીજી. તેમની જાહેર સભામાં હજારો લોકો ઊમટી પડતા. વાજપેયીજી અમદાવાદ ઉપરાંત આજુબાજુમાં સોથી દોઢસો કિલોમીટર ફરીને પ્રોગ્રામમાં આવ્યા હતા એની મને પ્રોગ્રામ પૂરો થયા પછી ઑર્ગેનાઇઝર પાસેથી ખબર પડી હતી. પોતાની જાહેર સભા પૂરી કરીને વાજપેયીજી હોટેલ પર ગયા. હોટેલ પર તેઓ ન્યુઝપેપર જોતા હતા, જેમાં તેમણે મારા કાર્યક્રમની ઍડ જોઈ અને ઑર્ગેનાઇઝરને ફોન કરીને પ્રોગ્રામમાં આવવાની ઇચ્છા દેખાડી.
આવડો મોટો માણસ, પોતે, જાતે જ ફોન કરે અને આવવાની ઇચ્છા વ્યક્ત કરે એ વાત જ તેમની સરળતાની નિશાની સમાન છે. આગળ કહ્યું એમ, વાજપેયીજી રાજીનીતિ સાથે જોડાયેલા હતા, એટલું જ નહોતું; તેમને કમાલની સંગીતની સૂઝ, શાયરીમાં પણ તેમનું એટલું જ ઇન્વૉલ્વમેન્ટ અને એટલો જ રસ ધરાવે. એક શબ્દ તમે તેમને આપો એટલે એ એક શબ્દ પર તેઓ પોતાની તો રચના ઘડી આપે, પણ સાથોસાથ તેઓ ત્યારે ને ત્યારે જ દુનિયાની શ્રેષ્ઠ એવી ૧૦ રચના પણ તમને સંભળાવી દે જેમાં એ શબ્દનો સમાવેશ થઈ જતો હોય.
એ દિવસે આખો દિવસ જાહેર સભામાં અને ઇલેક્શનના પ્રચારમાં વ્યસ્ત રહ્યા પછી વાજપેયીજીને ફ્રેશ થવું હતું. હોટેલમાં જઈને તેમણે ન્યુઝપેપર વાંચવાનું શરૂ કર્યું, એમાંથી જરૂરી મુદ્દા ટપકાવ્યા અને એ દરમ્યાન તેમનું ધ્યાન એકાએક ન્યુઝપેપરમાં આવેલી મારા ગઝલના કાર્યક્રમની ઍડ પર ગયું એટલે તેમણે પોતે જ એ ઍડમાં જે નંબર હતો એના પર હોટેલમાંથી ફોન કર્યો. આયોજકોને વિનંતી કરી અને તેઓ સાંભળવા માટે આવ્યા. વિનંતી કરવાનું કારણ પણ જાણવા જેવું છે. તેમને ખબર હતી કે પ્રોગ્રામ તો ઑલરેડી ચાલુ થઈ ગયો છે એટલે હવે ટિકિટ તો મળશે નહીં, પણ ચાલુ પ્રોગ્રામે અંદર આવવું અને પ્રોગ્રામમાં બેસવું એ પણ ઔચિત્યભંગ કહેવાય. આજે ઘણા કાર્યક્રમોમાં વચ્ચે ઑડિયન્સની અવરજવર ચાલુ હોય છે, એનાથી આર્ટિસ્ટ ડિસ્ટર્બ થતો હોય છે. નાટકના ઘણા કલાકાર તો વધુપડતી અવરજવરને કારણે અકળાઈ પણ જતા હોય છે. તેમની આ અકળામણ સાચી છે. વાજપેયીજી એ જાણતા હતા. તેઓ આર્ટિસ્ટને ડિસ્ટર્બ કરવા નહોતા માગતા એટલે પહેલાં તેમણે પરમિશન લીધી અને પૂછ્યું કે જો તમે હા પાડતા હો તો જ હું આવું, પંકજજીને કોઈ અડચણ ઊભી થવી ન જોઈએ.
આયોજકોએ ખુશી-ખુશી હા પાડી અને કહ્યું કે આપ આવો, કોઈ તકલીફ નહીં પડે, પણ એ પછી પણ વાજપેયીજી કાર્યક્રમના સ્થળે પહોંચીને ૧૦ મિનિટ બહાર ઊભા રહ્યા અને તેમણે ઇન્ટરવલની રાહ જોઈ. ઇન્ટરવલ પડ્યો એટલે બધા ઑડિયન્સ સાથે તેઓ ધીમેકથી આવીને તેમને ફાળવવામાં આવેલી જગ્યાએ ચૂપચાપ બેસી ગયા. કોઈ તેમની પાસે હાથ મિલાવવા આવે તો પણ તેમને વિનંતી કરીને કહે કે અત્યારે જે કરવું હોય એ કરી લો, પણ કાર્યક્રમ ચાલુ થાય એટલે આપ નહીં આવતા, આપણે કલાકારને સાંભળવા આવ્યા છીએ, તેમને સાંભળજો. આ એ સમયની વાત છે જે સમયે વાજપેયીજી સંસદભવનના વિરોધ પક્ષના નેતા હતા. જરા વિચારો કે એ પછી પણ તેઓ કલાકારોને આટલું માન-સન્માન આપતા. હું અંગત રીતે માનું છું કે રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિને જો કલામાં દિલચસ્પી હોય તો એ ખૂબ સારી વાત કહેવાય. વાજપેયીજી વિરલ વ્યક્તિત્વ ધરાવતા, તેમના જેવા નેતા મળવા એ રાષ્ટ્રનું ગૌરવ કહેવાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK